વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બેસતુ વરસ અને બા

"બેસતુ વરહ ને બા"


નવલા વરહે કાયમ બા તું સાડા ત્રણે જાગતી'તી,

નવલા વરહે હું જાગુ છું પણ બા તું ક્યાં ??


સહેજ ધરકલુ ઉંચુ કરી હું એને જોયા કરતો'તો

ઝટપટ કરતી કામ હું એના સ્મિતે મોહ્યા કરતો'તો

એજ ધરકલુ ગોતી,ઓઢી, ઉંચુ કરી હું જોઈ રહ્યો છું, પણ બા તું ક્યાં??


આટોપી સધળા કામ ફટાફટ ગોખે હાથને જોડતી'તી

ભાળે નહી કોઈ શેરીજન એમ ફટાકડો એક ફોડતી'તી

લવિગીયો એક હાથમાં રાખી આજ બારણે ઉભો છું, પણ બા તું  ક્યાં??


ઉઠને પવલા એમ કહી  ટહુકાર મધુરો કરતી'તી

એની બરછટ આંગળીયો મુજ ભાલે હેતે ફરતી'તી

જગાડશે આવી મુજને એ રાહે હુંતો સૂતો છું, પણ બા તું ક્યાં??


પાણીયારે,તુલસીક્યારે, ગોખલે દિવા કરતી'તી

સાકર શ્રીફળ ફુલની માળા તું કુળદેવીને ધરતી'તી

આજ બધુ લઈ થેલીમા હું દાદર ઉપર બેઠો છું, પણ બા તું ક્યાં?


વરહ બેહતુ કાયમ તારી યાદ ધણેરી લાવે છે

પાપણ વિંધી ને આંસુડા ગાલે દોડી આવે છે

"પાર્થ"અટુલો અટવાયો છે,મુંજાયો છે, પણ બા તું ક્યાં?

         @ પાર્થ ખાચર


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ