વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્ત્રીનું મૂલ્યાંકન

યુગ કેટલાય  આથમી ગયા પણ નારીની વ્યથાકથા માં નોંધપાત્ર ફેર પડ્યો નથી.  આજના આ  સમયથી લઈને તમે પાછળ ના  સમયમાં એક આંટો મારી  જુઓ. નારીને એક બીજું  રૂપકડું નામ  આપવામાં આવ્યું છે. " અબળા "  આ  અબળા શબ્દ ને જ્યારે જ્યારે હું સાંભળું છું ત્યારે ત્યારે મને હંમેશાં ખીજ ચઢે છે. હું સ્ત્રી છું એટલે જ નહીં પણ આજની  સ્ત્રી ને  હું જોઉં છું અને ભૂતકાળમાં  થઈ ગયેલી  નારીને  પણ હું અનુભવું છું. ત્યારે મને એમ થાય છે  કે નારીના  કયા પાસાને લઈને અબળા કહેવામાં આવે છે ?  કદાચ આપણા પુરુષ પ્રધાન  સમાજ ને આભારી હોઈ શકે. પણ એ કારણને સબળ પણ માનતી નથી.  એના મૂળમાં જો કોઈ સચોટ કારણ હોય તો નિરક્ષરતા  અને બીજું અહમ કારણ એ કે પુરુષ ની  માનસિકતા.


હવે જ્યાં માનસિકતા ની વાત કરવા જઈએ તો  સ્ત્રી ની માનસિકતા  પણ ખૂબજ નબળી અને  એની એ  નબળાઈ એ એને અબળા બનાવી દીધી.  એણે પુરુષ સમાજ ના  બધા જ નીતિ નિયમો ને  સ્વીકારી લીધા. અને ત્યાં જ એ ભૂલ કરી બેઠી. હવે એના પાયામાં  ડૂબકી મારું તો  મને એક વાત  સનાતન સત્ય લાગી છે. અને એ વાત એટલે સ્ત્રી વારસો . તમને  " સ્ત્રી વારસો " શબ્દ  વાંચી  થોડી નવાઈ  લાગશે પણ હું જે કાંઈ  કહેવા જઈ રહી છું  એ સચોટ છે.


ઘરમાં દીકરા ની વહુ  પધારે ત્યારે  એને સવૅ પ્રથમ  એ કહેવામાં આવે કે " આપણા ઘરમાં તો તારા  સસરા સામે તો ચબહ પણ ના કરી શકાય . ને મોટો પણ એમના જેવો જ," અને પછી  પરણીને આવી હોય  એના પતિના  વટની  વાતો કરી નવીસવી વહુનાં  હૃદયમાં  પુરુષ ની બીક સજ્જડ રીતે બેસાડી  દેવાની અને  મજાની વાત તો પાછી એ છે કે પિયરના ઘરમાં પણ  એ બધું અનુભવી ને આવી હોય છે.  એટલે એને આ  બીબામાં ઢળતાં કોઇ તકલીફ પડતી નથી. ટૂંકમાં ઘરમાં  રહેતી  સાસુ, જેઠાણી,  દરેક એના પાલવે આ ગાંઠ  વળાવે  એમ વેલની  માફક  આ વારસો  આગળ  વધ્યા કરે . અને  પરિણામ  એનું હું તો એટલું જ જોઉં છું કે પુરુષ મૂછે તાવ દે છે ને સ્ત્રી પાછી એ મૂછને  વધારે ઉન્નત બનાવે છે.  મારા કહેવાનો  ભાવાથૅ  એવો બિલકુલ  નથી કે પુરુષો નીચી મૂછ કરીને  જીવે. ના તમારી મૂછ છે ને એને આંબળ્યા કરો એનું જતન કરો પણ એક  સ્ત્રી ની કુરબાની લઈને નહીં . હવે  તમને પ્રશ્ન  થશે કે આમાં કુરબાની ની વાત  ક્યાં આવી ?  હા, એક દીકરી કે  કુળવધું પોતાના અરમાનો ને મારીને  જીવે એને શું કહી શકાય ?  વળી છાશવારે  એક જ સંવાદ એણે  જનમધરીને સાંભળવાનો .  " તને આમાં  ખબર ના પડે. "  તો  શું  નારી ક્યારેય સમજી  શકતી નહીં હોય ? એનામાં સમજણનો અભાવ જ હશે ?  ના એ ઘણું ઘણું ઊંડાણથી  સમજે છે પણ  એને ઊતારી  પાડવામાં આવે છે. " તને સમજણ ના પડે " એ હૈયાને વાગે  એવું વેણ છે.  પણ સાવ સામાન્ય  થઈ ગયેલા  આ  વાક્ય ની  ધાર પણ  સાવ બુઠ્ઠી થઈ ગઈ છે. એટલે એનો માર સ્ત્રી ને  લાગતો નથી. વળી  એણે આવુ ને  આના  જેવા શબ્દો ને પચાવી દીધાં છે. ને નવાઈ ની વાત તો  એ છે કે  આવું બધું  પચાવતાં  એને ક્યારેય અપચો  થયો નથી એની મને તો નવાઈ લાગે છે.


હવે ઘડીક  એક બીજા જ સમયમાં  લટાર મારી લઈએ.  ચુંડ મુંડ  જેવા બે મહાકાય  રાક્ષસ અને એકજ  નારી શક્તિ બંને ને હણે છે.અને પોતાની  વિરાટ  શક્તિ ને  પ્રગટ કરે છે. ત્યાં થી જ  બીજા સમયમાં  નજર કરીએ તો રાણી લક્ષ્મી બાઈ, સુલતાના જેવી સ્ત્રી ઓને  શું અબળા કહી શકાય ?  ના ક્યારેય નહીં તો  શું તમારા  આંગણે હસતી રમતી એક બાળા કે ઘરમાં  રસોઈ કરતી પત્ની શું અબળા છે ? ના કદાપિ નહીં . એને પણ  રાણી લક્ષ્મી બાઈ જેવો  અવસર  સાંપડ્યો હોત તો એ પણ  કંઈક કરી બતાવતી.  સવાલ માત્ર અહીં યુદ્ધ નો નથી. સવાલ છે જનમધરીને સામે મોંફાળીને  ઊભી રહેતી  સમસ્યાઓ નો . સાવ નાની ઉંમરમાં એક જ  બાળક ની માં જ્યારે વિધવા થાય છે ત્યારે એ સ્ત્રી જીવનના  કપરા વહેણને વીંધી ને જીવનનૈયાને પાર  ઉતારી દે છે. તોય સ્ત્રી અબળા ? ના સ્ત્રી ક્યારેય  અબળા ના હોઈ શકે.


હવે આ "અબળા " માં થી  " સબળા "  કેમ કરી ને થવું ?  તો એમાં પુરુષો એ પોતાની માનસિકતા ને  બદલવી પડશે. ધારોકે નહીં પણ સાચેજ  પુરુષો પોતાની માનસિકતા ના બદલે તો ? જેને સ્વગૅમાં જવું છે  એણે મરવું જ  રહ્યું. આનો સાફ મતલબ છે કે  સ્ત્રી એ જાગૃત થવું પડશે ને પોતાના માં ઘર કરી ગયેલી  માનસિકતા ને તિલાંજલી આપવી પડશે.પહેલા તો  શિક્ષણ ને પ્રાયોરિટી આપવી પડશે. શિક્ષણ હશે તો  તમારી બુદ્ધિ મત્તા  ખીલશે. શિક્ષણ હશે તો તમે તમારા પોતાના  જ પગ ઊભા રહી શકશો. અને ત્યારેજ તમે પુરુષ સાથે ખભેખભો મિલાવીને  ઊભા રહી શકશો. અહીં એક બીજો પ્રશ્ન પણ ઊજાગર  થાય છે કે  પહેલાં અને હાલ  પણ સ્ત્રી ખેતીકામ , કડિયા કામ  જેવા ઈત્તર કામમાં  પુરુષ સાથે રહીને કામ કરે જ છે.  પણ શિક્ષણ ના અભાવે પોતે  " અબળા " છે  એ ભાવને  તિલાંજલી  આપી શકી નથી એટલે  પરિણામ  શૂન્ય નું શૂન્ય જ રહ્યું છે. એટલે મારું સજ્જડ પણે માનવું છે કે જો તમે પોતે જાગૃતતા નહીં લાવો તો  યુગોના  યુગો આમ જ વીતી જશે. છતાંય તમે અબળા માં થી  સબળા ક્યારેય  બની શકશો નહીં. એ માટે જાતે તૈયાર  થવું પડશે. પુરુષ સમાજ તરફથી મળતી  ઉપેક્ષા ને નજર અંદાઝ કરવાનું શીખવું પડશે.  જો ત્રાજવું લઈને  બેસીએ તો પુરુષો ની સરખામણી માં  સ્ત્રી ઓની સંખ્યા ઓછી છે. એ રીતે પણ સ્ત્રી નું મહત્વ વધી જાય છે.


ટૂંકમાં વતૅમાન સમય ને જોતાં  નારી જગતે ખૂબ ખૂબ પ્રગતિ કરી છે. પૃથ્વી થી લઈને અવકાશ ની  કપરી યાત્રા પણ કરી ચૂકી છે. જે કામ માત્રને માત્ર  પુરુષો જ કરી શકતા  હતા એ કપરા કામ , કપરા ચઢાણ  હવે એક સ્ત્રી  પણ ચઢી શકે છે.  પછી બાકી શું રહે છે?  તેમ છતાં જો નારી જગત  બાપડી, બિચારી  થઈ જીવવા માંગતી હોય  ને પુરુષ એને એમજ જીવાડવા  માંગતો હોય  તો એ આપણા  વતૅમાન સમય માટે  લાંછન રૂપ છે એમાં જરાય અતિશયોક્તિ  નહીં હોય. મારો કહેવાનો મતલબ એવો તો જરાય નથી  કે સ્ત્રી એ  પુરુષ ને ઈગ્નોર કરવા. ના બિલકુલ નહીં .સ્ત્રી અને પુરુષ  એકબીજાના  પૂરક છે. સ્ત્રી વગર પુરુષ ને  પુરુષ

વગર સ્ત્રી અધૂરી છે.


આમ થોડીક સમજણ અને થોડીક વિચાર શક્તિ ને સાચી દિશામાં કામે લગાડવામાં આવે તો પ્રશ્ન  વિકટ નથી. એમાં મારા મતે પુરુષે આ મામલે આગળ આવવું જોઈએ. આપણે સ્ત્રી દાક્ષિણ્યની  માત્ર વાતો જ  કરતાં હોય છે .એને હૃદય થી અમલમાં મૂકતાં નથી. એ સ્ત્રી ઓનું  દુર્ભાગ્ય છે.સ્ત્રી એ પુરુષ નું અને પુરુષે  સ્ત્રી નું માન જાળવવું જોઈએ . તમે જે  કોઈ સ્થળે નોકરી કરતા હોય એ સ્થળે સ્ત્રી બોસ હોય તો એના  હુકમનું પાલન કરતાં જ હોવ છો. તો ઘરે જે તમારી પત્ની કે જે તમારા બાળકો, તમારા મા બાપ , ભાઈબહેન ની સાથે પ્રેમ થી  રહીને તમારું માનપાન વધારે છે . તમારી અવેતન સેવા કરે છે.  એનું મૂલ્ય જે છે તે અમૂલ્ય છે. એને આંકી તો ના શકાય પણ એને બે મીઠા બોલ કહીને એની  કદર તો  કરવી જ જોઈએ. એમ  કરવાથી કોઈનો અહમ ઘવાતો નથી કે નથી ઘવાતું  સ્વમાન.  એમાં તો ભળે છે  એક મીઠાશ.  અને એ  મીઠાશ ને જોવી હોય, માણવી હોય તો બસ એકવાર  કદર કરીને  તમારી પત્ની ની આંખોમાં જોજો.  જગતભરનો પ્રેમ અને હળવી  ભીનાશ ત્યાં અચૂક જોવા મળશે.


છેલ્લે એટલું જ કહીશ કે સ્ત્રી તમારી સાથે છે સ્ત્રી તમારી પાછળ  ચાલે છે  તમારું માનસન્માન જાળવે છે કેમ ? કારણકે એ એની ઉદારતા છે. એમાં એના હૃદયની વિશાળતા છે. અંતમાં ખૂબ ખૂબ દુખ સાથે એટલું જરૂર કહીશ કે સ્ત્રી ની સહનશીલતા નું  ઘોર અપમાન કરતાં પહેલાં સો વાર  વિચારજો. પછી ભલે ને સ્ત્રી એ એક દીકરી , પત્ની , માં , બહેન કે પ્રેમીકા જ હોય  ! પણ હંમેશાં એક સાચા હૃદય થી એ સંપૂર્ણ  ત્યાગ ને બલિદાન ની ચરમસીમાએ પહોંચી ને પણ  સમપૅણ જ કરતી રહે છે તો એવી સ્ત્રી ને અબળા તો ના જ સમજાય ! ઇજ્જત બધાની કરવી ને માન બધાને આપવું. ઘણીવાર પુરુષ મોટી મોટી ને સારી સારી વાતો કરીને પોતાનો પ્રભાવ પાડવામાં પાવરધો હોય છે પણ એના જ અંતરમાં કે ઘરમાં જોઈએ તો એનાજ ઘરની સ્ત્રી ઓ ની દશા બહુજ ખરાબ હોય છે. એટલે છેલ્લે એટલું કહીશ કે દેખાડવાનાં જુદાં ને ચાવવાના જુદાં ના રાખતાં દરેક  સ્ત્રી ની ઈજ્જત કરવી એ મનુષ્ય નો ધર્મ છે.

                          દીપિકા ચાવડા.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ