ધર્મ-અધર્મ
એક સંત જળાશયના કિનારે સ્વચ્છ જળ લેવા ધીરજ ધરીને ઊભા હતા, સવારથી સાંજ થઈ, પાણી ડહોળાયેલું જ રહ્યું,સ્વચ્છ ન થયું. સંતે આકાશ તરફ નજર કરી, બે હાથ ઊંચા કર્યા અને કહ્યું, "હે ઈશ્વર કદાચ તારી ઇચ્છા નથી કે આ જળાશયમાં હું જળ લઉં! જેવી તારી મરજી..."એ જ જળાશયના તળિયે કેટલાક જીવાત સ્વભાવવશ પાણીને ડહોળતા હતા. એ જળાશય આખા ગામ માટે બિનઉપયોગી અને પેલાં સૂક્ષ્મ જીવો માટે ઉપયોગી બની ગયું હતું.
આ પરિસ્થિતિમાં માત્ર ધીરજની જરુર નહોતી; જીવાતનો નાશ કરવાની જરૂર હતી.
સંતને એ સૂક્ષ્મજીવી જીવાતની હત્યાનો ડર હતો અને ગામના લોકો પાસે તો બહોળા વિકલ્પો હતાં. એક જળાશયના મલિન થવાથી ગામને કોઈ ફરક નહોતો પડવાનો.
ધીમે ધીમે એ જળાશય સુકાઈ ગયો. જળ કાદવમાં પલટાઈ ગયો.
ધર્મના નામે ક્યારેક વ્યક્તિ ભીરુ બની જાય છે. ધર્મ કાજે દેખાતું(કહેવાતું)અધર્મ પણ યોગ્ય છે. કંઈ જ ન કરવું, નિષ્ક્રિય થઈ જવું એ ધીરજ નથી.
- મમતા મહેશ્વરી 'ધાનિ'
