વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડૂમો

 

 

 

 

       સાંજનો સમય હતો. ઢળતો સૂરજ પોતાનું સૌંદર્ય પ્રકૃતિ આગળ રજૂ કરી રહ્યો હતો. વાતાવરણની  શીતળતાએ સાંજની કંઈક અનોખી શોભા વધારી હતી. પાછી પેલા પવનની લહેરખી કાનને સ્પર્શી જતી. પંખીઓ કલરવ કરતા  પોતાના માળા તરફ પ્રયાણ કરી રહ્યા હતા. કુદરત પણ આજે થોડી રંગીન મિજાજમાં લાગી રહી હતી. હું લીમડી બસસ્ટેન્ડમાં બસની રાહ જોઈ રહ્યો હતો.  

 


બસની રાહમાં ઉભો હતો એવામાં એક બાળકી તરફ  મારુ ધ્યાન ગયું. આજુબાજુના ગામથી આવેલ એક સ્ત્રી અને તેની સાથે એક દીકરી જે લગભગ ૧૦ વર્ષની ઉંમરની હશે અને તેની સાથે એક પુરુષ વળાવવા માટે આવેલ હતો. સર -સામાનમાં કેટલીક વસ્તુઓ,અનાજ અને કપડાં ભરેલા થેલા હતા એના પરથી લાગ્યું કે મજૂરીકામ કરવા બહાર ગામ જઈ રહ્યા છે.

 


બરાબર એ જ સમયે સુરતની બસ આવી. અહીં જે દ્રશ્ય રચાયું જેને મારી આંખો જોઈ જ રહી. ત્યાં ઉભા બધા જ મુસાફરો બસ તરફ સીટ રોકવા માટે દોડ્યાં. એક સ્ત્રી બસમાં ઝડપથી પોટલાં લઈ ચઢી અને પેલી બાળકી તેને સામાન મુકવા મદદ કરી રહી હતી. બસમાં બેસીને  સ્ત્રીએ નાનકડી દીકરીને  કહ્યું " બેટા, તું રોજ નિશાળે ભણવા જજે તારા ભાઈને પણ સાથે લઈ જજે અને એની સંભાળ રાખજે, બકરીને પાલો ખવડાવજે અને ઘરને સાચવજે" વગેરે જેવી બાબતો મોટે મોટે મોટેથી દીકરીને કહી રહી હતી. એની વાત આજુબાજુ બીજા મુસાફરો પણ સાંભળી રહ્યા હતા.

 


'મમ્મી, જતી રહેશે' એમ ધારી દીકરી જોરજોરથી રડવા માંડી . તેના અવાજના પડઘા વાતાવરણમાં  પડી રહ્યા.

દીકરીને જોઈ માના હ્દયમાં ડૂમો ભરાઈ આવ્યો અને તે ન જ  દબાતા મોં બીજી તરફ ફેરવી આંસુ પાલવના છેડે લૂછી લીધા.

 


દીકરી અને માતાનું આ દ્રશ્ય આખા બસ સ્ટેશન લોકો મીટ માંડી જોઈ   રહ્યા. બાળકી સાથે આવેલો પુરુષ તેને લઈ જવા પ્રયાસ કર્યો છતાં  દીકરી જોરજોરથી રડવા લાગી. માતાના હ્દયમાં ફરી ડૂમો ભરાઇ આવ્યો અને જોર જોરથી પોક મૂકીને રડવા લાગી. એ જ સમયે બસનો ડ્રાઈવરે સેલ સ્ટાર્ટ કર્યો અને માતાનો અવાજ બસના અવાજમાં દબાઈ ગયો. ધીરે ધીરે બસ આગળ વધી. બસ આછા પાતળા અંધારામાં વિલીન થઈ ગઈ. હું બસ તરફ એકીટશે નજરે જોઈ રહ્યો અને બીજી તરફ નજર ફેરવતા પેલી નાનકડી દીકરીને લઈ ને પુરુષ ધીરે ધીરે ચાલતો હતો. નાનકડી છોકરીના પગ ધીરે રહીને ડગ માંડતા હતા. એ પણ આછા પાતળા અંધારાની રાતમાં ધીરે રહીને ગાયબ થઈ ગઈ અને એ રીતે કરુણ દ્રશ્યનો સમય સરકી ગયો.

       

મનમાં એક પ્રશ્ન થયો.

 


માતા દીકરીને જતાં જતાં કેટલી બધી જવાબદારી આપતી ગઈ હજી તો દીકરી લગભગ માંડ દસ વર્ષની, હજુ તો ૫માં ધોરણમાં ભણતી હશે! આટલી બધી જવાબદારી માથે લઈને ફરતી હશે?

 


હા, હું મારા અનુભવ પરથી તમને કેહવા માંગુ છું કે માતા એ દીકરીને જે જવાબદારી આપી છે ખરેખર આ નાનકડી દીકરી ફરજ બજાવતી હશે જ. કારણ કે રોજગારી માટે પરિવારના લગભગ ૬૦ ટકા સભ્યો બહારગામ ગયેલા હોય છે અને બધી જવાબદારી દાદા-દાદીની હાજરીમાં આ નાનકડાં બાળકો ઉપાડી લેતા હોય છે. જે મારી નજરે મેં જોયા છે અને જાતે અનુભવ્યા છે.

 


શિક્ષક તરીકે જ્યારે ગામમાં વાલી સંપર્કમાં જવાનું થાય ત્યારે કામ કરતા બાળકોને જોઉં છું તો બાળકો શાળામાં પોતે ઘરનું જમવાનું બનાવીને આવે છે. તેને રોટલા ઘડતા આવડે છે. વાસણ માંજે છે. ઢોરને ઘાસચારો અને પાણી પીવડાવીને આવે છે અને તેના નાના ભાઈ-બહેન હોય તો તેનું ધ્યાન પણ જાતે જ રાખે છે અને પાછું મોડું વહેલું શાળામાં તો જવાનું જ!

 


કેવું અજબ કહેવાય! ઘરનું કામ, જવાબદારી સાથે સાથે ભણતર તો ખરું જ!

 


"આટલી નાની ઉંમરમાં જીવન જીવવાનો બોધપાઠ અહીં આવા બાળકોએ નાનપણથી  જ શીખી લીધો હોય છે.

 


સુરેન્દ્ર ગામીત 

વ્યારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ