આથમતો અજવાસ
પુસ્તક - આથમતો અજવાસ
લેખક - અંકિત દેસાઈ
"અંધકારને અવગણી અજવાળાનો ઓચ્છવ મનાવતી ખુમારીની કથા."
આ એક કેન્સર પીડિતની લડતની કથા છે. જેને શ્વાસ ઓછા પડ્યા, પણ કેન્સર એને હરાવી ન શક્યું.
જેણે હંમેશા પોતાની અસાધ્ય બીમારીની ફરિયાદ કરવાની જગ્યાએ એની સામે લડવા માટે પ્રયત્ન કર્યા. એની આ લડાઈમાં સાથે રહેનાર દરેક વ્યક્તિએ કદાચ ખૂબ નજીકથી મોતને અનુભવ્યું હશે.
લખવું એ એક જીવંત કળા છે, કેમ કે શબ્દો તમને એ લાગણીનો જીવંત અનુભવ કરાવી શકે છે. નાયિકાની દરેક લાગણી, દરેક પીડા અને હિંમત તમે વાંચતા વાંચતા અનુભવી શકો છો.
ડાયરી રૂપે લખાયેલી આ કથા દરેક કેન્સર પીડિત વ્યક્તિ માટે એક જીવંત દ્રષ્ટાંત અને પ્રેરણા છે. જયારે મૃત્યુ નજીક હોય અને આપણે એ હકીકતથી માહિતગાર હોઈએ, ત્યારે પોતાની જાતને હારી જવા દેવા કરતાં જીવી લેવું — એ વાત આ કથા ખૂબ સુંદર રીતે સમજાવે છે.
મોત સામેના સંઘર્ષની આ એક ગજબની કથા છે.
અર્થસભર વાક્યો:
વધુ સમય નથી, પણ કેટલો સમય છે? જિંદગી એક્સપાયરી ડેટ સાથે આવતી નથી.
મોટા ભાગે તો માણસ ખરેખર મરતા પહેલાં મનથી મરી ગયો હોય છે.
છેલ્લા શ્વાસ સુધી હું મને મળેલા જીવન બાબતે ફરિયાદ નહીં કરું.
સ્વીકાર ઘણીવાર આપણા વિકારોને ઓગાળી દેતો હોય છે. જ્યાં સ્વીકાર હોય, ત્યાં ફરિયાદ કેવી અને કકળાટ કેવો?
ક્ષણે ક્ષણે ઘટી રહેલી મારી જિંદગીમાં એક વધારાના દિવસની ભેટ આપવા બદલ તારો આભાર.
પિતા રડે ત્યારે કોઈપણ સંતાનને ગમતું નથી.
સંતાન અસહ્ય પીડા અનુભવે ત્યારે પિતા પણ ધ્રુસકે ધ્રુસકે રડતો જ હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે ક્યારેક પિતાના આંસુ દેખાઈ જાય છે, તો ક્યારેક પિતા એ આંસુઓ દબાવી દેતો હોય છે.
પિતાની ખાસિયત એટલી જ કે તેને આંસુઓ ખાળવાની કે સંતાડવાની કળા હાથવગી હોય છે.
રડવાનું નથી... બસ લડવાનું જ છે.
કેટલાય લોકોને છેલ્લે સુધી ખબર નહોતી હોતી કે આગલી ક્ષણે તેઓ છેલ્લો શ્વાસ લેવાના છે.
તારામાં મારી લાગણીઓનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગુ છું.
ઘર આમ નિર્જીવ હોય, પરંતુ આપણી લાગણીઓને એ કેટલી બધી જીવંત રાખતું હોય છે, નહીં?
ઘર માત્ર આપણે માથે હાથ નથી ફેરવતું એટલું જ. બાકી, ઘરની હૂંફ કાંઈ કોઈ સ્વજનની હૂંફથી કમ નથી.
રડવું આવી જાય છે આવા સમયે. જ્યારે જીવનની તમામ પરિસ્થિતિ વિપરીત થઈ જાય, બધું જ કુરૂપ લાગવા માંડે અને દરેક મોરચે યુદ્ધ લડવાનું આવે, ત્યારે જીવનમાં રસ ટકાવી રાખવો અત્યંત મુશ્કેલ થઈ જાય છે.
આપણા શ્વાસ નહીં હોય ત્યારે આપણે કોઈકના શ્વાસનું કારણ બનીએ, એ બાબત રોમાંચક નથી લાગતી?
હવેનો સમય જ એવો કપરો આવ્યો છે કે કોઈપણ માણસ તમારા માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવે, એ જ ઘણી મોટી બાબત કહેવાય.
દાનત હોય તો રસ્તા કાઢવા ઈશ્વર ક્યાં નથી બેઠો?
આપણું અસ્તિત્વ મટી ગયા પછી પણ આપણે કોઈકના અસ્તિત્વ માટેનું કારણ બનીએ.
પરિસ્થિતિ ભલે કોઈપણ અંતિમની હોય, પણ આપણું એ સ્થિતિમાં સમતોલ રહેવું અત્યંત જરૂરી છે.
સઘળીય સ્થિતિમાં એક બાબતનું હોવું અત્યંત જરૂરી છે અને એ બાબત છે જાતની અંદરની શ્રદ્ધા.
આપણું ભાગ્ય ક્યારેય ખરાબ નથી હોતું. ખરાબ હોય છે આપણા સંજોગો! જો સંજોગો ક્યારેય આપણા જીવનમાં સ્થિર રહેતા નથી.
મહત્વની માત્ર એક જ બાબત હોય છે અને એ બાબત છે અસ્તિત્વ — આપણું હોવાપણું!
મહત્વનું છે લડવું, જીતવું કે હારવું નહીં.
