વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈદી

ઈદનો એ દિવસ હતો . ગાડીમાં ગોઠવાઈ અમ્મી અબ્બા જોડે વારાફરતી દરેક સંબંધી અને મિત્રોને હું મળી રહ્યો હતો . મારી ખુશી પરાકષ્ઠાએ હતી . આઠ વર્ષની આયુ હશે  મારી . વારંવાર નવા ચળકતા પર્સમાંથી ઈદીની રકમ કાઢી નવેસરથી ગણતરી માંડતો હું કારની બેક સીટ ઉપર ગોઠવાયો હતો . દર એક ઘરમાંથી બહાર નીકળ્યા બાદ ઈદીનો સરવાળો વધતો જતો હતો અને મારા ચહેરા ઉપરનું હાસ્ય પણ એટલુંજ વિસ્તૃત થતું જતું હતું . 

 

હજુ એક વાર ગાડી થોભી અને મનમાં ખુશીનો 

ઊંચો ઉછાળ આવ્યો . સરવાળામાં ઉમેરો થવાનો સમય ફરી આવ્યો હતો . આ વખતે કોનું ઘર , એ નિહાળવા મારો નાનકડો ચહેરો હર્ષથી ભાવવિભોર ગાડી બહાર ડોકાયો . 

 

એ તો અસલમચાચાનું ઘર હતું . અસલમ ચાચા મારા કોણ થાય એ ઉંમરે બહુ ઊંડાણથી હું જાણતો ન હતો . પણ અબ્બુ અમ્મી કહેતા એ મારા દાદાઅબ્બુના ભાઈના કુટુંબ તરફથી હતા . મને તો એટલુંજ સમજાતું કે એ અમારા સંબંધી હતા અને મારા બાળ માનસ માટે એટલું જ પૂરતું હતું . 

 

અસલમ ચાચાના બે દીકરાઓ હતા . જુનેદ  અને સલીમ .મારી ઉંમરની આસપાસનાજ . એમની જોડે મને રમવું ગમતું . એમના ઘરે જઈએ ત્યારે કે કોઈ પણ પારિવારિક મેળાવડા વખતે પણ મને એ બન્ને જોડે સમય પસાર કરવું ખુબ ગમતું . આજે જુનેદ અને સલીમ જોડે ફરી રમવાનો મોકો મળશે એ વિચારથીજ હું અત્યંત ઉત્સાહિત ગાડીમાંથી બહાર નીકળવા અધીરો બન્યો .

 

આગળની સીટ ઉપર અમ્મી અબ્બુ જુનેદ અને સલીમને આપવાની ઈદી માટે પરબીડીયા તૈયાર કરી રહ્યા હતા .

 

" કેટલા ?" અબ્બુએ અમ્મીને આપવાની રકમ માટે ટેવ પ્રમાણે અભિપ્રાય પૂછ્યો .

 

" ૫૦૦ - ૫૦૦ આપી દઈએ . અસલમભાઈની આર્થિક પરિસ્થિતિ આજકાલ નબળી છે . બાળકોને કામ લાગશે . "

 

અમ્મીના અભિપ્રાયને માન આપતા અબ્બુએ બેન્કમાંથી ઇદમાટે ખાસ લાવેલ ૧૦૦ રૂપિયાની ચળકતી નોટના બંડલમાંથી પાંચ - પાંચ નોટ બન્ને પરબીડીયા માટે સહર્ષ ધરી દીધી .

 

અમ્મીએ અત્યંત માન પૂર્વક બન્ને પરબીડીયા તૈયાર કર્યા અને અમે બધા અસલમચાચાને ઈદની મુબારકબાદી પાઠવવા એમના ઘરમાં પ્રવેશ્યા .

 

એ ઘર અન્ય સંબંધીઓ અને મિત્રોના ઘર કરતા કદમાં ઘણું નાનું હતું . આમ છતાં અમારું સ્વાગત મોટા વિશાળ હૃદય જોડે થયું . કામ પૂરતુંજ ફર્નિચર અને રાચરચીલું છતાં બધુજ સુઘડ ,વ્યવસ્થિત હતું . 

 

દર વર્ષની  જેમ જ અસલમ ચાચા અને ચાચીએ અમારી ખાતિરદારી ખુબજ જતનથી કરી . શિરખુરમાથી લઇ મીઠાઈ સુધી મને પણ પોતાના સ્નેહપૂર્ણ હાથથી પંપાળ પૂરું પાડ્યું . વડીલોને એમની વાતોમાં વ્યસ્ત છોડી હું તો જુનેદ અને સલીમ જોડે રમવા જતો રહ્યો . પંદર મિનિટ સુધી અમારી ધમાલ મચી . રમતા રમતા ચાચીની સાદ મને સંભળાઈ . મને નજીક બોલાવી એમણે વ્હાલથી મને મારી ઈદીનું પરબીડિયું આપ્યું . હું તો મનોમન ફૂલી રહ્યો . મારા સરવાળામાં અપેક્ષિત રકમ સુધી પહોંચવા માટે આ અંતિમ પરબીડિયું હતું . અસલમ ચાચાને મળી હવે સીધા ઘરેજ જવાનું હતું . 

 

ચાચીએ આપેલા પરબિડિયાને ખોલવા હું આતુર થઇ ઉઠ્યો . અમ્મીએ શીખવ્યું હતું કે કોઈની પણ સામે એમણે આપેલું પરબીડિયું ન ખોલવું . ઘરે જઈ ખોલવું . સદવર્તનનું એ શિક્ષણ હું ઉત્સાહમાં વિસરી ગયો . 

 

પરબીડીયા જોડે હું અમ્મી અબ્બા પાસે દોડતો પહોંચ્યો . પરબીડિયું ખુલ્યું અને અંદરથી ૧૫૦ રૂપિયા મારા હાથમાં સરી આવ્યા . મારા અપેક્ષિત સરવાળા માટે આ રકમ પૂરતી ન હતી . મારો ચહેરો ઉતરી ગયો . નિરાશ હાવભાવો જોડે હું અમ્મીને તાકી રહ્યો .

 

અમ્મીના ચહેરાના હાવભાવો સખત થઇ ઉઠ્યા . એમની શીખ અનુસરવામાં હું નિષ્ફ્ળ નીવડ્યો હતો . સામે બેઠા અસલમ ચાચા અને ચાચી એ મારા નિરાશ હાવભાવો વાંચી લીધા હતા . અમ્મીએ એની સ્પષ્ટ નોંધ લીધી . એક ઔપચારિક હાસ્યની અદલાબદલી જોડે એમણે પરિસ્થિતિ સંભાળી લેવાનો પ્રયાસ કર્યો . આમ છતાં અસલમ ચાચા અને ચાચીની આંખોમાં ઉભરાઈ આવેલી શરમ તદ્દન પારદર્શક દેખાઈ રહી હતી . હું ડરીને અબ્બુની નજીક જતો રહ્યો . મારી ઈદી ચુપચાપ મારા પર્સમાં ગોઠવી દીધી .

 

વડીલો ફરીથી પોતાની વાતોમાં પરોવાયા અને હું અબ્બુની નજીકજ બેસી રહ્યો ,સ્થિર  મૂર્તિ સમો .થોડા સમય પછી અમ્મી અબ્બુએ ચાચા ચાચીની પરવાનગી લીધી . બન્ને પતિ પત્ની , જુનેદ અને સલીમ અમને ગાડી સુધી છોડવા આવ્યા . 

 

અમ્મીએ જુનેદ અને સલીમના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો . બન્નેને ઈદીના પરબીડિયા આપ્યા . બન્ને ભાઈનો સબર મારી જેમજ ખૂટ્યો અને જોતજોતામાં બન્નેએ પરબીડિયા ખોલી નાખ્યા . અસલમ ચાચા અને ચાચી થોડા ઝંખવાળા પડ્યા . પરબીડિયામાંથી બહાર નીકળનારી ભારે રકમ સામે એમણે મને આપેલી રકમની લાજ ન જળવાશે એ વિચારથીજ બન્ને પતિ પત્ની એકબીજાની આંખોમાં ચિંતાથી તાકી રહ્યા. 

 

જુનેદ અને સલીમના પરબીડિયામાંથી ૧૦૦ 

- ૧૦૦ રૂપિયા બહાર નીકળ્યા . બન્ને ભાઈ પોતાની ઈદી નિશ્ચિત સ્થળે મુકવા ઘરની અંદર પહોંચી ગયા . 

 

હું અને અબ્બુ વિસ્મયથી અમ્મીને તાકી રહ્યા .

 

અમ્મીની નજર અસલમ ચાચા અને ચાચી જોડે મળી .

 

એ બન્ને આંખોમાં અમ્મી માટે હું ભારોભાર માન નિહાળી રહ્યો . 

 

ગાડીમાં ઘરે પરત થતા હું બેક મિરર થકી અમ્મીને એટલાજ માનથી નિહાળી રહ્યો .

 

એ દિવસે જુનેદ અને સલીમના પરબીડિયામાંથી નોટની બાદબાકી 

કરી અમ્મીએ મને જીવનનો એક મોટો સબક શીખવ્યો .

 

હંમેશા કોઈના માટે કંઈક કરીનેજ એમને માન અપાય એવું જરૂરી નથી , ક્યારેક ન કરીને પણ માન આપતા શીખવું પડે . 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ