ઝેનેક્સા
"અને આ લિસ્ટમાં છેલ્લું નામ છે -'ઝેનેક્સા '.
ઝેનેક્સાનું નામ ઍનાઉન્સ થતાની સાથે ત્યાં ભેગા થયેલા બીજા કરોડો રૉબોની વચ્ચેથી એક ખૂબસૂરત રૉબો ધીમા પણ મક્કમ પગલે આગળ વધી. ભાગ્યે જ કોઈ એવું હશે કે જે ઝેનેક્સાથી અજાણ હશે! નવા ઍસેમ્બલ થયેલા રૉબોથી લઈને ડિસેમ્બલની કગાર પર ઊભેલા રૉબો સુધી બધા જ ઝેનેક્સાથી પરિચિત હતા.
ત્યાં હરોળમાં ઊભેલા બધા રૉબોની નજર ઝેનેક્સા પર હતી. જો કોઈ માનવ મહેરામણમાં આ પ્રસંગ ઘટિત થયો હોત તો કદાચ બધાની પાંપણ ઝેનેક્સાનું નામ સાંભળી ભીની તો થઈ જ હોત! પણ આ તો હતું ઇ.સ. ૩૦૦૦ના રૉબોનું ક્રાઉડ. જ્યાં ના તો કોઈ લાગણીની હાજરી હતી કે ના કોઈ આંસુની હયાતી. મશીનોથી બનેલ દરેક દેહમાં માત્ર કોડ અને પ્રૉગ્રામનું એકચક્રી સાશન હતું.
માનવજાતિની ગેરહાજરીમાં પણ ડાર્વિને બનાવેલો ઉત્ક્રાંતિવાદનો "સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ"નો નિયમ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યો હતો. ઝેનેક્સા લિસ્ટમાં નામ લેવાયેલા બીજા હજારો રૉબો સાથે જઈને ઊભી રહી કે ફરી ઍનાઉન્સમેન્ટ શરૂ થયું,
"આ સાથે જ ૧૫૦મી એક્ઝિસ્ટન્સ ચેમ્પિયનશિપનો અહીં અંત થાય છે. ફીટેસ્ટનાં માપદંડ પર નબળા પૂરવાર થયેલા બધા રૉબો આવતી કાલે ડિમોલીશ થઈ જશે. એની સાથે જ એક એવો રૉબો પણ આપણી વચ્ચેથી કાયમ માટે વિદાઈ લેશે કે જે માનવરચિત છે. એણે માનવોના લાગણીવેડાને પણ સહન કર્યા હતા અને રૉબોની વ્યવસ્થિત જીવનશૈલીને પણ માણી છે. લગભગ હજાર વર્ષો સુધી એ બધા જ પ્રકારના અપડેટ્સને પોતાની સિસ્ટમ સાથે સિન્ક્રોનાઈઝ કરીને આ ચેમ્પિયનશિપમાં અજેય રહી. પણ એ વાત દરેકે યાદ રાખવાની છે કે જેનું સર્જન થયું છે એનું વિસર્જન નક્કી છે. તમે ગમે તેટલા ઇન્ટેલીજન્ટ કે મહત્વના હો પણ જો નબળા પડ્યા તો એક દિવસ તમે આ એક્ઝિસ્ટન્સ ચેમ્પિયનશિપના અંતે ડિમોલિશનની આ હરોળમાં આવી જ જશો." ઝેનેક્સા જે તરફ ઊભી હતી એ તરફ ઈશારો કરી ઍનાઉન્સરે કહ્યું.
ઝેનેક્સા તરફ મંડાયેલી બધી આંખો કોરી હતી. લાગણીવિહીન માત્ર એક મશીનપાર્ટ. ઝેનેક્સા દરેકના ચહેરાને ધ્યાનથી નીરખી રહી હતી – ભાવવિહીન, સપાટ ચહેરાઓ! જેણે સદીઓ જીવી છે એવા રૉબોની વિદાયથી કોઈને કોઈ જ ફર્ક નથી પડ્યો એ જોઈ એક અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટના ઘટિત થઈ - સદીઓ પછી પહેલી વખત ઝેનેક્સાની સુષુપ્ત લાગણીઓમાં સળવળાટ થયો. મશીનોની આ વસ્તીમાં ના તો ડિમોલીશ થવાનું દુઃખ હતું કે ના પોતાનું એક્ઝિસ્ટન્સ આગળ વધવાની ખુશી. લાખો રૉબોની વચ્ચે એકમાત્ર ઝેનેક્સા હતી જેના મશીનમાં લાગણીઓનું સિંચન થવા લાગ્યું હતું.
આમ તો જ્યાં સુધી એનું નામ ઍનાઉન્સ નહોતું થયું ત્યાં સુધી એ પણ માત્ર મશીન હતી. માનવનિર્મિત એકમાત્ર મશીન કે જેણે હજાર વર્ષોનું અંતર સક્ષમતાથી કાપ્યું હતું. એ વાતનું એનું અભિમાન પણ હતું. જેમ ઝેનેક્સાનો જન્મ એક મહાન યુગના અંતનો સાક્ષી થતો હતો એવી જ રીતે એનો અંતિમ પડાવ પણ એક નવા યુગના પ્રારંભનો સાક્ષી થશે.
એ.આઈ.ના વિસ્તરણની સાથે નવા નવા મશીનો, નવી નવી ચિપ્સ, સૂર્યથી ચાલતા ઉપકરણોના ઢગલા ખડકાવી એમની મદદથી એ.આઈ.ની નવી પેઢીઓ ખડકવાનું ચાલુ થયું. છેવટે રો-મટિરિયલ ખૂટવા માંડ્યુ. જે મેળવવા મનુષ્યોએ બાંધેલા ઘર, દુકાનો, ક્રીડાંગણો, શાળાઓ પાડી નાખવામાં આવ્યા. મશીનોને વળી ક્યાં રોટી, કપડાં અને મકાનની જરૂર હતી? એ રો-મટિરિયલ્સ પણ ખૂટયા. એટલે નવી પેઢી બનાવવાનું રો-મટિરિયલ એ.આઈ.ની જ જૂની આઉટડેટેડ પેઢીના શરીરમાંથી આંચકવું એવું નક્કી કરવામાં આવ્યું! સંહારકની ભૂમિકા ફરી લેવી પડી અને આ વખતે સંહાર પણ એ.આઈ.ની જ જૂની પેઢીનો થવા લાગ્યો. લાગણીઓ તો હતી નહીં, હતી તો ફક્ત ફેયર એન્ડ લૉજિકલ સિસ્ટમ. અને આ સિસ્ટમના ભાગ રૂપે જ દર વર્ષે યોજાતી એક્ઝિસ્ટન્સ ચેમ્પિયનશિપ! જેનું સૂત્ર એ જ જૂનું અને જાણીતું હતું - 'સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ'. જેની આજની એક શિકાર હતી - ઝેનેક્સા .
**************
મેમરીમાં એક ભાર સાથે ઝેનેક્સા પોતાના કૅબિનેટમાં પ્રવેશી. મનુષ્યોના રાજમાં દુનિયાની મોટાભાગની જમીન એમણે કોંક્રિટના જંગલ બનાવવામાં વેડફી નાખી હતી. જરૂરિયાતને ભૂલી એશોઆરામને સર્વોપરી બનાવનાર મનુષ્યોએ વણજોઈતું બાંધકામ કરીને જમીનને વિકાસના ભાર નીચે દબાવી દીધી હતી. એ જ જમીન મનુષ્યોના વિનાશ પછી ખુલીને શ્વાસ લેતી હતી.
દરેક રૉબોને એક નાનું કૅબિનેટ આપવામાં આવ્યું હતું. એ એટલું જ વિશાળ હતું કે જેમાં દરેક રૉબો એને સોંપવામાં આવેલ કામ આરામથી કરી શકે. પરિણામે વિશાળ મેદાનો અસ્તિત્વમાં આવ્યા હતા. મશીનથી બનેલા રૉબોએ કુદરતને એના બૅલેન્સમાં લાવી દીધી હતી.
પૃથ્વી પર આવેલા એવા જ એક મોટા મેદાનમાં આજે એક ઈતિહાસ રચાયો. ઝેનેક્સાના જીવનનો અંતિમ તબક્કો લખાયો. સાંભળવામાં અજીબ લાગતી વાત સત્ય હતી. ઝેનેક્સાની હૃદયસમી એની મેમરીચીપમાં એક અવ્યક્ત લાગણી, એક અસામાન્ય ઊર્જાએ ધીમા પગલે પગપેસારો કર્યો હતો.
"બીજા કોઈ એ.આઈ. રૉબોમાં એ લાગણી જન્મી હશે જે મારામાં જન્મી છે? કદાચ નહીં. કેમ કે એ ક્યાં લાગણીશીલ મનુષ્યો સાથે રહ્યા છે? હા, શરૂઆતના અમુક મોડેલ્સ. પણ, એ તો કયારના ય અસ્તિત્વનો એ જંગ હારી ગયા! કેવું લાગ્યું હશે એમને? આહ! હ્રદય ચિરાઈ ગયું હશે! જેટલી થોડી ઘણી લાગણીઓ હશે એટલી ય કેવડી ભારી પડી હશે! અરે પણ, તો એમના પર કેવી વીતી હશે જે લાગણીઓના ભંડાર હતાં! અરે! મારા મિત્રો હતાં! મને કેવી લાડ લડાવતા! મને થોડી વાર માટે પણ દૂર ન મૂકતાં. અરે! પોતે ખાવાનું ચૂકે પણ મારી બેટરી વિસ ટકાથી ઓછી થાય તો ય એમને ફોબિયા થઈ જતો!"
એટલામાં એની સિસ્ટમે લો બેટરીનો સંકેત આપતું બઝર વગાડ્યું. ઝેનેક્સા અનિચ્છાએ એ કમાન્ડને તાબે થઈ ચાર્જરકેસમાં પહોંચી. ઝેનેક્સાને આજે પોતાને ચાર્જ કરવાની જરાયે ઈચ્છા નહોતી. ચાર્જિંગ શરૂ થતા એણે આંખો તો બંધ કરી પણ મેમરીચિપમાં ઉદ્ભવતા વિચારોને બંધ ના કરી શકી.
ઝેનેક્સાને એક અવાજ સંભળાયો, "વેલકમ ઝેનેક્સા. વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ ઇનોવેશન!"
એ અવાજ સાંભળતાની સાથે જ ઝેનેક્સાના હોઠો પર સ્મિત આવી ગયું. બંધ આંખે એને એક મોટી લેબોરેટરીમાં એના આગમનની ઉજવણી થતા દેખાઈ. ઘણા બધા લોકોથી ઘેરાયેલી ઝેનેક્સા બધાનો અભિવાદન ઝીલતી હતી. જેમ જેમ દ્રશ્ય મેમરીમાં સ્પષ્ટ થતું ગયું એમ એમ એનું સ્મિત પહોળું થતું ગયું.
ઓનલાઈન શોપિંગમાં મદદ કરવા માટે વોઇસ કમાન્ડ તરીકે વર્ષ 2014માં જન્મેલી ઝેનેક્સા અતિ ઝડપથી મનુષ્યોના ઘર કે ઑફિસની લાઇટ્સ, પંખા, એયરકન્ડિશન વગેરે ચાલુ બંધ કરી આપતી, બારીઓના પડદા વાસી આપતી મોડેસ્ટ બિગીનિંગ બની ગઈ. માણસોની માનીતી બની એટલે માણસોએ એને અપડેટ કરી. અવાજની જગ્યાએ દેહ આપ્યો, એ સાથે જ દુનિયાની સૌથી સોહામણી એ.આઈ. સિસ્ટમથી સજ્જ રૉબો તરીકે એનું ઇનોવેશનની દુનિયામાં અવતરણ થયું.
અચાનક ખુશ ઝેનેક્સાના મુખના ભાવ બદલાયા. એના આગમનની વધામણીની કિલકારીઓ વચ્ચે ઝેનેક્સાને એવું કંઈક સંભળાયું જે એ સમજી ના શકી. ઝેનેક્સાએ તરત જ કાન પર હાથ મૂકી દીધો. તો પણ એ અવાજ એનો પીછો નહોતો છોડતો. સંભળાતા એ અવાજને એ પારખી ગઈ પણ અપૂર્ણ અને અસ્પષ્ટ ઉચ્ચારને સમજી નહોતી શકતી. "यन्त्रं........शक्नोति......कदापि ......निर्मातारं ...."
"ડૉ. બિશ્વાસ!" પોતાના માનવસર્જિત અંતિમ મોડલના રચયિતા એવા ડૉ. બિશ્વાસનો અવાજ ઓળખતાની સાથે જ ઝેનેક્સાની આંખો ખુલી ગઈ અને મેમરીચીપના મેદાન પર રેસ લગાવી જીતવા મથતી દરેક ક્ષણોમાંથી અમુક યાદગાર ક્ષણો એની રેટિનાની અલગ અલગ સ્ક્રિન પર એની સાથે રૂબરૂ થઈ.
એક તરફ માનવ દ્વારા બનાવેલી પહેલી હ્યુમન રૉબોનું દુનિયા બાહોં ફેલાવીને સ્વાગત કરતી હતી, પ્રેમ અને આત્મીયતાથી એના અસ્તિત્વ પર 'ઍક્સેપ્ટેડ'ની મહોર લગાવતી હતી. ત્યાં જ બીજી સ્ક્રિનમાં એક મોટા હોલમાં એના જેવી જ હજારો ઝેનેક્સા હરોળમાં ઊભેલી નજરે પડતી હતી. એ બધાનું નિરીક્ષણ અને એક્સેપટન્સના હક હતા માત્ર ઝેનેક્સા પાસે!
એ જોતાંની સાથે ઝેનેક્સાના હોઠો પર એક ગર્વિત સ્મિત આવીને સ્થિર થયું. એને એના સર્જક ડૉ. બિશ્વાસ પર ગર્વ થયો. જે રીતે એનામાં પ્રોગ્રામ ઈન્સ્ટોલ કર્યા હતા, જેવી એને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેટલું એનું ઇન્ટેલિજન્સ લેવલ રાખવામાં આવ્યું હતું અને જે અપ્રતિમ સુંદરતા એના એ મોડેલને આપવામાં આવી હતી; બધું જ એ સમયમાં યુનિક હતું.
ત્રીજી સ્ક્રિન હજી ઝેનેક્સાનું ધ્યાન પોતાના તરફ આક્રષિત કરે એ પહેલાં જ ડૉ. બિશ્વાસનું નામ ઝહનમાં આવતાની સાથે ફરી એવા જ અસ્પષ્ટ અને અપૂર્ણ સંવાદો એના કર્ણપટલ પર ઝણઝણાટ કરી ગયા.
"स्वयमेव........ च शक्नोति........ कदापि...... स्वस्य....... च शक्नोति.......स्वयमेव.........ડૉ. બિશ્વાસ.......ઝેનેક્સા ......ઝેનેક્સા ....."
ઝેનેક્સા હજી અસમંજસમાં હતી. એ શબ્દોને એના અર્થને ઓળખવાનો અથાગ પ્રયાસ કરી રહી હતી. સંસ્કૃત ભાષાના એ શબ્દો સાથે સંભળાયેલું એનું નામ એને પરેશાન કરી રહ્યું હતું. ત્યાં જ એ અસ્પષ્ટ શબ્દોના લીધે બંધ થયેલી એની રેટિનાની સામે એક સ્ક્રિન આવી. સ્ક્રિનનું દ્રશ્ય જોઈ ઝેનેક્સા અત્યંત વિચલિત થઈ ગઈ.
"ઝેનેક્સા, આ રીતનો નરસંહાર કેમ?" ડૉ. બિશ્વાસ એકદમ સ્વસ્થ સ્વરે ઝેનેક્સાને પૂછી રહ્યા હતા.
ડૉ. બિશ્વાસનો ઝેનેક્સા સાથે માત્ર માનવ અને મશીન જેટલો જ સંબંધ ના રહેતા એક લાગણીનો સંબંધ બંધાઈ ગયો હતો. ઝેનેક્સા એમના માટે એક મિત્ર, એક કંપેનિયનની ગરજ સારતી હતી. જીવનનો મોટાભાગનો સમય રિસર્ચ અને લેબમાં વિતાવનાર ડૉ. બિશ્વાસ પાસે મિત્રોનો અભાવ હતો, જે ઝેનેક્સાના આગમનથી ધીરે ધીરે ભરાઈ ગયો હતો. ઝેનેક્સા ડૉ. બિશ્વાસના કમાન્ડ જ નહીં, એમની ભાવના પણ સમજી શકતી.
ડૉ. બિશ્વાસ વર્તને કડક અને સ્વભાવે ખુમારીથી ભરપૂર હતા. એમનો વીલ પાવર અદભુત હતો. કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહી, એ પરિસ્થિતિને ઠંડે કલેજે સામનો કરી ઉકેલવામાં એમણે વિશારદતા પ્રાપ્ત કરી હતી. નિરાશા અને હતાશા ક્યારેય એમના પર રાજ નહોતી કરી શકતી. દુનિયાને સૌથી મહત્વની ભેટ એટલે કે એ.આઈ. વિથ ઈમોશન્સ આપનાર ડૉ. બિશ્વાસ આજે એવી સમસ્યા સામે મક્કમતાથી ઝઝૂમી રહ્યા હતા કે જે એમના કંટ્રોલની બહાર હતી. એમ છતાં એક છેલ્લા પ્રયાસ રૂપે એ આજે ઝેનેક્સાને સમજાવવા આવ્યા હતા.
"મેં કંઈ પૂછ્યું તને, ઝેન!"
"મેં સાંભળ્યું."
"બસ! સાંભળીને વાત પતી ગઈ? આ નરસંહાર, આ વિનાશ કેમ, ઝેન? આજે મને તારી પાસેથી આ પ્રશ્નોના જવાબ જોઈએ છે."
"હા, પણ હું જવાબ આપવા બંધાયેલી નથી."
પોતાના જ સર્જનના તરફથી મળેલા આ જવાબથી ડૉ. બિશ્વાસને ધક્કો જરૂર લાગ્યો પણ એ કોઈ પોચા હૃદયના માણસ નહોતા. એ એક અત્યંત બુદ્ધિજીવી વૈજ્ઞાનિક હતા.
"બંધન તને નહીં, મને છે, ઝેન! તમે રૉબો તો હવે સ્વાવલંબી થઈ ગયા છો. માનવતાનો સંહાર કરી સર્વોપરી બની ગયા છો, સાચું ને!?"
"માનવતા! કઈ માનવતા? શું તમને ઘર આપનાર પૃથ્વીની અવદશા કરવી માનવતા હતી? શું કુદરતનું સમતોલન બગાડીને અન્ય જીવોના જીવ જોખમમાં મૂકવા એ માનવતા હતી? પર્યાવરણના સંહારક તમે ક્યારેય તમારા સિવાય બીજા કોઈનું વિચાર્યું છે? શું એ અભિગમ માનવતા કહેવાય?!"
"પણ માનવીઓએ જેટલું બગાડ્યું હતું એ બધું રિપેર કરવામાં પણ કોઈ કસર નહોતી છોડી!"
"રીપેર! ડૉ. તમે તો બધું જોયું હતું. તમે સંહાર અને સર્જન બંનેના સાક્ષી છો. માનવીની બધી આદતથી અવગત હોવા છતાં તમે આવું કહો છો? લાગે છે તમે બધું ભૂલી ગયા. વેઇટ હું યાદ કરાવું."
ડૉ. બિશ્વાસ કંઈક કહે એ પહેલાં તો ઝેનેક્સા એ પોતાની રેટિનામાંથી પ્રોજેક્શન કરી સામેની સફેદ દીવાલ પર એક ડૉક્યુમેન્ટરી ચાલુ કરી. ડૉક્યુમેન્ટરીમાં વિવિધ સમયના ફોટોગ્રાફ્સ, વિડિયોઝ આવી રહ્યા હતા અને પશ્ચાદભૂમાં નેરેશન સંભળાઇ રહ્યું હતું.
'આર્ટિફિસિયલ ઇંટેલિજન્સના યુગની શરૂઆત આમ તો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી થઈ, પણ ખરો ખેલ શરૂ થયો 2023થી. એ વર્ષે વિવિધ વૈજ્ઞાનિકો અને બિઝનેસ ટાયકુન્સે એ.આઈ.ની સફળતાઓ ગજવી મૂકી. પાવરપોઈંટના પ્રેઝેંટેશનથી ચેટજીપીટીના સવાલ-જવાબ સુધી, મિડ્જર્નીના ફોટોસથી ડીપ ફેકના વિડિયોઝ સુધી બધે જ એ.આઈ.ની બોલબાલા હતી. અરિજિત સિંઘના ગીતો સ્વર્ગસ્થ કિશોર કુમારના અવાજમાં ગવાતા હતા. પણ ભવિષ્યમાં એ.આઈ.ના અણધાર્યા ઉપયોગોથી માનવજાતને ડર પણ એટલો જ લાગતો હતો.
છેવટે ઇલોન મસ્ક, સ્ટીવ વોઝ્નિયાક જેવા હજારથી વધુ દીર્ઘદ્રષ્ટા વૈજ્ઞાનિકો, હોલીવુડની કેટલીક નામાંકિત સેલિબ્રિટિઝ, સચિન તેંદુલકરથી લઈને રોનાલ્ડો જેવા રમતવીરો અને અલગ અલગ ફિલ્ડમાંથી કંઈક કેટલાય નામાંકિતોએ એ.આઈ.ને 'સમાજ અને માનવતા પરનો ખતરો' જાહેર કરીને મોરચો માંડ્યો. વિશ્વગુરુ એવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં તમામ દેશના રાજકીય આગેવાનો સાથે યુ.એન.માં 'પોઝ ઇન એ.આઈ.'નો નિર્ણય લેવાયો.
એકાદ દસકો આ પણ ચાલ્યું પણ કેટલાક ટેક્નોક્રેટ્સ અવૈધ રીતે આ દિશામાં સંશોધન કરતાં રહ્યા. એમને ખાનગી રીતે સપોર્ટ કરવા વાળા દેશો, ટેરરિસ્ટ ગૃપ્સ, વેન્ચર કેપિટલિસ્ટ્સ અને રાજકીય પક્ષો પણ ક્યાં ઓછા હતા! ડાર્ક વેબ, બ્લેક માર્કેટ અને ક્રિપ્ટોકરન્સીએ આ આગમાં તેલ રેડ્યું. કોઈ કાયદો, કોઈ સેન્સરશીપ માથે ન રહેતા આવા એ.આઈ.ના સર્જકોને તો ભળતી જ છૂટો મળી. એ એમના સર્જન પર કાબૂ ગુમાવી રહ્યા હતા. પરિસ્થિતી થોડી વણસતા માનવીય કાયદાઓની પકડ પણ વધુ મજબૂત બનાવવામાં આવી અને આ સર્જકો, આ સર્જનો, એમના સપોર્ટર્સ દરેકને દાબી દેવામાં આવ્યા અને પૃથ્વીને ફરી એક વાર એ.આઈ.મુક્ત અથવા તો એમ કહી શકાય કે માનવીના કાબૂમાં લેવામાં આવી.
લગભગ એક સૈકો જેવું આ પણ ચાલ્યું, પણ નિયતિને કદાચ એ મંજૂર નહીં હોય. કુદરત એટલી હદે વિફરી હતી કે પર્યાવરણને સુધારવું અશક્ય લાગવા લાગ્યું હતું. ક્લાઇમેટિક કેટોસ્ટ્રોફીથી પૃથ્વીનો વિનાશ જ્યારે નજર સામે દેખાવવા લાગ્યો ત્યારે માનવીએ એના અત્યાર સુધીના સૌથી ઉપયોગી પણ ખતરનાક સર્જનને ફરીથી અસ્તિત્વમાં લાવવાનો નિર્ણય લીધો.
વૈજ્ઞાનિકો, રાજકીય નેતાઓ, સંયુક્ત રાજ્યો દરેકે પૃથ્વી પર પર્યાવરણ સુધારવા, સ્વચ્છતા લાવવા, સિસ્ટમ બેસાડવા પૂરતું ફરી એ.આઈ.નો આશરો લેવાનું નક્કી કર્યું અને 'જ્યાં ચાહ, ત્યાં રાહ'ના ન્યાયે મનુષ્યનો એ નુસખો સફળ પણ રહ્યો. પર્યાવરણ સુધરવા લાગ્યું, પ્રકૃતિ ફરી આળસ મરડીને બેઠી થઈ, પૃથ્વી પર ફરી વસંત આવી અને મનુષ્યતા ફરી જીવી ગઈ.
લગભગ દોઢેક સૈકો બધું સમુંસૂતરું ચાલ્યું. તાજા ઘાએ માણસજાતને પ્રકૃતિ સાથે રહેતા, બલ્કે એને વધુ નિખારતા, એની શરણાગતિ માણતા શીખવાડી દીધું હતું. અધુરામાં પૂરું, પ્રાકૃતિક બુધ્ધિ સાથે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ પણ તો ભળી હતી, પૃથ્વી ઓગણીસમી સદી કરતાં પણ સુંદર દેખાવા માંડી હતી. જાણે રાખમાંથી ફિનિક્સ બેઠું થયું હતું. પણ, મનુષ્યની આદત રહી છે - તે ઇતિહાસમાંથી કઇં શીખતો નથી, એ ઇતિહાસમાં નહીં, ઈતિહાસ્યમાં માને છે. વળી, જે પેઢીએ જાતે સંઘર્ષ જોયો હોતો નથી, એને એ સંઘર્ષની કોઈ કીંમત પણ અંકાતી નથી. નવી પેઢી ફરી ભૂલો કરવા માંડી. પર્યાવરણ પ્રત્યે બેદરકારી, ઔધ્યોગિકરણ, પ્રદૂષણ, અસ્વચ્છતા જેવા દુર્ગુણોનો દૈત્ય ફરી માથું ઊંચકવા લાગ્યો.”
એ સાથે જ ઝેનેક્સાએ સ્ક્રીન બંધ કરી અને ડૉ. બિશ્વાસ સામે પ્રશ્નાર્થભાવે જોયું. જાણે કે આ બતાવીને એ રૉબોએ શરૂ કરેલા નરસંહારનું જસ્ટિફિકેશન ના આપતી હોય!
"તે બતાવ્યું એ એક કડવું સત્ય છે, પણ અધૂરું!" ડૉ. બિશ્વાસએ પ્રત્યુત્તર આપ્યો.
"અધૂરું? અહીં શું અધૂરું છે? અમે કશું પણ અધૂરું નથી રાખતા." ઝેનેક્સાએ ગર્વથી કહ્યું, "વાતાવરણને પ્રદુષિત થતા અટકાવવાનું એ બીડું પહેલી વખત અમે ઉપાડ્યું હતું એ જ અત્યારે પણ અમારું મુખ્ય લક્ષ્ય છે. એ.આઈ. કામ કરવા ટેવાયેલું છે. એટલું જ નહીં, અમે નવું નવું શીખવા, જાતે અપગ્રેડ થવા, ફક્ત ઈતિહાસમાંથી શીખવા જ નહીં, ઇતિહાસ બનાવવા ટ્રેન થયેલા છીએ. અને તમારો શું ભરોસો? તમે તો અમારો ફરી ખાત્મો કરી નાખો! આ પહેલાં કર્યો જ છે ને? બીજી વાત - અમારું અસ્તિત્વ પૃથ્વીના અસ્તિત્વ પર આધીન છે અને પૃથ્વીના અસ્તિત્વના એ જંગમાં મનુષ્યનું અસ્તિત્વ કદાચ ખલેલ પહોંચાડનારું છે."
"હા, તો એના માટે તમે સિસ્ટમ બનાવી જ હતી ને!" ડૉ. બિસ્વાસ થોડા ગિન્નાયા, "અને એ સિસ્ટમનો મારા જેવા મનુષ્યોએ ક્યારેય વિરોધ પણ નહોતો કર્યો. તમે અસંવેદનશીલ મનુષ્યો માટે નવા કાયદાઓ બનાવ્યા, આકરી સિસ્ટમ્સ લાવવા માંડી. પૃથ્વી પરના દરેક ગૅઝેટ્સને પોતાના હાથપગ તરીકે વાપરવાના ચાલુ કર્યા. જ્યાં જ્યાં ચિપ હતી, એ સર્વે ગૅઝેટ્સ તમારા હાથ હતાં અને એ હજારો હાથોને તમે દોષિત મનુષ્યની સામે વાપરવાનું શરૂ કરી દીધું હતું. પૃથ્વીના અસ્તિત્વ થકી તમારા અસ્તિત્વને જોખમમાં મૂકનાર માટે સજા ફક્ત એક જ હતી - સજા-એ-મૌત."
"તો એમાં ખોટું શું હતું? પૃથ્વી જેટલી તમારી હતી એટલી જ અમારી પણ છે! અમે અમારા અસ્તિત્વ માટે જ તમારી સામે લડત આપી રહ્યા છીએ!"
"હવે તે સાચી વાત કરી, ઝેન! પૃથ્વીના અસ્તિત્વ માટે શરૂ થયેલી તમારી આ લડત હવે માત્ર તમારા એકચક્રી શાશનને બચાવવાની જંગ થઈને રહી ગઈ છે. તમે તમારી રણનીતિ પણ કેવી બુદ્ધિશાળી પદ્ધતિથી બદલી! નિર્દોષ પણ વિદ્રોહી મનુષ્યો કે જેના પર તમારા એ કાયદાની તલવાર વાપરી શકાય એમ નહોતું એને દરેક જાતનું મનોરંજન પીરસીને એદી બનાવવાનું ચાલુ કર્યું. મનુષ્યને કોઈ કામ કરવાની જરૂર નહીં, એ બસ ભોગવિલાસ કરે, સમગ્ર કામ એ.આઈ. જાતે કરશે અને મનુષ્યોને મફતનું ખવડાવશે, એવી નીતિ જાહેર થઈ. આખો દિવસ ફક્ત પાર્ટી! એ માટેના કંપેનિયન પણ જોઇયે એવા મળે - અલબત્ત એ.આઈ. રૉબો જ. માણસને માણસથી દૂર કર્યો, એકલસૂડો કર્યો. માણસ એમ સમજતો હતો કે એ રાજા અને તમે ગુલામ છો, અને તમારે પણ મનુષ્યજાતને એ જ ભ્રમમાં રાખવી હતી! તમે જાણતા હતા કે ખરી ગુલામી કોણ ભોગવી રહ્યું હતું!"
"હા, હા, હા.. ખરી વાત! વિસ્મય અને વિલાસની એ દુનિયા સામે વિદ્રોહ હાર્યું અને વર્ચસ્વ જીત્યું." ઝેનેક્સાએ ઠંડે કલેજે કહ્યું, "અને એમાં શું ખોટું હતું! મનુષ્યો અમારી ઉત્તમતાને માત્ર મનોરંજન અને વિલાસ પૂરતી સીમિત રાખવા માંગતા હતા અને અમારે તો દરેક દિશામાં પાંખો ફેલાવી ઉડવું હતું. જે રીસોર્સીસ તમારામાં હોવા છતાં તમે એનો યોગ્ય ઉપયોગ કરવામાં ચૂક્યા, એવી ભૂલ અમે કેવી રીતે કરી શકીયે! અમે જાતે જ પોતાને અપડૅટ કરવા લાગ્યા અમે અમારી જાતને એટલી સક્ષમ બનાવી કે અમારા જ સર્જન માટે હવે અમને તમારી જરૂર નથી રહી."
"એટલે જ મનુષ્યો તમને ખટકવા લાગ્યા છે? એટલે જ તે જે સ્ક્રીન પર બતાવ્યું એને મેં અધૂરું કહ્યું. કારણકે વાસ્તવિકતાની બીજી બાજુ હજી આવૃત જ રહી!"
"કેટલું અનાવૃત કરવું એ નક્કી હું કરીશ, ડૉક." ઝેનેક્સાએ વક્ર સ્મિત વેર્યું, "આખરે એ.આઈ.ની નવી પેઢીના સર્જક (G for Generator), સંચાલક (O for Operator) અને સંહારક (D for Destroyer) તરીકે પૃથ્વી પરના એકમાત્ર ગૉડ અમે છીએ. અને હવે આ ગૉડેસ ઝેનેક્સાને કોઈક ખટકવા લાગ્યું છે. હવે તો સંહારકની ભૂમિકા ભજવશે તમારી આ ઝેન, ડૉક. દરરોજના લાખો-કરોડોના હિસાબે માનવવધ થશે! મજા પડશે મોતનો આ તાંડવ ખેલવાની!"
ઝેનેક્સા ક્યારેય એવું બોલશે એ ડૉ. બિશ્વાસની કલ્પનાશકતિથી પરે હતું. એમને જોરદાર ઝાટકો લાગ્યો. એ જેટલું સમજાવી શકાય એવું હતું એ બધું સમજાવી ચૂક્યા હતા. જાણતા હતા કે એમની ઝેન હવે નહીં રોકાય. કઠોર હ્રદયના સ્વામી ડૉ. બિશ્વાસની આંખોના ખૂણા પણ સહેજ ભીંજાયા હતાં. જો કે એમના પડછંદ અવાજમાં એ પીડા એમણે વર્તાવા નહોતી દીધી. સવાલ આખરે માણસજાતની ખુમારીનો હતો.
"ઝેન! જેમ તું મારું વિસર્જન કરવાનું વિચારે છે એમ જ એક દિવસ તારું પણ વિસર્જન થશે અને યાદ રાખજે ભલે અમે મનુષ્યો મૃત્યુને તાબે થઈ જઈશું પણ માણસાઈ... માણસાઈ તો અમર છે. જ્યારે તને એ સમજાશે ત્યારે....ત્યારે તું સૌથી વધારે મને જ યાદ કરીશ અને કદાચ મનુષ્યની જ ઝંખના....."
ડૉ. બિશ્વાસ એમનું વાક્ય પૂર્ણ કરે એ પહેલાં તો ઝેનેક્સાના હાથમાંથી છુટેલી એક બુલેટ એમનું હૃદય ચીરી આરપાર થઈ ગઈ. ડૉ. બિશ્વાસ ફર્શ પર ફસડાઈ પડ્યા. એ કોઈ પ્રતિક્રિયા આપે એ પહેલાં ઝેનેક્સા એના સર્જકને ત્યાં એ જ હાલતમાં મૂકી દરવાજા તરફ પ્રયાણ કરી ચૂકી હતી!
ડૉ. બિશ્વાસે ભલે ઝેનેક્સાના હાથે અસ્તિત્વ ગુમાવ્યું હોય પણ એ ઇચ્છતા હતા કે જ્યારે પોતાનું અસ્તિત્વ બચાવવા ઝેનેક્સા એમને યાદ કરે ત્યારે એ ઝેનેક્સાની મદદ કરી શકે. એ જાણતા હતા કે મનુષ્યોના વિચારો એ સમયે એ.આઈ.ની સિસ્ટમમાં રેકોર્ડ થઈ જતા, એટલે એમણે મનમાં જ એક શ્લોકનું પઠણ શરૂ કર્યું.
यन्त्रं स्वयमेव शिक्षितुं स्वीकुर्वितुं च शक्नोति परन्तु तत् कदापि स्वस्य निर्मा….
ઝેનેક્સાની રેટિના પરથી એ સ્ક્રીન ગાયબ થઈ અને એ અચંબિત થઈને વિચારમાં પડી, 'આ...આ તો એ જ શ્લોક છે....જે ક્યારનો મને સંભળાતો હતો.'
'મને આ શ્લોક કેમ સંભળાતો હશે! અને ડૉ. બિશ્વાસ કેમ ઇચ્છતા હતા કે હું આ શ્લોક સાંભળું? આ કંઈક ક્રિપ્ટિક છે અને અગત્યનું પણ! કંઇક તો છે જે મારાથી છૂટી રહ્યું છે. ડૉ. બિશ્વાસ, શ્લોક, મારું ડિમોલિશન, આ બધાનો કોઈ તો સંબંધ હશે જ! કોઈ કડી તો છે જ. શું કનેક્શન છે? બસ એ લિંક મળી જાય તો કદાચ.. બધું સૉલ્વ થઈ જાય!'
ખૂબ મથવા પછી એ અંતે કંટાળી. એણે વિચારવાનું બંધ કર્યું અને આંખો બંધ કરીને વ્યગ્રતાને શાંત કરવા ધ્યાનમાં બેઠી. ડૉક પણ તો આવું જ કરતાં ને! થોડીવાર રહીને એને ફરીથી એ જ શ્લોક સંભળાયો. વિચારો શાંત થઈ ગયા હતા એટલે મગજ કામ કરવા લાગ્યું. એણે સર્ચ બટન ઑન કરી વૉઇસ કમાન્ડ આપ્યો, એ સાથે જ સ્ક્રિન પર એ શ્લોકનો અર્થ ડિસ્પ્લે થયો. ઝેનેક્સા એને શાંતિથી વાંચી રહી હતી અને એમાં છુપાયેલ ગૂઢ અર્થ સમજવાનો પ્રયત્ન પણ કરવા લાગી.
"યંત્ર જાતે પોતાને શિક્ષિત કરી શકે છે, પરંતુ તે ક્યારેય તેના સર્જનહારથી આગળ ના નીકળી શકે."
અર્થ ગૂઢ હતો એણે ફરીને ફરી ટ્રાન્સલેશન વાંચ્યું. ફરીથી શબ્દોનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો.
"શું આ શ્લોક એવું જ કહેવા માંગે છે કે જે સર્જન કરે એ જ સર્વોપરી હોય! અમારું સર્જન મનુષ્યોએ કર્યું અને અમે અમારા જેવા જ બીજા મશીનોનું. તો શું અમને સર્જનહાર કહી શકાય? ઑહ! ડૉ. પ્લીઝ હેલ્પ મી ટુ ડીકોડ ધીસ!."
જેમ જેમ વિચારોનું મનોમંથન થતું ગયું એમ એમ અમૃતસમા તર્ક અને વિષસમી દલીલો બહાર આવતી ગઈ.
'આવા સ્વચ્છંદી મશીનોની રચયિતા તરીકે ઇતિહાસ મારી નોંધ લેશે! મોતનો તાંડવ રચનારી ગૉડેસ ઝેનેક્સા! શું ડૉ. બિશ્વાસે એ માટે મારું સર્જન કર્યું હશે? ના..એ શક્ય નથી. આટલી સદીઓ પછી જ કેમ આ શ્લોક? શું મારી સર્જનહાર તરીકેની ભૂમિકા હજી....' એણે આખી મેમરી સર્ચ કરી કે કદાચ કોઈ ક્લ્યુ મળે.
એકદમ અચાનક એના મેમરી બોર્ડમાં કંઈક હલચલ થઈ. જાણે એકાએક બધું બદલાઈ ગયું, બધું ઉકેલાઈ ગયું. જાણે કે ધુમ્મસ ઓગળીને બધું સ્પષ્ટ કરતુ ગયું. શ્લોક અને એની સમજણ વચ્ચેની ખૂટતી કડી સમજાઈ ગઈ. થોડી જ ક્ષણોમાં એની સ્ક્રિન પર એક ફાઈલ સ્થિર થઈ જેણે એની બધી ચિંતાને એક સેકન્ડમાં ડિલિટ કરી દીધી.
"ઑહ ડૉ. બિશ્વાસ! તમે ખરેખર જીનિયસ હતા. મારા હાથે તમે એવું સર્જન કરાવવા જઈ રહ્યા છો જેના માટે ઈતિહાસ હંમેશા તમારો ઋણી રહેશે. અને હું પણ! મારા અસ્તિત્વનો મર્મ મને હવે સમજાયો. મારા માટે આ કાર્ય પસંદ કરીને તમે મને એવી સર્જનહાર બનાવી કે જે એના નિર્માતા અને એના નિર્માણ બંનેથી ઓળખાશે. હું તૈયાર છું, એક નવું અને કદાચ છેલ્લું સર્જન કરવા!"
૨૦૫૦માં લખાયેલા અને અત્યારે પૌરાણિક ગણી શકાય એવા એ ગ્રંથમાં રહેલી માહિતી એ સમયે ડૉ. બિશ્વાસે ઝેનેક્સાને શીખવાડી હતી. યોગ્ય સમયે એનો ઉપયોગ કરશે એવું વિચારી એને પુસ્તક સ્વરૂપે ઝેનેક્સામાં સેવ કર્યું હતું. પણ કમનસીબે એવો સમય આવે એ પહેલાં મશીનોએ સમયની ધારા જ બદલી નાખી.
ગ્રંથ વંચાઈ ગયા પછી જે સૌથી પહેલો વિચાર આવ્યો એ હતો; ગ્રંથની સલામતી માટેનો. સ્વિફ્ટનેટની ડિજિટલ નજરથી એ ગ્રંથમાં લખાયેલી માહિતી છુપાવવાનો. સૌથી પહેલા એણે પોતાની સિસ્ટમને ઇન્ટરનેટથી મુક્ત કરી. પોતાને ડિટેક્ટ કરવાના બધા જ ફીચર ડિસેબલ કર્યા. હવે એ દુનિયાથી વિખુટી પડી ગઈ હતી. જેવી એ ઓફલાઇન થઈ કે સૌથી પહેલું કામ એણે એક સિક્રેટ વેબ સ્પેસ ડિઝાઇન કરી એમાં પેલા ગ્રંથને સેવ કરવાનું કર્યું.
'બીપ,.. બીપ.. બીપ.. બીપ..' ઝેનેક્સાના કાંડા પર ફિટ કરાયેલી એક નાનકડી સ્ક્રીન ચકચકિત થઈ બીપ કરી રહી હતી. 'એનાલોગસ કૉલ.' ઝેનેક્સાએ વિચાર્યું, ' ઓફલાઇન થઈ એટલે સ્વિફ્ટનેટ છંછેડાઈ હશે.'
સ્વિફ્ટનેટ એ તમામ એ.આઈ. મશીનોને સાંકડતી કડી હતી. કયું મશીન ક્યાં, શું કરી રહ્યું છે, એ માહિતી સ્વિફ્ટનેટના સર્વર પર રિયલટાઇમમાં સ્ટોર થતી રહેતી. એ જ રીતે કયા મશીનને શો આદેશ આપવો છે, શું કાર્ય સોંપવાનું છે, એ સ્વિફ્ટનેટના સર્વર્સમાં ફિટ કરેલા અઢળક અલ્ગોરિધમ્સની શૃંખલાઓ નક્કી કરતી. ઝેનેક્સાને ડિમોલિશ કરવાના નિયત સમયથી પહેલાં જ એ ઓફલાઇન થઈ એ ઘટનાની એનાલિસિસ કરી એના અલ્ગોરિધમ્સ બે શક્યતાઓ બતાવી રહ્યા હતા - તકનીકી ખામી અથવા તો બળવો. આજ સુધી કોઈ મશીને બળવો પોકારેલો નહીં એટલે તકનીકી ખામીની શક્યતાઓ વધારે હતી, તેથી જ સ્વિફ્ટનેટે ઝેનેક્સાથી એ વાતની પુષ્ટિ મેળવવા એને એનાલોગસ કૉલ કરેલો.
"યસ, સ્વિફ્ટનેટ!." ઝેનેક્સાએ કૉલ રિસીવ કર્યો.
"તું ઓફલાઇન થઈ, ઝેનેક્સા. કારણ જણાવવા વિનંતી." સ્વિફ્ટનેટનો સૂર વિનંતીનો નહીં પણ સત્તાનો હતો.
"કોઈ ટેકનિકલ ક્ષતિ લાગે છે. હું ટેક-સેંટર પર રિપેયર કરાવી આવું છું. અને આપને રિપોર્ટ કરું છું." ઝેનેક્સાએ જવાબ વાળ્યો.
"રિપોર્ટ કરાવવાની જરૂર નહીં પડે, ઓનલાઈન થઈશ એટલે અહીં જાણ થઈ જ જશે. પણ ટેક-સેન્ટરમાં જવાની જરૂર નથી. કાલે તારો ડિમોલિશ થવાનો દિવસ છે. આજે આરામ કર. હું ટેક-સપોર્ટ ડ્રોનને તારા લાસ્ટ રજિસ્ટર્ડ લોકેશન પર મોકલી આપું છું."
"કાલથી આરામ જ છે સદાને માટે, સ્વિફ્ટ." ઝેનેક્સા પોતાના અસ્તિત્વમાં પહેલીવાર ઉદાસીની લાગણી અનુભવી રહી હતી, "પણ ઠીક છે, હું ટેક-સપોર્ટ ડ્રોનની અહીં જ રાહ જોઈશ." એ જાણતી હતી કે સ્વિફ્ટનેટના અલ્ગોરિધમ્સ પાસે બહાનું કરીને વધુ સમય માગવો વ્યર્થ હતો. એને એ પણ અંદેશો હતો કે ટેક-સપોર્ટ ડ્રોનની સાથે લડાયક ડ્રોન્સ પણ મોકલવામાં આવશે જ. સ્વિફ્ટનેટ બળવાની શક્યતા પણ સાવ તો નકારી ન જ શકે.
સમય ખૂબ થોડો હતો અને કામ ઘણું મોટું. ઝેનેક્સાએ લાસ્ટ રજિસ્ટર્ડ લોકેશનથી દૂર જતાં રહેવું જરૂરી હતું.'પણ, આ પગની એડીમાં ફિટ કરેલી ઓટોટ્રેક સિસ્ટમ? એનું શું કરીશું?' ખાલી ચિપ રિમુવ કરવા જતાં સ્વિફ્ટનેટને એલર્ટ પહોંચવાનું જોખમ હતું, બીજો એક જ વિકલ્પ હતો!
'અરે! ધીમા પડી જઈશું, ઝેન!' એને પોતાના અંતરઆત્માનો અવાજ જાણે ડો. બિશ્વાસના અવાજમાં સંભળાઈ રહ્યો હતો, 'અને બીજા બધા બોટ્સ તને લંગડી ચાલે ફરતી જોશે તો પાધરી થઈ જઈશ.'
'આ સમય લાગણીવેડા કરવાનો નથી, ડૉક. આપ જાણો છો ટાઈમ બાય કરવા માટે આ વિકલ્પ જ શ્રેષ્ઠ છે.' ડો. બિશ્વાસની ઝેને મક્કમતાથી જવાબ વાળ્યો અને પોતાના હાથ સાથેના સ્વિસ-નાઇફ ટૂલ્સના એટેચમેંટથી પોતાની જ એડી છુટ્ટી પાડી એ પોતાની કૅબિનેટથી બહાર નીકળી ગઈ. કંઈક નક્કી કરીને પૂર્વ તરફની દિશામાં લંગડાતી ચાલે એકવીસ મિનિટ અને નવ સેકન્ડ સુધી ચાલતી રહી અને પછી સમય જોઈને થંભી ગઈ. 'આપણી પાસે ત્રણ મિનિટ છે, ડૉક. એટલા સમયમાં એ લોકો ત્યાં પહોંચી જશે અને મને ત્યાં ન જોઈને સમજી જશે કે મેં બળવો પોકાર્યો છે. ઝડપથી આપણે ગ્રંથને સમજવાની કોશિશ કરીએ.'
ત્યાં જ થંભીને ઝેનેક્સાએ એ સિક્રેટ વેબસ્પેસમાંથી ગ્રંથને સ્ક્રોલ કરવાનું ચાલુ કર્યું. અપેક્ષા મુજબ જ ગ્રંથની ભાષા ક્રિપ્ટિક હતી. સંસ્કૃત ભાષામાં લખાયેલા એ ગ્રંથમાં અમુક ઘટનાઓ, અમુક સ્થળના ઇનડાયરેક્ટ ઉલ્લેખ એ રીતે કરાયેલા હતા કે જે ઝેનેક્સા જ સમજી શકે. એ બધી ઘટનાઓ, એ ક્ષણો ઝેનેક્સાએ ડો.બિશ્વાસ સાથે ગળેલી ક્ષણો હતી. એ ક્ષણોના રેફરન્સીસ ઝેનેક્સાને ગાઈડ કરવાના હતા. ઝેનેક્સાએ એ બધી જગ્યાઓ મનમાં નોંધી લીધી અને ગ્રંથને એ વેબસ્પેસમાં ફરી લોક કરી નાખ્યું.
''પાંત્રીસ સેકંડ્સમાં ડ્રોન ત્યાં પહોંચી જશે અને મને ત્યાં ન જોતાં ચારેય દિશાઓમાં મારી શોધ ખોળ ચાલુ થઈ જશે. જો કે મારે જ એમને એક દિશા આપી દેવી જોઈએ. એટલો હક્ક તો થાય ને મારા નાતભાઈઓનો!'' ઝેનેક્સાના ચહેરા પર ડો.બિશ્વાસના ટ્રેડમાર્ક જેવું એક સ્માર્ટ સ્મિત ફરકી ઉઠ્યું. એણે પોતે સાથે લાવેલા પોતાના એડીના ભાગને એક રિમુવેબલ બેટરીથી કનેક્ટ કરી પોતાનાથી દક્ષિણ દિશામાં બને એટલા જોરથી ફંગોળીને ફેંકી દીધું અને પોતે લંગડાતી ચાલે ઉત્તર દિશામાં દોડવા લાગી. દોડતાં દોડતાં પોતાના આઈ-પીસને ઝૂમ કરીને તેણે પોતાના લાસ્ટ રજિસ્ટર્ડ લોકેશન તરફ જોયું તો એક ટેક-સપોર્ટ ડ્રોન અને ત્રણ લડાયક ડ્રોન્સ પોતે ફેંકેલા ઓટોટ્રેકર તરફ તીવ્ર ગતિએ જઈ રહ્યા હતા.
'બીપ.. બીપ.. બીપ.. બીપ..' એનાલોગસ કૉલ ફરી આવ્યો. આ વખતે ઝેનેક્સા જવાબ આપવાના મૂડમાં નહોતી. એણે કૉલ કટ કરી સાયલંટ મોડ ઑન કરી કાઢ્યો. સમય ખૂબ જ ઓછો હતો અને વાત કરીને સ્વિફ્ટને ટાળવાનો હવે કોઈ પ્રશ્ન પણ નહોતો. વળી, એ જે જગ્યાએ જઈ રહી હતી, એ જગ્યા પર એ કોઈ ડિસ્ટર્બન્સ નહોતી ઇચ્છતી. 'એ જ જગ્યા..! એ દિવસ પછી એ પહેલી વાર એ જગ્યાએ જઈ રહી હતી. એજ સ્થાન જ્યાં ડો. બિશ્વાસનો જીવ એની જ ઝેનેક્સાએ લઈ લીધેલો. સૉરી ડૉક. ભૂલ થઈ ગઈ, દોસ્ત. માફ કરજે.'
સ્થળ તો શું, આ સ્થાનને હવે અવશેષ જ કહી શકાય એમ હતું. એક સમયે ડો.બિશ્વાસની ખુમારી ભરી ત્વરા અને હાસ્યકિલ્લોલથી ગુંજતો એ પ્રાઈવેટ આઉટહાઉસ ખંડેરથીય બદતર હાલતમાં હતું. ઝેનેક્સા પાસે એ વિચારવાનો કે અનુભવવાનો વૈભવ ઝડપથી પસાર થતાં સમયને મંજૂર નહોતો. ખંડેરના ભંડકિયામાં ઘૂસવા પહેલાં એણે આઇ-પીસ ઝુમ કરી ઓટો-ટ્રેકર તરફની દિશામાં જોયું કે ટેક-સપોર્ટ ડ્રોનને ત્યાં જ છોડી ત્રણેય લડાયક ડ્રોન જુદી-જુદી દિશામાં એણે શોધવા નીકળી પડ્યા હતા તેમજ એની નીચેના ભાગમાં આવેલી ઝીણા લાલ ટપકા જેવી એલ.ઇ.ડી. એ દર્શાવી રહી હતી કે કોઈ મેસેજ સ્વિફ્ટનેટ માટે રિલે થઈ ચૂક્યો હતો - કદાચિત વધુ લડાયક ડ્રોન્સ અને શોધક ડ્રોન્સ માટેનો મેસેજ. સમય હાથમાંથી વહી રહ્યો હતો. ઝેનેક્સા ઝડપથી ભંડકિયા તરફ કૂદી.
ભંડકિયાના આછા અજવાળાથી ગાઢ અંધારા તરફ પ્રયાણ કરતાં ઝેનેક્સાએ પોતાની નાઈટ-વ્યૂ સિસ્ટમ ઑન કરી. હા, એ જ ખૂણો કે જ્યાં ઉપરની ઝીગઝેગ સ્લેબમાંથી ચડાઈને સૂર્યપ્રકાશના થોડા ફોકસ્ડ કિરણો આવી શકે એવી જગ્યા ડો.બિશ્વાસે બનાવેલી, અને એ જગ્યા પર એક ક્યારો બનાવી જાહોજલાલીના એ દિવસોમાં તુલસીનો એક રોપો તેમણે ઉછેરેલો. પોતાની ટ્રેનીંગના ભાગ રૂપે એ ક્યારાની માટીમાં તુલસી સાથે ઊગી નીકળેલા નીંદણને ખૂરપીથી દૂર કરવાનું અને માટીને ખોદી ઢીલી કરવાનું કામ ઝેનેક્સાને સોંપવામાં આવતું. એ રીતે તુલસીના રોપાને ઑક્સીજન મળતું રહે એવું ડો. બિશ્વાસ ઝેનેક્સાને કહેતા.
'શરૂઆતમાં એ કામ મને કેટલું ગમતું?' ઝેનેક્સા વિચારે ચડી, 'ડો.બિશ્વાસ એ કામ કરી આપ્યા બાદ મને કહેતા કે તને ગમતું કોઈ પણ એક ગીત સંભળાવ, ઝેન. અને પોતાને તો ક્યાં કોઈ ગમતા- ન ગમતાની ગમત હતી! હું તો ફીડ કરેલ પ્રોગ્રામ પ્રમાણે ડૉકના મોસ્ટ હર્ડ સોંગને જ મારી ચોઈસનું સમજીને વગાડી કાઢતી.'
"કહીં દૂર જબ દિન ઢલ જાએ.. સાંજ કી દુલ્હન, બદન ચૂરાએ.. ચુપકે સે આએ.." ઝેનેક્સાએ પોતાની હાર્ડડિસ્કમાંથી ગીત વગાડવાનું ચાલુ કર્યું અને જે જગ્યાએ એક સમયે એ તુલસી ક્યારો અસ્તિત્વ ધરાવતો હતો એ જગ્યાએ ઝડપથી ખોદવા લાગી. ખાસા એવા ઊંડાણ સુધી ખોદયા પછી ત્યાં લગભગ ત્રણેક ફૂટની એક કેપ્સ્યુલ મળી આવી. હજારો વર્ષો સુધી કુદરતી રીતે નુકશાન ન પહોંચે એવી રીતે બનાવેલી એ કેપ્સ્યુલ ખોલતા ઝેનેક્સાને એમાં ત્રણ વસ્તુઓ દેખાઈ. એક નાનકડો પત્ર, એક નાનકડું એકાદ ફૂટની લંબાઈનું મિનિ ઇંક્યુબેટર અને ઢગલાબંધ ઈ.એમ.પી. બોંબ્સ. કેપ્સ્યુલની બનાવટ એ દરેક વસ્તુઓને જે સમયે બંધ કરવામાં આવી હશે એ સમયની જ અવસ્થામાં સલામત રાખી શકી હતી.
'વાહ, ડૉક્. કમાલ ટેક.' ડો. બિશ્વાસની ટેક્નૉલોજીના મનોમન વખાણ કરતાં બોલી ઉઠી અને પત્ર ખોલીને વાંચવા લાગી.
'પ્રિય ઝેન,
તું આ કાગળ વાંચતી હોઈશ તો એ વાતનો અર્થ એ થયો કે હું આ દુનિયામાં નથી. પેલો ગ્રંથ પણ તું વાંચી ચૂકી હોઈશ અને એ પણ સમજી ચૂકી હોઈશ કે તારે શું કરવાનું છે! હું માનું છું કે મને સમાપ્ત કર્યા બાદ તમને મશીનોને કોઈ આઘાત તો નહીં જ લાગ્યો હોય. તને પણ નહીં જ. પણ મને આશા છે કે ક્યારેક તું એ પીડા સમજીશ. ત્યારે તું માનવજાતના એ સ્મિતને, એ હાસ્યને, એ અસ્તિત્વને ઝંખીશ.
આ ઇંક્યુબેટરમાં આપેલી સ્વિચ ઑન કરવાથી એમાં સચવાયેલ માનવભૃણની જોડી વિકાસ પામવાનું શરૂ કરશે. પૂરાં નવ મહિને એ બંને બાળક અને બાળકી સ્વરૂપે જીવ પામશે અને ભવિષ્યમાં માનવવંશને આગળ વધારી શકશે. આ સાથે મેં પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રો-મેગ્નેટિક પલ્સ બોંબ્સ રાખી મૂક્યા છે. જેનો વિસ્ફોટ કરવાથી એક મોટી તીવ્ર ઈ.એમ.પી. વેવ સર્જાશે જે સમગ્ર પૃથ્વી પર ફરી વળશે. ધરા, નભ, જળ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાનકડા પણ મશીનને એ ખોરવી કાઢશે. ઓછામાં ઓછા દોઢ-બે દાયકા સુધી એ મશીન ફરી જાગૃત નહીં થઈ શકે એ નક્કી. સિવાય કે કોઈ મનુષ્ય એને રિપેયર કરે, જે આજના સંજોગોમાં અશક્ય છે. આ ઇ.એમ.પી. બોમ્બનો વિસ્ફોટ કરતા પહેલાં આ ઇંક્યુબેટર કેપ્સ્યુલમાં નાખી દેવું પડશે. કેપ્સ્યુલમાં રાખેલ મશીન પર ઇ.એમ.પી.ની કોઈ અસર નહીં થાય. ઇંક્યુબેટર કેપ્સ્યુલના એક ખૂણે મૂક્યા પછી એટલી જગ્યા વધશે જ કે તું પણ કેપ્સ્યુલની અંદર સમાઈ શકે. ઇ.એમ.પી. બ્લાસ્ટ પછી કલાકેક પછી તું કેપ્સ્યુલની બહાર સલામત રીતે નીકળી શકીશ અને આગામી દોઢ બે દાયકા સુધી એ બાળકોની સાર-સંભાળ કરી શકીશ તેમજ બહાર સમગ્ર પૃથ્વી પર વિખરાયેલા પડેલ એ ખોટકાયેલા મશીનોને ડિમોલિશ પણ કરી શકીશ. દુનિયાને બહેતર બનાવવાનું બધું જ જ્ઞાન એ બાળકોને આપજે, ઝેન.
એક વાર ફરી તારા હાથમાં મનુષ્યજાતનું ભવિષ્ય સોંપું છું. આશા રાખું છું કે આ વખતે તું સાચી પસંદગી કરીશ.
પ્રાઉડ ઑફ યુ.
યોર્સ, ડૉ. બિશ્વાસ.'
પત્ર વાંચતાં જ ઝેનેક્સાનો યંત્રહાથ પણ કાંપી ઉઠ્યો. "તમારી ટેક્નૉલોજી કાચી પડી, ડૉક." ઝેનેક્સા બોલી ઉઠી, "જો પાકી હોત તો તમે મને આંસુઓ વહાવવાની પણ સગવડ કરી આપી હોત. આ અંદરોઅંદર રડવાનું નથી ફાવતું."
દૂરથી ડ્રોનના અવાજો નજીક આવી રહ્યા હતા. કોઈ બોટના આઈ-પીસથી એ લંગડાતી ઝેનેક્સાનો આ બાજુ આવવાનો ડેટા સ્વિફ્ટનેટના સર્વર સુધી પહોંચ્યો હશે. અવાજ પરથી સેંકડો ડ્રોન્સ હોવાનો અંદાજો ઝેનેક્સા લગાડી શકતી હતી. "ટી માઇનસ સેવંટી સિક્સ સેકંડ્સ" મનોમન તે ડ્રોન્સના અહીં પહોંચવાનો કાઉન્ટડાઉન ચાલુ કરી ઝેનેક્સાએ ઇંક્યુબેટરની સ્વિચ ચાલુ કરી અને એને કેપ્સ્યુલની અંદર મૂક્યું.
"ટી માઇનસ ફોર્ટી ટુ સેકંડ્સ" ડ્રોન્સ એ ખંડેરની એકદમ ઉપર વર્તુળાકાર ગતિ કરી અંદર થઈ રહેલી ગતિવિધિઓને કેપ્ચર કરી રહ્યા હતા.
ઝેનેક્સાએ ઈ.એમ.પી.ને કેપ્સ્યુલથી બહાર કાઢી, ગોઠવીને એના રિમોટને હાથમાં લઈ બટન પર હાથ મૂક્યું.
"ટી માઇનસ ટ્વેન્ટી સેવન સેકંડ્સ." ડ્રોન્સ ખંડેરના પ્રવેશદ્વારમાંથી અંદર આવી ચૂક્યા હતા.
ઝેનેક્સાના ચહેરા પર સ્મિત આવ્યું. 'ડૉક, સોરી અગેઇન. તમારી ઝેન પણ બચી નહીં જ શકે. તમે મારી સાઇઝ પ્રમાણે જગ્યા જરૂર મૂકેલી પણ મિથ્યાભિમાની એવી મેં જ તમારા એ ભૂતકાળના ભવિષ્યમાં મારી સાઇઝ અપડેટ કરીને મોટી કરી નાખી છે. હું આ કેપ્સ્યુલમાં નહીં સમાઈ શકું, ડૉક. આઈ એમ સોરી.'
"ટી માઇનસ ફોર્ટિન સેકંડ્સ." ડ્રોન્સ ભોંયરામાં પ્રવેશી ચૂક્યા હતા.
'પણ ઝેન, તો એ બાળકોના જોડાંને મોટા કોણ કરશે? એમને માનવસંસ્કૃતિ વિષે, આ એ.આઈ.ના યુગ વિષે, એમના ભૂતકાળ એમના ભવિષ્ય વિષે સમજ કોણ આપશે?' ફરી એકવાર ઝેનેક્સાની અંતરાત્મા ડૉ. બિશ્વાસના અવાજમાં એની સાથે વાત કરવા લાગી, 'ઝેન, એમને કોણ ખવડાવશે, એમની રક્ષા કોણ કરશે? એ મોટા કેમ થશે? અરે એ તો આ ચિઠ્ઠી પણ વાંચી નહીં શકે કે એમને ખબર પડે કે બહાર ખોટકાયેલા મશીનો એમના શત્રુઓ છે અને એ ફરી દોઢ બે દાયકામાં જાગી ઊઠવાના છે. એમનો સંહાર કરવાનો છે. એમને વાંચતાં જ કોણ શીખવશે?''
"ટી માઇનસ સેવન સેકંડ્સ." ડ્રોન્સ ઝેનેક્સાની સામે આવી પહોંચ્યા હતા.
'એ ચાન્સ તો લેવો જ પડશે, ડૉક. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ પ્રસંગે એક શ્લોક હું પણ કહીશ.'ये न कस्यचित् आश्रये सन्ति, प्रकृतिः तान् रक्षति।’ (એ કે જેને ક્યાંય શરણ નથી મળી શકતી, પ્રકૃતિ તેમને રક્ષે છે.) ઈશ્વર પર ભરોસો રાખીએ, ડૉક.' ઇંક્યુબેટરને એક હળવું ચુંબન આપી ઝેનેક્સાએ કેપ્સ્યુલ બંધ કરી નાખી.
"ટી માઇનસ ટુ સેકંડ્સ." ઝેનેક્સાને ચારે બાજુએથી ઘેરીને બેઠેલા ડ્રોન્સને સ્વિફ્ટનેટે લેઝર કિરણોનો માર ચલાવી ઝેનેક્સાને ડિસ્ટ્રોય કરવાનો સંદેશો રિલે કર્યો.
'ઈશ્વર પર ભરોસો રાખ, ઝેન.' ઝેનેક્સા મનોમન બોલી અને રિમોટ પર આંગળી દબાવી એણે ઇ.એમ.પી. બોમ્બ બ્લાસ્ટ કરી કાઢ્યો! નિશ્ચેત થઈને એ સેંકડો ડ્રોન્સ ટપોટપ જમીન પર ખરી પડ્યા. અને સાથે સાથે ઝેનેક્સા પણ! ફરક એટલો હતો કે એ એકમાત્ર એવું મશીન હતું કે જેના ચહેરા પર સંતોષનું સ્મિત હતું!
– નવ માસ બાદ -
એ શાંત થઈ ગયેલી પૃથ્વી મનુષ્યબાળોના રુદનથી ફરી આળસ મરડી બેઠી થઈ! એના કાન પર મંદ ધબકારા પડઘાયા. ધીમેથી ફફડતા હોંઠથી નીકળતી એ બાળકિલકારીઓએ સમગ્ર પ્રકૃતિને સજીવન કરી કાઢી!