વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમી પડોશી

  " આમ જોવો, મુંજાતા નહિ હો, તમતમારે કામકાજ હોય તો કે'જો. અડધી રાત્યે જરીક રિંગ કરજો એટલે હું મફતલાલ સાવ મફતમાં જ દોડીને આવીશ" મફતલાલે મોટી ફાંદ ઉપર હાથ ફેરવીને બાજુના ફ્લેટમાં નવા રહેવા આવેલા મયુર અને માનસીને કહ્યું. હજુ

મયુરનો સમાન મજૂરો દાદરમાંથી ઉપર ચડાવતા હતા.ત્યારે પડોશમાંથી આ મફતલાલ આવીને દરવાજામાં આડા ઉભા રહીને પોતે સાવ મફતમાં અવેલેબલ હોવાનું કહી રહ્યા હતા.અને એ પણ એમણે જ્યારે પોતાના ફ્લેટની બારીમાંથી રૂપાળી માનસીને જોઈ એટલે તરત ઉપયોગી થવા દોડ્યો હતો.

" અત્યારે તો જરા એક બાજુ તમારું શરીર ખસેડવાની મદદ કરો, જેથી પેલો મજૂર અંદર આવી શકે " મયૂરે  ' શરીર '  પર ભાર આપીને મફતલાલના મહાકાય શરીરને હળવો ધક્કો મારતા કહ્યું.

" હા, હા, કેમ નહીં " કહીને મફતલાલ બારણાં માંથી અંદર આવીને એકબાજુ પડેલી ખુરશી પર બેઠો. મયૂરની એ જૂની પ્લાસ્ટિકની ખુરશી મહાકાય મફતલાલનું મફતમાં ખાઈ ખાઈને વધી પડેલું વજન ખમી શકી નહીં અને પાછળના બેઉ પાયા બટકી પડતા મફતલાલ ખુરશી સહિત અસ્ત વ્યસ્ત પડેલા સમાન પર ઢળી પડ્યા.તેમને પડેલા જોઈને માનસી ખડખડાટ હસી પડી

"અરે ,મયુર જુવો જુવો તમારી ખાસ ખુરશીએ આ મફતલાલને પાડી દીધા."

"અરે, યાર હવે ઉભા તો થાવ.. મારી ખુરશી તોડી નાખી તમે "

મયૂરે થોડા ગુસ્સા સાથે કહ્યું.

"સોરી, દોસ્ત. પણ હું મારી જાતે ઉભો નથી થઈ શકતો, મને જરા ટેકો કરવો પડશે " મફતલાલ હાથના ટેકે શરીરને સહેજ ઊંચું કરીને હસી રહેલી માનસીને તાકી રહ્યા.

"ઓ, હેલો મિ. મફતલાલ તમને ટેકો કરવાનું મારું ગજું નથી.અને તમે મારી પ્રિય પત્નીને તાકી રહ્યા છો પણ હું તમને જણાવી દઉં કે એ માનસી છે, મારી જેવા હેન્ડસમને પણ પટાવતા પાંચ વરસ લાગ્યા હતા.અને તમે તો મફતમાં જ?"  મયૂરે પણ હસતા હસતા કહ્યું.

" અરે, ભાઈ મને ઉભો તો કરો. " મફતલાલે કરગરીને કહ્યું.

"ઉભા રહો આ મજૂરને કહી જોઉં " મયૂરે સમાન મૂકી રહેલા મજૂરને રોક્યો , " અરે ભાઈ આ મહાકાય માણસને જરા ઉભા કરવામાં મદદ કરીશ ?"

" ચેટલાં કિલોનો સે ? "મજુરે મફતલાલ તરફ જોઈને કહ્યું.

" તો શું તું કિલો પ્રમાણે ભાવ લઈશ ?" મયૂરે પૂછ્યું.

"હા, કિલો ના દસ રૂપિયા પ્રમાણે થાહે, અને હું નીચેથી બીજા ત્રણ માણહ બોલાવી લાઉ " મજુરે પરસેવો લૂછતાં કહ્યું.

" અરે ભાઈ આમને ઉભા કરવાના છે, અરથી નથી ઉપાડવાની, તે તું બીજા ત્રણને બોલાવવાની વાત કરે છે " કહીને મયુર હસી પડ્યો.

" જુવો શેઠ, તમે ખાલી સમાન જ ઉપર ચડાવવાની વાત કરીતી, આવા જાડા માણહ ને ઉભું કરવાનો ચારજ અલગથી દેવો જોહે "

"અલ્યા ભાઈ તમારું વજન કેટલું છે , આ મજૂર કિલોના દસ રૂપિયા માંગે છે તમને ટેકો કરવાના, બોલો કેમ કરવું છે ?  ઉભું થવું છે કે મારા ઘરમાં જ આળોટવુ છે ?"  મયૂરે લેટેલા મફતલાલનો પૂછ્યું.

" યાર, શુ કામ મશ્કરી કરો છો ? જરીક ટેકો કરોને !" મફતલાલ કરગર્યો.

"જોવો ભઈ, તમને ટેકો કરવામાં અમારું પાટલુન બગડી જાય તો કોણ ધોઈ આલે ? એટલે કિલોના દસ.." મજૂરને પણ મજાક સુજી.

"મારુ વજન એકસો દસ કિલો છે, તે શું અગિયારસો રૂપિયા તું ટેકો કરવાના લઈશ ?" મફતલાલ ખિજાયો.

"મારા એકથી નો થાય શેઠ, બીજા ત્રણ નીચેથી લાવવા જોહે "

" હાલતીનો થા હાલતીનો, કોઈ માણહને ઉભા થવામાં મદદ કરવાના રૂપિયા મંગાય કે ?" 

"માણહને ઉભો કરવો હોય તો કરી આલિયે, કોઠી ઉભી કરવાના તો પૈહા લાગહે જ, હમજયા " મજૂરની સેન્સ ઓફ હ્યુમરથી માનસી અને મયુર ખડખડાટ હસી પડ્યા. મજૂર પણ હસતો હસતો મફતલાલને ટેકો કરવા લાગ્યો. આખરે મફતલાલ ઉભા થઈને પોતાના ઘેર રવાના થયા અને મયુર અને માનસી પોતાના ઘરને સજાવવાના કામમાં વ્યસ્ત થયા.

બીજા દિવસે મયુરને રજા હતી એટલે રાત્રે મોડે સુધી બન્નેએ સમાન ગોઠવ્યો.પછી બહાર હોટલમાં જમી આવ્યા.સવારે આઠ વાગ્યે મફતલાલે ડોરબેલ વગાડી. માનસીએ જાગીને કી હોલમાંથી મહાકાય મફતલાલનું મુખારવિંદ જોયું.ગઈકાલે મફતલાલની જે મજાક થયેલી તે યાદ  આવતા એનાથી હસી પડાયું. એ જ સ્મિતવદને તેણે દરવાજો ખોલ્યો.

"ગુડ મોરનિંગ..મિસિસ માનસી....હઆ ઉ આર યુ ?" મફત ઉવાચ.

" ગુડ મોર્નિંગ. શુ તમે ગુડ મોર્નીગ કહેવા ડોરબેલ વગાડ્યો છે ?"

"અરે, હોતું હશે કાંઈ !  હું તો સવારના ચા પાણી અને નાસ્તા માટે તમને બોલાવવા આવ્યો છું, મારી ઘરવાળીએ મસ્ત મજાના પરોઠા બનાવ્યા છે, અને આપણી દુકાનેથી ગરમાગરમ ફાફડા અને ખમણ હું લઈ આવ્યો છું, તમે લોકો ફ્રેશ થઈને આવો એટલે સાથે  ચાપાણી કરીએ, શુ છે કે તમારું હજુ બધું ગોઠવાયું ના હોય ને હજુ ?" કહીને મફતલાલે  પોતાનું મહાકાય શરીર તેમના ફ્લેટની દિશામાં હાંકયું.

" ઓકે, હું મયુરને જગાડું છું, પછી આવીએ " માનસીએ દરવાજો બંધ કરતા કહ્યું.

  મફતલાલની પત્નીએ પોતાના સરસ સ્વભાવની જેમ ખૂબ જ સરસ નાસ્તો બનાવ્યો હતો.બાજુના ફ્લેટમાં નવા જ રહેવા આવેલા કપલ માટે સવારમાં નાસ્તો બનાવીને તેને પડોશીધર્મ બજાવવાની શરૂઆત કરી દીધી હતી. મયુર અને માનસીને ખૂબ જ હેતથી આવકારીને રમીલાબેને નાસ્તો કરાવ્યો.

  મયુર અને માનસીને ગઈકાલે મફતલાલની મજાક ઉડાવવા બદલ પસ્તાવો થયો.પડોશીની ભાવના અંગે ગેરસમજ કરવા બદલ મયુર પણ મનોમન પછતાઈ રહ્યો હતો.

  પછી તો બન્ને કુટુંબ હળી મળીને રહેવા લાગ્યા.એકબીજાને  ત્યાં કંઈ નવી વાનગી બનાવી હોય તો સાથે જ જમી લેતા.સાથે બહાર ફરવા પણ જતા. મફતલાલ એમના ખખડધજ સ્કૂટર પર બેસે એટલે બિચારું સ્કૂટર બામ્બરડા પાડતું પાડતું ચાલતું.પાછળની સીટ પર બચેલી જરીક જગ્યામાં રમીલા ગોઠવાઈ જતી.રસ્તે જનારા પણ આ સવારી જોતા જ રહી જતા. મોટું શરીર નાના વાહન પર ચડી બેસેલું જોઈ હર કોઈ હસી પડતું.પણ મફતલાલને એની પરવા નહોતી.એ બિન્દાસ્ત જીવતો.મોજથી બધું જ ભરપેટ ઝાપટતો.ખાવાના એના ગજબના શીખને લીધે જ એ આ મહાકાયાનો માલિક બની શક્યો હતો. બીજું પણ એક પરિબળ એના શરીરનો મેદ વધારવા માટે જવાબદાર હતું, અને એ હતો એનો ધંધો ! હા, મફતલાલ "મફત ફરસાણ માર્ટ" નો માલિક હતો. જો કે એ કોઈને મફત તો નહોતો જ આપતો પણ તીખું અને તમતમતું ખાવાના શોખીન લોકો સવારથી જ "મફત ફરસાણ માર્ટ" નું શટર ખુલવાની રાહ જોતા.

  મયુર અને માનસીને તો મફતલાલ ના સ્વાદિષ્ટ ફરસાણનો લાભ પડોશી હોવાથી મફતમાં જ મળવા લાગ્યો. વળી માનસીને ખુશ કરવાની તક આ રીતે મફતલાલને સાવ મફતમાં જ મળતી. જો કે એ બિચારાને કોઈ એવી એષણા નહોતી અને એ વાસ્તવિકતા પણ જાણતો જ હતી.વળી મયુર ખૂબ જ સ્ટ્રેટફોરવર્ડ હતો.પહેલા જ દિવસે જ્યારે એ માનસીને ટગર ટગર જોઈ રહ્યો હતો ત્યારે મયૂરે રોકડું જ પરખાવેલું કે ભાઈ એને પટાવતા મારા જેવા હેન્ડસમને પણ પાંચ વરસ લાગેલા, એટલે તમે ખોટી પળોજણમાં પડવાનું રહેવા દેજો !

પણ તોય મન તો  માંકડા જેવું છે ને ! મફતલાલને, હા મહાકાય મફતલાલને ઊંડે ઊંડે એમ લાગતું હતું કે ખૂબ મહેનત કરવાથી સફળતા મળતી જ હોય છે. હવે તો કાયમ પાસે જ રહેવાનું છે ને ! એટલે કોક દી તો એવો ઉગશે જ કે જે દિવસે માનસી મફતલાલને આઈ લવ યુ કહેશે!!

  માનસીને ભાવતા વ્યંજનો મફતલાલ દુકાનમાં બનાવીને લાવતો. વાતો વાતોમાં એ જાણી લેતો કે માનસીને શુ શુ ગમે છે. એને ગમતા એક્ટરનું પિક્ચર આવે તો ચાર ટીકીટ લઈ આવતો.અવારનવાર કંઈકને કંઈક બહાને આ નર  અશક્ય બાબતને શક્ય કરી બતાવવાના ખ્વાબ જોતો.અને શરીર સિવાયની ઘણી જ બાબતોમાં ઘસાતો રહેતો.જો કે એના મનમાં માનસી પ્રત્યે કોઈ બદ દાનત કે ઇરાદાઓ નહોતા. બસ, માનસી એને ખૂબ ગમતી. અને પોતાનો માનસી પ્રત્યેનો આ લગાવ એ બિલકુલ છુપાવતો પણ નહીં.

  રમીલાએ નવા પાડોશી આવ્યા પછીના જે ફેરફારો પોતાના પિયુના વર્તનમાં જોયા તેની પાછળનું કારણ ન સમજે એવી કંઈ ડફોળ એ નહોતી.પણ રેતી પિલવાથી તેલ નીકળશે એવી આશા લઈને રેતી પિલતા પતિને આનંદ થતો એણે નિહાળ્યો. રમીલાને ગળા સુધી જ નહીં પણ માથું ડૂબી જાય ત્યાં સુધી ખાતરી હતી કે માનસી જેવી કમનીય કાયાની માલીકણ મફતલાલ જેવા કંદોઈની મીઠાઈઓ ખાઈને એની મીઠી તો ન જ બને એટલે ન જ બને." ભલેને બિચારો રાજી થતો, મારા બાપનું શુ જાય છે !"

સામે પક્ષે મયુરના ધ્યાન બહાર પણ આ વાત નહોતી. એ માનસીને ચીડવતો, "આપ સહીબા કે ચાહનેવાલે પર એક મીઠી નજર જરૂર કરના, આપ કી જુબાં પે કભી મીઠાશ કમ નહિ હોગી "

માનસી એને મારવા દોડતી. મયુર પણ સોફા પરથી કૂદકો મારીને બેડરૂમમાં નાસી જતો.માનસી પાછળ દોડતી આવીને મયૂરની બાહોમાં સમાઈ જતી.

"એ બબુચક મફતીયો મારી પાછળ હાથ ધોઈને પડેલો છે, મયુર એને તમે કહી દો ને " આખરે માનસી હસીને કહેતી.

"માત્ર હાથ ધોઈને નહિ, નાહી ધોઈને , એમ કહે.કાલે એ જિમ જોઈન્ટ કરવાનો છે બોલ, એને હવે પાતળા થવું છે કારણ કે તેં એકવાર કહેલુંને કે મને તો જાડા માણસો ના ગમે, એટલે"

"તો, ભલે ને કરે. એ બહાને એનું શરીર ઉતરશે તો બિચારાને ફાયદો જ છે ને, મારા કારણે કોઈનું સારું થાય તો મને શું વાંધો હોય " માનસીએ કહ્યું.

"પણ , વાંધો મને હોયને ! એ મફતીયો સ્લિમ થઈ જશે તો તને ગમવા માંડશે અને તને ગમવા માંડશે તો મારે વિચારવું પડશે હો !"

માનસી તકીયાનો છૂટો ઘા મયુર પર કરતી.આમ મફતને કારણે બન્ને વચ્ચેનો પ્રેમ વધુ ને વધુ ગાઢ બની જતો.

  મફતની કાલ્પનિક પ્રેમની આશા આમ કોઈથી છુપી નહોતી.છતાં સૌ કોઈ એને આ નિર્ભિક આનંદ લેવા દેતું.સૌને હૈયે ધરપત હતી કે મફતના પ્રયાસો પાણીમાં દોરતા ચિત્ર જેવા જ સાબિત થવાના છે, ખુદ મફતને પણ કદાચ ખબર જ હતી કે સાગના સોટા જેવી માનુની એના જેવા લપોળીયા કંદોઈ પર થુંકવાની મહેરબાની પણ કરે તેમ નહોતી છતાં બસ એ સાવ એમ જ ઘોર અંધારામાં કદાચ ક્યારેક કોઈ દીપ જલે પણ ખરો એમ માનીને માનસીને મનગમતો થવા મથતો રહેતો.

  આમ ને આમ ઘણો સમય વહી ગયો. એક દિવસ મયૂરની બાઇકને પુરપાટ ઝડપે જતા ટ્રકની ટક્કર વાગી. જેવા સમાચાર મળ્યા, મફત દુકાન બંધ કરવા પણ ન રોકાયો.તાબડતોબ હોસ્પિલે પહોંચીને  મયૂરની બેસ્ટ ટ્રીટમેન્ટ માટેની બધી જ વ્યવસ્થા કરી દીધી. મ્યુરના ઓપરેશન માટે ડોકટરે માગેલા પાંચ લાખ પોતાના લોકરમાંથી કાઢીને ભરી પણ દીધા.માનસી તો આઘાતથી અધમુવી જ થઈ ગઈ હતી.રમીલાએ સગ્ગી નાની બહેનની જેમ હૂંફ આપીને હિંમત આપી.મયુરનો જેટલો સમય હોસ્પિટલમાં રહેવું પડયું તે તમામ રાતો સ્પેશિયલ રૂમમાં મફતલાલ જ રોકાયો. જાણે કે મોતના મોં માંથી, યમરાજના હાથમાંથી મયુરને છોડાવીને પાછો જ લાવી આપ્યો.

માનસી મનોમન મફતલાલને વંદી રહી. આ માણસ માત્ર પડોશી હતો ?  કદાચ એણે આટલી દોડધામ અને વ્યવસ્થા ન કરી હોત તો ?  મારું સુખ તો વાટકામાંથી વેરાઈ જતા વટાણાની માફક જ વેરાઈ ગયું હોત અને મારું જીવન વેરાન થઈ ગયું હોત. આ દુનિયામાં મયુર સિવાય એનું કોઈ જ નહોતું. ઓહ મફતલાલનો ઉપકાર હું કઈ રીતે ઉતારી શકીશ ?

  મયુર પણ હવે મફતલાલ માટે ખૂબ માન ધરાવતો થઈ ગયો હતો. હંમેશા "કે'જો કંઈ કામ કાજ હોય તો " એમ કહીને પોતાના ઘરમાં ટપકી પડતો આ પાડોશી હવે ખૂબ વ્હાલો લાગવા માંડ્યો હતો.

રમીલાએ પડખામાં ઊંઘેકાંધ પડીને ઘોરતા મફતને કોણીનો ગોદો મારીને પૂછ્યું , " હેં કવસુ સાંભળો છો ? તમે આ બાજુવાળા પાડોશી હાટુ થઈને આટલા બધા ચીમ દોડો છો ? તમે ગમે ઇમ કરશો તોય ઇ રૂપાળી તમારી નઈ થાય, કોકના બયરાની ઈજ્જત રાખતા શીખો "

"હેં ?  શુ કે'શ તું ? તું મારી ઘરવાળી ઉઠીને આવું બોલશ ? તું રમીલા તું ?  તે મને ઓળખવામાં ભૂલ કરી હો ?  માનસી મને ગમે છે , હું એને મનોમન ચાહું પણ છું, તે શું હું એને મારી કરવા સાટું ? હેં એં ....? શુ  તે મને એવો લંપટ જાણ્યો ? મને મને ? રમીલા આપણા સંસારમાં તે આવું કહીને આજ પલિતો છંપી દીધો ! અરે, ગાંડી, જેને પ્રેમ કરતા હોઈએને ઇના સુખ સાટું થઈને વેચાઈ જવું પડે ને તોય પાછી પાની નો કરે એ જ ખરો પ્રેમ. તું મારી ઘરવાળી છો, તારો હક તો પહેલો. મારા દિલમાં માનસી માટે પ્રેમની લાગણી છે તો છે જ, મેં કોઈથી છુપાવી નથી.પણ એ માત્ર લાગણી જ છે,માનસી અને મારા વચ્ચે જે તફાવત છે એ નદીના જ નહીં દરિયાના બે કિનારા વચ્ચેના અંતર જેવડો મોટો છે એ શું હું નથી સમજતો ?

તો પણ બસ મને એના માટે પ્રેમ છે એટલે પ્રેમ છે જ. એનાથી તને કોઈ નુકશાન થવા નહિ દઉં, એની ખુશીમાં જ મને અપાર ખુશી મળે છે બસ. એથી વધુની મને કોઈ ખેવના નથી.મન તો માંકડા જેવું ચંચળ છે તે કદીક આડું અવળું વિચારે ચડી જાય તો એને સાચા માર્ગે વાળતા મને આવડે છે એટલે તું છાની મર અને મને સુવા દે, હવે પછી ક્યારેય આવી અવળ વાણી ઓચરતી નહિ નકર પડખું ફેરવીશ તો દબાઈને જ મરી જઈશ હા "કહીને મફતલાલ ફરી ઘોરવા માંડ્યો.

   રમિલાને પણ હાશકારો થયો., "હશે, કોઈ માણસ ક્યારેક ગમી પણ જાય, તેથી શુ, મારા મફતે કશું જ છાનામાના નથી કર્યું એટલું જ મારે તો ઘણું છે." એમ વિચારીને એ પણ મફતને ચોંટી ને સુઈ ગઈ.

બાજુના ઘરમાં પણ આજ વિષય પર વાત ચાલી રહી હતી.

  "માનસી, આ મફતલાલ તો આપણા માટે ભગવાન જેવા પુરવાર થયા, મને બચાવવા એને પાણીની જેમ પૈસા વાપર્યા. મને કહેતા હતા કે મયુરભાઈ, ઉપાધિ ના કરતા.એક પડોશી તરીકેની જ ફરજ હું બજાવી રહ્યો છું,આ પૈસાના બદલામાં તમારી પાસે મારી કોઈ અપેક્ષા નથી. તમતમારે જેમ સગવડ થાય તેમ પાછા આપી દેજો. તમારું અને માનસીનું સુખ અકબંધ રહે એ જ મારે પડોશી તરીકે જોવાનું છે બસ."

"હા, મયુર.એને હું ખૂબ જ ગમુ છું, એ મને સાચા દિલથી પ્રેમ કરે છે, અને હવે આવડો મોટો ઉપકાર પણ કર્યો, મયુર મને આ બધું નથી ગમતું. કેવું વિચિત્ર લાગે ? " માનસીએ કહ્યું.

"જો, કોઈ વ્યક્તિ કોઈને ગમતી હોય એ કંઈ ગુન્હો નથી. બે  અજાણ્યા પુરુસો વચ્ચે દિલોજાન દોસ્તી નથી થઈ જતી ? એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે ને !  આપણે પણ હવે મફતલાલને પ્રેમ કરીશું. એક પડોશી તરીકે આપણે પણ એમને મદદરૂપ થઈશું " મયૂરે માનસીની આંખમાં આંખ પરોવીને ઉમેર્યું, " તું એમને થેંક્યું તો કહેજે, બિચારા રાજી રાજી થઈ જશે !"

  "ચોક્કસ કહીશ"

બીજા દિવસે માનસીએ પોતાના ઘેર ખૂબ જ સરસ મજાની રસોઈ બનાવીને મફતલાલ અને રમિલને જમવાનું આમંત્રણ આપ્યું,જો કે ફરસાણ અને મીઠાઈ તો મફતલાલ જ લાવ્યો.

જમીને બધા જ બેઠા હતા ત્યારે માનસીએ મફતલાલના કાંડા પર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને કહ્યું, "આઈ લવ યુ દોસ્ત !"

અને બધા ખડખડાટ હસી પડ્યા.

 


 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ