વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એરીન બ્રોકોવીચ : ફિલ્મ રીવ્યૂ

શું દરેક સફળ વ્યક્તિને હંમેશા સફળતા આયોજનના સહારે જ મળે? શું આયોજન વિના પણ સફળતા મળે? જવાબ સૌને ખબર છે કે, કોઈ નિયમ નથી.


જ્યારે ક્યારેક સફળતા તરફની દિશા જીવનમાં અણધારી આવી જાય ત્યારે નવાઈ જરૂર લાગે. છતાં આ દિશાએ રહેલી સફળતાની મંજિલ સુધી પહોંચવા મહેનત તો કરવી જ પડે.


"કયા નંબરનો પતિ?" આ ડાયલોગ છે એક ડિવોર્સી મહિલા "એરીન"નો. સવાલ હકીકતમાં જવાબરૂપે બોલાયો છે. જે સટાક કરતો અપાયો હતો. એક અદાલતમાં એક કેસ સંદર્ભે, કે જ્યારે વકીલે ભૂતપૂર્વ પતિ વિશે એક વાયડો સવાલ પૂછ્યો હતો.


આ જ એરીનને જ્યારે એક બાઇકર ગેંગનો પુરૂષ બિન્દાસ રીતે પ્રપોઝ કરવાનો પ્રામાણિક અને સ્વચ્છ પ્રયત્ન કરે છે ત્યારે પણ એરીન તરફથી ધાણીફૂટ રોકડો જવાબ મળે છે. જેમાં પોતે ડિવોર્સી છે, ત્રણ બાળકોની જવાબદારી માથે છે, નોકરીના ઠેકાણા નથી અને બેન્ક બેલેન્સના નામે ચિલ્લર છે વગેરે નક્કર હકીકતો રજૂ કરીને જાણે પ્રપોઝ કરનારાના મગજનો ઊભા ઊભા એક્સ-રે કાઢી લે છે.


આવા તો ઢગલો ચમકારા આપતી મહિલા એટલે કે એરીન બ્રોકોવીચની વાત રજૂ કરતી આ ફિલ્મ છે. છતાં ફિલ્મની મૂળ વાત તેનો સ્વભાવ નહીં પણ એક પર્યાવરણ તથા માનવીઓને થયેલાં નુકસાનનો કેસ છે.


કેસની ઝીણી વિગતો અહીં નથી આપવી. પરંતુ એટલું જરૂરથી કહીશ કે એક મોટા ગજાની કંપનીની ગેરરીતિના કારણે ઘણાં લોકોને આર્થિક, શારીરિક અને માનસિક તકલીફ થઈ હતી. જેમાં ઘણાંના સંદર્ભે આ તકલીફો ગંભીર અને કાયમી હતી. જે સંદર્ભે એક નાના ગજાની કાયદા સલાહકાર કંપનીએ આ કેસ હાથમાં લીધો હતો. ખાસ કશું ઉકાળ્યું નહોતું. તકલીફ ભોગવનારાઓમાં પણ હવે ખાસ આશા નહોતી બચી.


અને એક દિવસ થાય છે એક અકસ્માત. ના,  કોઈએ કંટાળીને કંપનીના માલિકનું ખૂન નહોતું કર્યું. એરીનની કારને એક અન્ય કાર ટક્કર મારે છે. એરીન કોર્ટકેસ કરે છે, અને પેલી નાના ગજાની કંપની તેનો કેસ લડે છે. એરીનને વળતર તરીકે તેની માંગણીની સાપેક્ષે ચણાં-મમરાં પણ હાથમાં નથી આવતાં. ચણાંના ફોતરાં જેવી મામૂલી રકમ મંજૂર થાય છે અને એરીન કાયદા સલાહકાર કંપનીના માલિકને ખખડાવે છે, થોડું ઝઘડે છે અને બંને કેસ ભૂલીને પોતપોતાના જીવનમાં પરોવાઈ જાય છે.


આ એક વાત થઈ. હવે ફરીથી પેલી મોટી કંપનીની વાત. એ કંપનીને કોર્ટમાં પછાડવા માટે પુષ્કળ અને નક્કર પુરાવા, હિંમત અને સંભવિત લાભાર્થીઓનું સમર્થન કે સાથ પણ જોઈએ. જેમાં પેલી નાના ગજાની કંપનીને સફળતા મળે છે. જેમાં પાછો મહત્વનો ફાળો એરીનનો હોય છે. એરીન વકીલ નથી. એરીન પોલીસ કર્મચારી નથી. એરીન જાસૂસ, પ્રોફેસર, નેતા, પત્રકાર કે છેવટે સામાજિક કાર્યકર્તા પણ નથી. એરીનને આ કેસ અગાઉ કોઈ પણ કેસની તપાસનો જરાય અનુભવ પણ નહોતો. એરીન તો પેલી મોટી કંપનીથી હેરાન થયેલી વ્યક્તિ પણ નહોતી. વધુમાં કેસમાં સફળતા જેવી તેવી નહોતી મળી, અમેરિકાના તે સમયના ઇતિહાસ સુધીની સૌથી વધુ વળતરના પેકેજ સાથેની સફળતા હતી. તો પછી એરીન કઈ રીતે મહત્વનો રોલ ભજવી બેઠી!


કંઈક અટપટું લાગ્યું? જિંદગી પણ ક્યાં સીધી હોય છે! એમાં પણ જો નામ એરીન બ્રોકોવીચ હોય તો તો નહીં જ. એરીન બે પતિને છોડી ચૂકી હતી, જેનાથી થયેલાં ત્રણ બાળકો પોતાની પાસે હતાં. નોકરીની આવનજાવન ચાલુ હતી, પૈસાની તાણ હતી, એકલી રહેતી હતી, નોકરી પર જાય તો બેબી સિટરને ઘરે બાળકોની જવાબદારી સોંપવી પડતી હતી. જેના માટે પાછો પગારનો પ્રશ્ન સતાવતો રહેતો. ટૂંકમાં ખસ્ત હાલત હતી. ગરીબીમેં આટા ગીલાની જેમ પાછો કારને અકસ્માત અને ગળાને ઈજા બોનસમાં મળી. જેવી મળે તેવી નવી નોકરી શોધવાના પ્રયત્નોના ભાગરૂપે છેવટે કુદરતે તેને કાર અકસ્માતના વળતરમાં ભોપાળું કાઢનાર નાના ગજાની કંપનીમાં ક્લાર્ક તરીકે ગોઠવી દીધી. 


જ્યાં તેની "કશું જ ના આવડે" માંથી "સૌથી મહત્વનું કામ તેણે કર્યુ" મુજબની યાત્રા ખૂબ રસપ્રદ છે. 


મોટી કંપની સામેનો એક એવો કેસ કે જેમાં કોઈ ખૂન, મારપીટ કે ધોલધપાટ પણ નથી છતાં તગડું વળતર સમાધાન પેટે નક્કી કરાયું હોય તે આમ તો એક સામાન્ય ડોક્યૂમેન્ટરી ફિલ્મ બનીને રહી જાત, પરંતુ તેના બદલે મજેદાર ફિલ્મ બની. મુખ્ય કારણ? મુખ્ય પાત્રનો જિંદગી જીવવાનો અંદાજ. 


એરીન ગમે તેટલી તકલીફમાં હોય છતાં પોતાની શરતો પર જીવે છે. તે મોંફાટ છે, ભાષા પણ સામેવાળાને ચચરે તેવી છે, અપશબ્દોની તો ખાણ છે, છતાં તે નકારાત્મક નહીં લાગે. કારણ કે તે દરેક વખતે સાચી હોય છે. હા, અન્યોને તે ખૂંચે છે કારણ કે તેનું સત્ય શાંત નહીં પણ મોં તોડી લેતું કે સણકો ઉપડી જાય તેવું બોલકું છે અને પાછું હાજરાહજુર. મતલબ "તત્કાળ પ્રતિભાવ"નો તો એરીનનો સ્વભાવ છે.


ના, તે પોતાના જલદ સ્વભાવ કે ઝડપી પ્રતિભાવના પ્રભાવમાં ધીરજ વિનાની જરાય નથી. પોતાની જવાબદારી નિષ્ઠાથી નીભાવે છે. હા, ઉચિત વળતર માટે પાછી રોકડી ઉઘરાણી માટે તૈયાર રહે છે તે તો સમજી જ ગયા હશો. આ બધી બાબતોએ જ તેને ખાસ રીતે ઘડી છે. એરીને એક વખત ઓફિસમાં જિજ્ઞાસાવશ થઈને મહિલા સહકર્મચારીને એક સાવ સહજ સવાલ પૂછ્યો હતો, "આ રિયલ એસ્ટેટને લગતાં કેસના ડોક્યૂમેન્ટમાં લોકોના હેલ્થ રિપોર્ટ વળી કેમ રાખેલાં છે?"  જવાબમાં સહકર્મચારી તરફથી કામ સમજાવવામાં વાજબી મદદ કે યોગ્ય માહિતીને બદલે "તને ના ખબર પડે" જેવો ટોણો મળ્યો. બસ, ખલાસ. એરીન જાતે જ રસ લઈને મહેનત કરવા લાગી. એકડેએકથી શરૂ કરીને એટલી મહેનત અને ખણખોદ કરી કે ટોણો મારનાર તો છેવટે વામણી સાબિત થવા લાગી.


એરીનની જિંદગીની લાગણીશીલ બાજુઓ જેમકે ત્રણે સંતાનોને સાચવવા, માંડ પ્રાપ્ત થયેલો ત્રીજો પુરૂષ પણ એરીન નોકરી છોડવા કે બદલવા તૈયાર ન થઈ ત્યારે છોડીને જવા લાગ્યો ત્યારે અંગત જીવનથી વધુ મહત્વ હાથમાં લીધેલ કેસના લાભાર્થીઓને આપ્યું વગેરે અને વધુમાં પેલી મોટી કંપનીનો ભોગ બનેલાં પરિવારોની આપવીતી પણ ફિલ્મને સંવેદનાસભર બનાવે છે.


વાસ્તવિક જીવનમાં એરીન આ કેસ બાદ સેલિબ્રિટિ બની ગઈ છે. કાયદા સલાહકાર કંપની ચલાવવી, પુસ્તકો લખવા, ટિવિ શો હોસ્ટ કરવો, પર્યાવરણ ચળવળકાર બનવું વગેરે અનેક સફળતા પ્રાપ્ત કરી છે.


ફિલ્મની વાર્તા તો તેના મુખ્ય પાત્ર અને સરસ સ્ક્રિપ્ટને લીધે પ્રેક્ષકોને પકડી રાખે છે, પણ એરીનને પડદાં પર જીવંત કરવાની પણ મોટી જવાબદારી હતી. જેમાં સો ટકા સફળ રહી છે ફિલ્મની હીરોઇન. જુલિયા રોબર્ટસ્. 


એરીનનું અંગત જીવન, નોકરીના સ્થળે સંબંધો, તપાસની દોડધામ, બોસ સાથેની વાતચીત, અન્ય કંપની સાથેની વાતચીત વગેરે દૃશ્યોમાં કપડાં, ડાયલોગ ડિલિવરી, ચાલઢાલ, વાતચીતનો અંદાજ બધું જ જુલિયા રોબર્ટસે એટલું રસપ્રદ રીતે ભજવ્યું છે કે આખી ફિલ્મ દરમ્યાન જાણે એક છૂપો કરંટ પ્રેક્ષકોને જકડી રાખે છે. એટલે જ તેને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે યોગ્ય રીતે જ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.


ફિલ્મના અન્ય પાત્રોનો અભિનય સારો તો છે છતાં ઘણી જગ્યાએ અમુક પાત્રોને સમય ઓછો ફળવાયો કે પાત્રનું ઘડતર ન થયું તેમ જણાય છે. સ્ક્રિપ્ટમાં પણ સહેજ વાર ઢીલાશ જણાય છે પણ જુલિયાનો અભિનય બધી ઉણપો સમેટી લે છે. વધુમાં આ અભિનયને વિશેષ બનાવવા હાજર છે શાનદાર અને ધારદાર સંવાદો. જે ઘણી જગ્યાએ બોલ્ડ કે અશ્લિલ પણ છે. છતાં જરૂરી જણાશે. જુલિયાના મોઢે લેખકે એવા એવા ડાયલોગ મૂક્યા છે કે ફિલ્મ જોતી વખતે મગજ સચેત રાખવું પડશે. ના, ડાયલોગ સમજવા અઘરા નથી પણ એક પછી એક ઝડપથી ડાયલોગ આવતા રહેશે. એક ઉદાહરણ, સમાધાનની પ્રક્રિયા દરમ્યાન એક મિટિંગ યોજાય છે. જેમાં એક મહિલા માત્ર એક વાક્ય બોલે છે. કે જેના જવાબમાં એરીન સળંગ એકાદ મિનિટ બોલીને ચૂપ થાય છે. પરિણામ - મિટિંગ અચાનક પૂર્ણ થાય છે. ફિલ્મ અંગ્રેજીમાં જુઓ અને સબ ટાઇટલ પણ ચાલુ રાખીને વાંચતા રહેશો તો વધુ મજા આવશે. 


ફિલ્મને કુલ પાંચ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેશન મળ્યું હતું. જેમાં એક કેટેગરી શ્રેષ્ઠ ડિરેક્ટરની પણ હતી. ડિરેક્ટર સ્ટિવન સોડેરબર્ગનું ડિરેક્શન પણ સરસ છે. આ ડિરેક્ટરે આ ફિલ્મ બાદ Ocean's eleven, Ocean'stwelve, Ocean's thirteen, Contagion જેવી રસપ્રદ અને હિટ ફિલ્મો પણ આપી છે.

 

હિટ કે પછી...? હિટ.


જોવાય કે પછી....? હા. કારણો,

(૧) પર્યાવરણ સાથે ચેડાં અને લોકો સાથે છેતરપીંડીનો ગંભીર વિષય સંવેદનશીલ રીતે છતાં હળવી અને રસપ્રદ શૈલીમાં દર્શાવ્યો છે. 

(૨) ખુદ એરીને જ તેની વેબસાઇટ પર જણાવ્યા મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ ૯૮% જેટલી હકીકત આધારિત છે.

(૩) એક વ્યક્તિની મહેનતની જીદ પણ દુનિયા અને પોતાનામાં શું પરિણામ કે પરિવર્તન લાવી શકે તે માણવા.

(૪) જુલિયા રોબર્ટસનો અફલાતૂન અભિનય.

(૫) જુલિયા રોબર્ટસના ચચરાટ જન્માવતા ડાયલોગ (બોલ્ડ શબ્દો અને અપશબ્દો સહિત) અને ડાયલોગ સાંભળનાર કે સહન કરનાર પાત્રોના હાવભાવ કે વર્તનમાં પરિવર્તન જોવા માટે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ