વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધાડ

ધાડ


રિવ્યુ :- પરમાર રોહિણી " રાહી "



 પાત્ર :- 


ઘેલો

પ્રાણજીવન

મોંઘી

દાજી શેઠ

રતની

ધનબાઈ

દાજી શેઠની દીકરી



વિગત :-


ડૉ. જયંત ખત્રી ખૂબ મોટા ગજાના આધુનિક વાર્તાકાર છે અને વ્યવસાયે તબીબ. બૌદ્ધિક, માનવતાવાદી, ચિત્રકાર વાર્તાકાર તરીકે એમની જેટલી કદર થવી જોઈએ એટલી કદાચ થઈ નથી. 1953માં ' ધાડ ' વાર્તા એક સામયિકમાં પ્રગટ થઈ હતી. સુધારાવધારા સાથે ' ધાડ ' 1968માં ' ખરા બપોર ' સંગ્રહમાં પ્રગટ થયેલી. 


ફિલ્મ બનાવનાર કોઈ ફિલ્મસર્જકને પોતાની પહેલી જ ફિલ્મ એ વાર્તા પરથી સર્જવાનું મન થાય તેટલું ગજું આ વાર્તામાં છે. ફિલ્મ માટે પરેશ નાયકે ' ખરબપોર ' અને ' લોહીનું ટીપું ' વાર્તાઓનો પણ સહારો લીધો છે. કચ્છની ધરતી, ત્યાંની વેરાન ભવ્યતાથી ભર્યા ભર્યા landscapes જયંત ખત્રીની કેટલીક વાર્તામાં ચરિત્ર બનીને ઉઘાડ પામે છે. કચ્છની ધરતીનું રહસ્ય પામવા તેઓ મથતા રહ્યા છે.


' ધાડ ' વાર્તાનું એક વાક્ય - " આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઈ બેઠું હતું." - જેનો અર્થપૂર્ણ વિનિયોગ પરેશ નાયકે તેમની ફિલ્મ ' ધાડ 'માં કર્યો છે.


ઘણી અડચણો ને વિઘ્નો આવવા છતાં પરેશ નાયકે અથાક મહેનત કરી. આખરે 5મી જાન્યુઆરી 2018ના દિવસે ફિલ્મ રીલીઝ થઈ ને દર્શકો સુધી પહોંચી. જે ગુજરાતી ભાષકો, ભાવકો માટે ખરેખર આનંદના સમાચાર છે.


મૂળ વાર્તા ઘેલાની અને પ્રાણજીવનની છે. પ્રાણજીવનને નજરે ઘેલાનું વર્ણન દર્શાવ્યું છે,  ' ઊંચો કદાવર, બિહામણો દેખાય એવો દેહ, સફેદ દાઢી, ઝીણી કતારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંદિત ચહેરો, ચોક્કસ સાવચેત પગલે મારી પાસે આવ્યો ત્યારે એના આવ્યાની કળ જ ન પડી અને સામે ઉપસ્થિત થયો ત્યારે દર લાગ્યો પણ એણે મને પોતાનો પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારુ મન ભરાઈ આવ્યું. '


શરૂઆતનું આ વર્ણન વાર્તાના અંત સુધીમાં પ્રાણજીવનની આંખે બદલાય જતું દેખાય છે. વાર્તામાં આ ઘેલો જેટલો ક્રૂર છે એટલું ઘેલાનું પાત્ર ફિલ્મમાં નંદવાતું નથી.


ફિલ્મમાં પરેશ નાયકે કેટલાક ઉમેરા કર્યા છે, જેવાકે ઘેલાની સ્ત્રી મોંઘી મૂળ વાર્તામાં આવે છે, પરંતુ એની પહેલી બે પત્નીઓ-રતની અને ધનબાઈનાં પાત્રો ફિલ્મમાં ઉમેરાય છે. મૂળ વાર્તામાં મોંઘી નિઃસંતાન છે એવો ઉલ્લેખ છે, જ્યારે અહીં ઘેલાનું નપુંસક અથવા સંતાન પેદા કરવા અક્ષમ હોવું એ વાર્તાનો અત્યંત મહત્ત્વનું અંગ બની રહે છે. વધારામાં દાજી શેઠની દીકરી સાથે ઘેલાનું મળવું- એ દૃશ્ય ફિલ્મમાં બેવાર એટલે કે ભારપૂર્વક દેખાડવામાં આવે છે.


 કે.કે.નો અભિનય ફિલ્મમાં યાદગાર બની રહે છે. ઊંચો, મજબૂત અને કદાવર દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો - જયંત ખત્રીએ પ્રાણજીવનની નજરે વર્ણવેલું ઘેલાનું પાત્ર અભિનયની દૃષ્ટિએ કે.કે. આબેહૂબ પ્રગટ કરી શકે છે. 


‘તાકાત ખપે. ભાઈબંધ બાવડામાં તાકાત ખપે’ બોલતી વખતે કે.કે.ની આંખો જે રીતે ઝીણી  થાય છે એ યાદગાર છે. સાથે જ પોતાની પત્નીઓ પર જુલમ કરતી વખતેના એના હાવભાવ પણ પરફેક્ટ લાગે છે. 


કે.કે. મેનન, નંદિતા દાસ, સુજાતા મહેતા, રઘુવીર, સમીરા જેવા કલાકારો પાસેથી દિગ્દર્શકે એવું કામ લીધું છે કે આ કલાકારો કથાના જ બની ગયા છે. જાણે કચ્છની ભૂમિમાંથી જ પ્રગટ ન થયા હોય. દુકાળમાં ઝરણાં સમાન છે ' ધાડ '. ફિલ્મ ' ધાડ ' બાબતે કહી શકીએ કે ' ધાડ ' એ દૈવી કૃપાથી પૂર્ણ થઈ શકેલું પરેશ નાયકનું ' કાવ્ય ' છે.


સાગર શાહ કહે છે, " આજના સમયમાં કોઈ સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મ બનાવે ને એય ગુજરાતી ભાષામાં એ કોઈ માથાફરેલનું જ કામ હોય શકે. પરેશ નાયક આવા માથાફરેલ દિગ્દર્શક છે." મૂળ કૃતિ સાથે વફાદારી જળવાય અને સર્જનાત્મક ઉમેરણ દ્વારા દિગ્દર્શકની સર્જકોદ્વેક પ્રગટ કરવામાં તેમજ મૂળ વાર્તાની પ્રતિકાત્મકતાને વિસ્તરી આપવામાં વીનેશ અંતાણી અને પરેશ નાયક સફળ રહ્યા છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ