અરિસો
ભાનું નાની હતી ત્યારે એના મોટા માતાજી અછબડા પધાર્યા હતા. એ સમયમાં ગામમાં કોઈ દવાખાનું કે ડોક્ટર નહોતાં. લોકો ઈશ્વર પર ભરોસો રાખીને ઘરઘથ્થુ ઈલાજ જ કરતા.
ભાનું જન્મથી જ ખૂબ રૂપાળી હતી. એ સમય એવો હતો કે બાળવિવાહ સામાન્ય વાત ગણાતી. ભાનુંના પણ બાળપણમાં જ લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા ,બાજુના ગામમાં રહેતી એની મમ્મીની બહેનપણી કોકિલાના દીકરા ઉમંગ સાથે.
પણ અછબડા પછી ભાનુંનો દેખાવ થોડો બદલાઈ ગયો. સમય સાથે એની સુંદરતા ઓછી થઈ, પણ એની અંદરની નિખાલસતા યથાવત રહી. ગામમાં શાળા પણ ફક્ત દસમા ધોરણ સુધી જ હતી, એટલે ભણતર પણ મર્યાદિત રહ્યું.
ઉમંગ શહેરમાં ભણવા ગયો, જ્યારે ભાનું ઘરકામ અને નાના ભાઈ-બહેનોની જવાબદારીમાં જ અટવાઈ ગઈ. ભાનું ખૂબ હોશિયાર હતી, પણ પરિસ્થિતિ એવી કે શહેર જઈને ભણવાનો વિચાર પણ ના કરી શકે.
સમય પસાર થયો. ઉમંગ અને ભાનું બંને યુવાન થયા. હવે આણુ (લગ્ન) કરવાની વાત આગળ આવી.
પણ કોકિલાના વિચારો બદલાઈ ગયા હતા. હવે એને ભાનું એટલી ગમતી નહોતી. એને તો શહેરમાંથી ભણેલી અને વધુ રૂપાળી વહુ લાવવાની ઈચ્છા હતી.
ઉમંગે પોતાનું ભણતર પૂરું કર્યું અને ગામમાં જ શાળામાં નોકરીએ લાગી ગયો. એને ગામડાનું સાદું જીવન વધુ ગમતું હતું. શહેરના દેખાવ અને ભપકાથી એને ખાસ લગાવ નહોતો. એને તો ભાનું ની નિખાલસતા, સંસ્કાર અને સરળતા વધારે ગમતી હતી.
એક દિવસ ઉમંગે મક્કમ નિર્ણય લીધો.
“મારે લગ્ન કરવાના છે તો ભાનું સાથે જ,” એણે ઘરમાં કહી દીધું.
કોકિલા માટે આ નિર્ણય સ્વીકારવો સહેલો નહોતો, પણ ઉમંગના અડગ નિર્ધાર સામે તેને માની જવું પડ્યું.
લગ્ન થયા. ભાનું માટે આ બધું સપના જેવું હતું. જે કંઈક પોતાના માટે ક્યારેય માંગ્યું નહોતું, એ સુખ એને સહજ રીતે મળી રહ્યું હતું.
લગ્નની પ્રથમ રાત્રે, ઉમંગ ભાનું માટે એક નાનું પેકેટ લઈને આવ્યો. ભાનું સંકોચથી બેઠી હતી. ઉમંગે હળવેથી સ્મિત કરીને એના હાથમાં પેકેટ આપ્યું.
“ખોલીને જો,” એ બોલ્યો.
ભાનું એ ધીમે ધીમે પેકેટ ખોલ્યું,એમાં એક સુંદર અરીસો હતો.
“આ…?” ભાનું આશ્ચર્યથી બોલી.
ઉમંગ એના પાસે આવીને બેસ્યો અને ધીમેથી કહ્યું,
“આ અરીસો તને તારું સાચું રૂપ બતાવવા માટે છે… દુનિયા તને કેવી રીતે જુએ છે એ નહીં, પણ હું તને કેવી રીતે જોઈશ એ બતાવવા માટે.”
ભાનું એ અરીસામાં જોયું. એજ ચહેરો,જેને સમાજે કદાચ કદરૂપો ગણી લીધો હતો. પરંતુ આજે એ ચહેરામાં એક નવી ચમક હતી,આત્મવિશ્વાસ અને સ્વીકારની.
ઉમંગ આગળ બોલ્યો,
“મને તારી બહારની સુંદરતા કરતાં તારું મન વધારે સુંદર લાગે છે. તારી નિખાલસતા, તારા સંસ્કાર,એ જ મારી માટે સાચી સુંદરતા છે. તું જેવી છે એ જ રીતે મારી માટે સંપૂર્ણ છે.”
ભાનું ની આંખોમાં આંસુ આવી ગયા,દુઃખના નહીં, પરંતુ પ્રેમ અને સ્વીકારના.અને ચુપચાપ અરીસા સામે જોઈ મલકાવવા લાગી
