વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવજીવન

નવજીવન, આ છેડેથી વાંચો કે પેલે છેડેથી શબ્દ બદલાતો નથી એનો અર્થ બદલાતો નથી. દરેક જણ ઈચ્છે છે કે નવજીવન આજીવન જ રહે. પણ એમ બનતું નથી. માણસ ધારે છે કંઇ ને બને છે કંઇ. દુનિયાના માનવી પૈકી કોઈ એકની જીવન કથા માંડુ.

યુવાનીમાં રામે કેવી કેવી કલ્પના કરી હતી અભ્યાસ પછી, મનગમતી છોકરી સાથે લગ્ન  કરી,  સાથે રહીશું, હરીશું ફરીશું, મઝા કરીશું. અભ્યાસ પુરો થયો. ગમતી ને સુશિક્ષિત છોકરી, રમા જોડે લગ્ન કર્યા. સમજદાર પિતાએ જુદું ઘર લઈ દીધું. સજાવી દીધું. નોકરી સારી હતી. બન્ને ખુશીના આકાશમાં ઉડવા લાગ્યા રામ ને રમા. એક બીજા માટે ખૂબજ પ્રેમ ને લાગણી. બંને એકબીજા પૈકી કોઇને ખોટું ન લાગે તેવું ઇચ્છે ને આચરે. આપસમાં ‘મારૂં તારૂં’ છોડી ‘આપણું’ અપનાવ્યું. જેથી  જોઁસા-તોસીંને અવકાશ ન રહ્યો. પછી સામાન્ય રીતે બને છે એમ ધીરે ધીરે એમાં કોઇ ને કોઇ કારણે ઓટ આવવા લાગી. વાણી કે વર્તનમા શંકા કુશંકા બંને પક્ષે જાણ્યે અજાણ્યે ઉગવા માંડી. એટલુંજ નહી’આપણું,, ભૂલાયું પણ કેમ ?ક્યારે ? મોડું-વહેલું ને ‘મારું તારું’ શરૂ થયું.

“રમુ, આજે હું ફીલ્મની બે ટિકિટ લાવ્યો છું ત્રીજા શોની. સરસ પિક્ચર છે, મઝા આવશે. વેળાસર તૈયાર થઈ રહેજે. હું જરા બહાર જઈ આવું.“

“કોઇને મળવા જાવ છો? એવું તે કયું પાત્ર છે કે ચા પીવા પણ.......?”

“કેવી વાત કરે છે.? કંઇ બીજું કામ ન હોઇ શકે? આવી રીતે ટોકવું સારૂ ન કહેવાય.”

“ભલે, મને માફ કરો. પણ આ તો જરા મને એની ખબર નહી ને મારી કોલેજની મિત્ર મને મળવા રાત્રે આવવાની છે એટલે...” રામથી ન રહેવાયું, તે બોલ્યો, “ એટલે મારે શું તને બધું પૂછી - કહીનેજ કરવાનું?  

“ઊધું ન સમજો આતો.....”

”શું આતો – આતો એને ના પાડી દે. બીજા કોઇ દિવસે બોલાવ”

“એવું કેમ થાય, એને ખોટું ન લાગે?’       

“તો મારું શું મને ખોટું ન લાગે? હું તારો કોઇ નથી?” એનો પિત્તો ગયો. એણે  ટિકિટ ફાડી નાખી રમાના મોં પર ફેંકી ઘરની બહાર ચાલી ગયો. એણે સાડીના છેડા વડે આંખ લૂછી વિચાર્યું, આટલો બધો ગુસ્સો આટલી વાતમાં? હશે, મનાવી લઈશ.

”આવી ગયા? રાહ જ જોતી હતી ચાલો જમી લઈએ. જમતાં જમતાં પંખો હલાવતાં રમા બોલી,  “મેં મારી મિત્રને સાચવી લીધી. હવે મોડે સુધી ટીવી જોવા મળશે”.

’રમુ, આજે મારો મુડ નથી. આજે જરા વહેલા ઊંઘી જવું છે કાલે વાત.’ રામને પણ પોતાના ગુસ્સાનો એહસાસ થયો.

સવારે ઑફીસ જતી વેળા રમા બોલી, “સાંભળો, આજે સાંજે આપણે મમ્મી-પપ્પાને મળવા જઈએ, ખાસો સમય થયો તેમને મળ્યાને.”

”તારા મમ્મી-પપ્પાને ફુરસદ છે?”

“હું તો મારા સાસુ-સસરાને મળવાનું કહેતી હતી.”

” સારૂં ફોન કરી જણાવી દેજે, જમવાનુ પણ ત્યાંજ રાખીશું”

“ એમને તકલીફ આપવા કરતાં, હું જ જલદી રસોઈ બનાવી દઈશ, ઘરે જમીને જઈએ તો કેમ?”

“ સારૂં, ત્યાંથી છેલ્લા શોમાં સિનેમા જોવા જઈશું.

“ ના, એવું નહીં, એમની સાથે થોડો સમય બેસી વાતો કરીએ તો એમને ગમે.”

“ ઠીક હૈ, જૈસી આપકી મરજી. પણ આજે નહીં, મારે થોડું કામ છે.”

બીજે દિવસે બાગમાં બેઠેલા રામે કહ્યું ”આવતી કાલે ઘરે જ ......”.રામનું કહેવું પૂરૂં થાય તે પહેલાં જ  “અહીં તો ઘરને છોડો. બીજી કોઇ વાતો નથી.” રામુએ પરખાવ્યું,

“તે તને કોણ નાપાડે છે, કરને બીજી વાત”

રામ શીંગદાણો મોંમાં મૂકે એટલામાં તેમની બેઠક નજીક્થી પસાર થતી યુવતીએ રામ તરફ હાથ કરી હાઈ કહ્યું, રામે સસ્મિત સાનુકૂળ પ્રતિભાવ આપ્યો.

”કોણ હતું? રમાએ સ્ત્રીસહજ પૂછ્યું.”

”વાહ! આ તારી જુદી વાત, નૈ? આગળ બોલ્યો, એ હતી ચાંદની, મારી ઑફિસની બાજુની ઓફિસમા કામ કરે છે. રિસેસમા એકજ હોટેલમાં ચા પીતા હોવાથી હાઇ હેલો કહીએ છીએ.”

”તે મારી ઓળખ કરાવવાનું ન સુજ્યું? એની જરૂરિયાત તમને ન લાગી? કોઇ દિવસ એ સામે મળી જાય તો બંનેને પરિચિત હોવાનો એહસાસ તો થાય.”

રામને થયું ”બધી લેડિઝોનો આવો જ સ્વભાવ, વાતવાતમાં શંકા, એને યાદ આવ્યું એટલે ટકોર કરી, એમ તો તે દિવસે તું પણ બની-ઠનીને બહાર જતી હતી ત્યારે મેં પૂછેલું કે ક્યાં જાય છે? ને તેં પણ ક્યાં સરખો જવાબ આપેલો.”

રમા ચૂપ રહી તોય વિચાર્યું કંઈક લફરૂં તો હશે જ.                                                                                                                                                           આમ બંને

વચ્ચે શંકા ને ટોણા વહેવાર રોજનો થઈ પડ્યો. પોતાના અહંને લીધે કોઈને સમજવાની કે સમજાવવાની જરૂર ન લાગી. ને કારણે અકારણે લગભગ રોજ જ ઝઘડા થતા.    

”પે’લા હું બોલતો ને એ મુંગી રહેતી. થોડા સમય બાદ એ બોલતી ને હું મુંગો રહેતો. હવે અમે બંને બોલીયે ને બીજા સાંભળે. વાતમાં શું હોય? શંકા-કુશંકા ને આક્ષેપો. સમાન હક્કો ને ઈચ્છા. રોજના ઝઘડા.”

દિવસો વીતે છે જીવન જીવાય છે. શારિરીક જરૂરિયાતો પૂરી થાય છે. ને મનનો મેળ નહિ પણ તનનો તો હોય જ ને, પરિણામે સમયાંતરે એક દીકરી ને એક દીકરાનો એક સાથે પરિવારમાં પ્રવેશ થયો. જોડકાનું નામ તનય ને તનયા રાખ્યું સ્વેચ્છાએ કે અનિચ્છાએ જીવન વ્યવહાર આરંભાયો.  

રોજ સાંજે ઘરે આવતાંજ રામ યાદ કરે, ‘તનુ – તની, ક્યાં છો, દિવસ દરમિયાન રિસાયા-મનામણા ન થયાં હોય તો જ નવાઈ. ને થોડીવારમાં જ સુલેહ પણ થઈ હશે.

પતિનો અવાજ સાંભળી બહાર આવેલી રમાએ રામનો સંવાદ સાંભળી વચ્ચે જ ટહુકો કર્યો , “જવાદોને, મારે તો રોજનું થયું. કોને સંભાળું મારૂં તો મગજનું દહીં થઈ જાય છે.”

જીવન થોડો વખત સરખું ચાલ્યું. પછી પાછો વિવાદ શરુ થયો. ‘આપણું’ ભૂલી ‘મારું તારું’ શરુ થયું. બાળકોની નાની નાની તકરાર. પછી પશ્ન ઊભો થયો જવાબદારીઓ નિભાવવાનો. બંને એકબીજા પર ઢોળે. ને એક દિવસ રામનો ગુસ્સો કાબુ બહાર ગયો ને રમાને વળગ્યો પરિણામે એક જોરદાર તમાચો રમાને ઈનામમાં મળ્યો. એટલું જ નહીં પણ રામનો ગુસ્સો  બોલ્યો,

“સા...., સમજે છે શું? મારી પત્ની છે કે કોણ?”

એ ગાલ પર હાથ મૂકી રોતી રોતી રસોડામાં ચાલી ગઈ એ. રિસાણી.... સાંજની રસોઈ બંધ, બહારથી ખાવાનું મગાવી પેટપૂજા કરી. બીજે દિવસે સવારે સસ્મિત વદને સરસ નાસ્તાની તાસક પત્નીએ પતિ સમક્ષ ધરી. રામે અણગમો ન દર્શાવતાં હકારાત્મક પ્રતિભાવ આપ્યો. બંનેના મુખપર  ખુશીની લહેર ઉપસી. ગઈ કાલનો પ્રસંગ ભુલાયો એવું લાગ્યું.

એક દિવસ ભાઈ બહેને નિશાળેથી આવી મમ્મીને કહ્યું.“ અમે પપ્પાના રૂમમાં રમીએ ?’ મમ્મીએ હા પડતાં બંને પપ્પાના રૂમમા દોડ્યાં.

તનયાએ સુચન કર્યું. તનુ, આપણે ઘર-ઘર રમીયે. તું રાંધવા માટે રમકડાં લઇ આવ. .હું વહુ ને તું વર. હું રસોઈ બનાવું ને તું નોકરીએ જા.“

ભલે પણ હું નોકરીએથી આવું એટલે મને ખાવા જોઈશે. “

*****

“તનુઊઊઊ..”  સાંભળતાં પાણી નો ગ્લાસ ધરી તનયા બોલી,

“ખાવાનું તૈયાર છે, પીરસું?”.

ખાધા બાદ, તનુ હાથ ધોઈ, લૂછતાં લૂછતાં કહે, “હવે? ”

“જો મેં મમ્મીના દુપટ્ટાને સાડી બનાવી પહેરી છે હવે તારે પાલવ સાથે મને ખેંચી બાથમાં લેવાની ને પછી પપ્પી કરવાની.”

“છી... છી.... એવુ શું કરવાનું.?”

“ મમ્મી –પપ્પા એમ જ કરે છે. મેં એક દિવસ જોએલું.”

”જા હું એવું નથી કરવાનો. મમ્મીઈઈ આ તનયા કેવું કેવું કરવાનું કહે છે.”

ને તનું બોલ્યો, “મારે નથી રમવું”

એણે રમકડાં વિખેરી મૂક્યાં. તનયાએ ભેંકડો તાણ્યો, “મમ્મી.ઇઇઇઇઇ. ભાઈએ રમકડાં ફેંકી દીધાં.... કંઇ પણ જાણ્યા કર્યા વિના રમાએ તનુને જ ધીબેડી નાખ્યો. બંનેનું એક્સાથે રડવાનુ ચાલુ થયું ને રામે  ઘરમાં પગ મૂક્યો,

“આ શું માડ્યું છે, થાક્યા પાક્યા ઘરે આવીયે તો ઘરમાંય શાંતિ નહીં”

વધુ માર પડવાની બીકે બંનેનું રડવાનું બંધ.

“જુઓને ભાઈ બહેન સાથે રમવાને બદલે લડે છે. મને કામ પણ કરવા દેતાં નથી,” 

“નાનપણમા તેં પણ આવું  નૈ કર્યું હોય? છોકરાં છે બીજું શું કરે? હશે, સંસ્કાર બીજું શું?”

“‘આમાં સંસ્કાર ક્યાં વચ્ચે આવ્યા? ઓફિસનો ગુસ્સો અમારા ઉપર શાને? છોકરાં છે આજે લડે તો કાલે ભેગા.”

“વહાલી, તો પછી તનુને શામાટે..... ?”

છણકો કરી મમ્મી રસોડામાં ને પપ્પા છાપું  લઈને ખુરશીમાં. થોડા દિવસ વાતાવરણ ઠીક રહ્યું હવે છોકરાંને લીધે વાદવિવાદ વધ્યો.

વ્યંગ ને વિવેકની મર્યાદા તેમજ છોકરાંની હાજરીની પરવા કર્યા વિના, ને પતિ પત્ની હોવાની સભાનતા ગુમાવી હીન આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા. એક દિવસ રમાએ કોઈ બાબતે છોકરાંને ઠપકો આપવા કહ્યુ ત્યાં રામ બરાડ્યો, “ જાણે મારે બીજો કંઇ ધંધો જ નથી. આવી જવાબદારી તારી છે. તું મા છે,”

 “તો તમે કોણ? બાપ નહીં?”

“સાંભળ્યુ છે કે બાળક માટે મા હકીકત છે પણ પિતા શંકાસ્પદ.” રામે સસ્મિત ઉચ્ચાર્યું.  

“શું કહ્યું? આવા ઘૃણાસ્પદ ઉચ્ચાર માટે તમારી જીભ કેમ ઉપડી.” રમાના દિલમાં આગ ઝરી ને ગુસ્સામાં વળતો એવો જ પ્રહાર કર્યો

“આ હિસાબે ગામમાં તમારાંય બાળક હશે, નહીં?”

” નાલાયક, બેશરમ” બોલી રામ મારવા દોડ્યો. રમા રસોડામાં દોડી, બારણું બંધ કર્યુ.

છોકરાં પણ હેબતાઈ ગયા. શું થયું તે ન સમજાતાં એકબીજાને ભેટી રડવા લાગ્યાં. રસોડાનું બારણું ખખડાવતા રમાએ બારણું ખોલી બંનેને છાતી સરસા અંદર લીધા.

જીવન જીવાયા કરે નિત્યક્રમ મુજબ. ઘરની રોનકને ગ્રહણ ગ્રસ્યું. છોકરાં તો રમે ઝઘડેય ખરાં ને ખબર પડે તે પહેલાં સુલેહ.

પતિપત્ની બંનેનાં અબોલા. પોતપોતાનું કામ કર્યા કરે. બંને વચ્ચે તીવ્ર મનભેદ સર્જાયો. કોઈને કંઈ સમજ ન પડે. બેઉ અપરાધભાવ અનુભવે, કંઈક કહેવા વિચાર કરે ને એક્બીજા સમક્ષ આવે ખરાં પણ  નજીક આવતાં રસ્તો ફંટાય, પહેલાં હું શા માટે ? અહં નડે.

એક દિવસ રમતાં રમતાં તનુ રિસાયો ને તનયા ભડકી. “શું આપણે પણ મમ્મી પપ્પા માફક અબોલા લેવાના? મને તો તારી સાથે બોલવા ઝઘડવા ગમે. ને એણે ધડાકો કર્યો,

“એ તનુ, મને વિચાર આવે છે કે આપણે કંઈક કરી બન્નેનાં અબોલા તોડાવીએ તો?”

“પણ કેવી રીતે ?” ભાઈબહેન કોઈ ઉપાય માટે વિચાર કરતાં રહ્યાં.

આ બાજુ  પતિ-પત્ની બંને પોતાના ગલીચ વાર્તાલાપ માટે શરમ અનુભવતા સામસામા આંટા  મારે ને સામે આવતાં કંઈ બોલવા મોં ખોલે ખરા પણ અહં? નડે.

એક દિવસ બંને કઈ બોલવા મોં ખોલે ત્યાં જ બારણે ઘંટડી વાગી સાથે જ મોમાંથી બોલને બદલે બંનેની આંખો વરસી. બંને એકબીજાના આંસુ લૂછવા માંડ્યા સાથે જ ઘંટડીનાં અવાજે તે તરફ આવતાં ઓરડામાં ભાઈ-બહેને  પપ્પા-મમ્મીને  એક્બીજાનાં આંસુ લૂછતા જોયા. તેઓ દોડતાં રસોડે જઈ પાણી લાવી તનુએ મમ્મી તરફ ને તનયાએ પપ્પા તરફ ગ્લાસ ધર્યા. પાણી પી હર્ષમિશ્રિત પસ્તાવા સાથે બંનેએ બાળકોને ઊંચકી લીધાં. આઠે આંખો અશ્રુભીની થઈ. બધા મુક્ત મને હસી રહ્યાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ