અંતરમાં એકાંત
આજના યાંત્રિક અને સ્પર્ધાત્મક યુગમાં માણસે બધું મેળવ્યું છે સુવિધા, સફળતા અને સંબંધો પણ પરંતુ પોતાની સાથેનો સંબંધ ક્યાંક ખોવાઈ ગયો છે.
“એકાંત” હંમેશા દુઃખનું પ્રતીક નથી, ક્યારેક એ આપણું આત્મદર્શન બનતું માધ્યમ પણ બની શકે છે.
જાત સાથે જીવવાની કળા શીખી લઈએ, તો દુનિયા સામે હસતા ચહેરા પાછળ છુપાયેલ ખાલીપો ધીમે ધીમે અર્થમાં પરિવર્તિત થઈ જાય છે.
આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન એટલું વ્યસ્ત બની ગયું છે કે ચારે બાજુ મેળાવડો હોવા છતાં એના અંતરમાં કલ્પનાથી પણ પર એકાંત વ્યાપેલું હોય છે.
ક્યારેક એ એકાંત અશ્રુ બનીને બહાર આવે ત્યારે જ મન હલકું થાય છે, કેમ કે એ એકાંતનો ભાર અસહ્ય બની જાય છે.
જીવવા માટે આજુબાજુ લોકો હોવા એટલુજ પૂરતું નથી, પરંતુ એમાંના કોઈ એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે તમારું અંતરમન વાંચી શકે, તમારી લાગણીઓ સમજી શકે અને તમને માનસિક સથવારો આપી શકે.
જો ગીચ ભીડમાં પણ તમે એકાંત અનુભવો છો, તો એ સાબિત કરે છે કે હાજરીથી ખાલીપો પૂરાઈ શકતો નથી.
ક્યારેક એકાંત શાપ નથી હોતો,એ આત્મસંવાદનો સમય હોય છે.
એકાંતમાં માણસ પોતાને ઓળખી શકે છે , પોતાની ભૂલો, સપના અને અધૂરા અહેસાસ સાથે સંવાદ કરી શકે છે.
જ્યારે દુનિયા ચીસો પાડે છે, ત્યારે એકાંતનું મૌન આત્માની ભાષા બની જાય છે.
એકાંતમાં લખાયેલા વિચારો ક્યારેક કાવ્ય બની જાય છે, અને એમાં અનુભવાયેલી લાગણીઓ જીવનના ઊંડા સત્યને સ્પર્શે છે.અને આ
એ સમય છે જ્યાં માણસ પોતાના અસ્તિત્વને નવી રીતે શોધે છે.
જીવવા માટે કોઈ કારણ જોઈએ ,પછી ભલે એ તમારા સપના હોય, તમારી સેવા, તમારું સર્જન કે કોઈ શોખ.
તમારું અંતરનું એકાંત ત્યારે જ દૂર થાય, જ્યારે તમે જાત સાથે જીવવાનું શીખી જાવ.
જાત સાથેનો સંબંધ મજબૂત બને ત્યારે દુનિયા પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય છે.
જે વ્યક્તિ પોતાને પ્રેમ કરવાનું શીખી જાય છે, એ બીજાઓને પણ નિઃશર્ત પ્રેમ આપી શકે છે
અંતરના એકાંતને દૂર કરવું એટલે કોઈને શોધવું નહીં, પરંતુ પોતાને સમજવું.
પોતાના મનને સાંભળવું, પોતાના હૃદયને વ્યક્ત થવા દેવું ,એ જ સાચું આત્મસુખ છે.
જીવનની સૌથી મોટી જીત એ છે કે તમે એકલા હોવા છતાં શાંતિ અનુભવો.
