વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ચા મળશે કે ?

બાપુજી છાપુ લઇ વરંડાની આરામ ખુરશી ઉપર બેઠા હોય. છાપાના સમાચારોમાં તકાયેલી આંખો ઘડિયાળના સમય જોડે સંપર્ક  વિનાજ જોડાયેલી હોય. છાપાના પાનાઓ ઉથલાવતા, સમાચાર વાંચતી દ્રષ્ટિને વરંડા બહાર પસાર થતા રસ્તા ઉપર અવારનવાર નાખતા હોય. જેવા ઘડિયાળમાં અગિયારના ટકોરા પડે કે બાપુજીનો અવાજ વરંડામાંથી નીકળી આખા ઘરમાં ગુંજી રહેતો. 

 

" વનિતા , એક ચા મળશે કે ?"

 

બાપુજીની એ પહેલી સાદને રસોડામાં વ્યસ્ત બા તરફથી કોઈ પણ પ્રત્યાઘાત મળતા નહીં  અને પ્રત્યાઘાત નજ મળશે એ બાપુજી પણ અગાઉથી જાણતાજ હોય. ફરીથી બાપુજી છાપાના પાના વ્યવસ્થિત કરી પોતાનું વાંચન આગળ ધપાવતા. મહોલ્લામાંથી પસાર થતા કોઈ મિત્ર કે ઓળખીતી વ્યક્તિ પર નજર પડતી કે થોડી  ક્ષણો માટે એમનો સમય સામાજિક સંપર્કો પાછળ હકારાત્મક રીતે ખર્ચાય રહેતો . વાતોનો દોર પૂરો થતો કે ચા માટેની બીજી સાદ ફરીથી આખા ઘરમાં ગુંજતી.

 

"વનિતા , એક ચા મળશે કે ?"

 

બીજી વખતની સાદ થી બાના ચ્હેરા ઉપરના હાવભાવો બદલાવાના શરૂ થતા. રસોઈ કરવામાં વ્યસ્ત હાથની ઝડપ પહેલાથી પણ બમણી થઇ રહેતી. શાકભાજી સમારતી છરીની ધાર પટકાઈ પટકાઈને અફળાતી .એનો અવાજ રસોડામાંથી ગુંજતો વરંડા સુધી પહોંચી રહેતો . પોતાની વ્યસ્તતા ભરી પરિસ્થતીની જાણનો સંદેશો બા શબ્દો પ્રયોજ્યા વિનાજ , ફક્ત પોતાના કાર્યના સ્વર દ્વારાજ વરંડા સુધી પહોંચાડી દેતા .

 

પોતાની બીજી નિષ્ફ્ળ સાદને સમેટી લઇ બાપુજી ફરીથી છાપાના પાનાઓ અહીંથી ત્યાં ફેરવતા. આજુબાજુના વૃક્ષોની ડાળીઓ ઉપર ઉડાઉડ કરતા પંખીઓ ની રમત થોડા સમય માટે નિહાળતા .મહોલ્લામાં રમવા નીકળેલા ટાબરિયાંઓને નિહાળી દૂર બેઠા ખુશ થતા . થોડા સમયનું અર્થપૂર્ણ અંતર રાખ્યા પછી ત્રીજી અને નિર્ણાયક ગુંજ ફરીથી ઘરમાં ગુંજતી. 

 

" વનિતા , એક ચા મળશે કે ? લાઈબ્રેરી  જવાનો સમય થઇ ગયો ..."

 

આ વખતે તો ચા મળીજ રહેશે એની પૂર્વ ખાતરી જોડે તેઓ છાપાના ઢગલાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું આરંભી દેતા. બીજી તરફ રસોડામાં બાની ધીરજ ચરમસીમાએ પહોંચતી . ચ્હેરા ઉપરની અકળામણ હાવભાવોમાં પણ ઉતરી આવતી. સ્ટવ ઉપરની એકાદ દેગચીને નીચે ઉતારી ,બાપુજીની ફક્ત એકજ પ્યાલી ચા ના માપ માટે વસાવેલી એમની નાનકડી પતેલી છણકા જોડે સ્ટવ ઉપર ગોઠવી દેતી . બાપુજી ચામાં કેટલું પાણી , દૂધ અને સાકર પસંદ કરતા એના વરસાનુભવ આધારે ચા તૈયાર કરવા મૂકી દેતી . ચા તૈયાર થતી હોય એ સમય દરમ્યાન એ રસોઈ માટેની અન્ય તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી . પણ બાનો ઊંચો સ્વર આખા ઘરમાં ગુંજી રહેતો .

 

" ચા ..ચા ..ચા ...સવારે તો આપી હતી . ચાને બહાને ફક્ત મારા કામમાં વિઘ્નો પાડવાના હોય . મારે ફક્ત બેસીને છાપું વાંચવાનું નથી કે લાઈબ્રેરી જઈ મિત્રો જોડે ગપ્પા મારવાના નથી . ઢગલો કામ કરવાના હોય . આદેશના ટિફિન સર્વિસ વાળા આવતાજ હશે . બાળકો પણ શાળાએ થી પરત થશે . બધી રસોઈ સમયસર નિપટાવવાની હોય અને ઉપરથી તમારા ચાના આદેશો છૂટે એ જુદા ! એકજ સ્ટવ છે મારા રસોડામાં ..."

 

બાના આ બધાજ શબ્દો દરરોજ પુનરાવર્તિત થતા . શબ્દોનો ક્રમ પણ લગભગ એક સરખો . બાપુજીને તો કદાચ એ બધા શબ્દો મનમાં ગોખાય પણ ગયા હોય તો નવાઈ નહીં . તૈયાર થયેલી ચા ને કપમાં નીકાળી મિતાલીના હાથમાં ધરતા બા પોતાના ક્રોધ  વક્તવ્યને અંતિમ સ્પર્શ આપતા .

 

" જા આપી આવ તારા સસરાને . એ લાઈબ્રેરી  જાય તો હું નિરાંતે રસોઈ તો કરી શકું . નહીંતર ચા ..ચા ..કરી મારો જીવ લેશે ."

 

આખરે પણ બાપુજી પોતાની ચા પીધા પછીજ શાંતિથી લાઈબ્રેરી જવા નીકળતા . આ દરરોજની નિયમિત પુનરાવર્તિત ઘટનાની મિતાલી મૌન સાક્ષી . મનોમન આ રિકઝિક નિહાળી એ કેટલું હસતી . બા -બાપુજી નું આ નિયમિત દ્રશ્ય રમૂજ પણ ઉપજાવતું અને એ બન્ને પ્રત્યે સ્નેહ પણ . 

 

પરંતુ હવે જયારે પણ રસોડાની નાનકડી બારીમાંથી વરંડામાં ગુમસુમ બેઠા બાપુજીને એ નિહાળતી ત્યારે સ્વર્ગસ્થ બાની યાદ વધુ વેદના આપતી . રસોડામાં બાની બધીજ જવાબદારીઓ એણે ભલે ખુબજ કુશળતાથી ઉપાડી લીધી હતી . પણ ઘરમાં બાનું સ્થાન ક્યાંથી લઇ શકે ? બા વગર ઘર ઘણું બદલાઈ ગયું હતું  અને સૌથી વધારે બાપુજી . 

 

હવે ઘડિયાળના ટકોરા જોડે એમની દ્રષ્ટિ અને ધ્યાનનો કોઈ સંપર્કજ રહેતો ન હતો  . ચા માટે હવે એક પણ સાદ ઘરમાં ગુંજતી ન હતી . છાપાના ઢગલાઓ ફક્ત પર્વત જેમ એક્બીજાની ઉપર ભેગા થતા જતા હતા . એ પાનાઓ ફેરવવામાં હવે એમનો કોઈ રસજ બચ્યો ન હતો . મહોલ્લાઓમાંથી પસાર થતા મિત્રો કે ઓળખીતાઓને હવે જાણે તેઓ ઓળખતાજ ન હતા . માસુમ બાળકોનો શોર કે વૃક્ષો ઉપરથી ગુંજતા પક્ષીઓના મધુર ટહુકાઓ એમની શ્રવણ ઇન્દ્રિયો સુધી પહોંચતાજ ન હતા . આંખો વરંડાની બહાર શુન્યાવકાશમાં સ્થિર ઢળી રહેતી . લાઈબ્રેરી જવાનું તો એમણે તદ્દન બંધ જ કરી દીધું હતું . 

 

રસોડાની ઘડિયાળમાં અગિયાર ટકોરા પડ્યા . બા બાપુજીની મધુર યાદોમાં ખોવાયેલી મિતાલી રસોડાના નિયમિત કાર્યોમાં વ્યસ્ત હતી . પોતાના મનમાં ઉઠેલા વિચારથી પ્રેરાઈ એણે સ્ટવ ઉપરથી ફટાફટ એક પતીલી હડસેલી, પિતાજીની ચા માટેની પેલી ખાસ નાનકડી પતીલી એની જગ્યાએ સ્ટવ પર ચઢાવી . બા ના હિસાબ પ્રમાણે બાપુજીની પસંદગી અનુસાર યોગ્ય પ્રમાણમાં દૂધ , પાણી ,ચા અને સાકર મેળવી ગરમાગરમ ચા તૈયાર કરી નાખી .

 

વરંડામાં શુન્યાવકાશમાં ખોવાયેલી બાપુજીની આંખો સામે ગરમાગરમ ચા આવી અને એમની સંવેદનાઓની તંદ્રા તૂટી .

 

" અરે બેટા , આની શી જરૂર હતી ?"

 

બાપુજીના હાથમાં ચાનો કપ આપી રહેલી મિતાલીનો ઉત્સાહ જાણે વીંધાઈ ગયો . ચ્હેરો થોડો ઉતરી પડ્યો . બાપુજીની ઘરડી આંખોએ એ ભાવનાઓની સુક્ષ્મ નોંધ લીધી . 

 

" મને થયું કે તમને દરરોજ અગિયાર વાગે ચા પીવાની ટેવ હતી એટલે ...."

 

મિતાલીના હાથમાંથી ચાનો કપ લઇ બાપુજીએ એનો હાથ થપથપાવ્યો .

 

" અહીં બેસ જોવ ...."

 

હાથમાંની ચા નિહાળતી વૃદ્ધ આંખોમાં વેદનાનું ભેજ વ્યાપી ગયું .

 

" ટેવ ? હા બેટા , ટેવ તો હતી મને . પણ ચાની નહીં . તારી બાનો અવાજ સાંભળવાની , એનો ગુસ્સો , એની ચીડ ની મજા માણવાની . એનું આખું જીવન એણે મારા જીવનને સુંદર 

શણગારવા પાછળ ખર્ચી નાખ્યું. પહેલા હું , પછી બાળકો અને પછી બાળકોના બાળકો

 ...એક પછી એક ફરજો એ નિભાવતીજ ગઈ એની અંતિમ શ્વાસ સુધી . હું તો જીવનના એક તબક્કે નિવૃત્ત પણ થયો પણ એને એની  જીવન ફરજોમાંથી ક્યારે નિવૃત્તિજ ન મળી ! હું અહીં એકલો અટૂલો વરંડામાં બેઠો હોઉં અને એ રસોડામાં વ્યસ્ત . ત્યારે મન થતું એનો અવાજ સાંભળવાનું , એની જોડે વાતો કરવાનું . ચા તો ફક્ત એક બહાનું હતું . જે થકી એનો અવાજ આખા ઘરમાં હું ગુંજતો સાંભળી શકું . એનો અવાજ સાંભળી મને  અનેરો સંતોષ મળતો કે મારી વનિતા મારી આસપાસજ છે અને હું મારા ઘરમાંજ છું . પણ હવે હું કોનો અવાજ ...?"

 

બાપુજીના ગળામાં ભરાયેલા ડુમા જોડે આગળ નું વિધાન અધૂરુંજ છૂટી ગયું . મિતાલીનો અવાજ પણ ગળગળો થઇ રહ્યો.

 

" જેને આપણે પ્રેમ કરીએ એના પરજ આપણે અધિકાર જમાવીએ . અન્ય જોડે તો ફક્ત ઔપચારિકતાઓ જ નિભાવીએ ....."

 

પ્રેસર કૂકરની સિટીના અવાજ જોડેજ મિતાલી રસોડા તરફ ધસી ગઈ. બાપુજીના હાથમાંની ચા માંથી હજી પણ વરાળ ઉઠી રહી હતી. એ વરાળ વચ્ચે થી બાપુજીના આંખોમાંનું પાણી સ્પષ્ટ ચમકી રહ્યું હતું .

 

બીજે દિવસે મિતાલી રસોડામાં ગળાડૂબ વ્યસ્ત હતી. ઘડિયાળમાં અગિયાર ટકોરા પડ્યા . વરંડા તરફથી બાપુજી નો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો .

 

" મિતાલી બેટા , એક ચા મળશે કે ?"

 

મિતાલીની આંખો ખુશીથી ચમકી ઉઠી. તરતજ સ્ટવ ઉપરથી પ્રેશરકૂકર ઉતારી લઇ એણે ચા માટેની નાની પતેલી એની જગ્યાએ ગોઠવી દીધી. પાણી , દૂધ , સાકર અને ચા પ્રમાણસર મેળવી લીધું. જોતજોતામાં મિતાલીનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો.

 

" બાપુજી મારો સ્ટવ વ્યસ્ત છે . કેટલું બધું કામ પડ્યું છે ! આદેશનું ટિફિન તૈયાર કરવાનું છે . ટિફિન સર્વિસ વાળા આવતાજ હશે . બાળકો પણ થોડા સમયમાંજ આવી રહેશે . હજી રસોઈનું ઘણું કામ પડ્યું છે ...."

 

વરંડામાં બાપુજીને પૂર્વ ખાતરી થઇ ગઈ કે હવે થોડાજ સમયમાં ગરમાગરમ ચા હાથમાં મળી રહેશે . મિતાલીનો અવાજ હજી આખા ઘરમાં  ગુંજી રહ્યો હતો. એ ઘરમાં એકલા ન હતા. વૃક્ષ ઉપરથી સંભળાઈ રહેલા  મીઠામધુર પંખીઓના ટહુકા તરફ એક સ્મિત વાળી દ્રષ્ટિ ફેંકી, હાથમાંનું છાપું સંકેલી લઇ,  છાપાઓના  ઢગલાને યોગ્ય ક્રમમાં ગોઠવતા એ લાઈબ્રેરી માટે  નીકળવા તૈયાર થઇ રહ્યા....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ