વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

64, સમરહિલ-ધૈવત ત્રિવેદી

64, સમરહિલ

#ધૈવત_ત્રિવેદી


अहं वृक्षस्य रेरिवा

किर्ति: पृष्ठं गिरेरिव

उर्ध्व पवित्रो वाजिनिव स्वमृतस्मि

द्रविणं सवर्चसम्

सुमेधा अमृतोक्षित: 


-तैतरिय संहिता (याज्ञवल्क्य दर्शन) 


"સમગ્ર સંસારરૂપી વૃક્ષ મારામાંથી સ્ફૂટ થાય છે. મારી કિર્તિ પર્વતના શિખરની માફક ઉન્નત છે. જ્ઞાનનો પ્રકાશ મારા ધનના ભંડારનું રક્ષણ કરે છે. અમૃત થકી અભિષેક પામેલો હું સંસારમાં સૌથી બુદ્ધિવાન છું."


લોખંડી વાચકોના લેખક અશ્વિની ભટ્ટને અર્પણ થયેલી આ કથા અશ્વિની ભટ્ટ જેવા જ થ્રિલીંગ અને સટાસટ દોડતા ગદ્યથી શોભતી પ્રાચીન જ્ઞાન અને આઘુનિક વિજ્ઞાન વચ્ચે સદીઓથી ખોવાયેલા સત્યનો સેતુ શોધતી કથા છે. 


"Science does not need mysticism and mysticism does not need science, but man needs both"

-The Tao of Physics. 


ઉપરોક્ત કથનને સાક્ષાત વાચકો સમક્ષ મુકતી આ કથાનું પોતાનું એક આધ્યાત્મિક પોત છે. પોતાનું એક અજવાળું છે. સદીઓથી ખોવાયેલા એ જ્ઞાનનું પગેરું દબાવતી આ કથા લગભગ સમગ્ર ભારતના ભૂગોળમાં પદચિહ્નો મુકતી છેક તિબેટ સુધી લંબાય છે.


તેમાં પ્રાચીન સંપર્કવિદ્યાના વિસરી જવાયેલા રહસ્યોની ઉત્તેજક જ્ઞાનપિપાસા છે અને આધુનિકતાની પીઠિકા પર તવાયેલી લાલચટ્ટક ઉત્સુકતા પણ છે. આ નવલકથાનો વ્યાપ સમય અને ભૂગોળના, ઈતિહાસ અને વિજ્ઞાનના અનેક પરિમાણો ને સ્પર્શે છે. હજારો વર્ષ પહેલાના  અનામી ચિંતકોએ હાંસિલ કરેલી સંપર્કવિદ્યા અને આધુનિક સમયના મોબાઈલ, ઈન્ટરનેટ, વિડિયો કોલીંગ, મેસેજીંગ એપ્લિકેશન્સ જેવા પરાપૂર્વિત જ્ઞાનનો સબંધ-સેતુ જોડી આપતી આ કથા તેની કથનરીતિ, ભાષા-કૌશલ્ય, મૌલિક કથાનક અને ઝડપી ગદ્ય ના કારણે અપૂર્વ, અનન્ય અને અજોડ છે. 


ઈતિહાસ, અધ્યાત્મ અને વિજ્ઞાનના જ્ઞાનકોશ એવા દુબળી(પ્રોફેસર) ની પ્રાચીનતમ સંપર્કવિદ્યા સુધી પહોંચવાની તલપ, ચોરોનો પણ ચોર એવો છપ્પન સિંહ, આર્કિયોલોજીકલ વિદ્યાઓમાં પારંગત બનવા મથતો ત્વરિત કૌલ, રૂપરૂપની અંબાર , માર્શલ આર્ટસમાં પારંગત અને અદભૂત મેનેજમેન્ટ શક્તિ ધરાવતી હિરન રાય, પોતાની ફરજપરસ્તી માટે જાન ન્યોછાવર કરનાર એસીપી રાઘવ માહિયા , તિબેટની મુક્તિ દળના કેસી અને નાન્શી, કશ્મકશ ના ખરા સમયે પ્રગટ થતો ગુંગાસિંઘ, જ્ઞાનના પુંજ જેવા લામા નામલિંગ અને અન્ય નાના નાના કદના પાત્રો વાચકના ચિત્ત પર અમીટ છાપ છોડી જાય છે. ઘટનાત્મક કથારીતિ દ્વારા ઊઘડતાં પાત્રોની માનસિક સ્થિતિ ના આંતર વળાંકો, અતિસૂક્ષ્મ પરિસ્થિતિ જન્ય ગજગ્રાહો અને ભૌતિક વર્ણનો કાબિલેદાદ રીતે અતિ ફાસ્ટ ચાલતાં ગધમાં વણી લેવાયા છે. જે ચોક્કસપણે લેખકના નામ સાથે વાચકોમાં ચિરંજીવી બનવા સક્ષમ છે. 


મૂર્તિ ચોરીના મુખ્ય કથાપ્રવાહ સાથે સંકળાયેલી અતિ પ્રાચીન વિદ્યાવારસાની પ્રાપ્તિ અને તે મેળવવા માટે ખેડાતા સાહસની આ કથા છે, જેમાં ક્ષણે-ક્ષણ કશું બને છે, રહસ્યમય પાત્રોની નિયતિનું ચક્ર વાચકને આગળના પેજ પર સતત ધકેલે છે, સાથેસાથે ઈતિહાસ, પ્રાચીન વિદ્યાવારસાની વિસરાયેલી વાતો , વિજ્ઞાનના વિવિધ પાસાંઓનો રસથાળ પણ પીરસાતો જાય છે. વીસારાઈ ચુકાયેલા ઉપનિષદોના અમૂલ્ય વારસાની હકીકત વાચકને અતિ ઉત્સાહી બનાવે છે અને છેલ્લા પાના સુધી વિસ્મિત રાખે છે. ક્રિમિનલ સાયકોલોજી, ક્રિમિનલ ઓજારો અને ક્રિમિનલ સ્ટ્રેટેજીઓની અતિ વિશાળ શૃંખલાઓનું લેખકનું જ્ઞાન કથાપ્રવાહમાં તો પ્રાણ ફુંકે જ છે પણ સાથેસાથે વાચકને પણ ફિલ્મી પડદા પર ચાલતા ચલચિત્ર ની ઝાંખી કરાવે છે. અતિ કશ્મકશની ક્ષણોનો અદભૂત વર્ણન આ કથાની સફળતા છે. રહસ્યમય સંજોગોમાં ઘટતી ઘટનાઓના તોખાર ટેન્શન હેઠળ વાચક એવો તો જકડાય છે કે સમય-સ્થળને પણ વીસરી જાય છે. પ્રથમ પાના થી અંતિમ પાના સુધી વાચક રાહતનો દમ ખેંચી શકે તેવી હાલતમાં રહેતો નથી.


એક પુસ્તક પ્રેમીના જીવનમાં, એક પુસ્તક આવે છે જે વાચકને ત્યાં સુધી સાંકળે છે જ્યાં સુધી તે અથવા તેણી રહસ્યસ્ફોટની આરે ન પહોંચી જાય! ખોરાક ભૂલી જાય છે, નિંદ્રા ભૂલી જાય છે! પુસ્તક વાંચવા માટે મજબૂર કરે છે જયાં સુધી કંઈ વાંચવાનું બાકી ન રહે. છેલ્લા શબ્દને ખાઈ લીધા પછી જ જાણે ભૂખ સંતોષાય છે! તો આવું જ એક વાંચન છે- ૬૪,સમરહિલ ! 


લેખન પ્રવાહી લેન્સટ જેવું તીક્ષ્ણ છે. તે વાચકના મગજને વીંધે છે અને તેની વિચાર પ્રક્રિયાઓને પકડી રાખે છે. તે વાચકને પલંગ, સોફા કે ખુરશીથી દૂર લઈ જાય છે અને પુસ્તકમાં ઉલ્લેખિત ઘટનાઓના પ્રથમ સાક્ષી તરીકે  ક્રિયાની વચ્ચે ઉભા રહેવાની ફરજ પાડે છે. જયારથી વાચક આ નવલ નું પ્રથમ પેજ વાંચે છે ત્યારથી જ તે પુસ્તક વાંચ્યા સિવાય બીજું ઘણું બધુ વીસરી જાય છે. પ્રથમ પાનાથી જ કથા એટલી ઝડપી ગતિ પકડે છે કે લેખક વાચકની રુચિને જાણે કોઈ સંમોહનવિધા વડે કબજે કરી નાખે છે, વાચક નોનસ્ટોપ તેમાં વમળાય છે,  ઝાટકાય છે, પછડાય છે અને ઊંચકાય છે. જેમાં લેખકની સિદ્ધહસ્તતા કારણભૂત છે, એમાં કોઈ મીનમેખ નથી.  એક વાસ્તવિક થ્રિલર, વાસ્તવિક રોમાંચ અને વાસ્તવિક ઘટનાપ્રવાહનો એક ઉત્તમ ઉદાહરણ આ નવલ પુરુ પાડે છે. એક ઉત્તમ ક્રાઈમ થ્રિલર ફિલ્મ અથવા તો વેબ-સિરિઝ બની શકે તેવી સંભાવના ધરાવતી  આ નવલ ચોકકસપણે સિને-નિર્માતાઓ માટે લોટરી ટિકિટ છે. 


કોણ છે આ છપ્પનસિંહ? 


મૂર્તિ ચોરીનું રાજ શું છે? 


કોણ છે આ દૂબળી? 


કયા પ્રાચીન જ્ઞાનની તેને તલપ છે? 


શું તે જોઈતા ખજાના સુધી પહોંચે છે? 


કઈ રીતે તે ત્યાં સુધી પહોંચે છે? 


પ્રાચીન સંપર્કવિદ્યા અને આધુનિક સંપર્કવિદ્યા નો ભેદ શું છે? 


આ તમામ પ્રશ્નો ના જવાબ મેળવવા આ કથા ચોક્કસપણે વાંચવી જ રહી. 


આટલી દિલધડક અને ઉત્તમ સુપર ફાસ્ટ નવલ બદલ લેખક ચોક્કસપણે ધન્યવાદ ને પાત્ર છે. ઘણા વરસો અશ્વિની ભટ્ટને વાંચ્યા બાદ સાવ ખાલીખમ્મ રહ્યા. પણ આ નવલ વાંચ્યા બાદ અશ્વિની ભટ્ટનો વારસો જાણે કે લેખક માં ઉતર્યો હોય તેની ધરપત વાચકને વરતાય છે.  આવી ને આવી અશ્વિની-કળાની સચોટ ઝાંખી ભવિષ્યમાં લેખક પાસેથી મળશે તેવી અપેક્ષા રોકી શકતો નથી. લેખકને ખૂબ ખૂબ અભિનંદન અને સેલ્યુટ.... ! 


-હરેશ નાથ


#વાંચતા_રહો_વિકસતા_રહો❤

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ