વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આણું

" આણું "


"એ અમારા ઘેર આણું જોવા આવજો હો"

ઉતાવળા પગે ગામ આખાના ઘર ફરી વળી રઘલાની બોન કંકુ થાકીને ઊંચી પરથારની ઓસરીમાં હાંશકારો કરી બેઠી.

     21 વરહ સુધી બાપના આંગણે ઉડતું પંખીડું આજ ચાર દીવાલો રુપી પાંજરે પુરાણું છે.

   ગામ આખાની બાયું રઘલાની નવી વહુનું આણું જોવા આવી છે...દીકરીના કોડને પુરા કરતાં મા-બાપે હૃદય મોકળું મૂકી આપેલા કારીયાવરને સૌ નિહાળી રહ્યાં છે...

   કોણ શું કહેશે એ સાંભળવા આતુર મોટા ઘુમટાથી ઘેરાયેલી 'સમુ' કાન સરવા કરી ઓરડાના એક ખૂણે હૈયું સંકેલી બેઠી છે..

   ગામની બાયું સૌ એક પછી એક વસ્તુને મૂલવી રહી છે.."ઘણું દીધું છે હો.." પણ કેસૂડાની બાય જેટલું નહીં હો..." હા, હો !! મેઘાની બાયનું આણું તો બોન આંખ્યું ફાટે એવું હતું" સૌનાં કોલાહલ વચ્ચે...રઘલાની માં.." એ બોન આતો રિવાજ છે એટલે સંધાયને બોલાવ્યા સ...બાકી મારે મન તો આ રઘલાની વહુ..મારી કંકુડી જેવી જ હો.....

   " તમેં બધી બોનું એ જોવો સવો કે આ રઘલાની વહુ કેટલું લાવી છે પણ હું તો કાલની એજ જોવ છું કે આ બાય કેટલું  છોડીને આવી છે......"

   બાપની આબરૂને દિપાવતી, મોટા ઘુમટામાં મો છુપાવતી રઘલાની વહુના હૈયામાં ટાઢકનો શેરડો ફૂટ્યો..... સૌની પાંપણો ભીંજાણી.....


પ્રવીણભાઈ એલ ખાચર 'પાર્થ'

શિક્ષકશ્રી ચાચરિયા પ્રા. શાળા

  કેળવણી નિરીક્ષક બરવાળા


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ