મૌન
મૌન હંમેશાં એકસરખું નથી હોતું.
ક્યારેક મૌન ધૈર્યનું પ્રતિક બને છે,
ક્યારેક મૌન વિનાશનું કારણ.
મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણ સમયે સમસ્ત સભા મૌન રહી ગઈ. એ મૌન માત્ર વ્યક્તિનું નહોતું, એ તો સમાજનું મૌન હતું. જ્યાં ભીષ્મ જેવા પરમ બુદ્ધિજીવી, દ્રોણ જેવા ગુરૂ અને વિદુર જેવા ધર્મજ્ઞ ઉપસ્થિત હતા, ત્યાં પણ “સત્ય” બોલવાનો સાહસ કોઈએ કર્યો નહીં. પરિણામે એ મૌનમાંથી જ એક ભયાનક યુદ્ધ જન્મ્યું.
પણ એ જ મહાભારતમાં આપણે જોઈએએ છીએ કે જ્યારે અર્જુન રણમેદાનમાં ગાંડિવ મૂકી દે છે અને મૌન ધારણ કરે છે, ત્યારે એ મૌન તેની દ્રઢતા તોડવા માટે ભગવાન શ્રીકૃષ્ણે ગીતા રૂપે જ્ઞાનનો અમૃત વરસાવ્યો. એટલે એ મૌન ઉદ્ધારનું કારણ બન્યું.
વાત એટલી છે કે મૌન ક્યારે રાખવું અને ક્યારે તોડવું એ સમજવું જ સાચી બુદ્ધિ છે.
અન્યાય સામે મૌન રહેવુ એ પાપ સમાન છે.
ક્રોધ, વેરઝેર અને ઉશ્કેરાટમાં મૌન રહેવું એ શાંતિનો માર્ગ છે.
આથી જ કહેવાયું છે
“વાણીમાં જ્યારે આગ સળગે ત્યારે મૌન સારું,
અને જ્યારે ધર્મ સળગે ત્યારે અવાજ ઉઠાવવો એ ફરજ છે.”
