વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉભરો

       દૂધમાં ઉભરો આવે એટલે મમ્મી ફૂંક મારીને બહાર નીકળતા અટકાવે, ક્યારેક સાણસી હાથવગી હોય તો તરત તપેલી નીચે ઉતારી લે, તપેલીને યોગ્ય જગ્યાએ મૂકે, ઢાંકી દે પછી જ બટન બંધ કરે પણ એ જ વખતે ગૅસ ચુલ્લાનો બટન બંધ ન કરે.એ જોઈને મને હસવું આવે , હું મમ્મીને ચીડાવવા માટે કહું કે "અરે મમ્મી,તું ગૅસનો બટન બંધ કરે તો તને બીજી કોઈ મહેનત ન કરવી પડે."  

     મમ્મી હસતાં હસતાં કહે, " મેં હંમેશા ચુલા પર કામ કર્યું છે ને એટલે આ બટનની વાત મને ખરે ટાણે યાદ જ ન આવે..."

    આજે તને જોઈને નજર ફેરવી લીધી ત્યારે મને આ ઘટના યાદ આવે છે!

    જ્યારે પણ તને જોઉં ત્યારે વલોપાત શરૂ થાય અને લાગણીનો ઉભરો આવે, લાગણી બહાર ન છલકાય તેનો ધ્યાન રાખવા કેટકેટલીય મથામણ કરું તેમ છતાં દર મુલાકાતમાં એકાદ બિંદુ તો બહાર આવી જ જાય છે. તારા ગાલમાં પડતાં ખંજનમાં એ બિંદુનો પ્રતિબિંબ ઝીલાય છે.

   

    મમ્મીની જેમ મને પણ ખરે ટાણે બટન બંધ કરવાનું સૂઝતું નથી. હંમેશા લાગણીને હેઠે ઉતારું છું, ફરી ઠંડી પડે ને ચૂલે ચડાવું છું. તું આવે તો એકાદ બિંદુ બહાર છલકી પડે છે, નહીં મથી મથીને ઉભરાને દબાવી દઉં છું...!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ