આત્મનિર્ભર નહિ પણ સ્વાવલંબી ભારત..✍️,,
હાલ સંપૂર્ણ દુનિયા કોરોના નામક મહામારી સામે ઝઝૂમી રહી છે.. અતિ વસ્તી અને વધારે વસ્તીગીચતા ધરાવતા વિસ્તારોમાં જ્યાં લોકડાઉનના નીતિ નિયમોનું યોગ્ય પાલન નથી થતું ત્યાં આ મહામારી ખૂબ જ ઝડપથી ફેલાય રહી છે. ઉત્તરોત્તર કોરોના પોઝીટીવ કેસો અને તેના લીધે થતા મૃત્યુનો આંક પણ વધતો જાય છે. આવા સંજોગોમાં મનુષ્ય જીવનને હેમખેમ ટકાવી રાખી સામાન્ય સ્થિતિ માફક આગળ ધપાવવું એ એક ચિંતાનો વિષય બની ગયો છે. એક રીતે જોઈએ તો સામાજિક રીતે પરિવારને એક સાથે રહેતો કરી દીધો પણ આર્થિક રીતે નાના પરિવાર કે કુટુંબના ઘરેલું અર્થતંત્રથી માંડી વિશ્વના અર્થતંત્રની હાલત કફોડી બનાવી દીધી છે.......
કોઈ એકલ દોકલ દેશના અર્થતંત્રમાં જ નહિ પણ આખા વિશ્વના અર્થતંત્રમાં ધરખમ નકારાત્મક ફેરફારો આવવાની શક્યતાઓ છે. અર્થતંત્ર નામક આ ટ્રેનને ફરી પાછી પાટા પર ચડાવવી અતિ મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી આવા સંજોગોમાં અર્થતંત્રના વિવિધક્ષેત્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આયોજન સાથે સાવચેતી પૂર્વકના પગલાઓ લઈને અર્થતંત્રને બેઠું કરવા તરફ પગરણ માંડીને સફળતા મેળવી શકાય છે.
આપણે વાત કરીએ ભારતીય અર્થતંત્રની.... તો ભારતમાં લોકડાઉનના કારણે ઉદ્યોગ ધંધા બંધ હોવાથી GDP એકદમ તળિયા તરફ સરકી ગયો છે.. રોજગારીનું તો જાણે કતલ જ થઈ ગયું.. મજદૂરોની જે હાલત બની તેનાથી આપણે સૌ વાકેફ છીએ.
कड़ी धूप में चलते रहे ना मिली थोडीसी छाव,
नैनो में था रास्ता छुपा औऱ ह्रदय में धबके गांव,
हुई न पूरी यात्रा उसकी पर छलनी हो गए पांव,
વાત માત્ર આ મજદૂરોની જ નથી ગરીબ વર્ગની સાથોસાથ આ સમયમાં મધ્યમ વર્ગ પણ ખૂબ જ પીડાયો છે... આવક સંપૂર્ણ પણે બંધ પણ ખર્ચા બધા ચાલું... લોનના હપ્તા ચાલુ.... વ્યાજે લીધેલી મૂડીનું વ્યાજ ચાલુ....
આ બધું પતે પછી જીવનને થાળે પાડવું ખૂબ જ મુશ્કેલ છે.. સરકારશ્રીએ તે માટે "આત્મનિર્ભર ગુજરાત" યોજના અંતર્ગત વાર્ષિક 2 ટકાના નજીવા વ્યાજ દરે એક લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે, પણ તેમાં પણ કપરા નીતિ નિયમોના કારણે તે લોન સુધી ઘણા જરૂરિયાત મંદ લોકો ના પણ પહોંચી શકે...
યોજનાના નામ પરથી યાદ આવ્યું.... આ આત્મનિર્ભર ભારત વાળું હમણાં ખૂબ જ ચગ્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ કહી દીધું કે આપણે હવે આત્મનિર્ભર બનવાનું છે ને લોકોમાં એક નવી ઉર્જા રેડાણી અને લોકો ચાઈનાની વસ્તુની પાછળ પડી ગયા... જાણે આપણો દેશ આજ સુધી ચાઇના પર જ નિર્ભર હતો.... પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ જ સરસ વાત કરી અને આપડા કથળી ગયેલા અર્થતંત્રને બેઠું કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે.. પણ અહી જરા શબ્દોમાં થોડો સુધારો કરી આખી વાતને સમજવાની જરૂર છે....
આત્મનિર્ભર દેશ એટલે એવો દેશ કે જે દેશ વિદેશી એક પણ વસ્તુની આયાત ના કરતો હોય.. સંપુર્ણ પણે તે દેશ પોતાના ઉત્પાદન પર જ નિર્ભર હોય...
અહી વિદેશ વેપાર શૂન્ય થઈ જઇ શકે છે કેમકે આપણે બીજા દેશની ચીજ વસ્તુની આયાત ના કરીએ તો આપણા દેશની ચીજવસ્તુ પર પણ બીજા દેશો પ્રતિબંધ લાદી શકે છે. આ બાબત વિદેશ વેપારને તાળું મારી શકે છે. "દરેક દેશની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા સમાન નથી હોતી માટે દરેક દેશ દરેક વસ્તુનું સમાન રીતે ઉત્પાદન નથી કરી શકતો." માટે ઘણા ઉદ્યોગોને ધમધમતા રાખવા માટે કાચો માલ વિદેશથી લાવવો પડતો હોય છે હવે જો આત્મનિર્ભર દેશમાં વિદેશી આયાતો બંધ કરવામાં આવે તો આ કાચો માલ બંધ થતાં વિદેશી કાચા માલ પર નિર્ભર આ બધા ઉદ્યોગો બંધ થઈ શકે છે. માટે મારા મતે કોઈ પણ દેશને આત્મનિર્ભર બનાવવા તરફના પ્રયાસો એ પોતાના પગ પર કુવાડી મારવા જેવું છે.....
જો બનાવવો જ હોય તો દેશને સ્વાવલંબી બનાવો.. સ્વાવલંબન એ આત્મનિર્ભરતાથી તદ્દન અલગ છે....ગુજરાતી વ્યાકરણમાં કદાચ આ બન્ને શબ્દો સમાનાર્થી હોય શકે પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં આ બન્ને શબ્દો અલગ છે... આત્મનિર્ભરતાનો અર્થ તો આપણે ઉપર જોયો હવે જોઈએ સ્વાવલંબનનો અર્થ...
સ્વાવલંબી દેશ એટલે એવો દેશ કે જે માત્ર દેશના ઉદ્યોગોને જરૂરી એવા તમામ પ્રકારના કાચામાલની જ આયાત કરે અને તૈયાર માલની નિકાસ કરે. દરેક પ્રકારની જરૂરી વસ્તુ પોતાના દેશમાં જ બનાવે તે માટે માત્ર કાચા માલની આયાત કરે અને બને ત્યાં સુધી બીજી કોઈ પણ વસ્તુની આયાત ના કરે. આ શક્ય છે... પરંતુ તેના માટે દેશમાં આર્થિક માળખાને વેગ આપી તેને મજબૂત બનાવવું જરૂરી છે.... આર્થિક માળખામાં મુખ્ય ત્રણ ક્ષેત્રોને વેગ આપવાનો છે..
(1)કૃષિક્ષેત્ર =ખેતી, મરઘા પાલન, મત્સ્યપાલન, પશુપાલન વગેરે...
(2)ઉદ્યોગક્ષેત્ર= ગૃહઉદ્યોથી માંડી મોટા પાયાના ઉદ્યોગો....
(3)સેવા ક્ષેત્ર = વીજળી, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, આરોગ્યની સેવાઓ, શૈક્ષણિક સેવાઓ વગેરે...
હાલ આ દરેકની સ્થિતિ ખૂબ જ કફોડી છે... ખાસ કરીને કૃષિ અને ઉદ્યોગક્ષેત્ર....
દેશને સ્વાવલંબી બનાવવા માટે આ ત્રણેયને વેગવંતા કરવા પડશે અને તે માટે ખૂબ જ મોટા પાયા પર મૂડીરોકાણ કરવું જરૂરી છે. જે સરકારશ્રી કરી રહ્યા છે... વિવિધ ઉદ્યોગો અને ખેતીને લગતી યોજના દ્વારા લોકોને મૂડી આપી દેશમાં મોટા પાયે મૂડીરોકાણ થઈ રહ્યું છે. પરંતુ જોવાનું એ રહ્યું કે સરકારશ્રી દ્વારા બહાર પાડેલ યોજનાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે છે કે કેમ ????
હાલ રિઝર્વબેન્ક દ્વારા રેપોરેટમાં કરવામાં આવેલ ઘટાડો પણ મૂડીરોકાણ વધારવા માટેનું એક પ્રોત્સાહન છે... મૂડીરોકાણ વધશે એટલે ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે એટલે તળિયા તરફ સરકતો GDP ઉપર તરફ ચડશે... પણ અહી માત્ર મૂડીરોકાણથી કામ નહિ ચાલે ... સાથો સાથ કૃષિ અને ઉદ્યોગક્ષેત્રને કેટલીક છૂટછાટ, પ્રોત્સાહનો તથા ઘણી આનુષંગિક સેવાઓ ઉપલબ્ધ કરાવવી રહી.... આ ઉપરાંત ભારતના તમામ નાગરિકોમાં પણ જાપાનના નાગરિકો જેવી જાગૃતતા, દેશપ્રેમ અને સ્વંશિસ્ત હોવી પણ જરૂરી છે.... લોકોએ સ્વદેશી વસ્તુ તરફ વળવું પડશે.. દેશ વિદેશના સંબંધો અને વ્યાપારી કારારોના કારણે સરકાર સીધી રીતે વિદેશી આયાતો ને બંધ ના કરી શકે પણ જો આપણે દેશના નાગરિકો વિદેશી વસ્તુ જ ખરીદવાની બંધ કરીએ તો આપો આપ આયોતો અટકી જશે....આપણા દેશની આયાતી વસ્તુમાં મોજશોખની ચીજ વસ્તુઓનું પ્રમાણ ખૂબ જ વધુ છે... માટે દેશને સ્વાવલંબી બનવતા પહેલા આપણે ખુદના જીવનનને કરકસરભર્યું બનાવવાનું છે... જે વસ્તુ જરૂરી છે એની જ ખરીદી કરો .. મોજશોખની વસ્તુ પાછળ રૂપિયા બગાડી શા માટે વિદેશી કમ્પનીઓને માલામાલ બનાવવવી... જીવનજરૂરી મોટાભાગની વસ્તુઓ આપણને આપણા જ દેશના ઉત્પાદકો દ્વારા મળી શકે છે. તો એની જ ખરીદી કરો.. જીવનને આત્મનિર્ભરતા સાથે થોડું કરકસરભર્યું પણ બનાવો.... વિદેશી વસ્તુની પહેલા મોજશોખ માટેની બિનજરૂરી વસ્તુનો ત્યાગ કરો પછી જુઓ દેશને સ્વાવલંબી બનતા વાર નહિ લાગે.... જય હિન્દ...જય ભારત...
- પ્રશાંત વાઘાણી (સુરત)
