વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તૂટેલી તપેલી.

સદગુરુ કૃપા હી કેવલમ.
શીર્ષક- તૂટેલી તપેલી!!

      તૂટેલી તપેલી જેવું નસીબ છે મારું, કોણ જાણે આ ક્યાંથી મારે કપાળે ભટકાણી. બુટ મોજા પહેરતાં પહેરતાં વિમર્શ આ વાક્ય બોલે છે,છતાં કંઈ જ બન્યું ન હોય, તેમ વસુંધરા આવી અને તેનો હાથ રૂમાલ, પાકીટ, અને ટિફિન ત્યાં ટીપોઈ પર મૂકી, અને ચુપચાપ ચાલી જાય છે. કંઈ અસર જ થતી નથી, નિર્ભર પાણાં જેવી થઈ ગઈ છે સાવ લાગણીહીન, એમ બોલતો બોલતો ટીફીન લઈ ચાલ્યો જાય છે. નવાઈ લાગે છે ને!! એમ થતું હશે કે, આ તો ૧૯મી સદીની શરૂઆતની વાત હશે, અત્યારના જમાનામાં આવું કોઈ સાંભળી લે ખરું! પણ આશ્ચર્ય થશે આ આજના જ યુગની વાત છે. ચાલો તો આજે તમને તૂટેલી તપેલી એટલે કે વસુંધરાની વાત કરી જ દઉં.

        વસુંધરા એના નામ પ્રમાણે જ ઠરેલી અને ગંભીર હતી, અને આમ જુઓ તો આ તેનો સદગુણ હતો. પરંતુ આધુનિક જમાનામાં રંગાયેલા તેના પતિને તેનો આ ગુણ પણ દુર્ગુણ દેખાતો હતો, તેને પોતાની મિત્રોની પત્ની જેમ વાચાળ અને ફેશનેબલ યુવતી પસંદ હતી, અને એટલે જ દિવસમાં એકવાર તો આ તૂટેલી તપેલી મારે માથે પડી છે, એવું વાક્ય મહેણાં રૂપે સાંભળવા મળતું. પરંતુ ખાનદાન મા બાપની દીકરી બધું જ ચૂપચાપ સહન કરી લેતી. એને પિયરમાં પણ એક વૃદ્ધને વિધુર બાપ સિવાય કોઈ હતું નહીં, કાકા, મામા, માસી, ફઈના ભાઈ-બહેનો હતાં, પણ કોઈને તેણે પોતાના જીવનના દુઃખદર્દથી વાકેફ કર્યા ન હતાં. એ કાયમ માત્ર હરિ પર ભરોસો રાખી બધું જ સહન કરતી હતી. એક દિવસ વિમર્શ ઓફિસથી તેના એક મિત્ર પિયુષને લઈને આવે છે, અને બંને જણાં વ્યાજની લેવડદેવડ કે ધંધાને લગતી વાતચીત કરે છે. પેલો મિત્ર વિમર્શનાં રૂપિયા વધુ વ્યાજની લાલચ આપી પચાવી પાડવા માંગતો હતો, એ વાત વિમર્શને સમજાતી ન હતી. પરંતુ વસુંધરા એ વાત કળી જાય છે, અને વિચારે છે, કે પોતાના પતિને સમજાવે, પણ નાહકનો કોઈ દેખતાં તમાશો થશે, અને એ સમજવાના તો છે નહીં!! એ વાતની તેને પૂરી ખાત્રી હતી. તો પછી હવે એવું શું કરવું કે સાપ ભી મર જાય ઓર લાઠી ભી ન તૂટે! તેણે મનોવિજ્ઞાન સાથે એમ.એ કર્યું હતું, એટલે બધાના માનસનાં પ્રતિભાવ, અને પ્રતિક્રિયા વિશેની થોડી સમજ તેને હતી. આખરે તેણે એક યુક્તિ શોધી અને નાસ્તો અને ચા લઇ બેઠકનાં રૂમમાં આવી.બંનેને નાસ્તો કરી આગળ નું કાર્ય કરવા આગ્રહ કરે છે. ગરમાગરમ પકોડા અને ચા મોસમને અનુરૂપ હોવાથી, બંને મિત્રો માની જાય છે. પોતે સર્વ કરવાના હેતુથી આગળ આવે છે, અને ડીશમાં પકોડા અને ચટણી મૂકે છે, ચા ના કપ ભરવા જતાં એગ્રીમેન્ટ ના પેપર પર ચાઈને થોડી ચા ઢોળે છે. વિમર્શ આગબબુલા થઈ તેની સામે ગુસ્સાવાળી નજરે જુવે છે, અને એ સોરી! સોરી! કહી અંદર ચાલી જાય છે. વિમર્શનો મિત્ર પિયુષ આવતીકાલે ફરી નવું એગ્રીમેન્ટ લઈને આવશે એવું કહી વિદાય લે છે, અને હવે તો વારો પડવાનો જ છે, એમ વિચારી એ અન્ય કામમાં પરોવાઈ જાય છે. થોડો દેકારો થતાં વિમર્શની મમ્મી, એટલે કે વીણા બહેન બહાર આવે છે, અને પુછે છે શું થયું, એટલે વિમર્શ કહે છે, થવાનું શું હોય! આ તૂટેલી તપેલી એ મારો ધંધો શરૂ થાય એ પહેલાં એની પર પાણી ફેરવી દીધું!! મમ્મી હું તને કહું છું, હવે જો કંઈ પણ થશે, તો હું એની સાથે એક ઘડી પણ રહેવાનો નથી સમજી તું!! જ્યાંથી લાવી છો ત્યાં પાછી મુકી આવજે! આ તને છેલ્લી વાર કહું છું. વીણા બેન દીકરાને શાંત પાડતા બોલ્યા અશે હવે! જે થાય તે ઠાકોરજીની મરજી, એમ સમજી સ્વીકારી લેવું, અને માળા કરતા કરતા પોતાના ઓરડા ભણી ચાલ્યા ગયાં, અને વિમર્શ  ક્યાંય સુધી બબડાટ કરતો રહ્યો. રાત્રે પણ હંમેશ મુજબ વસુંધરા એ બનાવેલી રસોઈ માંથી ભૂલ કાઢી અટહાસ્ય કરતા બોલ્યો, હવે તો આ રોજનું થયું! મારે ટેવ પાડવી જ પડશે, અને કાં તો આને અહીંથી કાઢવી પડશે. વસુંધરા બિચારી કાંપતી કાંપતી બધાને પીરસતી હતી, એમાં સાણસી ડાઇનિંગ ટેબલ પર ભૂલી અને અંદર ચાલી ગઈ, વિમર્શની નજર સાણસી પર પડતાં, ફરી તે ક્રોધિત થયો અને બોલ્યો આનું સ્થાન અહીં છે!! એમ કરી જોરથી તેનો ઘા કર્યો, બરાબર એ જ સમયે વસુંધરા અંદરથી ગરમાગરમ કઢી લઈને આવતી હતી. એટલે તેના માથા પર સાણસી વાગીને મોટું ઢીમચુ થયું, અને શરીરે ગરમાગરમ કઢી ધોળાવાથી સારું એવું દાજી ગઈ. જોગાનુજોગ એવે જ સમયે વસુંધરાનો કાકાનો દીકરો અક્ષય કે જેણે આ શહેરની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું,તે ઘરમાં પ્રવેશ્યો અને તેણે નજરોનજર આ દ્રશ્ય જોયું. પોતાની બેન સાથે થતો અત્યાચાર જોઈ કયો ભાઈ ચૂપ રહે!! એણે કોઈનું સાંભળ્યું નહીં અને પોતાની બેનને અહીંથી હવે લઈને જ જશે એવું કહ્યું.વસુંધરા એ પોતાના ભાઈ અક્ષયને સમજાવતા કહ્યું, કે એવું કંઈ જ નથી, આ તો આજે એને થોડો ગુસ્સો આવ્યો એટલે આવું થયું. પરંતુ અક્ષય માન્યો જ નહીં. ઉપરથી વિમર્શ એ કહ્યું કે તારી બેન ને આખી જિંદગી તારી પાસે જ રાખજે, મારે એ તૂટેલી તપેલી જોઈતી જ નથી સમજ્યો! હવે તો એ વસુંધરાનાં કપડાં લેવા પણ રોકાયો નહીં, અને પરાણે હાથ ઢસડી ને એને લઈ જાય છે. રસ્તામાં પણ વસુંધરા એને ઘણું સમજાવવાની કોશિશ કરે છે, કે વૃદ્ધ પપ્પાને કેટલી તકલીફ થશે! કદાચ હાર્ટઅટેક પણ આવી શકે! એટલે તો હું પણ ચૂપ રહું છું! તું સમજતો કેમ નથી! પરંતુ અક્ષય એની કોઈ જ વાત સાંભળ તો નથી, અને કોલેજ પર આવી પોતાના મિત્ર પાસેથી ગાડી લઇ અને વસુંધરાને રાજકોટથી પોતાના ઘરે જામનગર મુકવા આવે છે. અક્ષયને વસુંધરા સાથે જોઈ કાકા કાકી પણ આશ્ચર્યમાં મુકાઇ જાય છે અને અક્ષય બધી જ વાત કરે છે. કાકા કાકી દીકરીને સત્કારતા કહે છે, કે તું જરાય ચિંતા કરીશ નહીં અમે બેઠા છીએ.  વસુંધરા અહીં આગળ કેટલા દિવસ રહીશ! એ પ્રશ્ન કરે છે, કાકા કાકી એ કહ્યું એ બધું આગળ પર જોયું જશે, અત્યારે તું શાંતિથી ફ્રેશ થઈ અને જમી લે.

      વિમર્શ ના મમ્મી પપ્પા તેને ખૂબ જ ખિજાય છે, અને હીરા જેવી વહુંની કદર ન કરવા બદલ ઠપકો પણ આપે છે. પરંતુ આધુનિકતાની પટ્ટી આંખે ચડી હોવાથી, તેને પોતાની પત્નીના ગુણ દેખાતા નથી. ગુસ્સો કરતો કરતો પોતાના રૂમ માં આવી અને સુઈ જાય છે. બીજે દિવસે સવારે ચા પણ માંડ નસીબ થાય છે, અને ન્યૂઝ પેપર ખોલીને વાંચે છે, ત્યાં મુખ્ય પેજ પર જ પિયુષ એ કરેલા ગોટાળાનાં સમાચાર વાંચે છે. કઈક લોકોના રૂપિયા તેણે આ રીતે ખોટું એગ્રીમેન્ટ કરી પચાવી પાડયા હતાં, અને તે રાતોરાત ફરાર થઇ ગયો છે, એવા સમાચાર પણ લખ્યા હતાં. પોતાના તો પરસેવાના 10 લાખ રૂપિયા બચી ગયાં એમ મનોમન ખુશ થતો હતો, ત્યાં જ તેને ગઈકાલની આખી ઘટના મગજમાં rewise થઈ, અને જિંદગીમાં પહેલી વાર તેણે વસુંધરાનો પાડ માન્યો, પછી તો તેને સવારે કરેલી વાતચીત પણ યાદ આવી વસુંધરા તેને કહી રહી હતી, કે થોડા રૂપિયાની લાલચમાં જિંદગીભરની કમાણી એમ કોઈને આપી ન દેવાય! હવે તેને તરત સમજાઈ ગયું કે પોતે વસુંધરાની વાત માની ન હોવાથી વસુંધરાએ ચાઈ જોઈ ને એગ્રીમેન્ટ પર ચા ઢોળી હતી. એકાએક તેને વસુંધરા પ્રત્યે અહોભાવ થવા લાગ્યો, અને પોતાના મિત્ર સંદીપનાં બધા જ રૂપિયા આમાં ડૂબી ગયા હતાં, કારણ કે તેની પત્નીને ફેશન કરવા માટે વધુ રુપિયા જોઈતા હતાં, એટલે તેણે જ આ સ્કીમમાં રૂપિયા રોકવાનો આગ્રહ કર્યો હતો.મંદિરમાં પૂજા કરતા વીણાબેન પાસે જઈને વિમર્શ કહે છે મમ્મી તું સાચું કહેતી હતી ઠાકોરજી જે કરે તે સારા માટે જ એમ વિચારવું! જો ગઈકાલે એગ્રીમેન્ટ થયું હોત તો મારા રૂપિયા 10 લાખ ચાલ્યા જાત, એટલે વિમર્શની મમ્મી વીણાબેન કહે છે કે બેટા એ બધું જ તો અંતે વસુંધરાને કારણે બન્યું છે, જેની તને જરા પણ કિંમત નથી. વિમર્શ કહે છે મમ્મી એવું નહિ બોલો, હું હમણાં જ તેને તેડવા જાઉં છું! એમ કરી તે પહેર્યા હતા એ જ કપડામાં વસુંધરા ને તેડવા ગાડી કાઢે છે, અને અક્ષય સાથે ગઈ હોવાથી અક્ષયના ઘરે જ ગઈ હશે, એવું અનુમાન કરી રાજકોટ થી જામનગર તરફ ગાડી હંકાવવાનું શરૂ કરે છે, બે-અઢી કલાકના અંતરે જામનગર આવી ગયું, અને વસુંધરાના કાકાનું ઘર પણ સામે જ હતું. પરંતુ હવે કયા મોઢે અંદર જશે, એ તેને સમજાતું ન હતું, છતાં હિંમત કરી પોતાના અપરાધની ક્ષમા માંગી પ્રાયશ્ચિત તો કરવું જ છે એવું નક્કી કરી ડોરબેલ વગાડી. એના આશ્ચર્ય વચ્ચે અક્ષય એ જ દ્વાર ખોલ્યું, અને દીદી ને લેવા આવ્યા હો તો તેમને ત્યાંથી જ પાછા જવાનું કહ્યું.પરતુ વિમર્શ પોતાની ભૂલની માફી માગે છે, અને વસુંધરા ને એકવાર મળવાની રજા માંગે છે. એ દરમિયાન પોતાના પતિનો અવાજ સાંભળી વસુંધરા બહાર આવે છે, એટલે તેના પગમાં પડી અને માફી માંગતા કહે છે, વસુંધરા તું ખરેખર ખૂબ જ ગુણિયલ છે પરંતુ હું તારા ગુણની કદર કરી શક્યો નહીં, છતાં તે મારા રૂપિયા બચાવ્યા, આમ કરી આખી વાત જણાવે છે. એટલી વારમાં તો કાકા કાકી પણ નીચે આવે છે અને વિમર્શ તેમની પણ માફી માંગે છે અને કહે છે કે હવે એ વસુંધરા સાથે ક્યારેય ગેરવ્યાજબી વર્તન નહીં કરું! માટે મારી પત્નીને મારી સાથે આવવાની અનુમતિ આપો.વસુંધરાના કાકા કહે છે કે તમે વસુંધરાના ગુનેગાર છો, જો એ તમારી સાથે આવવા માંગતી હોય તો અમે કોણ ના પાડવા વાળાં. પરંતુ અક્ષય હજી પણ ના પાડે છે, છતાં વસુંધરા કહે છે કે ના હું મારા પતિના ઘરે જ પાછી જઈશ, અને માત્ર એક જ રાતમાં પોતાની પત્ની વસુંધરાને પાછી લઈ આવે છે, અને તેના સ્વભાવમાં જડમૂળથી પરિવર્તન આવી જાય છે.ગઈકાલ સુધી તૂટેલી તપેલી એવું સાંભળવા મળતું હતું, અને આજે મારી ભાગ્યલક્ષ્મી એ સંબોધનથી તે વસુંધરા ને બોલાવે છે,તો આ વાત છે વસુંધરાની.

     મિત્રો ગંભીર અને ઠવકાપણું કે પરિપક્વતા હોવી એ ખરાબ વાત નથી. પરંતુ એક આગવો ગુણ છે, જે તમારી ગૃહસ્થીને બચાવી પણ શકે. આ વાર્તા દ્વારા બીજી બે વાત પણ હું કહેવા માગું છું, એક છે વંદનીય વીણાબેન, કે જેમણે પોતાના દીકરાને તેની પત્ની વિરુદ્ધ એક પણ શબ્દ કહ્યો પણ નથી, અને સાંભળ્યો પણ નથી. ઉપરાંત તેનો પક્ષ લઈ અને તેને ઠપકો પણ આપ્યો છે, એટલે કે સમાજમાં એક સ્ત્રીની સાથે એક બીજી સ્ત્રી ઊભી રહે તો તેનું સ્થાન ડગમગતું નથી. પરંતુ માતા પોતાની મમતાને નામે એટલે કે દીકરાને જો વહું પ્રિય થઈ જશે તો, તેનું પત્તું કપાય જશે! તેવી માનસિકતાને કારણે સમાજની કેટલીયે સાસુઓ પોતાના જ દિકરાનાં ઘરમાં કંકાસનું બીજ રોપતી હોય છે. બીજી વાત વસુંધરાનાં કાકા કાકીની જેમણે પણ પોતાની ભત્રીજીનો પક્ષ લઈ તેને ખોટી ચડાવી નહીં, કે પતિ વિરુદ્ધ ભડકાવી પણ નહીં.આ રીતે પિયર પક્ષની ચડામણીથી પણ કેટલાય ઘર તૂટતાં હોય છે. એટલે તૂટેલી તપેલી એ વાર્તા દ્વારા સમાજને આ રીતે બોધ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું, કે આપ સૌને આ વાર્તા પસંદ પડશે, અને એમાંથી કંઈક શીખવા જેવું શીખી, અને આપણે પોતે જ સમાજનાં નવનિર્માણ કાર્ય કરીશું.

     લી. ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)

   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ