છત અછત ના ખેલ !!
સદગુરુ કૃપા હી કેવલમ.
વિષય- મહામારી
શીર્ષક-છત અછત નાં ખેલ!
બેકવર્ડ કલાસની ચાલીમાં રહેતો હોવાથી ચંદુ ને આ મહામારી અંતર્ગત કોઈ મંજૂરી આપતું ન હતું. આમ જુઓ તો lockdown જાહેર નથી કરાયું, પણ આ બધા કારણોસર તેને ઉપરાઉપરી એમ કેટલાય દિવસથી રોજી મળી નથી, અને ઘરમાં પણ હવે તો રેશન ખૂટવા આવ્યું છે, આજે સવારે ચારુ કહેતી હતી કે આજે જો રૂપિયા નહીં આવે તો છોકરાઓ ભૂખ્યા મરશે, પણ કરવું શું કોઈ કામ આપે તો થાય ને!! એવામાં એક એનજીઓ સંસ્થા દ્વારા અનાજની કીટનુ વિતરણ ક્યાંક થાય છે, એવું સાંભળ્યું એટલે તરત જ એ ચપ્પલ ઘસતો ત્યાં પહોંચી ગયો પણ ચંદુ ના આજે નસીબ બરાબર નહતાં, અને બરાબર એવે સમયે જ અનાજની કીટ ખૂટી પડી, અને ચંદુ બબડવા લાગ્યો કે એક આવું આયખું ખૂટતું નથી બાકી બધું અમારી માટે ખૂટી પડ્યું છે. પેલાં ટ્રક વાળા ભાઈએ કહ્યું, કે બે સ્ટોપ પછી નાં સર્કલ પાસે પણ વહેંચે છે, એટલે ચંદુ ઝડપથી ત્યાં આગળ જવા ચાલવાની સ્પીડ વધારે છે. એમાં રસ્તા માં ટ્રાફિક પોઈન્ટ પરથી એક મોટર સામી આવતી હતી તે દેખાણી નહીં, અને અડફેટે આવતા ચંદુ થોડે દુર સુધી પટકાયો એને થયું હાશ હવે પુરું થયું!! ત્યાં મોતની પણ અછત થઈ ગઈ, અને ચંદુનું નાનું મગજ ઈન્જડ થયું એટલે પેરેલિસીસ થયું અને હવે તો અછત અછત અછત....
આ બાજુ ચારુ ને એમ થયું કે હું પણ કંઇક પ્રયત્ન કરું એટલે તાવ હતો, છતાં પણ કંઈક કામ મળે એ હિસાબે એક કન્સ્ટ્રકટર્સ ની સાઇટ પર બાજુવાળી મોંઘી સાથે ગઈ. મોંઘી એ ચારુ ની ફેવર કરતા કહ્યું સાહેબજી આ બહુ દુઃખી છે, ત્રણ દિવસથી એનાં વરને પણ કામ મળ્યું નથી, એટલે કાંઈક મંજૂરી મળે એવું કરો ને !! ચારુ મોંઘી કરતા દેખાવમાં ઘણી સુંદર હતી, અને પાતળા અને ફાટેલા સાડલા માંથી એની જુવાની ચાડી ખાતી હતી.પેલા માણસે મોંઘી ને રોજની કામગીરી કરવા મોકલી દીધી, અને ચારુ ને કહ્યું કે એક કામ હું તને આપું અને બદલામાં તું મારું એક કામ કર ! મારો કામ....ચારુ એ બહુ વિચાર્યું કે શું કરું!! અને નજર સામે ભૂખ્યા છોકરાવ દેખાયાં, એટલે ધાન્યની અછત માટે થઈ ને....એક ચરિત્ર ની બલી ચડી. વળતાં ચારુ વિચારતી હતી કે દુનિયામાં ઈમાનની અછત થઈ ગઈ છે, એટલે જ આ વાયરસ આવ્યો. ચાર પાંચ દિવસ પછી ચારુ પતિને સ્પંચ કરતી હતી, ત્યારે મોંઘી કહેવા આવી પેલા કન્સ્ટ્રકટર્સ ને જીવન અછત થઈ ગઈ, ક્યાંકથી કોરોના અઃભડી ગયો!! ચારુ ઉપર જોઈ બોલી હે ઈશ્વર ક્યાંક છત ને ક્યાંક અછત તારો ફેંસલો પણ ગજબ છે, અને થોડીવાર માં પેલો મોટર વાળો ઘર ગોતતો ગોતતો આવ્યો, અને ચંદુ ને કહ્યું મારે વીમો છે ભાઈ, એટલે તમને આ એક્સિડન્ટ નું વળતર મળ્યું છે, એમ કરી રુપિયા દસ લાખ નો ચેક આપી ગયો, છત અછત ના આવાં છે ખેલ !! ચંદુ વિચારે છે કે, કદાચ બે પગ હોત તો પણ આટલાં રુપિયા ની છત ક્યારેય ન થાત !!
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
