વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હરિયા નો સત્સંગ.

સદગુરુ કૃપા હી કેવલમ.

વિષય- સત્સંગનો મહિમા.

શીર્ષક- હરિયાનો સત્સંગ.

પ્રકાર- લાંબી વાર્તા.


            ચૈત્ર મહિનો આવવાને હવે થોડી જ વાર હતી, અને સોસાયટીમાં બધે ઘેર આમંત્રણ પત્રિકાઓ વહેંચાઈ ગઈ હતી,આ ઉપરાંત સગાં સંબંધી,મિત્ર વર્તુળમાં પણ આમંત્રણ અપાઈ ચૂક્યા હતાં, અને શહેરના રસ્તા પર પણ નાના-મોટા હોર્ડિંગ લગાડી દીધાં હતાં. ખ્યાતનામ કથાકાર ગૌરાંગજી મહારાજ ભાગવત સપ્તાહ કરી રહ્યા હતાં. આમ તો સામાન્ય રીતે તેમની કથાનું આયોજન બહુ જ મોટા પાયે હોય, પરંતુ સામેની શેરીમાં રહેતા સુધાબેન નાં ભાણેજ થાય, અને સુધાબેનનાં પતિનું એકસીડન્ટમાં અવસાન થતાં, કંઈ જ ક્રિયા કર્મ ન થયાંનો એમને બહુ મોટો અફસોસ રહેતો હતો.એટલે તેમના મોટા દિકરા એ સુઝાવ આપ્યો,અને એ રીતે તેમની પાછળ આ સપ્તાહનું આયોજન થયું હતું. સુધાબેન ને ત્રણ દીકરા અને એક દીકરી હતી ત્રણે દીકરાઓ સારું કમાતાં હતાં. આ ઉપરાંત પોતે બંને પણ ગવર્મેન્ટ એમ્પ્લોઈ હોવાથી પેન્શન પણ આવતું હતું, અને તેમના પતિ એટલે કે સૌરભભાઈ આર.એસ.એસ માં ફરજ બજાવતા હતાં. દીકરી પણ પરણીને બેંગલોર સેટ થઈ ગઈ હતી, અને તે પણ સુખી હતી, કોઈ ને કોઈ વાતની તકલીફ નહોતી. સૌરભભાઈ અને સુધાબેન નું પહેલું સંતાન, એટલે કે સુધાકર ભાઈ એ સુધાબેન ને સમજાવતા કહ્યું, કે તમારા બંનેની જે કમાણી છે તે ભલે આ સપ્તાહમાં ખર્ચાઈ જાય, પરંતુ આપણે બહુ સુંદર રીતે આ સપ્તાહનો પ્રસંગ કરવો છે, એટલે બહુ મોટા પાયે સપ્તાહનું આયોજન થયું હતું બહારગામથી પણ ખૂબ જ મહેમાનો આવવાના હતાં, અને તેમની માટે ઉતારાની વ્યવસ્થા રૂપે લગ્નની વાડીઓ ને જમણવાર માટે એક મોટો હોલ પણ રખાયો હતો. આમ જુઓ તો આખી સોસાયટીમાં સપ્તાહને કારણે ખૂબ જ ઉત્સાહ હતો, અને દરેક જણ પોતાની શારીરિક મહેનત થી કંઈ ને કંઈ કાર્ય કરી રહ્યા હતા, તો કોઈને કોઈ પ્રસાદ, ચા, શરબત, પાણી વગેરે પોતાના તરફથી નોંધાવી રહ્યા હતાં. ટૂંકમાં સૌ ગૌરાંગજી મહારાજ સાથે કથાનો સત્સંગ કરવા માટે ઉત્સુક હતાં, અને એમાં પણ આતો ભાગવત કથા!! જાણે સ્વયં શુકદેવજીનાં મુખેથી સાંભળવાનો લ્હાવો મળવાનો હોય એટલો સૌને આનંદ હતો.


     ગૌરાંગજી મહારાજનું કથા જગતમાં બહુ જ મોટું નામ હતું અને તેમની કથા કરવાની શૈલી પણ શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરનારી હતી. દ્રષ્ટાંત તથા ભજન-કીર્તન પણ તેમની કથાનો એક હિસ્સો બની રહેતાં. તેઓનું માનવું હતું કે અંતે તો જીવન સાર, હરિનામ છે, અને ભગવાનના નામ નું સ્મરણથી જે આનંદ આવે છે તે બીજા એકપણમાં નથી.કથા દરમિયાન હજારોની સંખ્યામાં મેદની ઉપસ્થિત થતી. મોટા મોટા મંડપો અને મોટા મોટા અન્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હતું. આરોગ્ય વિશેનાં પણ કેમ્પ રાખવામાં આવતાં, રક્તદાન વિશેની સમજ આપવા માટે રેડ ક્રોસ તરફથી પણ સ્ટોલ નંખાતો તેમજ આટલી મોટી મેદની એકઠી થઇ હોવાથી સરકાર, પણ મેડિકલ સેવા ઉપલબ્ધ થાય તે માટે કથા સ્થળે મેડીકલ ફેસીલીટી ધરાવતી વેન ઉપસ્થિત રાખતી. જેમાં ડોક્ટર પાટાપિંડી થી માંડી ઝાડા-ઊલટી અને તાવની સારવાર કરી શકે. 


      અંતે સૌની ઉત્સુકતાનો અંત આવી ગયો, અને શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થઈ ચૂક્યો.હરિકથા રસમાં સૌકોઈ તણાઈ રહ્યું હતું, અને ગૌરાંગજી મહારાજની વાણીની રસ માધુરીથી બધાં પુલકિત થઇ જતાં હતાં, અને સૌ પોતપોતાની રીતે આ કથા યજ્ઞમાં પોતાની આહુતિ આપતા હતાં. સોસાયટીમાં સૌથી છેલ્લું ઘર હરિયાનું હતું, વિધવા માની પક્ષઘાતની બીમારીને કારણે તેના લગ્નની ઉંમર ચાલી ગઇ હતી, અને આમ પણ હવે તેને ઘર માંડવામાં રસ પણ ન હતો,કારણ કે મા પણ ચાલી ગઈ હતી. સામાન્ય સ્થિતિનો હરિયો કથાનું આયોજન તો કરી શકે તેમ ન હતો, પરંતુ મા પાછળ કંઇક સારું કાર્ય થાય એવી એની પણ ઈચ્છા હતી.આમ નામ તો હરિશ્ચંદ્ર હતું, પણ નાનો હતો ત્યારથી બધાં હરિયો, હરિયો, કહેતા હતાં.આમ જુવો તો ગુણ પણ હરિશ્ચંદ્ર જેવા હતાં,આવક ઓછી હોવા છતાં ક્યારેય અનિતી નું આચરણ કર્યું ન હતું.તેના મતે સેવા જેવો કોઈ ઉતમ ધર્મ નથી, અને દીન દુખીયાની સેવા એ સત્સંગ જ છે, એવું એમનું માનવું હતું.


     ગૌરાંગજી મહારાજનું નામ એટલું મોટું હતું કે, મહેમાનો અને સોસાયટી વાળા ઉપરાંત શહેરમાંથી પણ લોકો સાંભળવા આવતાં. સોસાયટીનું કમ્પાઉન્ડ ખાસ્સું મોટું હતું એટલે એ રીતે કોઈ મોટો પ્રશ્ન ન હતો,પણ મંડપ રોજ વધારવો પડતો. હરિયા એ પાણી, શરબત,અને છાશની વ્યવસ્થા સંભાળી હતી. ચૈત્ર મહિનો એટલે ગરમીની શરુઆતનાં દિવસો એટલે સૌ કોઈને તરસ લાગે એ બહુ સ્વાભાવિક હતું, તરસ છીપાવવા માટે પાણી કે શરબત વગેરે લેવું જ પડે. એમાં પણ કથા છૂટે ત્યારે તો તેનાં સ્ટોલ પર ખૂબ ગડદી થાય, તે છતાં એ બધાં સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર કરી બધાને લાઈન બનાવવાનું કહે, અને પાણી શરબત કે છાશ જે પણ માંગે તે આપે, અને હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના, એમ પોતે બોલે અને સામેવાળાને પણ બોલાવે. ગૌરાંગજી મહારાજ કથામાં આવે ત્યારે અને કથા છૂટે ત્યારે રોજ આ દ્રશ્ય જોઈ ને હરિયાનાં સ્વભાવ નું મુલ્યાંકન કરતાં.


     એક દિવસ સાંજે બધા સત્સંગ માટે ભેગા થયા હતા, ત્યારે એમણે હરિયાને પુછ્યુ! તારાં મતે સત્ય એટલે શું? અને સત્સંગ એટલે શું? હરિયા એ કહ્યું સત્ય એટલે ઈશ્વર,અને ઈશ્વર એટલે સત્ય,અને જે કંઈ કરીએ તેમાં જો ઈશ્વરત્વનો અનુભવ થાય કે નિસ્વાર્થ ભાવથી કરેલા કોઈ પણ કાર્યમાં પરમ પ્રેમનો અનુભવ થાય એ સત્સંગ.દાખલા તરીકે મારી માતા ને પેરેલિસિસનો હુમલો આવ્યો હતો, અને પથારીમાં જ એણે દસ વર્ષ કાઢ્યા, બહુ સ્વાભાવિક રીતે જ કોઈ એવી જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય એટલે મારા લગ્ન ન થયાં, પરંતુ મેં એ માટે થઈને ક્યારેય માતા ને કે ઈશ્વરને ફરિયાદ કરી નથી,કે નથી મારા કર્તવ્ય માં કચાશ રાખી. કદાચ કોઈ ને એમ થાય કે પોતાની માતા માટે તો સૌ કોઈ કરે પણ એમના દેહાંત પછી પણ મેં લગ્ન કર્યા નથી, અને દીન દુખીયાની સેવા ને જ ધર્મ કહો કે કર્મ કહો, કે ભક્તિ કહો! જે કહો તે, પણ મે તેને જ જીવન ભાગ રૂપે સ્વીકાર્યું છે. ગૌરાંગજી મહારાજ એ વળતો પ્રશ્ન કર્યો, તો તારા મતે હરિનામ સ્મરણ કે પૂજન, આરાધના, કે ઉપાસનાનું, કોઈ મુલ્ય નથી? લોકો એ એવું કંઈ જ કરવું ન જોવે એમ કહેવું છે તારું? આ હરિ કથા એટલે કે વિષ્ણુ ના અવતાર તરીકે શ્રી રામ એ અવતાર લીધો, કે પછી શ્રીકૃષ્ણ એ અવતાર લીધો, એ બધી વાતો શું ખોટી છે? ઋષિ ઓ તપ કરીને ઈશ્વર પાસે વરદાન માંગતાં, કે પોતાની સિદ્ધિઓથી સમસ્યાનું નિવારણ કરવા સમર્થ હતાં, શું એ બધું જ ખોટું છે? હરિયા એ કહ્યું મેં એવું તો કહ્યું નથી ! આપે મને મારો અભિપ્રાય પુછ્યો એટલે મેં મારો અભિપ્રાય કહ્યો. કોઈ ને સત્યનો સંગ કરવા કે ઈશ્વર ને ભજવા માટે મૂર્તિ  છબી કે તસવીરની જરૂર પડતી હોય તો એ લોકો એ મુજબ કરે, કોઈ ને લાંબા લાંબા કર્મકાંડ વાળો વિધિ પસંદ હોય તો એ લોકો એમ કરે, કોઈ તપ, ઉપાસનામાં માનતા હોય તો એ લોકો એ મુજબ કરે, કોઈ ને હરિનામ સંકીર્તન કે ભજન કે સ્મરણથી ઈશ્વર કે સત્યનો અનુભવ થાય છે,બસ મને એ જ બધું આ બધા લોકોની સાથે રહી એમની સેવા કરવાથી થાય છે, અને હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે મને તો એમનાં ચહેરા માં જ રામ ક્રિષ્ન અને આપણા દરેક દેવ દેવીઓનાં દર્શન થાય છે,મારે એની માટે અલગથી મંદિર જવું પડતું નથી,અરે ક્યારેક તો એમને જમાડું ત્યાં જ મને ઓડકાર પણ આવી જાય છે. આપ તો ખૂબ વિદ્વાન છો, સંસ્કૃતનાં શાસ્ત્ર પણ કદાચ મોઢે હશે,પણ મને તો મારી માતા એ આને જ સત્સંગ કે પૂજા કહેવાય એમ શીખવ્યું છે, અને મને ખરેખર આવું બધું કરવાથી આનંદ આવે છે,ક્યારેય એમ નથી થતું કે ભગવાન ફોટામાં છે, એ સ્વરુપે મને દેખાય. મારી માટે તો,એવા લોકો એ જ ઈશ્વર અને એમની સેવા એજ સત્સંગ છે,બસ આટલું કહીને હરિયા એ પોતાની વાત પૂરી કરી,બધા આશ્ચર્યચકિત થઈ તેની સામે જોતાં રહ્યાં!! હરિયાની વાત સાંભળીને આખાં મંડપમાં એકદમ સન્નાટો થઈ ગયો હતો, ત્યાં ગૌરાગજી મહારાજ એ તાળી પાડવાનું શરૂ કર્યું, અને પછી તો બધાં એ હરિયાની વાતને તાળી પાડી સમર્થન આપ્યું. ગૌરાંગજી મહારાજ એ કહ્યું હરિયા તું ખરેખર હરિ છે માટે જ તને સૌમાં હરિના દર્શન થાય છે, મને રોજ આવતાં જતાં તારામાં મારા પ્રભુની ઝાંખી થતી હતી, વલ્લભગિરધારી એ તારી સાથે મુલાકાત કરાવી મારો જન્મ સફળ બનાવ્યો, હું કાયમ માટે આ કથા અને આ સોસાયટીનો ઋણી રહીશ.


     શ્રીમદ્ ભાગવત કથારસની છોળ એના પ્રસંગો પ્રમાણે રોજ રોજ મંડપમાં ઉડતી અને શ્રોતા ઓ એનો લાભ લેતાં હતાં. શુકદેવજી મહારાજ એ પરિક્ષિત રાજાને આખી કથા કહી એને શ્રાપ માંથી મુક્ત કર્યા,અને કથા પૂર્ણાહુતિ નો સમય પણ આવી ગયો. ગૌરાંગજી મહારાજ જતાં જતાં હરિયા ને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું આ યુગમાં આનાથી વધુ સારી સત્સંગની વ્યાખ્યા હોય ન શકે, તું ખરેખર મહાન છે.મારે લાયક કોઈ કાર્ય હોય તો નિઃસંકોચ મને જણાવજે, સેવા માટે આર્થિક સહાય પણ જોઈતી હોય તો કહેજે,આ બધું કહેતા હતા ત્યાં જ હરિયા ના ફોનમાં ફોન આવ્યો કે સીટી હોસ્પિટલમાં એક બેન ને ડિલિવરી સમયે ખૂબ બ્લડ લોસ થયું છે, અને પાંચ બોટલ લોહીની જરૂર છે, બ્લડ બેંક વાળા બ્લડ સામે બ્લડ માંગે છે, તમે આવી જાવ અને હરિયા એ બધાને રામ રામ કર્યો ને ઉપડ્યો અનોખાં સત્સંગ માટે.


    મિત્રો હરિયાની વાત થકી મેં મારા મનની વાત અહીં મૂકી છે. સત્સંગ એટલે કોઈ સાચી કે સારી વ્યક્તિનો સંગ કરવો એવો પણ એક અર્થ કરી શકાય, અને આપણા સૌના જીવનમાં હરિયા જેવો કોઈ સારો વ્યક્તિ આવે, અને આપણા માનસની તમામ મલિનતા દૂર થાય, અને તેની જેમ આવા અનોખા સત્સંગનો મહિમા સમજી, એ મુજબ જે કંઈ થોડું ઘણું સારું કાર્ય થતું હોય, તો એ કરીને આ જન્મનો ફેરો સફળ કરી લેવો જોઈએ.


     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 


     



     


   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ