વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બ્રહ્મ સત્ય જગત મિથ્યા

"યાર.. કંઇ મજા નથી રહી જીંદગીમાં..! આ તે કંઇ જીંદગી છે..?" સ્તવને ખારી શીંગ ચાવતાં કહ્યું.

"ચીલ યાર..! છોકરીઓ તો આવે ને જાય લાઈફમાં...! કોઈ દગો દે તો આપણે એને ભૂલીને દગો દેવાનો.. દેવદાસ શું બને છે એમાં..!" પંથે સિગારેટનો એક કસ લીધો.. "આમ ધુમાડાની જેમ ફૂંકી મારવાની બધી યાદો ને..!"

"શટ અપ પંથ..! જીભ સંભાળીને બોલ.. હું જુહીને ગળાડૂબ પ્રેમ કરતો હતો.. આમ જેમ ફાવે એમ નહીં બોલ એનાં માટે.. એક તો બિઝનેસમાં પણ મંદી ચાલે છે.. કેટલાં ધંધાઓ બદલ્યા. ક્યાંયથી પ્રોફિટ નથી થતો.. બધી બાજુથી જાણે પનોતી ચાલતી હોય એવું લાગે છે.. તું કોઈ સારાં જ્યોતિષને ઓળખે છે..? જે એવી કોઈ જાદુઈ ચીજ વિશે સજેસ્ટ કરે, જેનાંથી આખી દુનિયા બદલી જાય..?"

"જો સ્તવન.. મારે વુમન વિશે ને એમાં ય તારી ગર્લ ફ્રેન્ડ વિશે રીસ્પેકટથી વાત કરવી જોઈએ, આઈ એક્સેપ્ટ.. પણ આ જ્યોતિષ વાળી વાત તું રે'વા દે.. આ જ્યોતિષમાં હું માનતો નથી.. પરિશ્રમ એ જ સાચો પારસ મણિ છે.." દીવનાં જલંધર બીચ પર બન્ને મિત્રો બેસીને વાત કરી રહયા હતાં. નાગોઆ બીચ પરની ભીડભાડ કરતાં આ બન્નેનું ફેવરિટ પ્લેસ હતું. થોડાં સમયે શોર્ટ વેકેશન લઇને બન્ને મિત્રો એક બે દિવસ અહીં ગાળતા..

"જો ભાઇ..! હું તો એમ માનું કે જીંદગીની દરેક ક્ષણને એન્જોય કરીને જીવી લેવી જોઈએ.. પ્રેમ ને પૈસા ને એ બધું તો આજ છે ને કાલ નથી.. વેદાંતમાં  કહે છે ને બધું મોહ માયા છે.. આ બધું જે આજે દેખાય છે એ સત્ય નથી.. માયા છે માયા..! કાલે અચાનક બધું ગુમ પણ થઇ જાય...બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે... સ્વપ્ન વત છે.." પંથ બીચ પર લંબાવતાં ગીત ગણગણવા લાગ્યો.. "આને વાલા પલ જાને વાલા હે, હો શકે તો ઇસમેં જીંદગી બીતા લો, પલ જો યે જાને વાલા હે.."

"એ.. ! તારી ફિલોસોફી જાડ નહીં.. અને એ બધું ફિલ્મોમાં મારાં ભાઈ..! અસલી જીંદગીમાં બધું જોઈએ જ છે. પૈસો પણ અને પ્રેમ પણ..!" સ્તવને હાથમાં એક રંગીન પત્થરને રમાડતાં કહ્યું. પત્થર થોડો ખરબચડો અને આગળથી અણી વાળો હતો. થોડો હીરા જેવો આકાર હતો એનો..! ભાઇનાં બાળકોને રમવું ગમશે એમ વિચારી તેણે એ ખિસ્સામાં નાખ્યો..

"ચાલ.. તું ચીલ કર.. હું દરિયામાં એકાદ ડૂબકી મારીને આવું.." સ્તવને કહ્યું

"જલદી આવજે યાર.. તું આવ પછી આપણે આઉટીંગ માટે જઇએ.. 

સ્તવનને સ્વીમીંગનો શોખ હતો એટલે દરિયામાં થોડો ઊંડે સુધી ગયો.. થોડું વધુ આગળ જતાં અચાનક પાણી નીચે એને જબરદસ્ત ગુરુત્વાકર્ષણ અનુભવાયું...એને લાગ્યું કે નીચેથી એને કોઈ ખેંચી રહ્યું છે.. એ પાણીમાં નીચે અને નીચે ગરકાવ થવા લાગ્યો.. અને નવાઈની વાત એ હતી કે ત્યાં ઓક્સિજનની કોઈ કમી લાગતી ન્હોતી કે પાણીનું કોઈ દબાણ પણ નહોતું. એની આસપાસ બહુ બધાં દરિયાઇ જીવો હતાં પણ કોઈ એને નુકસાન પહોંચાડતાં નહોતાં. ખાસ્સી વાર સુધી એ આ જ રીતે નીચેની તરફ ખેંચાતો ગયો.. બહુ બધી વાર બાદ, નીચે કોઈ જમીન સાથે એનાં પગનો સ્પર્શ થયો.. એ દરિયાની અંદર પણ ત્યાં આરામથી શ્વાસ લઇ શક્તો હતો અને બધું જોઇ પણ શક્તો હતો.. સ્તવન આસપાસ જોવા લાગ્યો..  પાતાળ લોક વિશે એણે વાર્તાઓમાં વાંચ્યું હતું. રિયલમાં ક્યારેય જોયું નહોતું.. આ શું..! દરિયાની નીચે જાણે એક આખી અલગ સૃષ્ટિ હતી..! ત્યાં ઘણાં દરિયાઇ જીવો, વનસ્પતિ અને રંગબેરંગી પથ્થરો હતાં..  એ પથ્થરો, બિલકુલ દરિયા કિનારે એને જે મળ્યો હતો એ પત્થર જેવાં જ હતાં.. તેણે ખિસ્સામાં મૂકેલ પત્થર બહાર કાઢીને જોયું.. બીજાં પત્થર કરતાં એ થોડો અલગ લાગતો હતો.. તેની ચમક બીજાં પત્થરથી થોડી વધુ હતી.

સ્તવને હાથ પગ હલાવીને એનાં ફરતે વીંટળાયેલ વનસ્પતિ, શેવાળ અને થોડાં દરિયાઇ જીવોને દૂર કર્યાં. તેણે જોયું કે દરિયાનાં પેટાળમાં પણ તે આરામથી ચાલી શક્તો હતો..! થોડું ચાલ્યા બાદ એક ખૂબ મોટો દરવાજો આવ્યો. દરવાજો આખો લોખંડનો બનેલ હતો. ખૂબ મજબૂત દરવાજો લાગી રહ્યો હતો. અને એનાં પર ખૂબ સરસ નકશીકામ કરેલું હતું. સ્તવને એ દરવાજાને હાથથી સ્પર્શ કર્યો. થોડો ધક્કો મારી એને ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ ખૂબ મજબૂત દરવાજો હતો. ખુલ્યો નહીં. સ્તવને એને લાત પણ મારી જોઇ પરંતુ વ્યર્થ..! દરવાજાને સ્પર્શ કરતાં કરતાં સ્તવનનો હાથ, દરવાજામાં રહેલી એક ખાંચ પર ગયો. એમાં હાથ નાખીને ત્યાં કોઈ કળ જેવું હોય તો ખોલવાનો એણે પ્રયત્ન કર્યો.. અચાનક એને સમજાયું કે આ ખાંચનો આકાર તો એનાં ખિસ્સામાં એક પત્થર છે એનાં જેવો જ છે. તેણે ખિસ્સામાંથી એ પત્થર કાઢીને એ ખાંચમાં ફીટ કરવા પ્રયત્ન કર્યો.. "અને આ શું..! એની નવાઈ વચ્ચે એ લોખંડનાં દરવાજાનો રંગ બદલવા લાગ્યો.. ધીરે ધીરે આખો દરવાજો સુવર્ણ રંગનો થઇ ગયો. અને અચાનક એક ઝાટકા સાથે એ પત્થર ખાંચમાંથી બહાર આવી ગયો અને 'ધડામ' અવાજ સાથે દરવાજો પણ ખુલી ગયો.

સ્તવન અંદર પ્રવેશ્યો.. અંદર એક આખું ગામ વસેલું હતું. પરંતુ ગામ એકદમ અલગ જ પ્રકારનું હતું. ત્યાં પાણીનું પ્રમાણ નહિવત હતું. પાણીની નીચેની જમીન પર, સ્તવન પાસે હતાં એવાં જ અનેક રંગીન પત્થર હતાં. ત્યાંનાં મકાનનો આકાર એકદમ મોટી છીપ જેવો હતો. બધાં મકાનનાં દરવાજા લોખંડનાં હતાં. અને થોડાં પાણી પર જ બધાં મકાનો જાણે તરતાં હતાં.

તે થોડો આગળ ગયો તો ત્યાં તેણે એક અજીબ પ્રકારનું પ્રાણી જોયું.. એ થોડો ડરી ગયો. એ પ્રાણીનો માથાથી લઇને છાતી સુધીનો ભાગ એક મનુષ્ય જેવો હતો. અને છાતીથી નીચેનો ભાગ એકદમ માછલી જેવો..! વાર્તામાં ઘણી વાર મત્સ્ય કન્યા વિશે સાંભળેલું. મત્સ્ય પુરુષ પણ હોઇ શકે એ નજરે જોયું.. એ મત્સ્ય પુરુષ થોડાં પાણીમાં તરતો તરતો આગળ જઇ રહ્યો હતો. એ પોતાને જોઇ ના જાય એટલાં માટે સ્તવન એની પાછળ, થોડો લપાઈને ચાલવા લાગ્યો.

એની પાછળ જતાં જતાં, એ એક એવાં જ છીપ આકારનાં પણ થોડાં મોટાં અને ભવ્ય મકાન પાસે આવીને ઉભો રહ્યો.. એ અહીંનાં રાજાનો રાજ મહેલ હોવો જોઈએ એવું લાગી રહ્યું હતું.

રાજ મહેલનાં દરવાજે પેલાં પ્રાણી જેવાં જ બે મત્સ્ય પુરુષો ચોકી કરી રહયા હતાં. એમાંથી એક સ્તવનને જોઇ ગયો. તેણે બાજુમાં ઊભેલાં બીજા ચોકીદારને ઈશારો કર્યો. અને એમનાં હાથમાં રહેલાં મોટા કાંટા જેવા હથિયારને લઇને બન્ને સ્તવન તરફ દોડ્યા. સ્તવનને ભાગવું વ્યર્થ લાગ્યું. આ આખી અજાણી દુનિયામાં ભાગીને એ જશે પણ ક્યાં..! એનાં કરતાં જે થશે તે જોયું જશે એમ વિચારી એ સ્થિર ઉભો રહયો જેથી પેલાં બન્ને પ્રાણીઓ તેનાં પર એટેક ના કરે.. એ પ્રાણીઓએ તેને સ્થિર ઉભો જોઈને તેને પકડી લીધો. અને અંદરો અંદર કોઈ અલગ જ ભાષામાં વાત કરવા લાગ્યા. સ્તવને હાથ ઊંચા કરીને ઈશારા દ્રારા તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે તે ઉપર મનુષ્યોની દુનિયામાંથી આવ્યો છે. એ પ્રાણીઓ થોડું સમજ્યા હોય એવું લાગ્યું અને એને પકડીને રાજ મહેલમાં દોરી ગયા.

રાજ મહેલ અંદરથી એકદમ ભવ્ય લાગતો હતો. ચારે તરફ હીરા, માણેક જેવા અનેક રત્નોથી સુશોભિત હતો. આગળ ચાલતાં ચાલતાં અંદરનાં એક ભવ્ય ઓરડા તરફ તેઓ આવ્યા. ત્યાં આવા અનેક મત્સ્ય પુરુષો બેઠા હતાં. એની બરાબર સામે એક માછલીનાં આકારનું મત્સ્યાસન હતું જેનાં પર એક મોટી ઉંમરનો અને થોડો જાજરમાન લાગતો મત્સ્ય પુરુષ બેઠો હતો. તેનાં માથા પર રાજ મુકુટ હતો. તે જ અહીંનો રાજા હોવો જોઈએ..એની થોડે દૂર, જમણી બાજુ, એક ખૂણામાં, બીજું માછલીનું મત્સ્યાસન હતું. જેનાં પર એક યુવા વયની મત્સ્ય કન્યા બેઠી હતી.. શું રૂપ હતું એનું..! છાતી સુધીનો ભાગ એક સ્ત્રી મનુષ્ય જેવો જ અને એક્દમ સ્વરૂપવાન હતો. રૂપ રૂપનો અંબાર હતી. એની આંખો એકદમ અણિયાળી હતી. નીચેનાં ભાગ પર, જયાંથી માછલીનો ભાગ શરૂ થતો હતો ત્યાંથી એનું દેહ સૌષ્ઠવ એકદમ લાલિત્યપૂર્ણ લાગતું હતું. તે રાજ કુંવરી હોવી જોઈએ. તેણે હીરા માણેક યુક્ત અનેક આભૂષણો અને મુકુટ પહેર્યા હતાં.  સ્તવન એકીટશે એની સામે જોઇ જ રહ્યો.

એની સાથે આવેલાં બે ચોકીદારોએ કંઇક બીજી ભાષામાં  રાજા જેવા લાગતાં પુરુષ સાથે વાત કરી.. રાજાએ એમને ઈશારો કર્યો એટલે બન્ને ચોકીદારોએ એને છોડી દીધો. એ પછી રાજાએ ખૂણામાં બેઠેલી મત્સ્ય કન્યા સાથે કંઇક વાત કરી. એ મત્સ્ય કન્યાએ હકારમાં ડોક હલાવીને સ્મિત આપ્યું અને સ્તવન સાથે વાતની શરૂઆત કરી.

"યુવાન..! માયા નગરીમાં તારું સ્વાગત છે." એ મત્સ્ય કન્યા ગુજરાતીમાં જ વાત કરી રહી હતી. અને બોલી તો જાણે અનેક ફૂલ ખરી રહયા હોય એવું લાગ્યું.

"મારૂં નામ સુગંધા છે અને હું આ માયા નગરીની રાજ કુંવરી છું. આ મારાં પિતા છે.. તું અહીં કઇ રીતે આવ્યો એ તારે કહેવાની જરૂર નથી. કારણકે નક્કી તારા હાથમાં અમારો ખોવાયેલો પારસમણિ આવ્યો હશે. એ સિવાય તારો અહીં પ્રવેશ શકય ના બને." સુગંધાએ પ્રસન્ન વદને વાત કરી.

સ્તવન થોડો ડઘાઈ ગયો હતો પરંતુ સુગંધાએ એની સાથે સારી રીતે વાત કરતાં તેનામાં પણ થોડી હિમ્મત આવી.. તેણે પૂછ્યું.. "પારસ મણિ..? એ કેવો હોય..? અને તમે આટલું સરસ ગુજરાતી કઇ રીતે જાણો છો?"

"હું ઘણી વાર મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને કિનારા પર ફરવા આવું છું. એટલે ધીરે ધીરે ગુજરાતી શીખી ગઇ. છેલ્લી વાર જ્યારે કિનારા પર આવી ત્યારે મારી ભૂલનાં લીધે પારસ મણિ ત્યાં ખોવાઇ ગયો. એ પારસ મણિ મારાં મુકુટની શોભા છે. એ જ્યારથી ખોવાયો છે, અમારી નગરી ગરીબ થવા લાગી છે. સુવર્ણની બધી ચીજો લોખંડમાં ફેરવાઈ ગઇ છે." સ્તવનને યાદ આવ્યું કે એ જ્યારે આવ્યો ત્યારે આ નગરીનો પ્રવેશ દ્વાર અને એ પછી બધા મકાનનાં દરવાજા, ત્યાં સુધી કે રાજ મહેલનો દરવાજો પણ લોખંડનો હતો. માયા નગરીમાં તેણે અનેક હીરા માણેક જોયા પરંતુ સુવર્ણ ક્યાંય જોયું નથી.

"અમારાં રાજ જ્યોતિષે કહ્યું હતું કે એક દિવસ એક મનુષ્ય આ પારસ મણિ લઇને અહીં આવશે અને પછી એ અહીં જ રહી જશે.. એની સાથે મારાં લગ્ન પણ થશે. અને એ જ અહીંનો ભવિષ્યનો રાજા પણ થશે. એટલે તું એ પારસ મણિ આપી મારાં હાથનો સ્વીકાર કર.." સુગંધા એ થોડું શરમાઈને કહ્યું.

સ્તવનને તો જાણે બન્ને હાથમાં લાડવા મળી ગયા.. આટલી સુંદર સ્ત્રી અને રાજ પાટ..! એ બે ઘડી કશું બોલ્યો નહીં.. સમગ્ર દરબાર સ્તવનનાં જવાબની રાહ જોઇ રહ્યો હતો. એ લોકોને ભાષા સમજાઈ નહોતી.. પણ મર્મ સમજાઈ ગયો હતો એટલે જો સ્તવન ના પાડે તો હથિયારો પર હાથ સજ્જ કરીને જ સૌ બેઠાં હતાં..

સુગંધાએ અકળાઈને ફરી કહ્યું.. "તને એમ થતું હોય કે એક મનુષ્ય અને એક મત્સ્ય કન્યાનાં લગ્ન કઇ રીતે થઇ શકે તો હું એક વાત કહી દઉં કે હું ઇચ્છાધારી મત્સ્ય કન્યા છું.. ઇચ્છું ત્યારે મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી શકું છું.." એમ બોલતાં તો સુગંધા એક સુંદર સ્ત્રીમાં ફેરવાઈ ગઇ..

સ્તવનને ડર લાગ્યો કે આ લોકો મારી ચુપકીદીને મારી ના ન સમજી લે.. એણે જલ્દીથી પોતાનાં ખિસ્સામાંથી પેલો પારસ મણિ કાઢ્યો અને રાજ કુંવરીનાં મુકુટમાં જયાં પારસ મણિ માટેની ખાલી જગ્યા હતી ત્યાં એને ફીટ કરી દીધો.. એ સાથે જ રાજ કુંવરીનો મુકુટ પ્રકાશથી છવાઈ ગયો અને સુવર્ણમાં રૂપાંતરિત થઇ ગયો..

સમગ્ર દરબારે સ્તવન અને સુગંધાનાં સંબંધને તાળીઓથી વધાવી લીધો.. ચારે બાજુ એ લોકોનાં વિચિત્ર વાજિંત્રોનો અવાજ આવવા લાગ્યો.. રાજાએ એમની ભાષામાં ઘોષિત કર્યું કે આવતી કાલે પ્રથમ સ્તવનનો રાજ્યાભિષેક થશે અને ત્યાર બાદ સુગંધા અને સ્તવનનાં લગ્ન..!

                        ************

"પિતાશ્રી.. મને મનુષ્યોની વાર્તા કરો ને.." ચિત્રા જીદ કરી રહી હતી..

"જો બેટા.. મારે રાજ દરબારમાં જવાનું મોડું થાય છે.. તારી માતાને કહે.. એ જ તને કરશે..

"નહીં પિતાશ્રી.. મને તો આપની પાસેથી જ વાર્તા સાંભળવી છે.." 7 વર્ષની ચિત્રા બહુ જીદ્દી થતી જતી હતી..

"સ્તવન.. એક વાર્તામાં કશું મોડું નહીં થઇ જાય તમારે.. તમારી દીકરીની એટલી વાત તો રાખી જ શકો તમે.." લગ્ન પછી સુગંધા એને 'તમે' કહીને સંબોધન કરતી હતી..

"જી મહારાણી સાહેબા.. જેવો આપનો હુકમ.." સ્તવને હસતાં હસતાં કહ્યું.. લગ્નનાં આઠ વર્ષ પછી સ્તવન એ લોકોની ભાષા શીખી ગયો હતો અને માયા નગરીનાં લોકો પણ ગુજરાતી શીખી ગયા હતાં.. શરૂમાં સ્તવનને પોતાની દુનિયાની ઘણી યાદ આવી.. મમ્મી પપ્પા મારી કેટલી ચિંતા કરતાં હશે એવો વિચાર પણ આવ્યો.. પછી થયું કે દરિયામાંથી હું પાછો ના આવ્યો એટલે આખરે મને મરેલો માની લીધો હશે તેઓએ.. અને એ પોતે પણ તો ખુશ હતો અહીં..! ખાવું, પીવું ને જલસા કરવા.. બસ આ જ એની જીંદગી બની ગઇ હતી. સુગંધાનાં પ્રેમનાં નશામાં ચકચૂર થઇ ગયો હતો . અને સુગંધા હતી પણ તો એવી જ માદક.. કોઈ પણ પુરુષને કામુક બનાવી દે તેવી..! રાજપાટ પણ એમ જ મળી ગયું હતું એટલે કશો પરિશ્રમ નહીં.. કશી તકલીફ નહીં.. બસ આનંદ જ આનંદ..! પૃથ્વી લોક કરતાં તો અહીં ખૂબ મજા છે..! ધીરે ધીરે એ પોતાની દુનિયાને ભૂલવા લાગ્યો.. પોતે પણ માયા નગરીનો જ એક હિસ્સો બની ગયો હતો..

ચિત્રા નો જન્મ થવાનો હતો ત્યારે એને ખૂબ ચિંતા થઇ આવી હતી.. "સુગંધા.. આપણું સંતાન શું આવશે..? મનુષ્ય કે મત્સ્ય..?"

"સ્તવન.. લાગે છે તમે હજુ દિલથી અમારી દુનિયાને અપનાવી નથી શક્યા.. ત્યારે જ તમને આવા વિચારો આવે છે.. ધારો કે મારી કૂખે એક મત્સ્ય પુરુષ કે એક મત્સ્ય કન્યા જન્મ લે તો એ તમારાં માટે આનંદની જ વાત હોવી જોઈએ.. ના કે દુઃખની...! તમારી દુનિયા કરતાં અમારી દુનિયા લાખ દરજ્જે સારી છે એવું તમને નથી લાગતું..! અહીં ના તો કોઈ છળ કપટ છે અને ના તો કોઈ દુરાચાર..!"

"સુગંધા.. તારી વાત સાથે હું સહમત છું.. પણ આપણે લોકો શું કાયમ માટે આ માયા નગરીમાં જ રહી જશું..? પૃથ્વી પર બીજાં મનુષ્યોની વચ્ચે ક્યારેય આપણી દુનિયા નહીં બનાવી શકીએ..?" સ્તવનની આ વાતથી સુગંધા બહુ નારાજ થઇ ગઇ હતી.. એને મનાવતાં જ કેટલાં દિવસો લાગ્યા હતાં.. ત્યારથી સ્તવને નક્કી કર્યું હતું કે આજથી પૃથ્વી લોકની વાત હવે બંધ.. આ માયા નગરી જ મારી દુનિયા છે અને અહીંનાં લોકો જ મારાં પોતાનાં છે.. ધીરે ધીરે એને બધાં સાથે એક આત્મીય સંબંધ પણ બંધાવા લાગ્યો હતો.. અને આખરે એ જ થયું જે ઇચ્છનીય હતું.. સુગંધાની કૂખે એક સુંદર રાજ કુંવરી જેવી જ મત્સ્ય કન્યાએ જન્મ લીધો..

ચિત્રા જેમ જેમ મોટી થતી ગઇ એમ એમ એનામાં મનુષ્ય અને મત્સ્ય કન્યા એમ બન્નેનાં ગુણો અભિવ્યક્ત થતાં.. ક્યારેક ક્યારેક એ એક મનુષ્યની જેમ જ એની ઇચ્છા વ્યકત કરતી.. એને એ પણ સમજાઈ ગયું હતું કે એનાં પિતા એક મનુષ્ય છે.. એને હંમેશા મનુષ્ય વિશે જાણવાની, પૃથ્વી લોકમાં જવાની ઇચ્છા થતી રહેતી.. હજુ નાની હતી એટલે એની માતા એને રૂપ બદલીને પણ મનુષ્ય લોકમાં મોકલવા તૈયાર નહોતી.. ખબર નહીં ત્યાંનાં લોકો મારી દીકરી સાથે કેવું વર્તન કરે...!

"પિતાશ્રી.. વાર્તા કરોને..!" ચિત્રાનાં અવાજથી સ્તવન ફરી વર્તમાનમાં આવી ગયો..

દીકરીની જીદ આગળ નમતું જોખીને તેણે મનુષ્ય લોકની વાર્તા શરૂ કરી.. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં શૌર્યની વાર્તા.. ! હજુ થોડી વાર્તા થઇ હશે કે પેટાળમાંથી એક ખૂબ ભયાનક અવાજ આવ્યો.. હજુ કંઇ સમજાય એ પહેલાં તો સ્તવનનો શયન કક્ષ આખો ડોલવા માંડ્યો.. એણે ચિત્રાને જોરથી જકડી લીધી.. સુગંધા પણ જલ્દીથી એની પાસે આવી.. બધાંએ મજબૂતીથી એક બીજાનો હાથ પકડી લીધો અને બહાર શું થાય છે એ જોવા શયન કક્ષની બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો.. ચિત્રા ખૂબ ડરી ગઇ હતી.. સ્તવને ચિત્રાને તેડી લીધી.. બહાર નીકળીને જે દૃશ્ય જોયું એ ભયાનક હતું.. માયા નગરી આખી ચકડોળમાં બેઠી હોય એ રીતે ઉથલ પાથલ થઇ રહી હતી.. ઘણાં બધાં ઘર એની નજર સમક્ષ પત્તાંનાં હોય એ રીતે પડી રહ્યાં હતાં.. નજર સમક્ષ અનેક મત્સ્ય કન્યા અને મત્સ્ય પુરુષો કીડીની માફક કાટમાળ હેઠળ ચગદાઈને મરી રહ્યાં હતાં.. એમની ચીસોનાં ભયાનક અવાજથી સમગ્ર માયા નગરી હચ મચી ગઇ હતી..

રાજ મહેલ પણ આખો ડોલી રહ્યો હતો.. ગમે એ ઘડીએ એ પણ પડી જશે એવી શક્યતા દેખાતી હતી.. થોડી સેકન્ડ આ ધ્રુજારી ચાલી અને એટલી વારમાં તો તબાહી મચી ગઇ હતી.. સ્તવનનાં મનમાં ગુજરાતનાં ભૂકંપની યાદ જીવિત થઇ ગઇ.. તે જલ્દીથી પરિસ્થિતિને પામી ગયો. ભૂકંપ આવ્યો છે તો હવે ગમે તે ઘડીએ સુનામી આવવાની શક્યતા ખરી..! તેણે સુગંધાને ચેતવી દીધી.."સુગંધા.. હજુ આ ખતરો ટળ્યો નથી.. હજુ કોઈ પણ ક્ષણે કંઇ પણ થઇ શકે.. એટલે જેટલાં પણ લોકો હજુ જીવિત બચ્યા છે એમને લઇને જલ્દીથી એક સલામત જગ્યાએ પહોંચી જઇએ..

સુગંધા પણ પરિસ્થિતિને સારી રીતે પામી ગઇ.. તેણે પોતાનાં મુકુટમાંથી પારસ મણિ કાઢીને સ્તવનને આપતાં કહ્યું.. "આ તમે સંભાળીને રાખી લો... આપણે જો જીવિત બચીએ તો આ માયા નગરીને ફરીથી ઉભી કરવા આની જરૂર પડશે.. સ્તવનને અત્યારે દલીલ કરવી યોગ્ય ના લાગી.. એટલે તેણે એ મણિ સાચવીને તેનાં ખિસ્સામાં રાખી લીધો..

ચિત્રા...! એની ફૂલ જેવી દીકરી..! આ દ્રશ્યોથી ખૂબ હેબતાઈ ગઇ હતી.. "પિતાશ્રી.. આપણે જીવિત તો રહેશું ને..!" સ્તવનની આંખમાં આંસુ આવી ગયા. એણે ચિત્રાને ચૂમીઓથી નવડાવી દીધી.. એ પછી સ્તવને એક હાથથી સુગંધાને પકડી, અને એક હાથે ચિત્રાને તેડી.. અને મહેલમાંથી જેમ તેમ બહાર આવ્યા. માયા નગરીમાં ચારે તરફ લાશોનો ઢગલો હતો.. કાટમાળ ખસેડી એમાં કોઈ જીવિત દેખાય તો એને પણ સાથે લઇને બધાં આગળ વધ્યા..

માયાનગરીનાં પ્રવેશ દ્વાર સુધી બધાં પહોંચ્યા હશે ત્યાં એક જોરદાર અવાજ આવ્યો અને એ અવાજ સાથે માયાનગરીનું પ્રવેશ દ્વાર તોડીને પાણીનું એક મોટું તોફાન અંદર આવ્યું... પાણીની વચ્ચે જ જીવતી માયા નગરી એ પાણીનું આ ભયાનક સ્વરૂપ ક્યારેય જોયું નહોતું.. હજુ કોઈ કંઇ સમજે એ પહેલાં દરિયાની અંદરથી ઉઠેલાં એક ભયાનક મોજાંએ બધાં જ મત્સ્ય પુરુષો અને મત્સ્ય કન્યાને દૂર દૂર ફેંકી દીધાં.. સ્તવનનાં હાથમાંથી ચિત્રા છૂટી ગઇ.. પોતાની નજર સામે પોતાની ફૂલ સમી દીકરીને પોતાનાંથી દૂર જતી સ્તવન જોઇ રહ્યો.. એનાં મોઢામાંથી એક ચીસ નીકળી ગઇ.. સુગંધા તો ત્યાં જ બેહોશ થઇ ગઇ.. હજુ બચવાની આશાને ના છોડતાં સ્તવને એક હાથે સુગંધાને ઢસડીને ચો તરફ પાણીનાં પુરમાં તરવાનું શરૂ કર્યું.. થોડી વાર થઇ ત્યાં ફરી એક એવું જ ભયાનક મોજું સુગંધાનો પણ હાથ છોડાવીને એને દૂર લઇ ગયું.. હવે સ્તવનને જીવતાં રહેવાની ના તો કોઈ આશા બચી કે ના તો ઇચ્છા..! એણે બધું કુદરત ભરોસે છોડી દીધું અને નિષ્ક્રિય બની ગયો. ફરી પાણીનાં ઊંડાણમાંથી એક ભયાનક મોજું આવ્યું અને.. બસ.. આ અંતિમ શ્વાસ છે હવે.. એમ વિચારી સ્તવને મનોમન સુગંધા અને ચિત્રાને યાદ કર્યાં અને આંખો બંધ કરી દીધી.. દરિયાનાં મોજાંએ અચાનક સ્તવનને છેક પેટાળમાંથી ઉપાડીને દરિયાની સપાટી પર લાવી દીધો.. અજાણ પણે જ તેનાં હાથ પગે બચવા માટે થોડાં હવાતિયા માર્યા અને...અને..

સ્તવનની આંખ ખુલી ત્યારે એણે જોયું તો દરિયો એકદમ શાંત થઇ ગયો હતો. તે ફરી પૃથ્વી લોકમાં આવી ગયો હતો જયાં દરિયાનાં મોજાં એકદમ સામાન્ય હતાં.. તે તરતો તરતો કિનારે આવ્યો. કિનારે આવીને જુએ છે તો..

"અરે... ! આ તો જલંધર બીચ..! સામે એનો મિત્ર પંથ સૂતો હતો.. એને થયું કે એનો મિત્ર એને જીવતો જોઇને ખૂબ ખુશ થશે. મનમાં આવ્યું કે જલ્દીથી દોડીને મિત્રને ગળે લગાડી લે અને કહે કે એની સાથે શું નું શું થઇ ગયું છે આ આઠ વર્ષમાં..! ત્યાં..! પંથે સ્તવનને આવતાં જોયો એટલે એ પણ ઉભો થયો.. ઘડિયાળની સામે જોયું, સ્તવનની તરફ આગળ વધ્યો અને કહેવા લાગ્યો.. "આટલી વાર હોય..? તને કીધું હતું કે જલ્દી આવજે.. પૂરી 30 મિનિટ ડૂબકીઓ લગાવી છે તેં દરિયામાં.. હું તો અહીં તારી રાહ જોઇને થાકી ગયો...!"

સ્તવન ડઘાઈ ગયો.. આ પંથ શું બોલી રહ્યો છે.. "પૂરી ત્રીસ મિનિટ..!"

"ચાલ હવે ફ્રેશ થઇ જા.. એટલે આઉટીંગ માટે નીકળીએ.. એન્ડ લિસન.. તું દરિયામાં ગયો ત્યારે તારાં મમ્મીનો ફોન હતો. એણે તારાં માટે એક એકદમ સુંદર છોકરીને જોઇ રાખી છે. એટલે અહીંથી ઘરે જઇએ ત્યારે કોઈ જાતનાં નખરાં કર્યા વિના અને જુહીને ભૂલીને ચૂપ ચાપ મમ્મી કહે છે એ છોકરી સાથે પરણી જજે.." પંથ નોન સ્ટોપ બોલ્યે જતો હતો..

સ્તવનને આઘાત લાગ્યો.. "પણ પંથ.. હું તો..! મારે તો..સાત વર્ષની દીકરી પણ છે.. ચિત્રા..!"

"અલ્યા..! ના પાડી હતી કે દીવ ભલે જઇએ પણ મદિરાને હાથ પણ લગાડવાનો નથી.. તો ય તારાંથી કંટ્રોલ ના થયો..? અને હા.. તારે એક સારો જ્યોતિષ જોઈતો હતો ને..! મેં એ પણ તપાસ કરી લીધી છે. એક જ્યોતિષ છે મારાં ધ્યાનમાં.. બહુ સારું ભવિષ્ય જુએ છે.. એને પણ મળી લઈશું..

"જ્યોતિષ..! ના.. ના.. મારે કોઈ જ્યોતિષને નથી મળવું.." સ્તવનનાં મનમાં પડઘા સંભળાઇ રહ્યાં હતાં.. "યુવાન..! આ માયા નગરી છે.. અને અહીં તારું સ્વાગત છે.. અમારાં રાજ જ્યોતિષની આગાહી મુજબ...!"

સ્તવનનો હાથ ખિસ્સા તરફ ગયો.. એનાં હાથમાં એક ખરબચડા પત્થરનો સ્પર્શ થયો.. "એક મિનિટ દોસ્ત..! આવ્યો હમણાં.. એટલું કહી, સ્તવન દરિયા તરફ ગયો અને ખિસ્સામાંથી પારસમણિ કાઢીને એનો દરિયામાં દૂર ઘા કરી દીધો..

"શું થયું.. શું ફેંકી આવ્યો?"

"કંઇ નહીં દોસ્ત..! તું સાચું જ કહેતો હતો.. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે.. માયા છે...! આંખ ખુલે ને બધું સ્વપ્ન વત..! ચાલ.. જઇએ.. મારે હવે કોઈ જ્યોતિષની જરૂર નથી..પરિશ્રમ એ જ પારસ મણિ...!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ