વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જેન્ડર ઇકવાલિટીના સિક્કાની બીજી બાજુ


તુમને કહાઁ થા હમ એક હી હૈ,તો અપને બરાબર કર દો ના, 

નેપી જબ મૈં બદલતી હૂઁ, તો દૂધ કી બોતલ ભર દો ના, 

બસ, યુ હી એક હૈ, એક હૈ કરકે કહાઁ જિંદગી ચલતી હૈ? 

કભી તુમ ભી સર દબા દો મેરા, યે કમી ભી ખલતી હૈ. 

જબ મૈં ઓફિસ જાતી હૂઁ, તુમ ભી ઘર કો સંવાર દો ના 

મત કરો જન્મો કે વાદે, ઇસ પલ ખુશી કી વજહ દો ના 

કભી બાઝારો સે ધ્યાન હટે તો મકાન કો ભી ઘર કર દો ના 

આઓ પાસ બૈઠે કુછ બાતે કરે, દિલ કે જખ્મ ભર દો ના 

કયું કહેના ભી પડતા હૈ યે , અહેસાસો કો સમજો ના

તુમ ક્રિકેટ ભી અપના દેખો, ઔર મૈં સિરિયલ ભી લગાઉંગી 

થોડા હાથ બંટા દેના, જબ મૈં કિચન મેં જાઉંગી 

સબ મિલકર સાથ કરને કી, હમ મૈ યે ભી તો ક્વોલિટી હૈ 

હમ સાથ ખડે હૈ એક દુજે કે, હલ હી જેન્ડર ઇકવાલિટી હૈ 

તુમ ભી નયે સે હો જાઓ ઔર નઈ સી મુઝે ઉંમર દો ના 

તુમને કહાઁ થા હમ એક હી હૈ,બસ યુંહી જીવન બસર હો ના 


દિવ્યા દતાની આ સુંદર કવિતા દરેક સ્ત્રીને પોતાનો અવાજ લાગશે, નહીં? જેન્ડર ઇકવાલિટીના આ સમયમાં આપણે સ્ત્રીઓ બધી રીતે સક્ષમ છીએ એ બતાવવાની દોડમાં ક્યારેક જાતની ક્ષમતાથી વધારે જ દોડવું પડતું હોય છે, ત્યારે ઘરમાં પતિના સાથ સહકારની ખૂબ જરૂર પડી જતી હોય છે. 

જેન્ડર ઇકવાલિટી શું માત્ર સ્ત્રીઓએ જ સાબિત કરવાની છે? એ જવાબદારી પણ માત્ર સ્ત્રીઓની તો નથી જ ને ! જયારે સ્ત્રી ઘરની ઈકોનોમીમાં પોતાનું યોગદાન આપતી હોય ત્યારે ઘરના હાઉસ હોલ્ડ કામોમાં પુરુષનું યોગદાન પણ ઇચ્છનીય જ છે. લગ્ન એક સામાજિક વ્યવસ્થા છે. જયારે આપણે કોઈ સહિયારો પ્રોજેક્ટ કે કામ ઉપાડીએ ત્યારે જેની ક્ષમતા જે ક્ષેત્રમાં વધારે હોય, એને એ ક્ષેત્રનું કામ સોંપીએ, જેથી આપણું કામ કે પ્રોજેક્ટ સુપેરે પાર પડે. તો આવી જ કોઈ વ્યવસ્થા સમાજમાં પણ કરવામાં આવી છે. સ્ત્રીનું શરીર, મન પુરુષની સરખામણીમાં નાજુક અને સંવેદનશીલ ગણવામાં આવે છે, એનામાં અપાર ધીરજ હોય છે. તે ઉપરાંત બાળકને જન્મ આપવાની જવાબદારી પણ સ્ત્રીના શિરે હોય છે. આ બધું જોતા એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે, સ્ત્રીની સરખામણીએ શારીરિક અને માનસિક રીતે પ્રમાણમાં મજબૂત એવો પુરુષ બહાર જઈને અર્થોપાર્જન કરે, અને સ્ત્રી ઘરે રહીને બાળ ઉછેર તથા ઘરના કામો કરીને ઘરને સાંભળે. જેથી એમના સંસારરૂપી રથનું સમતોલન બરાબર જળવાઈ રહે. 

હવે આ વાત સમજીને એનો અમલ કરવામાં આવે ત્યાં સુધી કંઈ જ વાંધો ન હોય. પરંતુ જયારે આ વાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે ત્યારે તકલીફ થાય. સ્ત્રી ઘરકામ કરે છે એનો મતલબ એ નથી કે એ બીજું કંઈ નથી કરી શકતી. જયારે જયારે એની શક્તિઓનું અવમૂલ્યન થયું ત્યારે ત્યારે એણે દેખાડી દીધું કે, એ પણ પુરુષોથી કોઈ ક્ષેત્રમાં ઓછી ઉતરે એવી નથી. ખભેખભા મિલાવીને ચાલી શકે છે. ઓકે ! આ વાત પણ સમાજમાં ઘણા ખરા પુરુષોએ માની અને સ્વીકારી. જેઓએ નથી માની, તેઓ પણ આવનાર સમયમાં સ્વીકારી લેશે. 

ખેર ! પણ આપણો મુદ્દો અહીં એ નથી. મુદ્દો એ છે કે જ્યારે જયારે સ્ત્રીએ અર્થોપાર્જનની જવાદારીમાં પુરુષને સાથ આપવા માંડ્યો ત્યારથી એની વાહ વાહ તો થવા માંડી. પરંતુ આવું કરવા જતાં સ્ત્રીનું કામ, એનો શારીરિક શ્રમ કેટલો વધી ગયો! એણે પોતાના સપના, ઈચ્છાઓ, પસંદગી બધું જ કોરાણે મૂકીને બેવડી જવાબદારી નિભાવવા માંડી અને વરસો સુધી આવું કર્યા પછી ઉંમરના કોઈક પડાવે એને થાક, કંટાળો, ડિપ્રેશન  મહેસૂસ થવા લાગે છે. ઘરની આર્થિક વ્યવસ્થા એવી તો બંનેની આવક પર સેટ થયેલી હોય છે કે, વરસો સુધી બહાર કામ કરનાર અને નોકરી કરનાર સ્ત્રી અમુક ઉંમર પછી થાકે કે કંટાળે તોય છોડી નથી શકતી.  


સાંજે નોકરીમાંથી પાછી ફરતી સ્ત્રી ઓફિસના દરવાજા બહાર જેવો પગ મુકે, એનું મન ઘરના દરવાજામાં પગ મુકે છે. આજે ઘરનાઓ માટે સાંજે શું બનાવું, કોને શું ભાવશે, જે બનાવવું છે એમાં કંઈ ખૂટતું હોય કે ઘરમાં કંઈ ખૂટતી વસ્તુ હોય તો રસ્તામાંથી સાથે લેતાં જવું, બાળકોની ફલાણી નોટબુક લેવાની હતી, સાસુની પેલી દવા માટે આજે પૂછતાં જવાનું હતું, કાલે પતિને મિટિંગમાં પહેરવાનો સૂટ લોન્ડરીવાળાએ હજુ નથી આપ્યો, આજે તો ગમે એમ એની પાસે ઉભા ઉભા કરાવડાવો પડશે. આવી સેંકડો વાતો એક મધ્યમ વર્ગીય અને નોકરી કરતી સ્ત્રીના મગજમાં રમતી હોય.

વર્ગ કોઈ પણ હોય મધ્યમ કે ઉચ્ચ, વાતો અને જવાબદારીનો પ્રકાર થોડો અલગ હોઈ શકે પરંતુ હોય છે એજ. કોર્પોરેટ કંપનીમાં મોટા હોદા પર કામ કરતી અને આખો દિવસ ક્લાયન્ટ સાથે ઉચ્ચકક્ષાની બૌદ્ધિક ચર્ચાઓ કરતી સ્ત્રી પણ આવી જવાબદારીઓ તો નિભાવતી જ હોય છે. 

હવે સવાલ અહીં એ છે કે, ઓફિસથી આવેલી સ્ત્રી ઘરે આવીને સીધી બાળકો વિશે કે આજે શું બનાવું એ ચિંતા કરતી રસોડામાં પગ મુકે છે. ઘરે કુક હોય, કામવાળા હોય તો પણ ઘરે આવ્યા પછી ઘરના કામોમાં ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ એટલા જ કલાક કામ કરીને આવેલ, અને સ્ત્રી જેટલું જ કમાતો પુરુષ શું ઘરે આવીને એજ જવાબદારીઓ નિભાવશે? ભારતના મોટાભાગના ઘરોમાં આવું જોવા નથી મળતું. પત્ની ઓફિસથી આવીને રસોઈ કરે ત્યારે જ ખવાય? એ આવે એના પહેલા જો પતિ ઘરે આવી ગયો હોય તો એ રસોઈની તૈયારી કે બાળકોને હોમવર્કમાં મદદ જેવા કામ ના કરી શકે? ઘરમાં કંઈ વસ્તુઓ ખૂટે છે નું લિસ્ટ એની પાસે પણ હોવું જોઈએ ને? જયારે આર્થિક રીતે ઘર ચલાવવામાં સ્ત્રી મદદ કરે છે તો પુરુષ કેમ એને ઘરના કામોમાં મદદ ના કરી શકે? ! પુરુષને ઘરે આવીને રિલેક્સ થઈને ક્રિકેટ જોવાની ઈચ્છા હોય, એમ સ્ત્રીને પણ થોડીવાર કોઈ મનગમતી સિરિયલ કે શો જોવાનું મન થાય. તો જો બેઉં મળીને કામો વહેંચી લે, તો બેઉં બાળકો સાથે, એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે.


આવું જો દરેક ઘરમાં થતું હોય તો વેલ એન્ડ ગુડ. પરંતુ ઘણી જ જગ્યાએ આવું નથી થતું હોતું. એના કારણો વિશે વિચારીશું તો ઘણી જ એવી વાતો મળી આવશે કે  આપણે થશે કે ક્યાંકને ક્યાંક આપણે સ્ત્રીઓ પણ આ માટે જવાબદાર છીએ. આપણી માનસિકતા કે ઉછેર જ કંઈક એવો છે કે પિતા, ભાઈ, પતિ કે દિકરો જો ક્યારેક રસોડામાં કંઈ કરવા જશે તો પણ આપણે એને ના પાડીશું અને કહીશું કે, લાવો હું કરી લઉં છું. માતા તરીકે દિકરીને ઘરકામ કેમ કરવું, એ તાલીમ નાનપણથી આપીએ તો દિકરાને રસોઈ કેમ કરવી કે ઘરમાં સફાઈ કેમ કરવી એ કેમ નથી શીખવાડતા?


થોડા દિવસ પહેલા એક સરસ મજાની કમર્શિયલ જાહેરાત જોઈ હતી. એક સ્ત્રી પોતાની દિકરી સાથે ફોન પર વાત કરે છે ત્યારે  કરે છે ત્યારે દિકરીએ એને કંઈક એવી ફરિયાદ કરી કે મારું કામ ઓવરલોડ થાય છે. ત્યારે પેલી સ્ત્રી દિકરીને કંઈક એવું કહે છે કે, તું જોબ પર જાય છે તો તારા પતિને પણ કહે કે તને થોડી ઘરકામમાં મદદ કરાવે. ત્યારે દિકરી સામે હસીને કહે છે કે, 'મા એમને ક્યા કંઈ આવડે જ છે !' આ દિકરી પણ તમારા મારા જેવી જ સ્ત્રી છે. એણે સહર્ષ સ્વીકાર્યું છે કે પતિને ઘરકામ તો ન જ આવડેને! એતો મારે જ કરવું પડે. પરંતુ બરાબર એ જ વખતે એ સ્ત્રીનો દિકરો રૂમમાં મેલા કપડાંનો ઘા કરે છે. હવે આ બન્ને વસ્તુઓ સાથે બને છે. દિકરીનું ફોન એમ કહેવું કે, એના પતિને ઘરનું કોઈ કામ નથી આવડતું અને દિકરાનું કપડાનો ઘા કરવું. બસ, એ સમજદાર સ્ત્રી તરત જ ઉછેરમાં રહેલી ભૂલ સુધારે છે. દિકરાને રોકીને કપડાંને કેવી રીતે સીધા કરીને વોશિંગ મશીનમાં નાખવા, એમાં કયો વોશિંગ પાઉડર નાખવો, કયા મોડ પર મશીન સેટ કરવું વગેરે શીખવાડી દે છે. આખરે તો એનો દિકરો પણ આવતીકાલે કોઈનો પતિ જ બનવાનો ને! તો જે તકલીફ એની દિકરી ભોગવે છે એ ઓવરલોડની તકલીફ આવનારી છોકરીને ન થાય એટલા માટે. તો આ કરવા જેવું ખરું કે નહીં! 


વેદ પુરાણ અને આપણા શાસ્ત્રોમાં ક્યાંય કોઈ કામને નાનું નથી માનવામાં આવ્યું. ચોસઠ કળાઓમાની એક કળા પાકશાસ્ત્ર પણ છે. તો પોતાના જ ઘરના કિચનમાં કામ કરવું મોટાભાગના પુરુષોને શા માટે ખટકે છે! ફાઈવ સ્ટાર હોટેલનો શેફ પુરુષ હોઈ શકે, મોટા મોટા રસોડામાં રસોઈ કરનાર રસોઈયા પુરુષ હોઈ શકે તો ઘરમાં જયારે જરૂર પડે ત્યારે થોડું કિચનવર્ક પુરુષ કેમ ન કરી શકે? કદાચ એટલે કે અહીં આ કામનું કંઈ વળતર ન મળે એટલે એ કામનું અવમૂલ્યન થયું છે અને એટલે અહમ ઘવાય છે?  કે પછી એટલે કે પહેલાથી જ એવી કોઈ આદત નથી! 


એક વાર નારદજીને કુતૂહલ થયું કે સોળ હજાર રાણીઓને કૃષ્ણ કેવી સમય ફાળવી શકતા હશે? એટલે તેઓ અચાનક જ દ્વારકા ગયા. તો એમણે એક રૂમમાં કૃષ્ણને રુક્મણિ સાથે વાર્તા વિનોદ કરતાં જોયા. તેઓ બીજા રૂમમાં ગયા તો કૃષ્ણને સત્યભામા સાથે પણ જોયા. નારદજી આખા મહેલમાં ફર્યા, તો એમણે કૃષ્ણને ક્યાંક કોઈ રાણી સાથે બગીચામાં તો ક્યાંક પોતાના બાળકોને રમાડતાં તો ક્યાંક કોઈક રાણી સાથે રસોડામાં મદદ કરતાં જોયા. આ વાર્તા પ્રતીક છે એ વાતનું કે, માત્ર સ્ત્રી જ અનેક રૂપે જીવે એવું નથી. પુરુષે પણ જયારે જરૂર પડે ત્યારે અનેક રૂપ અને અનેક રોલ ભજવવા પડે છે.


મેઘધનુષ્યના સાત રંગોની જેમ સ્ત્રી જો મા, દિકરી, પત્ની, માતા એવા ઘણા બધાં રોલ સુપેરે નિભાવતી હોય, તો પુરુષ પણ માત્ર આર્થિક ઉપાર્જન જ કરે એવું જરૂરી નથી,ખાસ તો ત્યારે જયારે સ્ત્રી આર્થિક ઉપાર્જનમાં  સહકાર આપતી હોય તો સ્ત્રીની બાકી બધી જવાબદારીમા એટલો જ સહકાર એણે આપવો ઘટે. હા, સ્ત્રી ગૃહિણી હોય અને બહાર કામ કરવા કે ન જતી હોય પરંતુ ઘરની અને સામાજિક જવાબદારી નિભાવતી હોય, તો એવી સ્ત્રી પાસે કદાચ પુરો સમય હોય કે આરામથી ઘરનો મોરચો સાંભળે અને શક્ય હોય તો બાળકોના અને એવા બીજા બહારના પણ એક્સટ્રા કામ કરે જેથી આઠ દસ કલાક બહાર રહીને કામ કરતાં પતિને રાહત થાય. તો એમાંય કંઈ ખોટું નથી. એવા કેસમા પતિ જયારે કલાકો  કામ કરીને થાકીને ઘરે આવે ત્યારે એની પાસે ફરિયાદોનું પોટલું ખોલવાને બદલે સુંદર સ્મિત સાથે ઠંડા પાણીનો ગ્લાસ ધરવો એ પણ સ્ત્રીની ફરજમા આવે છે. 


ટુંકમા વાત અહીં એક સુંદર બેલેન્સ સાચવવાની છે. સ્ત્રી પુરુષ બંને સંસાર રથના પૈડાં છે. બે માંથી જો એક પૈડાં પર પણ વધું ભાર આવશે તો એ વહેલું નમી જશે,  જે બિલકુલ ઇચ્છનીય નથી. 


માત્ર સ્ત્રી પુરુષ સમોવડી થાય એને જ જેન્ડર ઇકવાલિટી ન કહેવાય. પુરુષ પણ જયારે જરૂર પડે ત્યારે સ્ત્રીના કામોમાં, જવાબદારીમાં સરખે સરખો સાથ સહકાર અને પોતાનો હિસ્સો આપે ત્યારે જ થઈને ખરી જેન્ડર ઇકવાલિટી!


ડેઝર્ટ-ચેરી : જો તમને કોઈ ફૂલ ગમે છે, તો એને તોડવાની ભૂલ નહીં કરતાં, નહીં તો તમને એમાં જે કંઈ ગમે છે એ રૂંધાઇ જશે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ