એક રૂપિયો
શિયાળાની ફુલ ગુલાબી ઠંડી માં સૌથી મોટી સજા એ છે કે, આગલા દિવસનો થાક ઉતારવા માંગતો ના હોય એટલે તમને પથારી માં જકડીને રાખે, પણ દિમાગમાં ચાલતું ગણિત અને જવાબદારી આંખોને ધઢડાઈને ઉઠાડી દે છે.
આવી જ એક સવાર દરેક ના ભાગ્યમાં કાયમ હોય છે. પણ એ સવાર ધ્યાન થી જોઈએ તો એક વિશ્વાસ, એક વિચાર અને એક સમજ આપતો જાય છે. એવી જ ઘટના મારી સમક્ષ બની ગયી.
વહેલી સવારે બાઈક લઈને ઓફિસ પહોંચ્યા. ઓફિસ માં ઘૂસતાં જ ખબર પડી કે આજે બહાર કામથી જવાનું છે. અને સાથે એક મિત્ર ને પણ લઈ જવાનો છે. એક ઘરે કંપનીના બાકી પૈસા લેવાના હતા. એટલે અમે બાઇક લઈને નીકળી ગયા.
આશરે ૧૦ કિલોમીટર ના પ્રવાસ કરીને આખરે એ ઘરે પહોંચ્યા જ્યાંથી પૈસા લેવાના હતા. બાઈક એક ફળિયામાં લીમડા નીચે મૂક્યું. લીમડાની સામે જ એ મકાન.
મકાન એકદમ જૂના જેવું. ઘરની દીવાલ માત્ર ઈંટો અને માટી ની બનેલી, છત પર વિલાયતી નળિયા, મુખ્ય દરવાજો નાનો અને સાંકડો. ઘર માં જવું હોય તો માથું નમાવી ને જવું પડે. અમે ઘરના મુખ્ય દરવાજામાં ડોકિયું કરીને જોયું તો અંધારું ને અંધારું જ. માત્ર વિલાયતી નલિયામાં પડેલા કાણા માંથી સૂર્યનો પ્રકાશ સીધો જ ઘરની અંદર પડે. એટલે અમે બહાર રહીને જ બૂમ પાડી,
"કોઈ છે ઘરમાં?"
એટલે અંદર થી અવાજ આવ્યો એક સ્ત્રીનો, "એ આવું"
એ સ્ત્રી બહાર આવી ને અમને અમારો પરિચય પૂછ્યો. એટલે અમે અમારો પરિચય આપ્યો. એટલે એ બહેન ને ઘડીક પરસેવો આવી ગયો અને ચિંતા માં પડી ગયા. એટલે અમે એ ભાઈ ને ઘરે બોલાવા કહ્યું. એમને બાજુ માં રહેતા એક ભાઈને જાણ કરી કે એમને તાત્કાલિક ઘરે બોલાવો.
આ બધું સંભાળીને થયું કે હજુ વાર લાગશે. એટલે અમે ફળિયાના વચ્ચે આવેલ લીમડા ના ઝાડા નીચે ઊભા રહ્યા. ત્યાજ મારી નજર એ મકાનની પડખે પાથરેલા ખાટલા પડી. ખાટલો બહુ જૂનો, પણ મજબૂત. એના ચાર પાયાને લપેટીને ઊભેલા ચાર લાકડા અને એ લાકડાના સહારે ઊભી કરેલી પ્લાસ્ટિકની છત. ખાટલા પર આસન તરીકે જૂની અને મેલીડાટ જેવી ગોદડી અને ઓશિકું. એ ઘરના માલિક એ મસ્ત રીતે એક ડોશીમાં સૂતા હતા.
થોડીવાર સુધી રાહ જોયા બાદ એક ભાઈ સાઇકલ લઈને અમારી જોડે આવ્યા. ચિંતા અને તકલીફ એ ભાઈ ના મોઢા પર ખાસ દેખાતી. આવી ને તરત પૂછ્યું, " સાહેબ, થોડો સમય ખેચાય તો જોવાને!'' મારે થોડું કામ નીકળી જાય. એટલે અમે વિચાર્યું, કે આવું ને આવું ચાલે તો કેમ ચાલે. એટલે અમે ના પાડતા કહ્યું,," આજે દેવા પડશે, બહુ સમય થઈ ગયો, થોડા થોડા કરીને દીધા હોત તો પૂરા થઈ ગયા હોત. એટલે એ ભાઈ એ ચિંતા માં પણ બનાવટી સ્મિત આપ્યું. એટલે અમે પૂછ્યું,,"કેમ ભાઈ આવું હસો છો?" એટલે એ ભાઈ કહ્યું," કાલે મારે જાત્રા કરવા જવું છે, એટલે થોડા પૈસા તો જોઈએ ને!" ત્યાં ખબર પડી કે આ ભાઈ અત્યાર સુધી બધા ને પોતાની પરિસ્થિતિ ની બનાવટ માં પૈસા નથી આપવા માંગતો. એટલે અમે ઘણી કડકાઈ થી વાત કરી અને ચર્ચા કરી. એટલે એ ભાઈ કંટાળી ને કહ્યું," મને ૧૦ મિનિટ આપો, હું પૈસા લાઈને આપું." ભાઈ ઘરમાં ગયા અને એમની પત્ની સાથે જોર જોર થી વાતો કરે અને ઝઘડો કરતો જાય. આ બધું આશરે ૧૫ મિનિટ ચાલ્યું. ત્યાર બાદ એ ભાઈ એક કોથળી લાઈને બહાર આવ્યો અને કહ્યું," બધું વાળી ચોળીને લાયો છું, ગણી ને હિસાબ કરી દો. અમે બંને ભેગા થઈને પરચૂરણ ગણતા રહ્યા અને પેલો ભાઈ અમારી મશ્કરી કરતો હોય એમ હસતો રહ્યો. એમને આ બધી ખબર,vપણ અમારે અમારું કામ કરવાનું હતું. બધા સિક્કા ગણતા એક રૂપિયો ઓછો નિકળ્યો. એટલે એ ભાઈ ને કીધું પણ એ ભાઈ અમને કહે કે, જે હોય એ લઈને બહુ ચૂકતે કરો. પણ અમને એની દાનત ની ખબર પડી ગઈ એટલે વાત આવી હિસાબ ખરેખર ચૂકતે કરવાની. એ ભાઈ ફરી ઘરમાં ગયો અને એનું એ પાછું ચાલુ.
આ બધું પેલા ખાટલા માં સૂતા સૂતા પેલા ડોશીમાં જોવે. જોવાની નજર ડોશીમાં ની કાચી પણ પરિસ્થિતિ ની સમજ ના કારણે બેઠા થાય. અને એમના ઓશિકા નીચે એક ફાટેલું પાકીટ કાઢ્યું. પાકીટમાંથી એક એક સિક્કો કાઢીને એમની એ આછી પાતળી નજર થી જોતા અને એક એક સિક્કો બાજુ પર રાખતા. છેલ્લે એક સિક્કો હાથે ચઢ્યો અને દસ વાર ફેરવી ફેરવી ને જોતા. આખરે પાકું થતાં એમણે મને પાસે બોલાવતા ઈશારો કર્યો. હું જોડે ગયો તો એમને પૂછ્યું," લે, ભાઈ આ એક રૂપિયો, મારા દીકરાનો હિસાબ ચૂકતે કર, મારા દીકરાને હિસાબ નથી આવડતો ઈજ્જતનો. એટલે જ આ પરિસ્થિતિ માં છે." આ સાંભળીને સમજાઈ ગયું કે આ ડોશીમાં આ ભાઈ ના માઁ છે.
આ એક રૂપિયા નો સિક્કો મેં હાથ માં પકડ્યો. એની કિંમત બહુ ઓછી લાગે પણ જે વ્યક્તિ આપ્યો હતો એના લીધે એની કિંમત અને ઈજ્જત ના વજનનો ભાર લાગતો. એટલે મેં એ સિક્કાને મુઠ્ઠીમાં બંધ કરી દીધો. અને પેલા ભાઈને રસીદ બનાવવાનું કહ્યું.
થોડીવાર માં પેલો ભાઈ આવ્યો અને કહ્યું," સાહેબ, બાકી રાખો." એટલે મેં કીધું," હિસાબ ચૂકતે" પેલા ભાઈ એ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું,"કઈ રીતે?, એક રૂપિયો તો બાકી છે". મેં કહ્યું, ," તમે જે તમારી ઈજ્જતને બહાર ખાટલે બેસાડી છે ને એને એની મિલકતમાંથી તારું દેવું પૂરું કર્યું." આ સાંભળી પેલો ભાઈ શરમ માં પડ્યો. અને એકદમ ચૂપ થઈ ગયો.
અમે ત્યાર બાદ ત્યાંથી નીકળી ગયા. બાઈક પર બેઠા બેઠા મને એક રૂપિયાની કિંમત, અને તાકાત જોવા મળી, બીજી બાજુ ડોશીમાં ની ખાનદાની દીકરા માટેની લાગણી પણ જોવા મળી. એક રૂપિયા એ એક ભાઈ જે ખરેખર ચાલાકી કરતો હતો એને દેવા મુક્ત કરી દીધો. અને જેણે એની જનેતાને બહાર રાખી એ જ એની લેણદાર નીકળી.
