વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રિય શ્યામ ને

એય!તને  હું......

એક ખૂલ્લો પ્રેમ પત્ર


  મારા શ્યામ સાંવરિયા,

  મારા શ્વાસોના માલિક ,

તને ફૂલોની સુગંધ સમો સુગંધી સ્નેહ 

   તું વિચારતો હોઈશ નહીં કે  તને વળી રુક્મણી સિવાય પ્રેમ પત્ર લખવાવાળું કોણ છે?દુનિયા નો પહેલો પ્રેમ પત્ર તો રુક્મણિએ તને લખ્યો તે મને ખબર છે.પણ પણ....


પ્રેમીને પત્ર લખવાનું હોય અને જ્યાં તારું નામ યાદ ન આવે એવું બને ખરું? દુનિયાના સૌથી આદર્શ પ્રેમી યુગલ માં જો નામ હોય તો રાધા કૃષ્ણનું જ આવે ને !કારણકે શુદ્ધ અને સાત્વિક સર્વશ્રેષ્ઠ પ્રેમ જો કર્યો હોય તો તે રાધાકૃષ્ણ જ છે અને દુનિયાનો પહેલો પ્રેમ પત્ર પણ તારા નામે જ લખાયો હતો ને તો મને થયું પેલા તને પ્રેમ પત્ર લખું!!!

માર શ્વાસોના માલિક  !

આમ તો તું બધાના શ્વાસોનો માલિક છે પણ મારા માટે તો ખાસ છે અને હા પણ તને યાદ નહીં હોય  અને હોય પણ  કેવી રીતે? તારી પાસે તો કેટલી રાણીઓ અને ગોપીઓ અને કેટલીય દિવાની મીરા છે સમજી લે કે હું પણ તારી એક દિવાની છું.... બાળપણથી જ તને એટલે કે નટખટ કાનુડા ને ચાહ્યો છે,જોયો છે .... બાળપણથી કિશોર અવસ્થામાં તું વ્રજમાં વિહરતો ત્યારે હું તારી સાથે ગલીએ ગલીએ કુંજ કુંજ ફરતી આમ ફરતાં ફરતાં તારી બાલ લીલા જોતાં જોતાં આપણે ક્યારે મોટા થઈ ગયા અને બચપણ નો પ્યાર જવાની કા સચ બની ગયો ...

અને આ પ્રેમ પત્ર લખવા હું મજબૂર થઈ ગઈ ....

આજે તો મારી આંખો સામેથી તારી બાળપણની બધી લીલા ચિત્રપટ ની જેમ પસાર થઈ રહી છે ...

યાદ છે તને શ્યામ!તું હજુ તો છ જ દિવસ નો હતો ને કંસના કહેવાથી પૂતના પૂર્વ જન્મની બલિરાજા ની બહેન મનમાં વાત્સલ્ય અને દિમાગમાં બદલો લેવા માટે તને ઝેરથી મારી નાખવા  માટે આવી હતી પણ તેં તો  તેને માં સમાન મુક્તિ આપી દીધી ખરેખર તું કેટલો મહાન છે!!!! બાળપણના તારા કેટકેટલા પરાક્રમ વર્ણવું.. શક્ટાસુર , અઘાસુર, બકાસુર ને  તૃણવત્ બધાને તે ખેલખેલમાં યમ દ્વાર પહોંચાડી દીધા..

એકવાર તો તેં હદ કરી નાખી !એક ગોપી ના ઘેર માખણ ચોરી કરી અને ગોપી એ તને પકડી લીધો અને પોતાને ઘેર ઓરડામાં પૂરી દીધો અને આવી ફરિયાદ કરવા જશોદા મા પાસે.....

જશોદા મા તો માને જ શાને?  કારણકે તું તો પોઢ્યો હતો તેના શયનખંડમાં પલંગમાં !!!ગોપી તો બિચારી ભોંઠો પડી ને ભાગી! ગજબની છે તારી લીલા!તે દિવસે તો બચી ગયો યશોદામા ના મારથી!

પણ એક વાર તો તેં તારા પોતાના જ ઘરમાં માખણની ચોરી કરી, વાંદરા ને ખવડાવ્યું, માટલા ફોડી નાખ્યા ને  છાશ ઢોળી....પછી તો મા નો  ગુસ્સો રહે કાબૂ?આજે તો તને સજા કરવી જ છે.....

આગળ તું ને પાછળ મા....પણ એમ કંઈ તું હાથમાં આવે?ભલભલા યોગી મુનિ દેવો ને પણ દુર્લભ છે તું!મા થાકી હારી ગયા ત્યારે તું માંડ આવ્યો હાથમાં! પ્રેમ ના દોરડેબંધાયો પણ કોઈ ને ક્યાં ખબર હતી કે તુ તો યમલા અર્જુન નો ઉદ્ધાર કરવા બંધાયો હતો...અકળ લીલા તારી હો બાકી....

  આમ તો સચરાચર જગતનો માલિક અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ છો પણ .....

વ્રજ માં તો તું બાલક અને તે પણ ગોવાળિયા નો !તારી બાલ લીલા જોઈને ખુદ બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા 'તા તને ગોપ બાળકો સાથે એઠું ખાતા જોઈને તે પણ વિમાસણમાં પડી ગયા કે આ એ જ બ્રહ્મ છે? જગત્ નિયંતા  છે ? પરીક્ષા કરવા તારા મિત્રો અને વાછરડા ની ચોરી કરી ને બ્રહમલોક માં છૂપાવી દીધા!!! તું પણ ક્યા ગાંજયો જાય તેમ હતો? ગાય ગોવાળિયા બધા ના રુપ તેં ધરી લીધા ને કોઈ ને ખબરે ય    ન પડી....જૂજવે રુપે અનંત ભાષે!!! 

વાહ શ્યામ વાહ તારી લીલા!!

શ્યામ તેં વ્રજની રક્ષા કરવા માટે કેટકેટલા કષ્ટ સહન કર્યા ઈન્દ્ર થી  બચાવવા માટે ગોવર્ધન ધારણ કર્યો, દાવાનળ નું પાન કર્યું,યમુનાજીમાંથી કાલિયા નાગને દમન કર્યું ને યમુના નું જલ શુધ્ધ કર્યુ  તારા વ્રજપ્રેમને કારણે જ ને....

તેં શરદપૂનમની રાત્રે વિશ્વ સંમોહિની વેણુ વગાડી આખા વ્રજની ગોપીઓ ઘેલી  બનીને કેવી રાસ રમવા આવી ગઈ 'તી....તારી વાંસળીના સૂરે તો જડ  ચેતનવંતુ થઈ ગયું. યમુના થંભી ગઇ. તારી મુરલી ની મોહિનીમાં રાધા કેવી મોહિત થઈ જતી હતી અને કેમ ન થાય ? *મોહિની *કો મોહવેકો* *મોહન* *બન* *કે* *આયે* હો..જો... 

શરદ પૂનમની રાતે ગોપી ઓ તારી મુરલી ના સાદે કેવી દોડતી આવી ગઇ!! ના રહ્યું દેહનું   ભાન કે ના રહ્યું વસ્ત્રો નું!અદ્ભુત રાસ જામ્યો હતો હો!

આ રાસ તો બ્રહ્માંડ નો અવર્ણનીય રાસ હતો આ તો હતો જીવ અને શિવ ના એકત્વ નો રાસ !એ રાતે તો શું તારું રુપ હતું અહાહાહા!તારા એક એક અંગ ની શોભા ઉપર કોટિ સૂર્ય કોટિ ચંદ્ર વારી જાય!માનો લજ્જિત કોટિ અનંગ (કામદેવ)!

ચંદ ગોવિંદ ગોપી તારા ગણ રાસમે નાચત રાસમેં બનવારી....

વ્રજમાં પૂરા અગિયાર વર્ષ ને બાવન દિવસ રહીને સમગ્ર વૈકુંઠ વ્રજ માં ઉતાર્યું...ખૂબ સ્નેહ પામ્યો અને આપ્યો.

તને પણ એક જગ્યાએ બેસી રહેવાનું તો પાલવે જ નહીં ને ?તારે તો જગતને  દેખાડવાનુ હતું કે માયા લગાવી ને કેમ તરત જ છોડી દેવી ...

તારુ કશું જ ન હોય તો છોડીને આવ તું ;

બધું જ તારું છે તો છોડીને બતાવ તું .

(મિસકીન)

તેં છોડી ને બતાવી દીધું 

તારે તો ઘણી કામ હતા ને મથુરા ને જરાસંધ ના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની હતી,દ્વારકા વસાવવાની હતી અને કુરુક્ષેત્ર નું યુદ્ધ તો ખરું જ...

તું જ એક એવી વ્યક્તિ છો કે જે વાંસળી પણ વગાડી શકે છે અને પંચજન્ય શંખ પણ ફૂંકી શકે.ગાય પણ ચરાવી શકે અને યુદ્ધ મેદાનમાં સારથિ બની ઘોડા પણ દોડાવી શકે 

ખૈર તો ય હું તો તને આમ જ કહીશ

કે 

 તું સાવ સ્વાર્થી નીકળ્યો હો!વ્રજ ને છોડી ને ગયો તે ગયો જ  !!!ગોપીઓના નંદ યશોદા ના બધા ના પ્રેમ ને મથુરા જઇને સાવ જ ભૂલી ગયો....

કંઈ વાંધો નહીં તું ભૂલી ગયો વ્રજવાસી એમ તને થોડા ભૂલવાના?

તારી પાછળ તો મીરા, સૂરદાસ, નરસિંહ મહેતા , દયારામ જેવા કેટલાય પ્રેમ દિવાના થયા છે.  યુગે યુગે તું અવતાર ધારણ કરે છે ને તેમજ દરેક યુગમાં તારા ભકતો પણ હોય જ છે ...

આમ તો તું અંતર્યામી છે તેથી મારા હૈયા ની વાત જાણે જ છે પણ હું રહી થોડી અધીરી તેથી મને થયું કે લાવ મારા હૈયાના હાર ને મારી હૈયાની વાત જણાવી જ દઉં...

શું કહું જેમ જેમ પરિચય વધતો જાય છે  તેમ પ્રીતિ વધતી જાય તો માનવું કે આપણે કશુંક પામ્યા છીએ સાચું કહું શ્યામ તું સુંદર નથી પણ જે કોઈ સુંદર છે તે તું છે... વિશ્વનું બધું જ સૌંદર્ય જાણે એક વ્યક્તિમાં સમાઇ  ગયું છે એ વ્યક્તિ તું છે..મારી મન તો ઉગતા સુરજ નું પહેલું કિરણ તારું સ્મિત લઇને આવે છે .વરસતા વરસાદમાં રીમઝીમ અવાજમાં મને તારો મધુર સ્વર સંભળાય છે પૂનમના ચંદ્રમા માં મને તારો ચહેરો દેખાય છે આપણે બંને આત્મા મિત્ર છીએ એવી પ્રતીતિ દ્રઢ થતી જાય છે. ઘણી બધી વાતો કરીએ તોય વાતો ખૂટતી જ નથી. અક્ષય પાત્ર જેવું હૈયુ ઠલવાતું રહે અને છતાં ઉભરાતું જ રહે છે.....

પરમ પ્રિય શ્યામ, તને પત્ર લખતાં તો લખી દીધો પણ હવે તને મોકલું કેવી રીતે ?અરે હા યાદ આવ્યું કવિશ્રી દયારામ ભાઈએ મારા વહાલા નું સરનામું આપી દેતા કહ્યું છે કે "નિશ્ચય ના મહેલમાં વસે મારો વાલમો વસે વ્રજ લાડીલો,સત્સંગ દેશમાં ભક્તિ નગર છે પ્રેમ ની પોળ પૂછી જાજો રે...."

વાત પણ સાચી જ છે ને પ્રેમ અને ભક્તિ થી જ તું મલે ને !!!!

શ્યામ, આ પ્રેમ પત્ર લખવાનું મન એટલે જ કર્યું કે મારા મન ની વાત તારા સુધી પહોંચાડી શકું તું તારા મન માં પણ આ પ્રીત ને અનુભવજે 

જો જે ક્યાંક એવું ના થાય કે હું તો "કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી...."


આ પત્ર થકી સદૈવ તારો સ્નેહ ઝંખતી

      અને 

      શ્યામ ની સદૈવ વિરહિણી સખી 

        મિનાક્ષી સોની

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ