વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી વાર્તા છપાશે ને…….‼

‘મારી વાર્તા છપાશેને…!’ અત્યંત વિનયભર્યા સ્વરમાં મિ. મહેતા ફોન પર વાત કરી રહ્યા હતા.

            ‘હે…..કોણ….? આપને કોનું કામ છે….ને …..આ શાશ્વત સંદેશ સામયિકનો ડીસ્પેચિંગ વિભાગ છે બોલો….’ ખુબજ હળવેકથીને સહજ રીતે એક સ્ત્રી અવાજે ખુલાસો કર્યો.

            ‘હું વિનાયક, વિનાયકરાય દામોદરદાસ મહેતા, હું લેખક છું. નવોદિત લેખક. મેં આપના મેગેજીનના દીપોત્સવી અંક માટે વાર્તા મોકલી છે વાર્તાનું શીર્ષક છે “ સુખ દુ:ખને પેલેપાર” લેખક એકી શ્વાસે બોલતો રહ્યો.

            ‘……..હા…..હા…..એવું કંઇક ટાઈટલ જોયું હતું ખરું’ એકદમ અસ્વસ્થ બની ઉતાવળિયો જવાબ વળ્યો.

            ‘તમને ગમી, વાર્તા ગમી’ મહેતાએ વાતનો દોર શરુ રાખ્યો.

            ‘ કહું છું કે ટાઈટલ જોયું છે અને આમ પણ મારા વિભાગમાં ઇનવર્ડ કે આઉટવર્ડ જ ભાગમાં આવે વધારામાં ડીસ્પેચિંગ વિભાગમાં રવાના કરવાનું આવે’ જરા કંટાળાથી જવાબ વાળ્યો.

            ‘હું જાણું છું કે સિધ્ધહસ્ત લેખકો અડધી જગ્યા રોકે, કેટલાક જગ્યા સંબંધથી રોકાય રહે ને એક-બે વાર્તા એમાં મારા જેવા નવોદિતને કદાચ ચાન્સ માળી જાય ખરો…..કદાચ’

‘પણ તમને મળશે’

‘કેમ?’

‘કેમ કે રવાના વિભાગમાં તમારી વાર્તા સભર પરતમાં આવી નથી માટે…’

‘તો તમે મારી ભલામણ કરશો?’

‘ભલામણ તો નહિ પણ …મને પૂછતા રહેજો…… જવાબ જરૂર માળી જશે.’ મિ. મહેતાને મધલાળ બરાબર લાગી.

‘પણ આપનું નામ?’

‘નામમાં શું પડ્યું છે કામ સાથે મતલબ રાખો’ આકરા જવાબ સાથે ફોન ડીસ્ક્નેકટ થઇ ગયો.

મિ. મહેતાના કાનમાં ટુ…ટુ..આવાજ આવતો રહ્યો.

- મિ. મહેતા, ચાલીસેક વર્ષની ઉંમર, ખરો વાતોડિયો, તેમાય શિક્ષક તરીકે નોકરી મળી દોડવું હતું ને ઢાળ મળ્યો, ગામમાં ને ગામમાં નોકરી એટલે શાળા સિવાયના સમયમાં સાવ ફ્રી.

- છેલ્લા કેટલાય વખતથી વાંચનનો શોખ જાગેલો. તેમાય મિ. મહેતાને લખવાનો ધખારો ઉપાડ્યો. થોડું ઘણું તો લખ્યું ને થોડું ધણું છપાયું પણ ખરું એટલે મહેતાજીને થયું આપને હવે મોટા મેગેજીનમાં ટ્રાય મારવી જોઈએ. મેટ્રો સિટીના “શાશ્વત સંદેશ” પર નજર ગઈ ને મોકલી વાર્તા ને સાભાર પરત નથી આવી તેવા સમાચાર મળતા ખુશી બેવડાઈ ગઈ.

મિત્રોમાં પણ મહેતાએ વાત વહેતી મૂકી દીધી.

મહેતાની વાહ વાહ શરુ.

આજે બીજે દિવસે ફરી મિ. મહેતાએ ફોન જોડ્યો. તે જ નંબરને તે જ અવાજ સંભળાયો.

‘હેલો….’

‘હું મહેતા, ગઈ કાલે વાત થઇ હતી તે’

‘સુખ દુ:ખ ને પેલે પાર વાર્તા માટે ને…..’

‘હા…હા…તેજ ….વાર્તા ગમી? મહેતાએ અધીરાઈ વ્યક્ત કરી.

‘અરે! તમે તો બહુ ઉતાવળા, એક કામ કરો તમે તમારી વાર્તાનો મને મેઈલ કરવો, વર્ડ ને શ્રુતિ ફોન્ટમાં કામ કરાવજો, ને કાલે આ સમયે રીંગ કરજો.

‘ચોક્કસ…ચોક્કસ’ પણ આપનું નામ?

‘નામમાં શું પાડ્યું છે, કામ સાથે મતલબ રાખો’ ફરીવાર ફોન કપાઈ ગયો.

મહેતા શાળાના ભાષા શિક્ષક, આદર્શો છેલ્લી ચાર પેઢીથી સચવાયેલા, નિતી નિયમોમાં આખું ઘર જરા રીજીડ. ભણ્યા બધા એટલે લગભગ બધા સરકારી નોકરી કરે. છેલ્લા બે-ત્રણ વર્ષથી જરા કુટુંબ ચિંતા ગ્રસ્ત ખરું પણ ધાર્મિક ભાવનાએ બધું ટકી રહેલ.

આજે ફરી મહેતાએ ફોન જોડ્યો.

‘આપના કહ્યા પ્રમાણે કમ્પ્યુટર વર્ક કરી મેઈલ કર્યો છે, મળું ગયો બરાબર, ખુલ્લી ગયા ફોન્ટ, વંચાય છે બરાબર’

‘અરે એકદમ સરસ થયું છે કામ’

‘વાર્તા ગમી?’

‘અરે! તમે તો નાયિકાને બહુ રૂડી રૂપાળી બતાવી, વિશ્વસુંદરીને ય છાજે તેવા તેના રૂપના વખાણ,તેના હદય સ્પર્શી સ્વભાવને તમને તેનું વળગણ આબેહુબ વર્ણન …ખુબ સરસ લેખક ખુબ સરસ’

‘થેંકયુ’ મિ. મહેતા અહોભાવથી બોલ્યા પરંતુ તેના હદયના ઊંડા ખૂણામાંથી એક જ અવાજ આવતો હતો તે હતી જ સુંદર. અતિ સુંદર, તેના દેહ લાલિત્ય માટે તો પાગલ હતો. તેના એક એક શબ્દે નાચતો હતો. હું તેના એક એક ભાવ પાછળ દોડતો હતો હું, ખેર…..      

‘ને અધવચ્ચે કથા જરા નબળી પડતી હોય તેવું લાગે, લાંબી લાંબી ફિલોસોફી, દામ્પત્ય જીવનમાં કેમ રહેવું તેવા ચિંતકોના ઠાલા વિચારો જરા ખુરવા…તમને કેમ લાગે છે, વાર્તાની વાત લઇ વિચારો ફોન દ્વારા વ્યક્ત થતા રહ્યા.

‘પણ…એ જરૂરી હતું, મારે જે રજુ કરવું હતું તે આજ રીતે થઇ શકે તેમ હતું, મહેતા શું બોલતો હતો તેમાં બહુ સભાન ન હતો કારણકે છુટા છેડા લેતી વખતે ‘લગ્નજીવન’ વિષે આપેલું લાંબુ લેકચર તેને યાદ આવી ગયું.

‘દીપોત્સવી અંકને બહુ વાર નથી માટે ફોન કરતા રહેજો’

‘પણ આપનું નામ’

‘નામમાં શું રાખ્યું છે કામ સાથે મતલબ રાખો’

-ફરીવાર ફોન કટ થઇ ગયો.

આજે તો મિ. મહેતાને થયું ‘મેં શા માટે પૂછ્યું’ મારી દીકરી ‘કામ સાથે મતલબ રાખો’ કહી મૂકી દે છે ધડ દઈને……

-મિ. મહેતા એકલા છેલ્લા સમયથી પડી ગયા છે. પત્ની સાથેના અણબનાવે લગભગ તોડી નાખો છે દેહને, ડીપ્રેશનમાં ગરકાવ હોય તેમ લાગ્યા કરે છે. સતત મરવાના વિચારો આવે છે તેમાં વાંચન ને લેખન ના ડાઈવર્જને જીવન જીવવાનો નવો આયામ આપી દીધો છે.

સાદગીથી ઉછરેલો વિનાયક ભણવામાં હોશિયાર છે. પિતાના સ્વપ્ન સાકર થાય છે. ભણીને પોતાના તાલુકા મથકમાં શિક્ષક બને છે. પત્નીના મોજ-શોખ, શહેરોનું આકર્ષણ, ફરવા જવાના શોખ, મોંઘીદાટ વસ્તુની ખરીદીથી કંટાળી ગયો છે. પત્નીને અનેક વખત સમજાવવા છતાં તદ્દન નિષ્ફળ.

‘હેલો મિ. મહેતા સાથે વાત કરી શકું, હું ‘શાશ્વત સંદેશ’ માંથી બોલું છું.

‘ઓ.કે….બોલો..બોલો…મારી વાર્તાના સંદર્ભમાં વાત કરવા જ ફોન કર્યો હશે કેમ….મહેતા ઉત્સુકતાથી બોલી ઉઠ્યો.

‘મિ. મહેતા, તમે તો હદ કરી નથી’

‘કેમ?’  

‘તમે આગળ પત્નીને સોનાની અંબાડી ઉપર ચડાવીને છેલ્લે “પાગલ ને ગાંડી’ એવો શબ્દ વાપરી બેઠા આટલી બધી નફરત વધારે પડતી નથી.’

અરે એણે તો ……(અટકીને) ના..ના…નાયિકાને આવી ચીતરવી જરૂરી હતી કારણકે તેના કારણે જ બધું તૂટ્યું હતું’

‘પણ પુરુષનો કઈ વાંક જ નહિ’

‘હોય તો ખરો, પણ- પત્નીએ નમતું જોખવું જ પડે!’

‘પુરુષ પ્રધાન સમાજ છે માટે!’

‘ના એવું નથી, પત્ની પોતાનું ધાર્યું જ કરે તો બિચારો પતિ પછી કરે શું’ મિ. મહેતા બોલ્યા.

‘વાર્તાના અંતમાં ‘છુટા છેડા’ લેવડાવ્યા તે યોગ્ય લાગે છે’

‘ના..તમને સ્ત્રી તરીકે તમને યોગ્ય નહિ લાગે પણ મને પુરુષ …તરીકે યોગ્ય લાગે છે’ મહેતા એ ફોડ પડ્યો.

‘શું તમે વાર્તામાં ભેગા ન કરી શક્યા હોત’

‘શું પત્ની પોતાનો ‘અહમ’ મુકવા તૈયાર થાય ખરી’

‘થાય તો’ એકદમ આવેશમાં આવી સ્ત્રી અવાજે કહ્યું.

‘પણ તમે વાર્તાના મૂળ સુધી પહોચી ગયા….તમારી વાત સાચી છે. ભેગા થાય પણ ખરા…સાથે રહે પણ ખરા…ને ફરી પ્રકૃતિ, વરસાદ ને ધુમ્મતીમાં ખોવાય પણ ખરા, મહેતા આનંદથી બોલી ઉઠ્યો.

-એકદમ સન્નાટો છવાઈ ગયો.

બંને બાજુથી અવાજ બંધ થઇ ગયો.

એક સ્ત્રી સ્વર હળવેકથી બોલ્યો.

‘નામ નહિ પૂછો મારૂ…..રાણાજી’ સ્ત્રી અવાજે ભીના સવારે કહ્યું.

-‘રાણાજી’ નામ પોકારતો એક માત્ર સ્વર ઓળખાતા મહેતાને વાર ન લાગી. હજારો દ્રશ્યો, હજારો ઘટના, હજારો શબ્દો, આંખ સામે તરવરવા લાગ્યા.

‘શાલીની વિનાયક મહેતા’……

-ફોન મિ. મહેતાએ કટ કરી નાખ્યો.

થોડીવાર મૌન

ફરી મિ. મહેતાએ ફોન જોડ્યો

‘પ્લીઝ, મારી વાર્તા છાપતા નહિ……       

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ