મરજીવિયા
એક મરજીવિયો જીવનું જોખમ ખેડીને દરિયામાંથી મોતી લાવ્યો. સમાજનાં લોકોએ કહ્યું, "આપણા ગામનાં સરોવરમાં સરસ રંગબેરંગી પથ્થરો છે , આટલે દૂર અને પેટાળમાં જઈને સફેદ રંગનો પથ્થર લાવવાની શું જરૂર હતી? વળી, લાવ્યો તોય એક જ લાવ્યો!"
મરજીવિયાને તો દરિયાના ઊંડાણમાં પાણીનો પણ આટલો ભાર નહોતો લાગ્યો જેટલો આ લોકોનો પ્રતિસાદ જોઈને ભાર લાગ્યો...!
સમાજનાં લોકોનાં મતે એક જેવાં સફેદ મોતી કરતાં રંગબેરંગી અને અલગ અલગ આકારના પથ્થરોની કિંમત વધુ હતી.જેમણે માત્ર રંગબેરંગી પથ્થરો ભેગાં કર્યા હતા એમના પથ્થરો ઊંચા ભાવે વેચાયા. કેટલાકે ઘરની શોભા વધારવા માટે સંઘરી રાખ્યા.
મરજીવિયાને આટઆટલા જોખમ ખેડ્યાનો પણ અફસોસ થવા લાગ્યો, કારણ કે સાચી કિંમત માત્ર પોતે જ જાણતો હતો. એક ક્ષણ માટે તો તેને મોતીને ફેંકી દેવાનો વિચાર આવ્યો પણ પોતાની મહેનતની કદર એ પોતે જ નહીં કરે તો બીજાને શું કહેવું! એટલે તેણે મોતીને ગળામાં પહેર્યું.ઉદાસ મનથી ગામની ગલીઓમાં ફરતો રહ્યો. થોડો થાક અનુભવતાં સરોવરના કિનારે બેઠો. અચાનક તેણે સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું. એ પ્રતિબિંબ જાણે સરોવર ખમી ન શક્યું હોય એમ વમળ સર્જાયું. થોડી જ ક્ષણોમાં તો સરોવરનો પેટાળ દેખાયું. એ મરજીવિયો કિનારે બેઠાં બેઠાં જોઈ રહ્યો અને મલકી રહ્યો...! તેનો બધો જ અફસોસ ઓગળી ગયો. તે પોતાની જાત પર ગર્વ અનુભવીને પાછો ફર્યો.
- મમતા મહેશ્વરી 'ધાનિ'
