રોટલો
ભગી આજ સવારે વહેલી વાસણ ઘસવા આવી ગઈ. આવતાવેત જ ઉતાવળી થઈને બોલી,
"માસી, ફટાફટ વાસણો કાઢી આલો, મારે આજ ગામડે જાવું સે."
મેં પૂછ્યું,
"અરે ભગી, અચાનક ગામડે? શું થ્યું?"
મારું આટલું પૂછવું હતું ને એની આંખમાં ઝરઝરિયાં આવી ગયાં. ગળગળા અવાજે બોલી,
"માસી... મારો છોરો માંદો સે. એને દવા કરાવવા પૈસા આલવા જાવું સે."
મેં ફરી પૂછ્યું,
"પણ તારો દીકરો ગામડે કેમ રે છે? કોની જોડે મૂક્યો છે?"
ભગી વાસણ ઘસતી ઘસતી બોલી,
"માસી, અમારે ગામડે થોડી જમીન સે, ખેતી સે, બે ભેંસોય હતી. પણ આ મૂવો દુકાળ બધું ભરખી ગ્યો. ખેતી સુકાઈ ગઈ, ભેંસો વેચાઈ ગઈ. પછી શું કરીએ? પેટનો ખાડો પૂરવો હતો એટલે છોરાને સાસુ-સસરા જોડે મેલી અમે બેય જણાં શહેરમાં રોટલો રળવા આવી ગયાં. મહિને જે કમાઈએ એમાંથી થોડું ગામડે મોકલીએ તો એનો ગુજારો હાલે."
આટલું બોલતી હતી ત્યાં એની આંખમાંથી આંસુ ટપટપ વાસણમાં પડતાં હતાં.
આ બધી વાતો મારો દીકરો હેત પણ ડાઇનિંગ ટેબલ પર બેઠો મેગી ખાવાની જીદ કરતાં કરતાં સાંભળતો હતો.
થોડી વારમાં એ શાંતિથી ઊભો થયો, મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો,
"મમ્મી... મેગી નથી ખાવી... હું રોટલી-શાક જ ખાઈ લઈશ."
એ ક્ષણે મને સમજાયું કે બાળકોને ઉપદેશ કરતાં જીવનના સાચા પ્રસંગો વધુ શીખવે છે. કોઈના દુઃખની એક સાચ્ચી વાતે મારા દીકરાને રોટલાની કિંમત સમજાવી દીધી.
ખરેખર, જેને બે ટંકનો રોટલો મેળવવા ઘર, ગામ અને સંતાનથી દૂર રહેવું પડે, એ જ જાણે કે રોટલો માત્ર ભોજન નથી... એમાં પરસેવો, ત્યાગ અને માતા-પિતાનો પ્રેમ ભળેલો હોય છે.
✍🏻 સુચિતા રાવલ
