વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફર્ક કેમ રહ્યો?



હે માધવ, સમય મળે ત્યારે સમજાવીશ ક્યારેક મને

કે તને પ્રેમ કરનારી સ્ત્રીઓના પ્રેમમાં ફર્ક શું હતો?


કેમ કે પ્રેમ તો રાધાએ પણ કર્યો હતો,

પ્રેમ તો રુક્મિણી એ પણ કર્યો હતો

અને પ્રેમ તો સત્યભામાએ પણ કર્યો હતો...


કેમ રુક્મિણીના વરણ માટે તું લડ્યો હતો,

તો તારા માટે સત્યભામા લડી હતી,

પણ રાધા?


કેમ, કહે રાધા માટેના પ્રેમમાં જ સમજાવટ આવી, મર્યાદા આવી?

કેમ તું કે રાધા લડ્યા નહીં પ્રેમ માટે?


કેમ તું રુક્મિણી અને સત્યભામાનું સૌભાગ્ય બન્યો,

અને રાધાનું ભાગ્ય હોવા છતાં સૌભાગ્ય ન બન્યો?


કેમ તારી વાંસળીના સૂર

અને તારા કાન-ગોપીઓના રાસ

ફક્ત રાધા માટે હતા,

જેનો અવસર ક્યારેક રુક્મિણી કે સત્યભામાને ન મળ્યો?


કેમ અખંડ નામ જોડાયું તારું રાધા સાથે,

પણ સહવાસ તારો રુક્મિણી અને સત્યભામાને મળ્યો?


કેમ તું રુક્મિણી અને સત્યભામા સાથે રહીને પણ રાધામયી રહ્યો?


હે માધવ, ક્યારેક તો સમજાવ મને

કે આ ત્રણેયના પ્રેમમાં શું ફર્ક રહી ગયો?


રાધાનો પ્રેમ મર્યાદાનું પ્રતીક બન્યો,

તો રુક્મિણી એ પ્રેમ વહેંચતા ને સમજાવતા શીખવ્યું,

જયારે સત્યભામાએ પોતાના પ્રેમ પર અધિકાર શીખવ્યો.


પ્રેમ તો ત્રણેયે તને કર્યો છે, માધવ,

પણ આ સાથ, સહવાસ અને સૌભાગ્યનો ફર્ક કેમ રહ્યો?


હે માધવ, સમય મળે ત્યારે ક્યારેક તો સમજાવ

કે આ ફર્ક કેમ રહ્યો?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ