વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દાનવીર

સમુદ્ર કિનારાનો કચરો વાળી ખરબચડા હાથ એણે ખંખેર્યા . આજનું કાર્ય સમાપ્ત થયાનો હાશકારો થાકેલા શરીરમાં ફરી વળ્યો . દૂર બાંકડા ઉપર રાહ જોઈ રહેલ દીકરો ભૂખ્યો થયો હશે એ વિચારે ઝડપથી એના પગ આગળ વધ્યા . દારૂડિયા પતિના ઘર છોડી જવાને એક વર્ષ ઉપર થઇ ગયો હતો . પત્ની અને બાળક કઈ રીતે જીવન આગળ ધપાવશે એની કોઈ પણ પ્રકારની ચિંતા વિનાજ . પણ એણે પણ મક્કમ મન જોડે દીકરાને શિક્ષણ અપાવી એના જીવનને સુધારવાની જવાબદારી પોતાના ખભા ઉપર રાજીખુશીએ ઉપાડી લીધી હતી . 

 

આંખોના ઈશારા દ્વારા જ એણે દીકરાને નજીક બોલાવ્યો . દૂર બાંકડા ઉપરથી દોડતો ભાગતો એ ટેવ પ્રમાણે સસ્તી જમણની લારી નજીક પહોંચી ગયો . ગરમાગરમ વડાપાઉંનું પડીકું હાથમાં આવતાજ નાનકડી આંખોમાં ચમક આવી ગઈ . પોતાના જમણા હાથની એક આંગળી આગળ ઉઠાવતા એણે આંખો દ્વારા મા આગળ આજીજીભર્યા હાવભાવો દર્શાવ્યા .

 

માસુમ માંગણી સ્વીકારાઈ ગઈ અને અન્ય એક વડાપાઉંનું પડીકું તૈયાર થઇ ગયું . બન્ને હાથ દ્વારા બે વડાપાઉંનું સંતોલન સાધતો એ રાજીખુશીથી દૂર બાંકડા ઉપર જઈ ગોઠવાઈ ગયો . પોતાના ગમતા જમણ થકી પેટમાં ઉપડેલી અસહ્ય ભૂખને સંતોષતા દીકરાને દૂરથીજ નિહાળી માનું હૃદય તૃપ્ત થઇ ઉઠ્યું.

 

પોતાના માટે પણ એક વડાપાઉં ખરીદી, સાડીના છેડામાં લપેટીને રાખેલ નામનાજ પૈસામાંથી એણે જમણની કિંમત ચૂકવી દીધી .

દીકરા નજીક જવા ઉપડી રહેલ પગ થંભી ગયા.  લારીની પાછળથી આવી રહેલ અવાજ પર કાન આવી અટક્યા .

 

" સાહેબ બહુ ભૂખ લાગી છે . "

 

" શાળાએ જાય છે ? "

 

" નહીં "

 

" કેમ ?"

 

" પૈસા નથી . "

 

" તારા માતા પિતા ? "

 

" નથી . "

 

સમુદ્ર કિનારે ફરવા આવેલ સુંદર વસ્ત્રોમાં સજ્જ શેઠે પોતાનો પર્સ ખોલી એક મોટી નોટ મોટા હૃદય જોડે આપી દીધી . વડાપાઉં ખરીદવા લારીની નજીક પહોંચેલ એ અનાથ બાળક ઉપર એનું માતૃ હૃદય વલોવાય રહ્યું . પોતાની આર્થિક લાચારી પર એને દયા છૂટી . ગમે તેમ જીવનનું ગાડું ખેંચતા લોકો દાન જેવા મહાન પુણ્યથી બાકાત રહી જતા હોય છે .હય્યામાં એ નિસાસો સમેટી એણે ડગલાં આગળ વધાર્યા .

 

દરેક ડગલાં જોડે એણે પોતાની જાતને વચન આપ્યું કે પોતાના દીકરાને એટલું શિક્ષણ જરૂર આપશે કે એ દાનનું પુણ્ય કમાઈ શકે , પેલા ધનવાન શેઠની જેમજ .

 

બાંકડા નજીક પહોંચ્તાજ નજર આગળના દ્રશ્યથી એની આંખો પહોળી થઇ . ભવાં સંકોચાયા . ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો . એક ટુકડો જમણ મોઢામાં નાખી બીજો ટુકડો બાંકડાની પાછળ ઉડાવી રહેલ દીકરાના બેદરકાર હાથને એણે બળપૂર્વક થામી એના ચ્હેરા ઉપર એક સળવળતો થપ્પડ માર્યો .

 

એને શું શીખવવું હતું અને એ શું કરી રહ્યો હતો ?

 

" અન્નનો આવો વ્યય ? આવું અપમાન ? ભૂખથી માનવી મરી રહ્યા છે ને તું ...."

 

ક્રોધનો લાવા આગળ વધે એ પહેલા માસુમ ડૂસકું બોલી ઉઠ્યું . 

 

" માં , ભૂખ તો એમને પણ લાગે ને ...."

 

નાનકડા હાથના ઇશારાને અનુસરતી આંખો બાંકડાની પાછળ તરફ પહોંચી . 

 

ચાર પાંચ પંખીઓનું ઝુંડ નિરાંતે એના દીકરાએ વહેંચેલ જમણને ચૂંટી રહ્યું હતું . 

 

આંખોમાં પસ્તાવાના ધોધ જોડે એ પોતાના નાનકડા દાનવીરને ગર્વથી નિહાળી રહી ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ