વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટપાલની યાદો 💌

ટપાલની યાદો 💌

એક સમય હતો એવો, ટપાલની રાહ જોવાતી,
પોસ્ટમેનની પગલીઓમાં, ખુશીઓ સંભળાતી.
લાલ ડબ્બામાં મૂકેલો પત્ર, લાગણી લઈને આવતો,
દૂર બેઠેલા સ્વજનનો પ્રેમ, કાગળ પર મહેકતો!

ટપાલીના થેલામાં જાણે, સુખદુઃખની સોગાદ,
ક્યારેક હાસ્ય, ક્યારેક આંસુ, ક્યારેક મીઠી યાદ.
અક્ષર અક્ષરમાં જીવંત થતી, હૈયાની વાતો,
પત્ર વાંચતાં આંખો ભીંજાતી, યાદ આવતાં નાતાં!

રંગીન ટિકિટ, કોરો કાગળ, કલમની મીઠી શાહી,
પ્રિયજનના એ સુંદર અક્ષરોની, વાત જ કંઈક ન્યારી!
ક્યારેક પ્રેમનો પત્ર આવતો, ક્યારેક શુભ સમાચાર,
ક્યારેક પત્રમાં વહેતો રહેતો, લાગણીઓનો ધોધ અપાર!

રાખડી સાથે બહેન લખતી, ભાઈને પ્રેમભરી વાત,
માતાના આશીર્વાદ સમા અક્ષરો, બનતા જીવનની ભેટ.
દૂર દેશથી પત્ર આવતાં, હરખાતું આખું ઘર,
ટપાલ માત્ર સંદેશો નહોતી, લાગણીઓનું મંદિર!

આજે મોબાઇલની દુનિયામાં, પળમાં સંદેશો જાય,
વીડિયો કૉલમાં ચહેરો દેખાય, અંતર દૂર થઈ જાય.
પણ કાગળ પરની એ લાગણીઓ, ક્યાંથી પાછી આવે?
હાથેથી લખેલા શબ્દોની સુગંધ, મનમાં ક્યાંક વસે!

ટપાલ હતી સંબંધોની કડી, હૈયાં જોડતી તાર,
દેશ-વિદેશના ખૂણે ખૂણે, પહોંચાડતી પ્રેમનો સાર.
મનીઓર્ડરથી મદદ પહોંચતી, ખુશીઓનો થતો વિસ્તાર,
ટપાલસેવા બની જનજનની, વિશ્વાસભરી સરકાર!

આજે પણ પોસ્ટમેન આવે, યાદો જાગે જૂની,
એના થેલામાં છુપાયેલી છે, કેટલીય વાતો અનોખી!
ટપાલ ભલે બદલાઈ ગઈ છે, બદલાય સમયની ચાલ,
પણ લાગણીના પત્રો માટે, હૈયું તરસે આજ!

ચાલો ફરી કલમ ઉપાડીએ, લાગણીના પત્રો લખીએ,
સંબંધોના સૂકાતા છોડને, પ્રેમનાં પાણી પાઈએ.
ટપાલ દિવસ બસ યાદ ન રહે, સંદેશો એક પહોંચાડે,
માનવતાના મીઠા શબ્દોથી, આખી દુનિયા જોડાઈ જાય!

*દીપાંજલિ*

દીપાબેન શિમ્પી 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ