વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણાયન

પુસ્તક – કૃષ્ણાયન

લેખક – કાજલ ઓઝા વૈદ્ય


‘કૃષ્ણાયન’ એટલે માણસ બનીને જીવેલા ઈશ્વરની વાત. આમ તો કૃષ્ણ વિષે ઘણું બધું લખાયું છે, અને આપણે પણ તેમના વિશે ઘણું સાંભળતા આવ્યા છીએ.

પરંતુ કૃષ્ણની અંતિમ ક્ષણોની કલ્પના કદાચ કોઈએ બહુ કરી નથી. કૃષ્ણને ભગવાનની દૃષ્ટિએ જોતા આપણે લોકો, તેમના મનુષ્ય અવતારમાં એક મનુષ્ય તરીકે જીવેલા જીવન વિશે બહુ ઓછું વિચારીએ છીએ.

કૃષ્ણના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ—દ્રૌપદી, રાધા અને રૂક્ષ્મણી—નું મહત્વ એટલું ઊંડું હતું કે કદાચ તેમણે કૃષ્ણને મુક્ત ન કર્યા હોત, તો કૃષ્ણની મુક્તિ એટલી સરળ ન હોત. મોટા ભાગે આપણે કૃષ્ણલીલાઓ વિષે જ લખવાનું, વાંચવાનું અને સાંભળવાનું પસંદ કરીએ છીએ.

પરંતુ આ પુસ્તકમાં કૃષ્ણની અંતિમ ક્ષણોની કલ્પના કે હકીકત—એ ચોક્કસ કહી શકું નહીં—પરંતુ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પોતાના દરેક સંબંધમાંથી વિદાય લેતા કૃષ્ણની પીડા અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. પોતાની તેમજ પોતાના દરેક અંશની મુક્તિનું નિર્માણ કૃષ્ણે કેવી-કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને કર્યું હતું, તે સમજાય છે.

ભગવાન બનીને મનુષ્યરૂપે જીવવું તેમના માટે સરળ તો નહોતું જ. જેમ દરેકને કૃષ્ણની ઝંખના હતી, તેમ કૃષ્ણ પણ દરેકના થયા છે. દ્રૌપદી, રૂક્ષ્મણી, રાધા, પાંડવો, ગાંધારી, યશોદા, સત્યભામા, દારુક, બલરામ, જરા, શુભા—દરેકને આવરી લઈને પ્રસંગો અને સંવાદો રચાયા છે.

“તમે આપેલું બધું જ તમને સમર્પિત કરું છું”—આ વાક્ય પુસ્તકમાં વારંવાર લખાયું છે અને દરેક પાત્ર માટે તેનો અર્થ અલગ રીતે વર્ણવાયો છે. મારા માટે ‘કૃષ્ણાયન’ વાંચવું એક અલગ અને યાદગાર અનુભવ રહ્યું છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ