સિતારો નીકળે!!
જે ગલીથી યાર મારો નીકળે!
ફૂલની લાંબી કતારો નીકળે !
શ્વાસ જાણે એ કવરમાં મોકલે;
પત્ર ખોલુંને બહારો નીકળે !!
તપ્ત રણની સોડમાં સુતા પછી;
આભના ઘરથી ઉભારો નીકળે!
આંખે ચડવાની અણી પર છું અને-
રાહમાં બદનામ બજારો નીકળે!
તારવા મથતાં હલેસા નાવને;
વમળની વચમાં કિનારો નીકળે!
એ અનુભવ પણ થયો પાસ જઈને:
ઝંખના જુઠ્ઠો ધખારો નીકળે!
નામ એનું યાદ આવતાં 'અગન'
આંખમાં ચમકતો સિતારો નીકળે!
-યજ્ઞેશ દવે 'અગન'
