ભાદરવી પૂનમ
મા અંબાની ભક્તિનો પાવન પર્વ
ભાદરવા સુદ પૂનમ... નામ સાંભળતાં જ ગુજરાતની ધરતી પર જાણે ભક્તિની લહેર દોડી જાય. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન મા અંબાના ધામ તરફ હજારો-લાખો પગલાં આગળ વધવા લાગે. કોઈના હાથમાં ધજા હોય, કોઈના હોઠ પર માતાજીનું નામ હોય, કોઈની આંખોમાં દર્શનની ઝંખના હોય, તો કોઈના હૃદયમાં વર્ષોથી સાચવેલી માનતા હોય.
“જય અંબે... જય અંબે...”ના નાદ સાથે જાણે સમગ્ર વાતાવરણ માતામય બની જાય છે.
અંબાજી માત્ર એક તીર્થધામ નથી; ભક્તો માટે તે શ્રદ્ધાનું એવું કેન્દ્ર છે જ્યાં જઈને મનને એક અજાણી શાંતિનો અનુભવ થાય છે.
મા અંબાજી શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક પરંપરા અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતીનું અપમાન થતાં સતી યજ્ઞકુંડમાં સમાઈ ગઈ. પત્ની સતીના વિયોગથી વ્યથિત ભગવાન શિવ તેમના દેહને લઈને બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. ત્યારે સૃષ્ટિનું સંતુલન જાળવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ભાગો અલગ કર્યા.
જ્યાં જ્યાં સતીના અંગો અથવા આભૂષણો પડ્યાં, ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ એવી પૌરાણિક માન્યતા છે. અંબાજી ધામ પણ શક્તિની ઉપાસનાનું અતિ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.
અંબાજીમાં માતાજીની મૂર્તિ કરતાં શ્રી યંત્ર સ્વરૂપે શક્તિની આરાધના થતી હોવાની પરંપરા વિશેષ છે. અહીં ભક્ત માટે માતા કોઈ પથ્થરની પ્રતિમા નથી; તે તો અંતરમાં વસતી અખંડ શક્તિ છે.
ભાદરવી પૂનમના પર્વે અંબાજી તરફ નીકળતા સંઘો જાણે શ્રદ્ધાની જીવંત ગંગા બની જાય છે. દિવસ-રાત ચાલતા ભક્તોના પગ થાકી જાય, શરીર પરસેવાથી ભીંજાય, છતાં મનમાં એક જ ભાવ રહે
“મા સુધી પહોંચવું છે...”
કોઈ માતાજીને ધજા ચઢાવવા જાય છે, કોઈ માનતા પૂર્ણ કરવા, તો કોઈ માત્ર માતાના દર્શનની તરસ લઈને નીકળે છે. આ યાત્રામાં ધનવાન અને ગરીબનો ભેદ નથી. સૌ એક જ પંક્તિમાં ચાલે છે અને સૌની ઓળખ એક જ મા અંબાના ભક્ત.
રસ્તામાં અજાણ્યા લોકો માટે પાણી અને ભોજનની સેવા કરતા સેવાભાવી લોકો પણ જોવા મળે છે. કોઈ યાત્રાળુને ચરણપાદુકા આપે છે, કોઈ દવા આપે છે, કોઈ થાકેલા માટે આરામની વ્યવસ્થા કરે છે.
અહીં ભક્તિનું એક સુંદર રૂપ જોવા મળે છે માતાના દર્શન માટે નીકળેલો ભક્ત, રસ્તામાં બીજા ભક્તની સેવા કરીને જાણે માતાની જ સેવા કરે છે
પૂનમનો પૂર્ણ ચંદ્ર જેમ અંધકારને પ્રકાશથી ભરી દે છે, તેમ ભાદરવી પૂનમ આપણા અંતરના અંધકારને ભક્તિના પ્રકાશથી દૂર કરવાની પ્રેરણા આપે છે.
મંદિરમાં દીવો પ્રગટાવવો સરળ છે, પરંતુ મનમાં રહેલો અહંકાર ઓગાળવો મુશ્કેલ છે. માતાજીના ચરણોમાં ફૂલ ચઢાવવું સહેલું છે, પરંતુ કોઈ દુઃખી માણસના જીવનમાં પ્રેમનું ફૂલ ખીલવવું એ સાચી સાધના છે.
એટલે ભાદરવી પૂનમે માતા પાસે માત્ર સુખ-સમૃદ્ધિ ન માંગીએ.
માંગીએ તો સદબુદ્ધિ, સંયમ, કરુણા અને શ્રદ્ધા.
હે મા અંબે!
જ્યારે જીવનમાં રસ્તા અઘરા બને ત્યારે અમારા પગલાં ડગમગે નહીં.
જ્યારે મનમાં અંધકાર છવાય ત્યારે તારો પ્રકાશ દેખાય.
જ્યારે સફળતા મળે ત્યારે અહંકાર ન આવે.
અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે તારા પરનો વિશ્વાસ ન તૂટે.
ભાદરવી પૂનમ એટલે અંબાજી સુધીની યાત્રા જ નહીં, પરંતુ પોતાના અંતર સુધી પહોંચવાની યાત્રા.
ધજા હાથમાં હોય કે ન હોય,
માતાજીનું નામ હોઠ પર હોય કે ન હોય,
જો હૃદયમાં માતા પ્રત્યે શ્રદ્ધા જીવંત હોય,
તો દરેક શ્વાસ એક ભક્તિ બની જાય છે.
આ પવિત્ર ભાદરવી પૂનમે મા અંબાના ચરણોમાં એક જ પ્રાર્થના
“હે મા,
અમારા ઘરમાં સુખ કરતાં પહેલાં શાંતિ આપજો,
સંપત્તિ કરતાં પહેલાં સંતોષ આપજો,
સફળતા કરતાં પહેલાં સદબુદ્ધિ આપજો
અને જીવનના અંતિમ શ્વાસ સુધી
તમારા ચરણોમાં અડગ શ્રદ્ધા આપજો.”
જય અંબે મા...
✍🏻 સુચિતા રાવલ
