વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધ પોસ્ટ : ફિલ્મ રીવ્યૂ

***The Post : ફિલ્મ રીવ્યૂ***

"સંતાડેલા સત્યને સમષ્ટિ સમક્ષ સરકાવીને સત્તાધીશોને સંતાપમાં સપટાવીને સફળતાપૂર્વક સ્થાપેલો સળગતો સંસ્કારી સત્યપથ..."

કોઈ પણ દેશની સરકારનું મુખ્ય કામ શું? "જનકલ્યાણ" શબ્દની ફરતે ઘુમતા વાક્યસમૂહ સ્વરૂપનો જવાબ સૌને ખબર હશે. સાથેસાથે એ પણ ખબર હશે કે મુખ્ય કામ સિવાયના પણ કેવાં કેવાં કામ સરકાર દ્વારા થતાં હોય છે.

સરમુખત્યારશાહી કે સૈનિકશાસન હોય તો ના કરવાના કાર્યો અંગે સત્તાધીશોને ઝાઝી બીક ના હોય અને જનતાને ઝાઝી નવાઈ કે ફરિયાદ ના હોય. પરંતુ જો લોકશાહી હોય, તો સરકારના કાર્યો સત્તા પર બેઠેલી વ્યક્તિની વ્યક્તિગત લાગણી, ભ્રષ્ટાચાર,  મરજી કે ધૂનને આધીન ન હોઈ શકે, પરંતુ જનહિતમાં હોવાં જોઈએ તે સમજણ દેશની હવામાં પ્રસરેલી હોય. જેનું પાલન પણ થાય, પણ દરેક વખતે નહીં.

ઘણીવાર સત્તાધીશોની એક ખોટા નિર્ણય બાદ એક આત્મગૌરવ કે પોતાની છાપ જાળવવાની કે ચમકાવવાની ચાનક કે ઘેલછા નકારાત્મક ઘટનાઓનું દુષ્ચક્ર શરૂ કરી દે છે. જેમાં દેશ કે રાજકારણીનું કદ નહીં પણ કદાચ ઉચ્ચ સત્તાધારી ટોળકીની (નેતા, મંત્રીમંડળ, સલાહકાર વગેરે) માનસિકતા કે એકતા ભાગ ભજવતી હોય છે. પુષ્કળ ઉદાહરણો છે કે જેમાં આવાં નકારાત્મક કાર્યોને જે તે દેશની સરકાર જે તે સમયે લાંબા સમય સુધી ગુપ્ત રાખી શકી હોય.

અમેરિકામાં લોકશાહી હોવા છતાં જ્યારે વિયેતનામ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે લેવાયેલાં ઘણાં નિર્ણયો, ખર્ચાયેલાં નાણાં અને પોતાના જ દેશના જવાનોના ગુમાવેલાં જીવ સામે લોકોનો છૂપો રોષ તો હતો, પરંતુ દેશહિતની કાર્પેટ તળે દબાવી દેવામાં આવ્યો હતો.

થોડાં વર્ષો બાદ એક વ્યક્તિ દ્વારા આવા ખોટા નિર્ણયોની સાબિતી સમાન ગુપ્ત દસ્તાવેજો ચોરવામાં આવે છે. અહીંથી શરૂ થાય છે આ ફિલ્મની વાર્તા. આ દસ્તાવેજો
"પેન્ટાગોન પેપર્સ" તરીકે ઓળખાય છે. જેમાં વર્ષ ૧૯૪૫ થી ૧૯૬૭ દરમ્યાન વિયેતનામ યુદ્ધ દરમ્યાનની વીસેક વર્ષની તથા તેની પણ અગાઉ વર્ષ ૧૯૪૦ આસપાસની "ફ્રેન્ચ ઇન્ડોચાઇના" ઘટનાક્રમમાં (જેમાં ભારતને કોઈ લેવાદેવા નહોતા. આ તો ફ્રાન્સનું દક્ષિણ એશિયામાં અમુક સ્થાને આધિપત્ય હતું અને ભારત તથા ચીનની નજીકના વિસ્તારના અમુક દેશો મળીને ઇન્ડોચાઇનીઝ નામનો સંઘ બન્યો હતો) અમેરિકન સરકારની ભૂમિકાની વિગતો સામેલ છે.

વાત વર્ષ ૧૯૭૧ની છે. ગુપ્ત દસ્તાવેજોની ચોરી કરનાર વ્યક્તિ પ્રથમ તો તેની ઝેરોક્ષ નકલ (હા ભાઈ, ફોટોકોપી) તૈયાર કરે છે. જેમાં દરેક પાને નીચેના ભાગે લખેલ પાના નં. અને ખાસ ઓળખ સમાન લખાણ કાપી નાખે છે. અમુક પાના "ધ ન્યૂયોર્ક ટાઇમ્સ" વર્તમાનપત્ર સુધી પહોંચાડે છે.

આ દસ્તાવેજો પાછા ક્લાસિફાઇડ એટલે કે ગુપ્ત ખરાં પરંતુ સરકારી કચેરીમાંથી ચોરવામાં નહોતા આવ્યાં. એક ખાનગી આર્મિ થિંક ટેન્ક ગણાતા નફાના હેતુ વિના સરકારી ખર્ચે ચાલતા રેન્ડ કોર્પોરેશનમાંથી ચોરાયા હતાં.(RAND  (Research and development) Corporation) . જેના માટે કામ કરતી વ્યક્તિએ વિયેતનામ યુદ્ધ વખતે સદેહે ગ્રાઉન્ડ ઝીરો મતલબ વિયેતનામમાં હાજર રહીને ઘણી ખાનગી વિગતોનું વિશ્લેષણ કર્યું હતું. જેનો અર્ક જે તે સમયના અમેરિકન સુરક્ષા સચિવને સલાહ સૂચન તરીકે રજૂ પણ કરાવામાં આવ્યો હતો અને સચિવ દ્વારા સફળતાપૂર્વક નજરઅંદાજ કરીને સંતાડવામાં પણ આવ્યો હતો.

આ એ સમય હોય છે કે જ્યારે વધુ એક વર્તમાનપત્ર "ધ વોશિંગ્ટન પોસ્ટ" પોતાના અસ્તિત્વના મહત્વના વળાંક પર ઊભું હોય છે. આ વર્તમાનપત્ર પાસે શેરબજારમાં લિસ્ટિંગ કરવું એટલે કે જાહેર કંપની બનવું, આર્થિક સ્થિતિ જાળવવી કે મજબૂત બનાવવી, શાખ જાળવી રાખવી, અન્ય વર્તમાનપત્રોની સરખામણીએ પોતાનું સ્તર ઊંચું રાખવું, કંઈક નવું અને અન્યોએ ન કર્યું હોય તેવું કરવું વગેરે જરૂરિયાતો એકસાથે આવી પડી હતી. જેમાં વધારો કર્યો હતો રાષ્ટ્રપતિ નિક્સનની પુત્રીના લગ્નનું રિપોર્ટિંગ કરીને સ્ટોરી પ્રથમ પાને છાપવાના નિર્ણય અંગેની મથામણે. જો તેમ કરે અને લોકોને ન ગમે તો વર્તમાનપત્રની શાખ ઓછી થવાની હતી જો ના કરે તો શેરબજારમાં લિસ્ટિંગ માટે ફાઇનાન્સરો દ્વારા જે ઓછું વેલ્યૂએશન નક્કી કરાયું હતું તે હજુ ઓછું થવાની શક્યતા હતી.

આટલું ઓછું હતું તેમ વધુ એક મુસીબત આવી પડી હતી. પ્રતિસ્પર્ધી વર્તમાનપત્ર ધ ન્યૂયોર્ક ટાઇમ્સ કંઈક નવાઈની સ્ટોરી આપવાનું હતું. તાબડતોબ જાસૂસી કરવામાં આવી, પણ ખાસ માહિતી ન મળી. છેવટે સીધું છાપેલી સ્ટોરી સાથેનું પ્રતિસ્પર્ધી વર્તમાનપત્ર જ ઓફિસમાં સૌએ વાંચવું પડ્યું. વર્ષોથી સંતાડેલા વિયેતનામ ઘટનાક્રમ સંદર્ભેના અમેરિકન સરકારના નિર્ણયો અંગેની ગરમાગરમ સ્ટોરી પ્રથમ પાને ચમકી હતી. આખા દેશમાં એક ચટપટી લહેર દોડી ગઈ હતી. વ્હાઇટ હાઉસ દ્વારા (અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર ઘર કમ ઓફિસનું નામ)   રાષ્ટ્રહિત, ગુપ્તતાનો ભંગ વગેરે શબ્દોનો ડંડો પછાડીને વધુ પર્દાફાશ અંગે પ્રતિબંધ લાદવામાં આવ્યો.... પછી? આગળના તમામ ઘટનાક્રમ નથી કહેવા.

ધ વોશિંગ્ટન પોસ્ટ પસ્તાઈ રહ્યું હતું, કારણ કે એક બાજુ તો ધ ન્યૂયોર્ક ટાઇમ્સ પેલી ચટપટી અને લોકનજરમાં લોકહિતને વરેલી નીડર સ્ટોરી મેળવી ગયું અને અહીં અણસાર પણ ન આવ્યો. વધુમાં પોતાના  પ્રથમ પાને પેલાં લગ્નના રિપોર્ટિંગના ફોટો સહિતની સ્ટોરી ખુદ તંત્રીને જ મજાક સમાન લાગતી હતી.

ભલે એક અદૃશ્ય સ્પર્ધામાં જીત મળી હોય છતાં ફિલ્મની વાર્તામાં ધ ન્યૂયોર્ક ટાઇમ્સ કેન્દ્રમાં નથી. ધ વોશિંગ્ટન પોસ્ટને ટૂંક સમયમાં જ સમાન મુદ્દે વધુ જલદ અને લાંબી સ્ટોરી ચલાવવાનો મોકો મળે છે. જેમાં સરકાર તરફથી પ્રતિબંધ અને કાયદાકીય કાર્યવાહીની શક્યતા સો ટકા હતી. તેથી જ એક નિર્ણય લેવાનો હતો. હા કે ના! સળગતા પથ પર નીડરતાથી આગળ વધવું કે સંકોચાઈને સુરક્ષિત રહેવું! આ કશ્મકશ જ આ ફિલ્મનું કેન્દ્રબિંદુ છે.

ધ વોશિંગ્ટન પોસ્ટના માલિક કે કર્તાહર્તા "કે ગ્રહામ"ના રૂપમાં મેરિલ સ્ટ્રીપે કરેલ અદ્ભુત અભિનય મજેદાર છે. એક જાજરમાન, લાગણીશીલ, બુદ્ધિશાળી અને નીડર મહિલાની સશક્ત ભૂમિકા સચોટ રીતે નીભાવી છે. જે પતિ અને પિતાના મૃત્યુ બાદ ફેમિલિ બિઝનેસ સમાન વર્તમાનપત્ર એકલાહાથે પૂર્ણ નિષ્ઠાથી ચલાવી રહ્યાં હતાં. જેના સંદર્ભે વિવિધ મનોસ્થિતિનો સચોટ ચિતાર અભિનયમાં ઝીલાયો છે. જેથી ખરેખર ઉચિત રીતે જ મેરિલ સ્ટ્રીપને ઓસ્કાર એવોર્ડની બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. ભલે આ ફિલ્મ માટે એવોર્ડ ન મળ્યો પણ કારકિર્દીમાં વિવિધ કુલ ૪૦૭ જેટલા એવોર્ડ નોમિનેશનમાંથી ૨૦૪માં વિજેતા કે જેમાં ૨૧ વખત ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન અને ૩ વખત વિજેતા રહેવાની સફળતા સામેલ છે. તેના પરથી આ અભિનેત્રીની અભિનય ક્ષમતાનો અંદાજો લગાવી લેજો.

ફિલ્મમાં બીજું મુખ્ય પાત્ર એટલે ધ વોશિંગ્ટન પોસ્ટ વર્તમાનપત્રના એડિટર-ઇન-ચીફ (મુખ્ય તંત્રી) "બેન બ્રેડલી". જે નીભાવ્યું છે અભિનયના બાદશાહ ગણાતા ટોમ હેન્ક્સ દ્વારા. આ અભિનેતા દરેક વખતે પ્રેક્ષકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે જાણિતો છે. આથી જ ઘણીવાર આમિરખાનને ભારતનો ટોમ હેન્ક્સ કહેવામાં આવે છે (બંનેના ચહેરા અમુક હેરસ્ટાઇલ અને એન્ગલથી જરા મળતા પણ આવે છે (ટૂંક સમયમાં આવનારી ફિલ્મ "લાલસિંઘ ચડ્ઢા"માં આમિરખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ટોમ હેન્ક્સ અભિનિત "ફોરેસ્ટ ગમ્પ" ફિલ્મની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આથી બંનેની સરખામણી થવાની છે.)) ટોમ હેન્કસે પાત્રની જરૂરિયાત મુજબનો સરસ અભિનય આપ્યો છે.

ફિલ્મ ટેકનિકલ ઘણી જ મજબૂત છે. કેમેરા વર્ક ખૂબ સુંદર છે. જો આપને કેમેરા એન્ગલ વિશે ઝાઝી સમજ ન હોય તોપણ ફિલ્મના ઘણાં દૃશ્યો આકર્ષવાના છે. પાત્રની માનસિકતા સાથે તાલમેલ બેસાડતાં ઘણાં સરસ દૃશ્યો સરસ કેમેરા એન્ગલ, ગતિ વગેરે દ્વારા ફિલ્માવાયાં છે. મોટાભાગે વર્તમાનપત્રની ઓફિસ અને ઘરનાં દૃશ્યો છે જેમાં ડિટેલિંગનું ઘણું ધ્યાન રખાયું છે. એ સમયે વર્તમાનપત્રના છાપકામ માટે જરૂરી આખી પ્રક્રિયા અને નાના મોટા લગભગ તમામ મશીનો સરસ રીતે અને યોગ્ય સમયે યોગ્ય બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સાથે પીરસાયા છે. જેનાથી ખરેખર ફિલ્મ દર્શનીય બની છે.

બે મુખ્ય પાત્રોએ ભલે સરસ અભિનય આપ્યો હોય, છતાં વાર્તાની માંગ મુજબ અન્ય ઢગલો પાત્રોની જરૂર પડી છે. જેમાં પસંદગીને (કાસ્ટિંગ - યુ નો!) પણ દાદ આપવી પડે તેમ છે. એક પણ પાત્ર નબળી કડી નહીં જણાય.

પરિસ્થિતિ મુજબ ઘણી વખત ઘણાં પાત્રોએ અચાનક મૌન અને સ્થિર થઈ જવાનું છે, તો ઘણી વખત ભલે ઘોંઘાટ થાય છતાં એકસાથે દોડધામ મચાવવાની છે. મુખ્ય પાત્રોએ પણ ક્યારેક ધીરજ રાખીને ધીરેધીરે વિચારીને નિર્ણય લેવાના છે તો ક્યારેક તીવ્ર બુદ્ધિ અને વ્યવહારુપણાનો પરચો આપીને વાણી, વર્તન અને નિર્ણયમાં સપાટો બોલાવવાનો છે. બસ, આ જ બાબતો આ ફિલ્મને ખાસ બનાવે છે. જે જોવાની અલગ મજા છે. કે જે સામાન્ય અને બોરિંગ બાયોપીકને બદલે રસપ્રદ અને ગતિશીલની છાપ જાળવી રાખે છે.

પ્રચંડ તાકાત ધરાવતી સત્તાની સામે પડવું સરળ નથી હોતું. અને જ્યારે વાત આર્થિક સ્થિતિ, સામાજિક દાયિત્વ, વર્ષોથી ઊભી કરેલી શાખ, પત્રકારિતાની પવિત્રતા, જમાવેલો ધંધો નવી ઊંચાઈ પર લઈ જવા પગ નીચે જમીન પણ રહેવા દેવી, હાલ આગળ વધીએ પછી પડશે એવાં દેવાશે, ભેલ કે જેલ - બંને માટે તૈયાર રહીએ વગેરે ઢગલો તત્ત્વો મગજમાં કેમિકલ લોચા પેદા કરી રહ્યા હોય ત્યારે ઘટતા ઘટનાક્રમો જાણે પ્રેક્ષક પણ તેનો એક ભાગ હોય તેવી રીતે રજૂ કરવામાં આ ફિલ્મ સફળ રહી છે.

ફિલ્મના જે અલગ અલગ પોસ્ટર રજૂ થયા છે તે પણ રસપ્રદ છે. જે પોસ્ટરમાં પાત્રનો ફોટો હોય તેમાં માત્ર મેરિલ સ્ટ્રીપ અને ટોમ હેન્કસને જ સ્થાન આપ્યું છે. એક પોસ્ટરમાં બેકગ્રાઉન્ડમાં ગ્રે રંગની આડી લીટીઓ જોવા મળે છે. જે પગથિયાં છે. જેમાં નીચે બે નાની દેહાકૃતિઓ જોવા મળે છે. જે પગથિયાં ચડી રહી છે. હા, બંને મુખ્ય પાત્રો. અહીં હીરોઇન ઉપરના પગથિયે છે અને હીરો તેની નીચેના પગથિયે છે. હીરોઇનના બંને પગ એક પગથિયે સ્થિર જણાય છે, હાથ શરીર પાછળ છે અને હથેળીઓ એકબીજી સાથે જકડાયેલી છે. જે કદાચ નિર્ણય અગાઉની માનસિક સ્થિતિ દર્શાવે છે. હીરો ગતિમાં છે. જેની ગંભીર અને ધીમી પણ મક્કમ ચાલ જણાય છે. ફિલ્મનું નામ નીચે નાના અક્ષરોમાં છે. જ્યારે બંને મુખ્ય પાત્રોની અટક ઉપર વધુ મોટા અક્ષરોમાં છે. આ પોસ્ટર ફિલ્મની કથા સંદર્ભે ઘણું સૂચક છે. કપરાં ચઢાણ એકબીજાના સહારે ચડવાના છે, જેમાં આખરી મંજૂરીરૂપી પહેલ હીરોઇને કરીને આગેવાની લેવાની છે. તો હીરોએ બીજું બધું જ સંભાળવાનું છે.

ફિલ્મમાં પરિસ્થિતિ મુજબ સરસ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક રસ જાળવી રાખે છે. સ્ટોરીટેલિંગ મતલબ કથાશૈલી પણ સરસ છે. મર્યાદિત અને મોટાભાગના ફોર્માલીટી જેવા દૃશ્યો દર્શાવવા પડે તેવાં વિષયને પણ પ્રેક્ષકો સમક્ષ રસપ્રદ રીતે દર્શાવવા સતત જકડી રાખતી કથાશૈલી જોઈએ. જેમાં આ ફિલ્મ પ્રેક્ષકના મનમાં સતત ઉત્તેજના જગાવતી રહીને સફળ રહી છે. હજુ એક વધુ ખાસ ટેકનિકલ પાસું ફિલ્મને આકર્ષક અને બિનકંટાજનક બનાવે છે - એડિટિંગ.

ફિલ્મના અંતે પણ આ જ વર્તમાનપત્ર દ્વારા કરાયેલ એક અન્ય મહત્વના અને ઐતિહાસિક પરાક્રમ કે જેના કારણે આગળ જતાં અમેરિકન રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડ્યું હતું, તેના સંદર્ભે એક ઇશારો કરાયેલ છે.

હિટ કે પછી...? વર્ષ ૨૦૧૭માં આવેલી આ ફિલ્મ હિટ રહી હતી.

જોવાય કે પછી....? હા, ખાસ જોવાય. કારણો,
(૧) સરળતાથી સચોટ માનસિકતા ન દર્શાવી શકાય તેવાં ઘટનાક્રમોને સહજ અને રસપ્રદ રીતે માણવા માટે.
(૨) જકડી રાખતું એડિટિંગ અને કથાશૈલી
(૩) અમેરિકા શા માટે અમેરિકા છે? મતલબ શા માટે નાગરિક અધિકારો, અતિ શક્તિશાળી સત્તા હોવા છતાં લોકો મીડિયા સાથે ઊભા રહે, ભલભલાં લોકપ્રિય નેતાની ભૂલ સંદર્ભે માત્ર લોકો નહીં પણ મીડિયાએ પણ કેવી રીતે એકતા (ટોમ હેન્ક્સ છેલ્લા દૃશ્યોમાંથી એક દૃશ્યમાં એક બોક્સમાંથી શું કાઢીને મેરિલ સ્ટ્રીપ સમક્ષ ટેબલ પર મૂકે છે તે જોઈ લેજો) દર્શાવીને અમેરિકાનું ઘડતર કર્યું છે તે જાણવા માટે. આ નક્કર ઘડતરના જડતરના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પના જૂઠાણાંનો સ્કોર પણ અમેરિકન મીડિયા છાશવારે બહાર પાડી શકે, ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં મોઢામોઢ આકરા પરંતુ સ્પષ્ટ સવાલ પત્રકાર પૂછી શકે વગેરે શક્ય છે.
(૪) જાજરમાન - મેરિલ સ્ટ્રીપ અને
જાનદાર - ટોમ હેન્ક્સ :  આ બે નામ જ આમ તો કાફી છે ફિલ્મ જોવા માટે છતાં ત્રીજું નામ પણ જાણી લો. શાનદાર ડિરેક્ટરનું. કોણ? અતિપ્રખ્યાત, સફળ અને પ્રતિભાશાળી ડિરેક્ટર કે જેમના દ્વારા ફિલ્મને હંમેશ મુજબનું ઉત્તમ ડિરેક્શન મળ્યું છે. ડિરેક્ટરનું નામ - સ્ટિવન સ્પીલબર્ગ.

-હિતેષ પાટડીયા, (તા.૪/૭/૨૦૨૨)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ