વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સર્વતોમુખી પ્રતિભા ધરાવતું એક વિરલ વ્યક્તિત્વ :- કલ્પેશભાઈ પ્રજાપતિ

આધ્યાત્મિક જગતમાં જેમનું નામ મોખરે છે એવા આદિ શંકરાચાર્ય, સંન્યાસી હોવા છતાં સમાજસેવા કરી જાણનાર સ્વામી વિવેકાનંદ, આઝાદી માટે પોતાનું જીવન કુરબાન કરીને દેશના યુવાનોમાં ક્રાંતિની જ્વાળા પ્રજ્વલિત કરનાર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા વીર સપૂતો, પોતાનાં જ્ઞાનથી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર મહાન ગણિતજ્ઞ ડૉ. શ્રીનિવાસ રામાનુજન હોય કે પછી ભારતમાં અવકાશ વિજ્ઞાનનો પાયો નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉ. વિક્રમભાઈ સારાભાઈ હોય, આવા તો અનેક મહાનુભાવો આપણા દેશમાં થઈ ગયા કે જેમણે ખૂબજ નાની ઉંમરમાં પોતાની ઉંમર કરતાં પણ વધુ ઉપલબ્ધિઓ મેળવી લીધી હતી. એનું કારણ માત્ર એટલું જ કે, આ બધા મહાનુભાવોએ જે પણ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું, તે ક્ષેત્રમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. ઉપરોક્ત મહાનુભાવો પોતાના ખૂબ ટૂંકા જીવનકાળમાં પણ અવિસ્મરણીય કાર્યો કરી શક્યા, કારણ કે તે બધા કર્મયોગીઓમાં એક ગુણ સામાન્ય હતો. તેમણે સમયની સાથે સંતુલન સાધવાની અદ્ભુત કળા આત્મસાત કરી હતી. આજે આપણે આવા જ એક કર્તવ્ય પરાયણ વ્યક્તિની વાત કરવાના છીએ કે જેઓ સમયની સાથે સંતુલન સાધવાની આવી કળાને આત્મસાત કરી ચૂક્યા છે.



ઘણાં વર્ષો પૂર્વેની વાત છે. ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનાં રહિયોલ ગામના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો રોજ પોતાના પિતા સાથે શાળાએ જતો હતો. તેના ગામમાં ફક્ત ધોરણ ૧ થી ૪ સુધીનાં વર્ગો ધરાવતી શાળા હતી. તેથી વધુ અભ્યાસ માટે ૩ કિમી દૂર આવેલા નજીકનાં ગામમાં શિક્ષણ લેવા માટે જવું પડતું હતું. તે સમયે વાહનોનો અભાવ હોવાથી ગામથી શાળા સુધીનું અંતર ચાલીને પસાર કરવું પડતું હતું. પિતા શિક્ષક હતા એટલે ઘરથી શાળા સુધી રસ્તે આવતાં દરેક નિર્જીવ તત્ત્વમાંથી કાંઈ ને કાંઈ તેને શીખવતા રહેતા. તેઓ કહેતા કે પ્રકૃતિમાં અગાધ જ્ઞાન છે, તેને જોઈ શકવાની નજર અને તે મેળવવાની ઇચ્છાશક્તિ હોવી જોઈએ. તેઓ પથ્થરના આકાર પરથી બાળકને ભૂમિતિનું જ્ઞાન આપતા. પક્ષીઓના કલરવ અને વૃક્ષોની ઘટાઓમાં પણ તેઓ જ્ઞાન જોઈ શકતા. તે પિતા એટલે ડાહ્યાભાઈ પ્રજાપતિ અને તે પુત્ર એટલે પિતાની પગદંડી પર ચાલીને પ્રતિષ્ઠિત NGO દ્વારા બે વખત નેશનલ એવોર્ડથી સન્માનિત એક આદર્શ શિક્ષકશ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ.


કલ્પેશ પ્રજાપતિ એટલે એક એવું નામ કે જેમણે કોઈ એક સમાજ કે ક્ષેત્ર વિશેષ માટે કામ નથી કર્યું. તેમણે તો પોતાના કાર્યોની સુવાસ સર્વત્ર ફેલાવી છે. તેઓ જ્યાં પણ ગયા, જે પણ ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં એક વિશેષ છાપ ઊભી કરી અને જે તે ક્ષેત્રને પોતાના કાર્યોથી સુશોભિત કર્યું છે. એક આદર્શ શિક્ષકની સાથે એક સફળ મોટિવેશનલ સ્પીકર, એક ઉત્કૃષ્ટ વક્તા, એન્કર, સમાજસેવી વ્યક્તિ, સમાજના આગેવાન તથા હજારો હૃદયમાં સ્થાન મેળવનાર માનવતાની સાક્ષાત મૂર્તિ એવા કલ્પેશભાઈએ બાળપણથી જ પ્રકૃતિમાં રહીને વાસ્તવિક શિક્ષણ કઈ રીતે મેળવાય તે કળા આત્મસાત કરી હતી. તેમની આ જ કળાએ આજે તેમને સમગ્ર ગુજરાતમાં આદર્શ શિક્ષક તરીકે અનેક એવોર્ડ્સ આપાવ્યા છે. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ તેમને અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.


કલ્પેશભાઈએ પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત ઈ.સ. ૨૦૦૦માં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનાં લવારા ગામથી કરી હતી. તેઓ ત્યાં ધોરણ ૬ના વર્ગ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમને અવલોકન કર્યું કે ધોરણ પાંચ સુધી છોકરીઓ શાળામાં અભ્યાસ કરતી હતી અને ત્યારબાદ છોકરીઓ ભણતર છોડી દેતી હતી. તેમને આ ખૂબ અજુગતું લાગ્યું. લવારા ગામના લોકોનો દીકરીઓને ભણાવવા પ્રત્યેનો અણગમો જોઈને તેમણે આ વિશે તપાસ કરતાં તેમની સામે ગામના લોકોની રૂઢિચુસ્ત માન્યતા છતી થઈ ગઈ. તેમણે લવારા ગામની દીકરીઓ આગળ ભણે તે માટે ' દીકરી ભણાવો અભિયાન ' શરૂ કર્યું. ત્યારબાદ તેમણે ગામનાં દરેક જ્ઞાતિ અને સમાજ વિશે જાણ્યું, તેમના રીતરિવાજ વિશે અભ્યાસ કર્યો. ગામના સરપંચ સાથે મુલાકાત કરીને વધુ વિગતો મેળવી. ત્યારબાદ તેમણે દીકરીઓના વાલીઓનો સંપર્ક કરીને તેમની રૂઢિચુસ્ત માન્યતાઓનું ખંડન કર્યું. દીકરીઓને ભણાવવાથી થતાં લાભ વિશે સમજાવ્યા. દીકરીઓ માટે સરકારી યોજનાઓની માહિતી આપી. સભાઓ કરી અને ગામલોકોને દીકરીઓને ભણાવવા સમજાવ્યા. અથાગ પરિશ્રમને અંતે તેમને ખૂબ સારું પરિણામ મળ્યું અને પછીનાં વર્ષે જે વર્ગમાં એક પણ દીકરી ન હતી તે વર્ગમાં ૧૧ દીકરીઓને પ્રવેશ અપાવ્યો.



કલ્પેશભાઈનાં ઉમદા કાર્યોને ધ્યાનમાં લઈને તેમને ઈ.સ. ૨૦૦૬થી ૨૦૧૩ દરમિયાન BRC કોર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારી પણ તેમણે પૂર્ણ નિષ્ઠાથી નિભાવી અને પોતાની સમગ્ર ક્ષમતા વડે તેમણે આ પદ પર રહીને અનેક કાર્યો કર્યાં. તેમણે લવારા ગામની પ્રાથમિક શાળા અને તેના જેવી બીજી અનેક ગામોની પ્રાથમિક શાળાઓને વિજ્ઞાનમેળામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી. તેમના પ્રયત્ન થકી બીજી અનેક શાળાઓના બાળકો પણ વિજ્ઞાન મેળામાં હોંશે હોંશે ભાગ લેતાં થયાં. તેઓ ૨૦૧૩થી આજ સુધી ધનસુરાની પ્રાથમિક શાળા નં- ૧ માં ફરજ બજાવે છે. અહીં પણ તેમણે પોતાનાં કાર્યો વડે અનેક લોકોને પ્રભાવિત કર્યા. તેમણે અહીં સૌપ્રથમ શાળાની લાઇબ્રેરીનો વિકાસ કર્યો. બાળકોને ભણાવવા માટે ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM)ની વ્યવસ્થા કરી. તેમણે પોતાના વર્ગમાં અનેક ક્લાસરૂમ એક્ટિવિટીઝ જેવી કે ' કૌન બનેગા મેથ્સ સ્કોલર, જાતે વિજ્ઞાન શીખીએ, ઘડિયા જ્ઞાન નવતર પ્રયોગ, મિશન વિદ્યા વાલી સંપર્ક ' વગેરે શરૂ કરીને વિદ્યાર્થીઓ માટે શિક્ષણને સરળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ જ્ઞાન સાથે ગમ્મતમાં માનનારા શિક્ષક છે. તેઓ વર્ગ શિક્ષણની સાથે સાથે પ્રેક્ટિકલ શિક્ષણ પર પણ ભાર આપે છે. તેઓ બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે જાહેર સ્થળો જેવા કે, પોલીસ સ્ટેશન, કોર્ટ, પંચાયત, સરકારી કચેરીઓ વગેરે જગ્યાએ અવારનવાર બાળકો સાથે મુલાકાત લેતાં હોય છે. તેમણે પોતાની શાળામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવીને બાળકોને બાળકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ શીખવ્યાં હતાં. તેમણે પોતાની શાળામાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થાય તે માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. પોતાનાં કામ પ્રત્યેની તેમની નિષ્ઠા જોતા ધનસુરાની સામાન્ય જનતા પણ તેમના તરફ આકર્ષાઈ અને જે લોકો સરકારી શાળા સામે જોતા પણ ન હતાં તેઓ સરકારી શાળામાં એડમિશન લેવા પ્રેરાયાં. પોતાના પુરુષાર્થના બળ પર કલ્પેશભાઈએ ખાનગી શાળામાં ભણતાં કેટલાંક બાળકોને ધનસુરાની સરકારી શાળામાં એડમિશન લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં તેમને સારી એવી સફળતા મળી હતી. ધનસુરાની પ્રાથમિક શાળામાં કરેલાં કાર્યો તથા ખુલ્લામાં શૌચક્રિયા અંગે ગામલોકોમાં અનેરી જાગૃતિ આણવા બદલ ધનસુરાના સરપંચશ્રીએ કલ્પેશભાઈને અભિનંદનપત્ર પાઠવ્યો હતો.


કલ્પેશભાઈ પોતે વિજ્ઞાન શિક્ષક છે એટલે વિજ્ઞાન પ્રત્યે તેમનો પ્રેમ અપાર છે. એટલે જ તેઓ વિજ્ઞાન મેળા અને વિજ્ઞાન દિવસની ઉજવણી વડે બાળકો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે તેવા પ્રયત્નો કરતાં રહે છે. તેમણે પોતાની શાળામાં અનેક ઇનોવેટિવ કાર્યો કર્યા છે, જેમાં સોલાર પેસ્ટીસાઈઝ પંપ તથા ખેડૂતોને રાત્રે રખડતાં ઢોર અને ચોરોથી મુક્તિ અપાવતો સોલાર ચાડિયો મુખ્ય છે. જેમાં સોલાર ચાડિયો ખૂબ અદ્ભુત છે. જે તેમના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની સાથે એક ખેડૂતપુત્ર હોવાની લાગણી વ્યક્ત કરે છે.


એક શિક્ષક તરીકે કલ્પેશભાઈ બાળકોના ભણતરની સાથે તેમના સ્વાસ્થ્યની પણ કેટલી દરકાર રાખે છે તે વાતને ઉજાગર કરતો કિસ્સો તેમની શાળામાં બન્યો હતો. તેમની શાળાના એક વિદ્યાર્થીને જમણા પગનાં સાથળનાં ભાગે પરું નીકળતું હતું, પરંતુ વિદ્યાર્થીના વાલી તેનો ઈલાજ કરાવામાં અસમર્થ હતા. તેથી કલ્પેશભાઈએ પોતે તેનો ઈલાજ કરાવાનો નક્કી કર્યું. તે સમયે દિવાળીની રજાઓ હોવાથી બાળકની સારવાર દિવાળી પછી કરવામાં આવે તેમ નક્કી થયું. તે જ અરસામાં બાળકનું સાથળનાં ભાગનું હાડકું તૂટી ગયું. આ વાતની જાણ જેવી કલ્પેશભાઈને થઈ કે તેમણે પોતાના દરેક કામ પડતાં મૂકીને, કેટલાંક સેવાભાવી વ્યક્તિઓની મદદ લઈને બાળકને સિવિલમાં હોસ્પિટલમાં ઓપરેશન માટે તાત્કાલિક સારવાર અપાવી અને તે બાળકને વિકલાંગ થતાં બચાવ્યો.


એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકેનો આવો જ એક બીજો કિસ્સો જાણવા જેવો છે. તેમની શાળામાં એક એવી છોકરીએ પ્રવેશ મેળવ્યો કે જેને સિવિલ હોસ્પિટલમાંથી ૯૦% માનસિક વિકલાંગ તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેને જોતાં જ લાગે કે આ છોકરી પોતાના જીવનમાં કાંઈ જ નહિ કરી શકે. તેના પરિવારજનોએ પણ આશા છોડી દીધી હતી. પરંતુ ધનસુરના શિક્ષકશ્રી કલ્પેશભાઈએ શાળા પરિવાર અને બી.આર.સી ભવનના સહયોગથી આ છોકરીને ભણાવવાનું નક્કી કર્યું. અહીં કલ્પેશભાઈ પર ચાણક્યની એક પ્રસિદ્ધ પંક્તિ સાર્થક થાય છે કે, ' શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. ' જેમ એક ઝવેરી પોતાની પારખું નજરથી સાચા હીરાની પરખ કરે તેમ કલ્પેશભાઈની પારખું નજર આ છોકરીમાં રહેલાં અદ્ભુત ટેલેન્ટને પારખી ગઈ. તેમણે છોકરીના પિતાને બોલાવીને જણાવ્યું કે તમારી છોકરી ખેલકૂદમાં ખૂબ આગળ વધે તેમ છે. તે એક સારી એથલેટિક્સ બની શકે છે. કલ્પેશભાઈએ તે છોકરીને શાળાના બીજા શિક્ષકોની મદદથી યોગ્ય સમય, વિશેષ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરાવી. સૌ શિક્ષકોના ઉમદા પ્રયત્નોથી તે ઈ.સ. ૨૦૧૪ના ખેલ મહાકુંભમાં ૫૦ મીટર દોડમાં પ્રથમ ક્રમાંકે આવી અને સૌને અચંબિત કરી મુક્યાં. ત્યારબાદ તેણે રાજ્યકક્ષાએ તેમજ વિવિધ પ્રતિયોગિતામાં ખૂબ સરસ દેખાવ કર્યો અને ઘણાં ઈનામ અને ચંદ્રકો પોતાને નામ કર્યાં.


કલ્પેશભાઈના કાર્યોની નોંધ અનેક સંસ્થાઓએ લીધી છે. ‘ નેશનલ ન્યૂઝ રિફોર્મર પંજાબ લાઈવ ટૉક શૉ ‘ અને ‘ માન મહિલા કા લાઈવ ટૉક શૉ ‘ જેવા રાષ્ટ્રીય સ્તરના શૉમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. મીડિયા હાઉસ જેવા કે Zee ૨૪ કલાક, ABP અસ્મિતા, VTV News, મંતવ્ય ન્યૂઝ, News18 Gujarati જેવા મીડિયા હાઉસએ તેમનાં કામની નોંધ લીધી હતી. Zee ૨૪ કલાક ન્યૂઝે તેમના સોલાર ચાડીયાથી પ્રભાવિત થઈને એક આખો એપિસોડ તેમના નામ કર્યો હતો. તેમનાં ઉમદા કાર્યોને બિરદાવતાં DD ગિરનાર ન્યૂઝ ચેનલે તેમની કામગીરીનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેનાથી અનેક લોકોને સત્કર્મોની પ્રેરણા મળી હતી.


ગણિત અને વિજ્ઞાનનાં ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને માનનીય પ્રાચાર્યશ્રીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રમાં જ તેમને આસામ રાજ્ય તરફથી પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કલ્પેશભાઈના ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણકાર્યથી પ્રભાવિત થઈને માનનીય શિક્ષણ સચિવશ્રી રાવસાહેબ તરફથી તેમને પ્રભાવશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તદુપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીના તરફથી પણ સન્માનપત્રો આપવામાં આવ્યા છે. ઓનલાઇન શિક્ષણમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સર્વભારત પરિવાર, દિલ્હી તરફથી શિક્ષા શિરોમણી શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કલ્પેશભાઈનાં કાર્યોની નોંધ દિલ્હીમાં પણ લેવાઈ છે. તેથી તેમને દિલ્હીમાં બોલાવીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


કલ્પેશભાઈ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતાશ્રીને રેડિયો સાંભળવાની ટેવ હતી. રેડિયોમાં સુમધુર આવજે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતાં માણસને સાંભળીને કલ્પેશભાઈને મોટિવેશનલ સ્પીકર બનવાની પ્રેરણા મળી. તેથી કલ્પેશભાઈ એક સારા શિક્ષક તો છે જ, પણ સાથે સાથે તેઓ એક ઉમદા વક્તા, એન્કર અને મોટિવેશનલ સ્પીકર પણ છે. તેઓ એટલા ઉત્કૃષ્ટ મોટિવેશનલ સ્પીકર છે કે ખૂબ ખલેલયુક્ત વાતાવરણમાં પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની કળા ધરાવે છે. તેમની વકતૃત્વશૈલી એટલી ઉમદા છે કે એકવાર તેમને સાંભળો તો બસ સાંભળ્યાં જ કરીએ! કદાચ એટલે જ બાળકો તેમના વર્ગમાં ખૂબ રસપૂર્વક ભણતાં હશે! ઘણાં લોકોના માન્યામાં પણ ન આવે પણ આ એક સત્ય હકીકત છે કે, તેઓ અત્યારસુધી ૧૦૦૦થી પણ વધુ સ્ટેજ પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને આત્યરસુધી કોઈ પણ પ્રોગ્રામમાં એક પણ રૂપિયો લીધો નથી. જ્યારે પણ તેમને સમાજનાં કોઈ પણ વર્ગ દ્વારા એન્કરીંગ કે મોટિવેશનલ સ્પીચ માટે આમંત્રણ મળે છે ત્યારે તેઓ તે પ્રોગ્રામમાં અચૂક હાજર રહીને નિઃશુલ્ક સેવા આપે છે. તેમની વકતૃત્વશૈલીથી પ્રભાવિત થઈને સ્ટેજ પરના મહાનુભાવો તેમનું શાલ ઓઢાડીને સન્માન કરતાં હોય છે. તેમને ભેટ-સોગાદ આપતાં હોય છે. લોકોને પોતાને મળેલી ભેટ-સોગાદ સાચવી રાખવાનો અને તેનો દેખાડો કરવાનો બહુ શોખ હોય છે, પરંતુ કલ્પેશભાઈએ તેમને મળેલી દરેક ભેટ-સોગાદ જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપી દીધી છે. પોતાને મળેલી આશરે ૨૦૦ જેટલી શાલનો ઉપયોગ તેમણે ઘર સજાવાને બદલે શિયાળામાં ઠંડીથી ઠથળતાં ગરીબોનાં તન ઢાંકવામાં કર્યો હતો. તેમણે બધી જ શાલોને મધર ઇન્ડિયા કેર, સરકારી હોસ્પિટલ તેમજ ફૂટપાથ પર જીવન વ્યતીત કરતાં ગરીબોમાં વહેંચી દીધી હતી.


આજે કોઈ પણ વ્યક્તિ પર વ્યવસાયલક્ષી નાની અમથી જવાબદારી આવી પડે, તો તે ઘર, પરિવાર કે સમાજ જેવા બીજા ક્ષેત્રો પર ધ્યાન આપવાનું ઓછું કરી દે છે. આ સાચે જ વિચારવા લાયક બાબત છે કે કલ્પેશભાઈએ પોતાના શૈક્ષણિક જીવનમાં અતિ શ્રેષ્ઠ કાર્ય કરી બતાવ્યું છે; એટલે એક વાત તો નક્કી જ છે કે તેમણે સમયનો ઘણો ભોગ આપવો પડ્યો હશે. સમય અને શક્તિનો આટલો ભોગ આપવા છતાં પણ તેઓ એક શ્રેષ્ઠ એન્કર અને મોટિવેશનલ સ્પીકર તરીકેનો સમય કાઢી લે છે અને તે ક્ષેત્રમાં પણ તેઓ અવ્વલ કામગીરી કરી રહ્યાં છે. અનેક વ્યસ્તતાઓ વચ્ચે પણ તેઓ સમાજનાં દરેક વર્ગના પ્રોગ્રામમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શ્રેષ્ઠ એન્કર અને મોટિવેશનલ સ્પીકર તરીકે તેમને સમાજનાં દરેક વર્ગ દ્વારા અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. આ તદ્દન આશ્ચર્યજનક બાબત છે કે આશરે ૧૦૦૦ જેટલા સ્ટેજ પ્રોગ્રામ કર્યા હોવા છતાં કોઈ પણ પ્રોગ્રામમાં તેમની સ્પીચ રીપીટ નથી થતી. દર વખતે તેમના શ્રીમુખેથી કાંઈ ને કાંઈ નવું સાંભળવા મળે છે. તેઓ એક ખેડૂતપુત્ર હોવાને નાતે ખેતી પર પણ ધ્યાન આપે છે અને તે ક્ષેત્ર પણ તેમણે પોતાના કાર્યોથી ઉજાળ્યું છે. તેઓ ઇતર પ્રવૃત્તિઓની વચ્ચે પણ પોતાના પરિવાર માટે સારો એવો સમય કાઢી લે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાના પરિવાર સાથે ઊભા જોવા મળે છે. સમાજના દરેક પ્રસંગોએ પણ તેઓ હજાર જોવા મળે છે. તેઓ ખૂબ સારા પિતા, પુત્ર અને પતિ છે જેમાં કોઈ બેમત નથી. તેઓ પોતાની સફળતાનો શ્રેય પોતાના પરિવારને આપે છે. તેમનો પરિવાર પણ તેમની સાથે દરેક પ્રસંગે ઊભો જોવા મળે છે.


કલ્પેશભાઈ પ્રજાપતિ એટલે માનવતાની એવી મૂર્તિ છે કે જેમણે પોતાના માનવીય કર્મો દ્વારા હજારો હૃદયમાં સ્થાન મેળવ્યું છે. કલ્પેશભાઈએ પોતાની શાળામાં પિતાની છત્રછાયા ગુમાવનાર અનેક દીકરીઓને દત્તક લીધી છે. કલ્પેશભાઈનું કહેવું છે કે તેમના વ્યક્તિત્વ પર બે મહાપુરુષોનો વિશેષ પ્રભાવ પડ્યો છે. એક તેમના પિતાશ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ અને બીજા તેમના શિક્ષકશ્રી વ્યાસ સાહેબ કે જેઓ પોતે એક પ્રખર ગાંધીવાદી હતા. આ બન્ને મહાનુભાવો તરફથી તેમને સદ્ગુણ, સાદગી, સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા અને સમાજસેવા જેવા ઉમદા ગુણો મળ્યાં.


લેખની શરૂઆતમાં કલ્પેશભાઈને સમયની સાથે સંતુલન સાધવાની કળા જાણનાર દર્શાવ્યા છે, જે તેમના જીવનકવનને જાણતાં તાદૃશ્ય થાય છે. દરેક વ્યક્તિને રોજ પોતાનાં દૈનિક કાર્યો માટે સૂર્યોદય થતાં જ ૨૪ કલાકનો સમય મળે છે. આ ૨૪ કલાકમાં કેટલાંક લોકો પોતાની રોજબરોજની જવાબદારીઓ પૂર્ણ નથી કરી શક્તાં, જ્યારે અહીં તો કલ્પેશભાઈએ એક નહિ પણ અનેક ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા સિદ્ધ કરી છે. કલ્પેશભાઈએ પોતાની દિનચર્યામાં લેખન અને વાચનને પણ વિશેષ સ્થાન આપ્યું છે. તેમણે સમાજને પ્રેરણા આપતાં કેટલાક લેખ પણ લખ્યા છે. લોકોને પ્રેરણા આપનાર કલ્પેશભાઈ પોતે શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી પ્રેરણા મેળવે છે. જેમ સૂર્યના પ્રકાશની સરખામણીમાં દીવો વામણો સાબિત થાય તેમ તેમના જીવન વિશે લખતાં આ લેખ પણ વામણો સાબિત થાય છે. તેમણે પોતાના જીવનમાં એટલાં બધાં ક્ષેત્રોમાં પોતાનો પ્રકાશ પાથર્યો છે અને એટલાં બધાં સન્માન અને પારિતોષિકો મેળવ્યાં છે કે જેના વિશે એક આખું પુસ્તક લખાઈ શકે એમ છે. ખરેખર! કલ્પેશભાઈ એક સાચા સમાજરત્ન અને એક એવા પ્રેરણાત્મક વક્તા છે કે જેમનું સમગ્ર જીવન સમાજનાં દરેક વર્ગ માટે ખુદ એક પ્રેરણામયી સિદ્ધ થયું છે.


    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ