વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત


   ઉદરમાં વિકસી રહેલા પોતાના   અંશને અંશી, એના  હાથનાં  પ્રેમાળ સ્પર્શથી હૂંફ આપી રહી હતી. માતૃત્વની કૂંપળ ફૂટ્યાંની હરખીલી લાગણીઓથી અંશિતાનું રોમ રોમ ઝંકૃત થઈ રહ્યું હતું.......હા, પણ હવે વાર કેટલી? માત્ર બે જ તો મહિના રહ્યાં! માતૃત્વની કૂંપળને પોષતો  આ   અંદર વિકસતો જીવ,  જેને હજી પ્રત્યક્ષ જોયો  નથી,છતાંય  આ શરીર કેવો અદભુત રોમાંચ અનુભવી રહ્યો છે!  લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે. હા ,સાચ્ચે જ. પણ એ વાત  માત્ર પ્રેમીપંખીડાને જ થોડી લાગુ પડે? માનો પ્રેમ પણ આંધળો જ હોય છે ને.... એક નાનકડાં જીવની અસ્તિત્વની અનુભૂતિ માત્રથી એ એને  પ્રેમ કરવા માંડે છે.ખરેખર તો આ સમગ્ર બ્રહ્માંડ સ્ત્રીનું ઋણી છે. આજથી પહેલાં  એક સ્ત્રી હોવાનું આટલું અભિમાન મને ક્યારેય નથી થયું.... જ્યારે એ નાનકડા જીવને  મારાં આ   બન્ને હાથ પહેલી વાર  ઝીલશે, ને એક માનો જનમ થશે...  કેવી અદ્ભૂત  હશે એ ક્ષણ! હું મારી છાતી સરસો લઈશ....,ને દસ દસ વર્ષોની અતૃપ્ત હું......એક વાંઝણી સ્ત્રી....હા બરાબર પાકો થઈ ગયો છે આ શબ્દ... હું  વાંઝણી સ્ત્રી, અધૂરી સ્ત્રી....પૂર્ણ  બનીશ, મા બનીશ હું!આ  અહેસાસમાં અંશીતાની ખુશીઓ પાગલ બની ધમાચકડી મચાવતી હતી લગ્નના દસ વર્ષ બાદ એનો ખોળો ભરાયો હતો.કપાળ પર વાંઝણી શબ્દના સાસુએ જ લગાયેલા તિલકને આજે એજ સાસુએ ભુસીને પુત્રવતીભવના આશિષ વચનનો કંકુચોખાનો ચાંદલો કર્યો.જ્યારથી  અંશીતાના  સાસુને દાદી બનવાના શુભ સમાચાર મળ્યા ત્યારથી એ અંશીતાને જરૂરથી પણ વધુ સાચવતા હતા.અંશીતા પણ સાસુના મહેણાં ભૂલીને એમની દરેક સૂચનાઓનું બરાબર પાલન કરતી હતી. પ્રસંગ પછી  ઘરમાંથી  મહેમાનોની વિદાય બાદ   આરામ કરવાના આશયથી અંશિતા પલંગ પર આડી પડી એની ખુશીઓમાં લીન હતી.. ત્યાં તો  પતિ અંશુલ અત્યંત ગુસ્સામાં પગ પછાડતો બેડ રૂમમાં પ્રવેશ્યો. "  આ  આદિલને હું ક્યારેય માફ નહીં કરુ.સગ્ગો ભાઈ થઈને એને  આવું કર્યું?લોહીની સગાઈ પણ વિસરી ગયો?વિશ્વાસઘાત કર્યો એને મારી સાથે......?

અંશુલના છેલ્લા શબ્દોએ અંશીતાને હચમચાવી નાખી.એ પલંગ પરથી સફાળી ઉભી થઇ ગઇ.એના કાનમાં "વિશ્વાસઘાત" શબ્દ સતત પડઘા પડી રહ્યો હતો.

"અંશી.... અંશી.. શું વિચારે છે તું?સાંભળે છે મને?"

"હં....હા.. સાંભળુંછુને, શાંત થાઓ, એવું તો શું કર્યું આદિલે?"

"અંશી, એ આ ઘર, બિઝનેસ બધાના બે ભાગ કરવા માંગે છે, ત્યાં સુધી મને કંઇજ વાંધો નથી, પણ તને ખબર છે,, એને  કેનેડાની ફાઈલ ૭ મહિના પહેલાં જ મૂકી દીધી હતી , અહીંથી એ બધું વેચીને ત્યાં સ્થાયી થવાનો છે.. એના માટે એને પોતાના ભાગના શેર વેચી દીધા.એ મને નહોતો કહી શકતો.? હું જ ખરીદી લેતો..હવે આપણાં બિઝનેસમાં બહારની વ્યક્તિ દખલ કરશે? અને આ વાત પણ મને બજાર માથી મલી.આટલી મોટી વાત એને મારાથી છુપાવી? હું બધું જ સહન કરી શકું પણ  આવો દગો?  એ તો હું ક્યારેય નહીં ચલાવું. એ આદિલનો પડછાયો પણ હું આપણાં આવનારા બાળક પર નહિ  પડવા દઉં."

અંશીતાના પગ અજાણ્યા ભયથી ધુજી રહ્યા હતા.ધ્રુજતા હાથે  એણે હળવેકથી સાડીના પાલવના છેડાથી ઉપસેલા ઉદરને ઢાંકી દીધું.એની આંખો બંધ કબાટમાં કપડાંની ઘડી નીચે પડેલા રિપોર્ટને ઉપર સ્થિર થઈ ગઈ...આદિલ હવે તમને થોડું  કહેવાય કે ખોટ  તમારામાં  જ  છે કારણકે  એ ના તો તમે માનવા તૈયાર થતા કે ના તમારી મમ્મી. એ કડવી હકીકત સ્વીકારવા તમારું પુરુષત્વ આડે  આવતું.વાંઝણીનું તિલક તો માત્ર સ્ત્રીને જ કપાળે લાગે છે.કોઈ દિવસ કોઈ પુરુષને સંભાળ્યો કે એ વાંજ્યો છે?  સમાજના,  ઘરનાં લોકોનાં મહેણાં ટોણાં, તમારું ઉપેક્ષા ભર્યું વર્તન, તમારું પરસ્ત્રી ગમન એ શું?  મારા પ્રત્યેની  તમારી  વફાદારી હતી?  લગ્નના  ત્રણ જ વર્ષ પછી તો  તમે  સપ્તપદીના ફેરા જાણે ઉલટા ફરવા લાગ્યા  હતાં. દરેક વચન  માત્ર મારેજ નિભાવવાના હતાં.   અને આ બધા પાછળ હું મા નથી બની શકતી કદાચ એટલે જ તમે આમ ...એવું વિચારીને મારી જાતને હું  કોશતી રહી. ક્યારેક મનમાં પ્રશ્ન થતો, જો મારામાં જ ખોટ છે તો અંશુલનું ચારિત્ર્ય જોતાં એનું કોઈક તો અનૌરસ સંતાન હોવું જોઈએ..એને ચોક્કસ બહાર  પ્રયત્ન કર્યો જ હશે ને એની નાકામિયાબી એને  ક્યારેક ભટકાઈ જ હશે...કદાચ એવું હોય અને ના  પણ હોય. બસ આવી બધી અવઢવો વચ્ચે આખરે જાતને દિલાસો આપતાં આપતાં થાકી ગઈ, સહનશક્તિના સીમાડા તૂટી ગયાં ને એક દિવસ કંટાળી જીવન ટૂંકાવવા જતી હતી,જીવન સાગર પાર ઉતરવાની મારામાં હિંમત નહોતી રહી એટલે હું જ આખી સાગરમાં  સમાઈ જવા તત્પર બની.પણ ત્યાંજ, એક અજાણ્યા સ્પર્શે મને રોકી...એની આંખોમાં  પ્રેમનો અફાટ સાગર નજરે ચઢ્યો ..... કોણ હતો એ,ક્યાંથી આવ્યો હતો એ..કશીજ ખબર ના રહી બસ જાણે એની આંખોમાં હું ડૂબવા લાગી... એણે મને કારણ ના પૂછ્યું, હું કેમ આમ કરવા જઈ રહી છું.પણ હું એનાં પગમાં પડી ગઈ, રીતસર કરગરી પડી," જો તમારે મારો જીવ જ બચાવવો હોય તો મને માતૃત્વનું સુખ આપો...નહીતો આ સાગરમાં સમાઈ જવા દો , ના બચાવશો મને. ...છે હિમ્મત તમારામાં મને બચાવવાની? " એ કરુણામય આંખો છલકાઇ..એમાં મારા જીવનનો હકાર હતો.ઘરે પાછી ફરી ત્યારે તૃપ્ત હતી.પ્રેમનો,સંતોષનો આખે આખો  સાગર મારી અંદર સમેટીને આવી હતી. ઘરના  ઉંબરે ભૂલથી અવળા  દોરાઈ ગયેલા  કંકુ સાથીયાને સરખો કરી, ઉંબરો  ઓળંગી પાછી ફરી.......પણ બીજે દિવસે આધુનિક ટ્રીટમેન્ટનું બહાનું ધરી અંશુલનાં રિપોર્ટ કઢાવી લીધા જે મારા માટે ચોંકાવનારા તો હતા પણ  સાથે સાથે દિલાસા રૂપ તો હતા  ...હા, મેં કઈજ ખોટું નહોતું કર્યું....

" અંશી, તું કાઈ બોલતી કેમ નથી? વારે વારે શું આમ વિચારોમાં ખોવાઈ જાય છે? મે એને કહ્યું કે હું તને  કોઈ ભાગ આપવાનો નથી,  એના વિશ્વાસઘાતની કિંમત તો  એને ચૂકવવી જ પડશે."

અંશીના કપાળે પરસેવો  બાઝ્યો...અંદરનો પોષતો જીવ પણ જાણે વિશ્વાસઘાતના  વારંવાર  વાગતાં મારથી ઉચાટ કરવા લાગ્યો..એ નાનકડો જીવ હવે અંશીને ભીંસમાં લેવા માંડ્યો...પાલવ નીચેથી એની લાતો એટલી જોરથી વાગી કે પાલવ અંશિના હાથમાંથી છૂટી ગયો....પેટ ઉઘાડું થઈ ગયું હતું હવે.......એ લાતો એ એના  હૃદય   પર ભીંસ વધારી....એ   ત્યાં ને ત્યાંજ ઢગલો થઈને ઢળી પડી.બે સાથળોના પડછાયામાં  વિશ્વાસઘાતી લોહીની સેર છૂટી ને રેલો અંશુલના પગને સ્પર્શયો.અંશુલે ત્વરાથી પગ ખસેડી લીધો જાણે એ ગરમ લોહીની સેરથી દાઝી ગયો હોય ...એમ્બ્યુલન્સની સાયરનોના અવાજમાં  સત્ય ચીસાચીસ કરતું રહ્યું...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ