ડૉક્ટર રોશનલાલ
પુસ્તક – ડૉક્ટર રોશનલાલ
લેખક – વજુ કોટક, હરકિશન મહેતા
એક સત્ય ઘટના પર આધારિત આ બેસ્ટ સેલર કથા છે. શ્રી વજુ કોટકની આ અધૂરી નવલકથાના વાર્તાપ્રવાહને આગળ વધારવાની જવાબદારી હરકિશન મહેતાએ લીધી હતી અને તેમણે આ નવલકથા પૂર્ણ કરી હતી.
જમ્મુની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ કથા પોતાની પત્નીને જ મારી નાખનાર ડૉક્ટર રોશનલાલના ગુનાની કથા છે.
અનુરાધા પોતાના પતિને પોતાનું સર્વસ્વ સોંપવા તૈયાર હતી. આમ છતાં, પોતાના અહંકારને લીધે સંબંધની શરૂઆતમાં જ ખટાશ આવી જાય છે. પરંતુ ધીમે ધીમે તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે પોતાના સંબંધને સુધારવાના પ્રયત્નો કરે છે.
શામલી પોતાના માતૃત્વની ઝંખના અને પ્રેમને વશ થઈને ડૉક્ટર સાથે સંબંધ રાખી બેસે છે. ડગલે ને પગલે અનુરાધા અને તેની માતાનું હિત ઈચ્છનાર સિસ્ટર વસુંધરા પણ આખી કથામાં મહત્વનો ભાગ ભજવે છે.
કથામાં જૂના રૂઢિચુસ્ત રિવાજો વચ્ચે પોતાની દીકરીને છૂટ આપનાર પિતા છે, તો સાથે એ જ પિતા ગુસ્સામાં પોતાનો જીવ ગુમાવી દે છે અને સાથોસાથ અનુરાધાને પણ નુકસાન પહોંચાડી બેસે છે.
કોલકાતા ઓપરેશન માટે અનુરાધાને લઈ જતી વખતે ટ્રેનમાં રોશનલાલ તેની હત્યા કરી નાખે છે. આ આખું ષડયંત્ર આખરે ખુલ્લું પડતાં રોશનલાલને ફાંસીની સજા થાય છે.
ફક્ત એક સ્ત્રીને છોડીને બીજી સ્ત્રીને પામવા માટે
મોતનો આ ખેલ રચાય છે.
**અર્થસભર વાક્ય :**
જીવનની દરેક સ્થિતિને
પોતાની એક મર્યાદાનું બંધન હોય છે
અને એનું પાલન થવું જ જોઈએ.
યોગ્ય સમય પહેલાં લેવાયેલું પગલું
હંમેશા ખોટું ગણાય છે.
પ્રેમ નિરાકાર છે
અને દેહ એ પ્રેમના રૂપનો આકાર છે.
આકાર કરમાય છે,
પણ આકારથી પ્રેમ કદી કરમતો નથી.
પ્રેમ હંમેશા
આકારના આકર્ષણથી ઊંચો રહેવો જોઈએ.
આ દેશમાં હવે ઉપદેશની અસર કોઈ ઉપર થતી નથી.
દેશની આબોહવા બદલાઈ ગઈ છે.
પ્રેમમાં શરત જેવું કંઈ હોય,
તો પ્રેમમાં મજા નથી.
બાળકો ગમે તેવા હોય
અને ગમે તેવું વર્તન કરે,
તો પણ મા-બાપના હૈયામાં
તેમના માટે શુભ ભાવનાઓ જ રહે છે.
જે પૂર્ણ છે,
એના ટુકડા કરો તો
દરેક ટુકડો પૂર્ણ છે.
માણસના આત્માની પવિત્ર પ્રતિભા
નાના એવા કાર્યમાં પણ
વ્યક્ત થયા વિના રહેતી નથી.
બીજાનું માન વધારવાથી
આપણું સ્વમાન ઘવાતું નથી,
પણ તેમાં વધારો થાય છે.
સફળતાની ખાસિયત એ છે કે
માણસમાં પહેલાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે છે,
અને પછી અભિમાન જગાડે છે.
માણસનું અહંકાર તો સાપ જેવું છે;
જેમ બધા સાપ ઝેરી નથી હોતા,
તેમ દરેક માણસનું અહં પણ
ડંખીલું નથી હોતું.
