ગુજરાતનો નાથ
પુસ્તક – ગુજરાતનો નાથ
લેખક – કનૈયાલાલ મુનશી
આ પુસ્તક પહેલાં જો શક્ય હોય તો પાટણની પ્રભુતા વાંચી લેવી. આ એક ઐતિહાસિક નવલકથા છે. પાટણને કેન્દ્રબિંદુ બનાવી પાટણથી જોડાયેલા પ્રસંગો એમાં લખાયેલા છે. મુંજાલ મહેતા જેવા અમાત્ય, જે પાટણનો પાયો છે, એમના જીવનની એકલતા સદાય એમની સાથે રહે છે. જયદેવ ગાદીપતિ હોવા છતાં પોતાના અમાત્ય અને મંત્રી વગર રાજપાઠ ભોગવી શકે એમ નથી. કાકભટ જેવા ભટરાજ, જે વાર્તામાં મુખ્ય ભાગમાંથી એક છે, એમની સામાન્ય સૈનિકથી ભટરાજ બનવાની સફર એમાં દર્શાવવામાં આવી છે. સાથે સાથે કાકભટ અને મંજરીના પ્રેમપ્રસંગ પણ છે.
મીનળદેવીનો ત્યાગ અને મર્યાદા દર્શાવવામાં આવ્યા છે. મંજરીનો ગર્વથી ભરેલો સ્વભાવ અંતે કાક સાથેના પ્રેમસંબંધમાં ઓગળી જાય છે.
ઉદા મહેતા, ઉબક, કીર્તિદેવ, ખેંગાર, ત્રિભુવનપાળ, કાશ્મીરાદેવી અને સોમ જેવા બીજા કેટલાય પાત્રો વાર્તાને વધુ ને વધુ રસિક બનાવે છે. પાટણની પ્રભુતામાં આ પાત્રોમાંથી થોડાં પાત્રોનો પરિચય અપાયેલો વાંચ્યો હોય તો વધુ સરળ રહે છે, અને કદાચ ના વાંચી હોય તો પણ સરળ ભાષામાં લખાયેલી આ વાર્તા ખૂબ જ રસિક છે.
