ધર્મ:માનવતા
આપણો ભારત દેશ પોતાની આગવી સંસ્કૃતિ, રીત રિવાજ અને તહેવારો માટે દુનિયા ભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલો છે. તેમજ ભારતમાં અલગ અલગ ધર્મ અને જ્ઞાતિ ના લોકો રહે છે અને તેમની આગવી પરંપરા, રિવાજો સાથે જીવે છે. દરેક પ્રદેશ અને દરેક જ્ઞાતિ, સમાજની આગવી લાક્ષણિકતાઓ રહેલી છે. ખરેખર આવી રીતે જોવા મળતી લાક્ષણિકતાઓ અને અલગ અલગ જોવા મળતા રીત રિવાજો, તહેવારો સાચા અર્થમાં ભારત બીજા બધા દેશો કરતા અલગ તરી આવે છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત દેશ કોઈ પણ ધર્મનો પ્રચાર નથી કરતો પણ દરેક ધર્મ અને જ્ઞાતિને હંમેશા આવકારે છે અને તેમને માન આપે છે. બધા જ ભારતીયો મારા મિત્રો, સંબંધીઓ છે. તે વાકય ઉપર ભારત કાયમ ઉતર્યું છે. ભારત દેશમાં બંધુત્વની ભાવના રહેલી છે, જે ભારતના લોકો એક બીજાને આદર, સન્માન આપે છે. ભારતનો ભાતિગળ ચંદરવો ખરેખર વિશાળ અને સમૃદ્ધ છે.
પરંતુ ભારત દેશને આઝાદ થયે આટલા વર્ષોમાં હજી ક્યાંક પ્રદેશમાં અમુક લોકો દ્વારા અમુક જ્ઞાતિ પ્રત્યે કરાતો ભેદભાવ જોવા મળે છે. હજી દેશના અમુક ખૂણા અને પ્રદેશોમાં ભેદભાવ, અછૂત, અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ જેવા બનાવો બનતા આવ્યા છે. જે ક્યારેક આપણા દેશ માટે કલંક બની ને રહી જાય છે. અને આવા બધા બનાવો ક્યારેય વિસ્તરીને લોકોની સમક્ષ પણ નથી આવતા. આજે આપણે એવી જ એક વાત કરી રહ્યા છીએ કે જેમાં માનવી માનવતા નેવે મૂકી દે છે. સમાજ, જ્ઞાતિ, અસ્પૃશ્યતામાં એટલો બધો ડૂબી જાય છે કે પોતાને અને પોતાની જ્ઞાતિને ઊંચી સાબીત કરવામાં તે પોતાની માનવતાને તરછોડી દે છે. આ પ્રસંગમાં આપણને ઘણું જાણવા અને સમજવા મળશે અને આ પ્રસંગ વાંચ્યા પછી હું આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ પ્રસંગને અનુસરીને માનવતા જીવંત રાખશે.
એક નાનકડું ગામ હતું જેમાં એકંદરે સો જેટલા પરિવાર (ઘર) રહેતા હતા. ગામ ઘણું શ્રીમંત હતું, ત્યાંના લોકો પણ ભણેલા ઓછા પણ વ્યવસાયી વધું હતા. ત્યાંના લોકો શ્રમ, મહેનત કરવામાં માનતા હતા. જ્યારે અમુક પરિવાર (ઘર) એવા પણ હતા, જે પોતાનું ગામ છોડીને વ્યવસાય અર્થે બીજા શહેરમાં સ્થળાંતર કરી ગયા હતા. પણ સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે ગામમાં અમુક પરિવાર આર્થિક રીતે નબળા પણ હતા. ગામમાં અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હતા. બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિય વગેરે. શ્રમિક વર્ગ પાટીદારના ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અને ગામના મુખી પણ પાટીદાર જ હતા, જેમનું કહેલું આખું ગામ માન્ય રાખતું, અને ગામના બધા લોકો તેમને માન આપતા. અલગ અલગ જ્ઞાતિ માટે ગામમાં અલગ અલગ ઇષ્ટ દેવ, દેવીના મંદિર પણ ખરા. જે મંદિરોમાં પૂજા પાઠ કરવા માટે ગામમાં એક બ્રાહ્મણ પરિવાર પણ રહેતો હતો. બ્રાહ્મણ પોતાના કાર્યમાં હંમેશા ચુસ્ત જ હોય. આખા ગામમાં બ્રાહ્મણનું એક માત્ર ઘર હતું, ગામના બધા વ્યક્તિઓ તેમનો સત્કાર કરતા અને ગુરુજી માનતા.
આ બધાની વચ્ચે ગામમાં એક પરિવાર હરિજન નો પણ હતો. આખા ગામમાં હરિજન સમાજનું માત્ર એક જ ઘર હતું અને એ પણ ગામના છેવાડે. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એટલે કે સાંજે પેટની પૂજા કરવા માટે દિવસે કામ અને મહેનત કરવી જ પડે તેમ. જે ઘરમાં માત્ર બે જ વ્યક્તિ, એક રાકેશ અને તેની મમ્મી જ હતા. રાકેશ નાનો હતો. તેને નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી. એટલે ઘરની બધી જવાબદારી તેની મમ્મીના માથે જ હતી. રાકેશની મમ્મીની પણ તબિયત સારી નહોતી રહેતી, તેમને શ્વાસની તકલીફ રહેતી હતી. જેથી રાકેશ સ્કૂલમાંથી આવીને તેની મમ્મી ને કામ માં મદદ કરતો, ખેતરે જતો. અને રાત્રે તે અભ્યાસ કરતો. રાકેશ ખૂબ શાંત સ્વભાવનો અને પોતાના કામથી જ મતલબ રાખતો.
રાકેશ ગામની જ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેને ભણવામાં રસ વધુ હતો, ભણવાની અને જીવનમાં કંઈક કરવાની મહેચ્છા રાખી ઘર કામમાં મદદ કરવાની અને સાથે સાથે ભણવામાં પણ કચાસ ન રહી જાય તેનું ધ્યાન રાખતો. અને સાથે સાથે સ્કૂલમાં અવ્વલ નંબરે પાસ પણ થતો. સ્કૂલમાં રાકેશની ક્યારેય કોઈ ફરિયાદ ના હોય. શિસ્ત અને પાલનમાં પણ રાકેશ બીજા બધા છોકરાઓ કરતા વિનમ્ર હતો. સ્કૂલમાં તેના મિત્રો પણ ખૂબ ઓછા. પણ તેનાજ ક્લાસમાં અભ્યાસ કરતો મેહુલ નામનો છોકરો કે જેની સાથે રાકેશને સારું બનતું હતું. બંને ક્લાસમાં એક સાથે એક પાટલી પર બેસતા.
મેહુલ જ્ઞાતિએ બ્રાહ્મણ હતો, તેના પિતા ગામમાં અને આજુબાજુના ગામમાં પૂજા પાઠ કરતા. એટલે મેહુલના પિતાનું નામ અને માન ગામમાં વધું હતું. મેહુલના પિતા જ્ઞાતિ અને મર્યાદામાં વધું માનતા હતા. તેમને પોતે બ્રાહ્મણ હોવાનો ગર્વ વધું હતો અને સૌથી વધારે ગર્વ તેમને આખા ગામમાં એક માત્ર બ્રાહ્મણ હોવાનો હતો. તે મોટેભાગે બ્રાહ્મણ અને પાટીદારના ઘરે વધું બેસતા. મેહુલ પણ ભણવામાં હોંશિયાર હતો. મેહુલ બ્રાહ્મણ હોવાથી તેના પિતાનું કહેલું માની અને તેનું ચુસ્ત પણે પાલન કરતો. હંમેશા તેના પિતાની
આજ્ઞા મુજબ જ વર્તતો. મેહુલ અને રાકેશ વચ્ચે હંમેશા પ્રથમ નંબર માટે હરીફાઈ રહેતી. પણ બંને ક્યારેય એકબીજા પ્રત્યે ઘૃણા નહોતા રાખતા. તેમની મિત્રતાની વચ્ચે ક્યારેય પ્રથમ નંબરે પાસ થવાની અભિલાષા નહોતી. બંને એક સાથે બેસતા, એક સાથે નાસ્તો કરતા અને સ્કૂલમાં સાથે જ રમતા. બંને ઘરેથી લાવેલો એક બીજાનો નાસ્તો કરતા. ક્યારેક રાકેશ નાસ્તો લીધા વગર આવે તો મેહુલ પોતાનો નાસ્તો રાકેશને આપી દેતો, બંને એક જ નાસ્તા વડે ચલાવી લેતા. બંને વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ જોવા ના મળે. જ્યાં રાકેશ હોય ત્યાં મેહુલ હોય જ.
શિક્ષક કલાસમાં કોઈ પણ સવાલ પૂછે તેનો જવાબ મેહુલ અને રાકેશ પાસે હોય જ. ઘરેથી સ્કૂલ સુધીનો અડધો રસ્તો બંને માટે એક જ રહેતો, એટલે અડધે રસ્તે સુધી બંને સાથે સ્કૂલે જતા અને આવતા. એક દિવસ મેહુલના પિતા મહેલુને લેવા માટે સ્કૂલમાં આવી, મેહુલની રાહ જોઇને સ્કૂલના મુખ્ય દરવાજા પાસે ઉભા હોય છે. થોડી વારમાં સ્કૂલ છૂટવાની ઘંટડી વાગતા મેહુલ અને રાકેશ બંને એકબીજાના ખભા પર હાથ મુકીને વાતો કરતા ને હસતા હસતા બહાર આવે છે. બંને ચાલતા ચાલતા સ્કૂલના મુખ્ય દરવાજા પાસે આવે છે. મેહુલ તેના પિતાને જોઈને પિતાને પગે લાગે છે અને રાકેશને બાય કહીને તેના પિતાની સાથે જતો રહે છે. રાકેશ પણ એકલો ચાલતા ચાલતા નીકળી જાય છે.
રસ્તામાં મેહુલના પિતાએ મેહુલને રાકેશ વિશે પૂછ્યું કે કોણ હતો એ છોકરો? મેહુલે પણ તેના પિતાને બધું રાકેશ વિશે જણાવ્યું. પણ મેહુલના પિતાને ખબર પડી કે રાકેશ હરિજન જ્ઞાતિનો છે. તો તેમને મેહુલને રાકેશ સાથે ના રહેવા માટે સમજાવ્યો. "બેટા આપણે બ્રાહ્મણ છીએ, આપણું કામ વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું છે. તમામ જ્ઞાતિમાં આપણે સૌથી ઊંચા અને આપણું માન વધુ છે. આપણું કામ પણ પવિત્ર છે, આપણું કામ અપવિત્ર વસ્તુ કે સ્થળ ને પવિત્ર કરવાનું છે. જ્યારે રાકેશ હરિજન છે, તેમનું કામ આપણાથી નીચી કક્ષાનું છે, હરિજન જ્ઞાતિ ઉતરતી, નીચી કક્ષાની છે. હરિજન જ્ઞાતિનું કામ પણ અપવિત્ર છે. ગામમાં જ્યારે કોઈ પ્રાણીનું મૃત્યુ થાય ત્યારે તે મૃત પ્રાણીને ત્યાંથી ઉઠાવાનું કામ હરિજન જ્ઞાતિ કરતી હોય છે. આપણે પવિત્ર અને બ્રાહ્મણ વતી હરિજન જ્ઞાતિ સાથે ના બેસી શકીએ. તેમના સંપર્કમાં ના આવવું જોઈએ. અને જો આપણે એવી કોઈ જ્ઞાતિના વ્યક્તિના સંપર્કમાં આવીએ તો ઘરમાં પ્રવેશ કરતા પહેલા આપણે આપના દેહ શુદ્ધિ માટે સ્નાન કરવું જોઈએ કેમ કે તેવા લોકોના સ્પર્શથી અભડછેટ થઈ જાય છે. એટલે હવે તું ઘરમાં પ્રવેશતા પહેલા સ્નાન કરી લેજે. અને હવેથી રાકેશ સાથે બેસવામાં અને વાર્તાલાપમાં પણ અંતર રાખજે."
પરંતુ, મેહુલ અને રાકેશની મિત્રતા એટલી ગહેરી હતી કે બંનેને એક બીજા વગર ચાલે નહીં. સ્કૂલમાં જઈને મેહુલ તેના પિતાએ કહેલી તમામ વાતો ભૂલી જઇ રાકેશે સાથે જ રહેતો અને બંને એક સાથે જ બેસતા. મેહુલે તેના પિતાએ કહેલી વાતને ધ્યાનમાં નહોતી લીધી અને તે વાતનો તેના મન ઉપર પ્રભાવ પણ નહોતો પડ્યો. પણ એક દિવસ રાકેશ અને મેહુલ ચાલતા ઘરે આવતા હોય છે. રાકેશના હાથમાં નાસ્તાનો ડબ્બો હોય છે અને બંને ચાલતા ચાલતા નાસ્તો કરતા હોય છે. મેહુલનો નાસ્તો તો સ્કૂલમાં જ બંનેએ ભેગા થઈને પતાવી દીધો હતો. મેહુલને રાકેશ સાથે અને રાકેશના ઘરનો નાસ્તો કરતા તેના પિતા જોઈ જાય છે. મેહુલના પિતા આ જોઈને ખૂબ ગુસ્સે થઈ જાય છે, પણ ગામમાં ખોટો તમાશો ના બને એટલે તે સમયે તે મેહુલને કંઈ પણ કહ્યા વિના ઘરે જતા રહે છે.
થોડી વાર પછી મેહુલ ઘરે પહોંચે છે કે મેહુલના પિતા ગુસ્સામાં મેહુલ ઉપર હાથ ઉઠાવી દે છે." મેં તને ના પાડી હતી કે તું રાકેશ સાથે ના રહીશ. તેને સ્પર્શ નહીં કરવાનો કહ્યું હતું મેં અને તે આજે તેની સાથે તેના ઘરનો નાસ્તો કર્યો? શરમ આવવી જોઈએ તને બ્રાહ્મણ થઈને આવું નીચું કામ કરતા. તું મર્યાદાઓ ભૂલી ગયો છે. હવેથી જો મેં તને રાકેશ સાથે જોયો છે ને તો તારી સ્કૂલ બદલાવી નખાવીશ. અને તને હોસ્ટલમાં મૂકી દઈશ." મેહુલના પિતાએ સ્કૂલના શિક્ષકને જાણ કરીને ખાતરી રાખવા કહે છે કે મેહુલ રાકેશ એક સાથે ના બેસે, મેહુલ ઉપર નજર રાખે.
બીજા દિવસે ક્લાસમાં મેહુલ અને રાકેશને એક સાથે બેસેલા જોઈને શિક્ષકે રાકેશને ઉભો કરીને અંતિમ પાટલી પર બેસવાનું કહ્યું. અને હવેથી હમેશ માટે તેને અંતિમ પાટલી પર એકલા એ જ બેસવું તેવો આદેશ આપ્યો. આ જોઈને મેહુલને સમજાઈ ગયું કે આમ કરવા માટે તેના પિતાએ જ જાણ કરી છે શિક્ષકને. રાકેશને એકલો અંતિમ પાટલી પર બેઠેલો જોઈને મેહુલ ભાવ વિભુર થઈ ગયો. જ્યારે રિશેષ પડી કે મેહુલે રાકેશને બધી વાતની જાણ કરી અને આ રીતે ભેદભાવ થવા પાછળનું કારણ જણાવ્યું. રાકેશે હળવાશથી મેહુલની બધી વાત સાંભળી અને ચહેરા પર બીલકુલ ખચકાટ અનુભવ્યા વિના વાતનો સ્વીકાર કર્યો. મેહુલે રાકેશના ખભા પર હાથ મૂકીને કહ્યું કે "માફ કરી દેજે દોસ્ત, તું ચિંતા ના કર આપણે માત્ર એક પાટલી પર જ નહીં બેસી શકીએ ને. પણ આપણે હંમેશા સારા મિત્રો હતા અને રહીશું, અને કોઈને ખબર પણ નહીં પડે. માન્યું કે હું બ્રાહ્મણ છું અને તું હરિજન પણ હું આ બધા ભેદભાવ અને ઊંચ નીચમાં નથી માનતો. મારા પિતા માને છે અને તેમને સારું લાગે એટલાં માટે હું તારી સાથે નહીં બેસી શકું, પણ આપણી મિત્રતામાં ખોટ નહીં આવે. અને હા આ વખતે પરીક્ષામાં પ્રથમ નંબર મારો જ આવશે, એટલે ધ્યાન રાખજે તારામાં હિંમત હોય તો આ વખતે મને રોકીને બતાવ." એટલામાં જ રીસેસનો સમય પૂરો થઈ જાય છે અને બંને પાછા કલાસ માં જઈને બેસી જાય છે. પણ રાકેશના મનમાં મેહુલે કહેલી બધી વાતો ચાલતી હોય છે. અને અમુક વાતો તેના મનમાં ઘર કરી જાય છે.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ સ્કૂલમાં આ વાત બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ જાણી ગયા હતા કે રાકેશ હરિજન છે. અને એ બાબતમાં હવે અતિશયોક્તિ થઈ ગઈ. જાત જાતની વાતો ફેલાવા લાગી કે રાકેશ મૃત પાણીઓને ઊંચા કરીને તેમનો વેપાર કરવાનું કામ કરે છે. તેવી જગ્યાઓ સાફ કરે છે. સ્કૂલના બધા વિદ્યાર્થીઓ રાકેશને ઘૃણા, નફરતની નજરથી જોતા. રાકેશ સાથે કોઈ બેસતું નહીં, કોઈ તેની સાથે વાત પણ નહોતું કરતું. રાકેશ જ્યાં ઉભો હોય ત્યાં તેની નજીક બીજો કોઈ વિદ્યાર્થી પણ નહોતો જતો. જ્યારે રાકેશ સ્કૂલમાં આવતો એટલે સ્કૂલના બધા વિદ્યાર્થીઓ રાકેશને ખિજાવતા. કોઈ હરિજન કહીને બોલાવે તો કોઈ અછૂત કહી ને, કોઈ ઢેડ કહીને બોલાવે તો કોઈ અસુર. અને આ બધું જઈને મેહુલ પણ રાકેશ માટે લાચારી અનુભવી રહ્યો હતો. આ બાબતમાં મેહુલ કંઈ કરી શકે તેમ નહોતો. મેહુલ કેટ કેટલાના મોઢા બંધ કરાવતો?
આ બધી વાતો અને બાબતોની રાકેશના મન અને દિમાગ ઉપર ખરાબ અસર થઈ. રાકેશ ખોટી વાતને હવે સાચી માનવ લાગ્યો. તે હવે એમજ સમજવા લાગ્યો કે આ બધા સાચા છે અને તે ખોટો છું. રાકેશ પોતાની નજરમાં સંકોચાઈ ગયો. તે ખુદ લોકોથી દૂર રહેવા લાગ્યો. અને તેના આવા વર્તન પાછળ ગામના લોકો અને શિક્ષક જ જવાબદાર હતા.
(શરમની વાત તો એ હતી કે જેને સમાજને ભણાવવાનો છે, જેને ભવિષ્ય બનાવવાનું છે, જેને સંસ્કાર કેળવવાના છે તે શિક્ષક પણ આવા અભિપ્રાય અને મંતવ્ય સાથે ભેદભાવ કરી રહ્યા હતા અને ચૂપ હતા. આપણી જિંદગીમાં માતાપિતા પછી બીજો કોઈ ઉચ્ચ કક્ષાનો દરજ્જો હોય તો એ છે શિક્ષક અને ગુરુજીનો. શિક્ષકની ફરજ અને કર્તવ્ય છે કે તે વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારનું સિંચન કરે. ખોટી વાત નો વિરોધ કરે. સમાજમાં પરિવર્તન લાવે, લોકોની વિચાર સરની સુધારે. શિક્ષક માતા પિતા સમાન હોય છે. શિક્ષક અને ગુરુ ક્યારેય લાચાર નથી હોતા.
કહેવાય છે ને કે મુસીબતના વાદળ જ્યારે ઘેરાય ત્યારે ચો તરફથી ઘેરાય, બસ એવું જ કંઈક થયું. થોડા સમય પછી રાકેશની મમ્મીનું અચાનક અવસાન થઈ ગયું. અને રાકેશ એકલો પડી ગયો. નિર્લજ્જ દ્રશ્ય તો એ હતું કે ત્યારે રાકેશની મમ્મીના અંતિમ વિધિમાં પણ કોઈ હાજર ના રહ્યું, જે પણ હાજર રહ્યા એ બધા દૂર થી ઉભા ઉભા તમાશો જોતા રહ્યા. માનવતા આટલી હદ સુધી મરી શકે તેવો વિચાર પણ ના આવે. હકીકતમાં આ રાકેશની મમ્મીનું મૃત્યુ નહોતું પણ માનવતાનું મૃત્યુ હતું. જે વ્યક્તિ ગામની ગંદકી કે કોઈ પ્રાણીના મૃત્યુ પછી તે જગ્યાને સાફ કરતી હતી તે વ્યક્તિના ઘરના આંગણે કોઈ ઉભું રહેવા પણ તૈયાર નહોતું. રાકેશે એકલા હાથે તેની મમ્મીના અંતિમ સંસ્કાર કર્યા. ગામના લોકો તો જીવતા વેંત જ મરી ગયા હતા. એને કહેવાય જીવતા માણસના અંતિમ સંસ્કાર. આવી પરિસ્થિતિમાં પણ કોઈના દિલમાં દયા, લાગણી ના ઉદભવી એ માનવતા અને સમાજ પર કલંક છે.
પરિસ્થિતિ અને સમયની થપ્પડ એવી વાગી હતી કે રાકેશે હવેથી સ્કૂલમાં જવાનું પણ છોડી દીધું હતું. અને ઘરે રહીને અભ્યાસ કરતો અને કામ કરતો. રાકેશની જિંદગી અને ભવિષ્ય સામે અનેક સવાલો અને અંધકાર છવાય ગયો હતો. રાકેશ પછી પણ એજ કામ કરતો હતો જે તેની મમ્મી કરતી હતી. રાકેશ તે પોતાની જવાબદારી અને ફરજ સમજીને કરતો હતો. તે જાણતો હતો કે જો તે આ કામ નહીં કરે તો બીજું કોણ કરશે? અને આવી રીતે ગામને તો મુકાય નહીં. પણ તેના કામ અને વિચારની કદર અહીંયા કોણે હતી!
એક દિવસ રાકેશને રસ્તામાં મેહુલ મળી ગયો. મેહુલ રાકેશને ભેટવા જતો હતો, ત્યાં અચાનક રાકેશે મેહુલને રોકીને કહ્યું કે "હું અત્યારે ગામના મુખીની ગાય મરી ગઈ હતી તો હું હાલ એ મૃત ગાય ને મૂકીને આવી રહ્યો છું. મારા હાથ અને કપડાં સારા નથી, અને હું પોતે પણ સારો નથી. તારું મને આવી રીતે સ્પર્શ કરવું તમારા ધર્મ અને જ્ઞાતિ વિરુદ્ધ છે. તું અપવિત્ર થઈ જઈશ મને સ્પર્શ કરીને."
આ વાત સાંભળીને મેહુલે રાકેશ ને કહ્યું કે "મિત્ર મેં તને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે હું આ બધી વાતોમાં નથી માનતો. હું તને સ્પર્શ કરીશ તો હું અપવિત્ર થઈ જઈશ એ બધી વાતો ગામના લોકો અને મારા પિતાનું માનવું છે. અને મારે તને મારા પિતા તરફથી માફી માગવી છે. કેમ કે આજ કલ તને ગામના લોકો જે રીતે જોવે છે, તારી સાથે જે રીતે વર્તન કરે છે તે બધા પાછળ મારા પપ્પાનો જ હાથ છે. મારા પપ્પાએ જ આ બધી વાહિયાત અને માન્યતા, ધર્મની વાતો, જ્ઞાતિવાદ, અછૂત, અસ્પૃશ્યતાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. એમને સમજાવા મારુ કામ નથી. છુત-અછૂત, અસ્પૃશ્યતા, અભડછેટ, આ બધી માન્યતાઓમાં કોઈ તાત્પર્ય નથી. મને ખુબ દુઃખ થયું જ્યારે મેં સાંભળ્યું કે તારી મમ્મીનું અવસાન થઈ ગયું. પણ તેનાથી વધું દુઃખ મને ત્યારે થયું કે જ્યારે મને ખબર પડી કે અંતિમ વિધિમાં કોઈ હજાર પણ નહોતું."
રાકેશ મેહુલની આ હમદર્દીનું માન રાખીને ભીની આંખે મેહુલને કહે છે કે "વાંધો નહીં, જે થઈ ગયું એ થઈ ગયું. એ વાત નો હવે કોઈ અર્થ નથી. અને મને કોઈ ફરિયાદ પણ નથી. અને મને મારા કામ અને મારી જ્ઞાતિ પર ગર્વ છે. ચલ પછી મળીશું શાંતિ થી અત્યારે કામ છે એટલે થોડી ઉતાવળ છે. અને હા ભણવામાં ધ્યાન રાખજે એમ પણ હવે તને હરીફાઈ આપવા વાળો નથી, એટલે તને આશાન થઈ રહેતું હશે પ્રથમ નંબર પર આવવા માટે.
રાકેશને આવી પરિસ્થિતિ માં જોઈને મેહુલ મંત્રમુગ્ધ થઈ ગયો. મેહુલ પાસે કંઈક કહેવા માટે શબ્દો પણ નહોતા. મેહુલને સૌથી વધું દુઃખ એ વાત નું હતું કે રાકેશ ભણવામાં હોંશિયાર હતો, અને એને આવી રીતે ભણવાનું છોડી દીધું. વધુમાં મેહુલ રાકેશ માટે કંઈ કરી પણ નહોતો શકતો. રાકેશની જિંદગીમાં માતાપિતા નહોતા, અને ગામમાં એની કોઈ ઈજ્જત પણ નહોતું કરતું. ઈજ્જત તો દૂર ની વાત રહી પણ કોઈ તેની મદદ માટે પણ નહોતું આવતું. રાકેશને આવી રીતે લડતા જોઈને મેહુલની આંખોમાં પાણી આવી ગયું.
મેહુલે ઘરે જઈને તેના પિતા સાથે વાત કરી કે કદાચ તેમનાથી રાકેશ માટે કંઈ મદદ થઈ શકે, કેમ કે મેહુલના પિતાની વાત ગામ માં બધા જ સાંભળતા અને માન આપતા. પણ મેહુલના પિતા બસ એક જ વાત પર અળગ્યા હતા કે જેનું જેવું નસીબ. રાકેશના નસીબમાં પરિશ્રમ અને તકલીફ લખેલી છે તો એને ભોગવવી જ પડશે. તેમાંથી રાકેશે પસાર થવું જ પડશે. મેહુલના પિતા મેહુલની કોઈ દલિલ નહોતા સાંભળવા માંગતા. અને મેહુલને આ બધું વિચારવા કરતા ભણવામાં ધ્યાન આપવાનું સમજાવતા.
રાકેશ ભલે એક ગામમાં રહેતો હતો, પણ તેનું ગામ તો તેનું ઘર જ હતું. રાકેશ તેના કામથી જ મતલબ રાખતો. ક્યારેય કોઈના સામે બોલવાનું પણ ટાળતો. કેમ કે તે જાણતો હતો કે અહીંયા તેને ઈજ્જત કે માન મળવાનું નહોતું. ગામમાં કોઈ પણ નાનો કે મોટો પ્રસંગ હોય કે કોઈ વાર-તહેવાર હોય તો પણ રાકેશ અને તેના ઘરને બાદ કરીને દરેક ઘરે આમંત્રણ જતું. પણ હવે રાકેશને આ બધી બાબતોથી કાંઈ ફેર પણ નહોતો પડતો. રાકેશ ટેવાઈ ગયો હતો અને જાણી ગયો હતો કે અહીંયા તેની અપેક્ષાઓ માટે જગ્યા નથી અને અહીંયા તેનું માન પણ નથી. બધું જ નિસ્વાર્થ ભાવે હસતે મોઢે સ્વીકારી લેતો.
આવી રીતે થોડા વર્ષો વીતી ગયા. મેહુલ પણ આગળ ભણવા માટે શહેરમાં જતો રહ્યો હતો. પણ હજી સુધી ગામના લોકોની વિચાર સરની એજ હતી. બધા લોકો અસ્પૃશ્યતા, અભડછેટ જેવા શબ્દો અને વાતોમાં એટલા ડૂબી ગયા હતા કે જાણે લોકો પોતે એક માનવી છે એ ભૂલી ગયા હતા.
એક દિવસ મેહુલના પિતા મેહુલને મળીને શહેરથી ઘરે આવી રહ્યા હતા. રાત્રીનો સમય હતો. શહેરથી થોડા આગળ પહોંચ્યા કે તેમની કાર નો એક ટ્રક સાથે અકસ્માત થયો. અકસ્માતમાં મેહુલના પિતા ગંભીર રીતે ઘવાયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માથામાં ઊંડી અને ગંભીર ઈજા થઈ હતી અને ઘણું બધું લોહી પણ નીકળી ગયું હતું. વાતની જાણ મેહુલને થઈ કે મેહુલ ફટાફટ હોસ્પિટલ પહોંચી ગયો. ડોક્ટરે મેહુલને કહ્યું કે તમારા પિતાની હાલત ખૂબ જ ગંભીર છે. બહુ જ લોહી નીકળી ગયું છે, અમે અત્યારે લોહીને વહેતું રોકવાના પ્રયાસ કરીએ છીએ પણ તેમને લોહીની જરૂર વધું છે. અમારાથી થતા એટલા પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તમે 'ઓ નેગેટિવ' લોહીની તપાસ કરીને મંગાવી રાખો.
મેહુલે શહેરની બધી જ હોસ્પિટલ અને 'બ્લડ બેંકમાં' વાત કરીને હતું એટલું ઓ નેગેટિવ લોહી મંગાવીને ભેગું કારીને ડોકટરને આપ્યું. તેમ છતાં ડોક્ટરે કહ્યું કે આટલાથી નહીં પતે. તમારા પિતાનું લોહી જે ગ્રુપનું છે તે ગ્રુપ ધરાવતા લોકો બહું ઓછા છે પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, હજી વધુ જરૂર પડશે. મેહુલે વાતની જાણ ગામમાં મુખીને કરી અને તાપસ કરવા કહ્યું કે ગામમાં કોઈને ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તો. મુખીએ તરત જ ગામમાં સભા બોલાવી અને બધાને પૂછ્યું પણ માંડ 2 જ વ્યક્તિને ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. જેમાંથી એક વ્યક્તિ ઘણી વૃદ્ધ હતી જેનું બ્લડ લેવું યોગ્ય નહોતું. અને બીજી જે વ્યક્તિને ઓ નેગેટિવ હતું તેને લઈને મુખી હોસ્પિટલ જવા માટે નીકળી ગયા. તે વ્યક્તિએ પણ એક બોટલ લોહી આપ્યું. પણ મેહુલના પિતાના શરીરમાં લોહી ટકતું જ નહોતું. લાંબા ઑપરેશન બાદ બધા ઘાવ અને લોહીને વહેતું અટકવામાં ડોક્ટર સફળ થયા. પણ હજી શરીરમાં જોઈએ તેટલું લોહી હતું નહીં. અંતે 2 3 બોટલ લોહીની જરૂર હતી અને જેમ બને એટલું જલ્દી જ લાવું પડશે. પણ ઓ નેગેટિવ ભાગ્યે જ જોવા મળતું લોહી હતું. હવે ક્યાંથી લાવવું એ મોટો સવાલ હતો.
આ વાતની જાણ રાકેશને થઈ કે મેહુલના પિતાનો અકસ્માત થયો છે અને તેમને ઓ નેગેટિવ બ્લડ ની જરૂર છે. રાકેશ તરત જ ગામમાં થી શહેર તરફ હોસ્પિટલમાં જવા માટે નીકળી ગયો. બીજી બાજુ મેહુલ થતા બધા જ પ્રયત્નો કરી રહ્યો હતો પણ ક્યાંયથી લોહી મળી નહોતું રહ્યું. થોડી વારમાં રાકેશ ત્યાં પહોંચ્યો. મેહુલને જોઈને રાકેશ દોડતો તેની પાસે ગયો. મેહુલ કંઈ પણ બોલે તે પહેલાં રાકેશે મેહુલ ને કહ્યું, "જલ્દી ડોક્ટરને બોલાવ મારુ બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ છે."
રાકેશની આ વાત સાંભળીને મેહુલે ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરે ફટાફટ બાજુના જ બેડ પર રાકેશને ઊંધાળીને 2 બોટલ બ્લડ કાઢીને મેહુલના પિતાના ઈલાજ માટે ચઢાવ્યું. વધુમાં ડોકટરે રાકેશને જ્યાં સુધી મેહુલના પિતાને હોંશ ના આવે ત્યાં સુધી ત્યાં જ રહેવા માટે કહ્યું કદાચ બ્લડની વધું જરૂર પડે તો તે અર્થે.
રાકેશ રૂમની બહાર આવિને મેહુલ સાથે બેસે છે. મેહુલ રાકેશનો દિલથી આભાર વ્યક્ત કરતો હોય છે. "થેંક્યું દોસ્ત, આજે જો તું ના આવત તો કદાચ હું હારી ગયો હોત. તારો આ ઉપકાર આખી જિંદગી મારી ઉપર રહેશે." એટલામાં ડોક્ટર આવ્યા અને તેમને કીધું કે હવે બ્લડ ની જરૂર નહીં પડે. તમે બરાબર સમયે આવી પહોંચ્યા. હવે તમે ઈચ્છો તો જઈ શકો છો. રાકેશે મેહુલનો હાથ પકડીને કહ્યું કે તારા પિતાને મેં લોહી આપ્યું છે એ વાતની જાણ તારા પિતાને થવી ના જોઈએ. આ વાત તારા ને મારા વચ્ચે જ રહેવી જોઈએ, જો તારા પિતાને ખબર પડશે કે મેં લોહી આપ્યું છે તો તે જીવી પણ નહીં શકે અને મરી પણ નહીં શકે. અને રાકેશ મેહુલને ચિંતા ના કરવા અને તેના પિતાનું ધ્યાન રાખવાનું કહી ને ઘરે જતો રહે છે.
બે ત્રણ દિવસ પછી મેહુલના પિતાને હોંશ આવે છે, તે જોવે છે તો મેહુલ તેમની સામે જ બેઠો હોય છે. પિતાને હોશમાં જોઈને મેહુલ હળવાશ અનુભવે છે. મેહુલ જઈને ડોક્ટરને બોલાવી લાવે છે. ડોક્ટર ચેક કર્યા પછી કહે છે કે હવે ચિંતાની કોઈ વાત નથી. તે ભાઈએ જો સમયસર લોહી ના આપ્યું હોત તો કદાચ તમારા પિતાને ક્યારેય હોંશ ના આવત. થોડા દિવસ અહીંયા રહો પછી તમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે. આટલું સાંભળીને મેહુલ મનમાં રાકેશને થેંક્યું કહે છે.
ડોક્ટરની વાત સાંભળીને મેહુલના પિતાએ મેહુલને પૂછ્યું કે ડોક્ટર કોની વાત કરતા હતા.? પણ રાકેશે ના પાડી હતી જણાવવાની, તેમ છતાં મેહુલ તેના પિતાને વિગત વાર બધી માહિતી આપે છે, અને અંતે જ્યારે બ્લડની જરૂર હતી ત્યારે રાકેશે આવીને બ્લડ આપ્યું અને તમને નવું જીવનદાન મળ્યું. આ બધી હકીકત જાણીને મેહુલના પિતાને અહેસાસ થયો કે જો સમયસર રાકેશ ના આવ્યો હોત મદદ માટે તો અત્યારે તે શ્વાસ ના લઈ રહ્યા હોત.
થોડા દિવસો પછી મેહુલ અને તેના પિતા હોસ્પિટલમાં થી ઘરે જાય છે. આખું ગામ એક બ્રાહ્મણ ના સ્વાગત માટે રાહ જોતું હોય છે. ગામના પાદરે આખા ગામના બધા લોકો હાજર હોય છે. મેહુલના પિતા બધાનો આભાર વ્યક્ત કરે છે. પણ તેમની નજર રાકેશને શોધતી હોય છે પણ રાકેશ ક્યાંય દેખાતો નથી હોતો. તે પોતાના ઘરે જતા પહેલા રાકેશના ઘરે જવાનો આગ્રહ કરે છે. અને તેમના આ આગ્રહ સાંભળીને ગામના લોકો બધા અચંબિત થઈ જાય છે. બધાના વચ્ચે એક જ વાત કે બ્રાહ્મણ આજે કેમ હરિજન ના ઘરે જવાનો આગ્રહ રાખે છે?
મેહુલના પિતા રાકેશના ઘર તરફ જતા હોય છે એને તેમની પાછળ ગામના બધા લોકો પણ જાય છે. મેહુલના પિતા રાકેશના ઘરે પહોંચીને ઘરની બહાર પોતાના પગરખા ઉતારીને ઘરના ઉંમળાને પગે લાગે છે. અને બધાની વચ્ચે રાકેશને ભેટી પડે છે. અને રાકેશ પાસે પીવા માટે પાણી માંગે છે. રાકેશ ગ્લાસ ભરીને પાણી આપે છે અને મેહુલના પિતા જાને વર્ષોથી તરસ્યા હોય એવી રીતે હોંશે હોંશે રાકેશના ઘરનું પાણી પીવે છે.
એટલામાં ઉભેલા લોકોમાંથી કોઈ સવાલ કરે છે કે ગુરુજી તમે આ શું કરી રહ્યા છો? જેનો પ્રત્યુત્તર આપતા મેહુલના પિતા જણાવે છે કે "હું આ જે કરી રહ્યો છું તે મારે પહેલા કરવું જોઈતું હતું. હું આજે બધાની સામે રાકેશની માફી માંગુ છું અને તમામ ગામના સભ્યોની માફી માંગુ છું. મારાથી એવું પાપ થયું છે જેનું પ્રાયશ્ચિત થઈ શકે તેમ નથી. મારી આંખો આગળથી આજે જ્ઞાતિ, અછૂત, અસ્પૃશ્યતા, આભડછેટ જેવા બધા જ શબ્દો અને રિવાજોની પટ્ટી ખુલી ગઈ છે. મને ઘમંડ હતું મારી બ્રહ્મણ જ્ઞાતી ઉપર, વહેમ હતો મને કે હું અને બ્રાહ્મણ જ શ્રેષ્ટ છે. મારુ વિદ્યા, સંસ્કાર, વેદ, ઉપવેદ, ગ્રંથ બધું જ જ્ઞાન નકામું છે, મારુ શિક્ષણ નકામું છે. કોઈ પણ ગ્રંથ ભેદભાવ, અસ્પૃશ્યતા કે અછૂત નથી શીખવતો.
હું આજે તમારી સમક્ષ ઉભો છું તો તેનું કારણ રાકેશ જ છે. જો રાકેશે સાચા સમયે મારા માટે લોહી દાન ના કર્યું હોત તો કદાચ હું અત્યારે તમારી આંખો સમક્ષ ના હોત. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. લોહી બધાનું લાલ જ હોય છે. આ બધા ભેદભાવ અને જ્ઞાતિ આપણે અને આપણા જેવા મૂર્ખ લોકોએ ઉભી કરેલી વ્યથા છે. અને સૌથી મોટો મૂર્ખ હું જ છું કે મેં તમને બધાને પણ ગેર માર્ગે દોર્યા. ધર્મથી મોટો કોઈ ગુરુ કે ધર્મથી મોટુ કાંઈ જ્ઞાન નથી હોતો. અને ધર્મ એજ શીખવે છે કે દરેક વ્યક્તિની સેવા કરવી, સૃષ્ટિ પર જીવંત દરેક સજીવની સેવા કરવી અને તેના પ્રત્યે દયા ભાવ રાખવો. ધર્મ જ શીખવે છે કે દરેક વ્યક્તિ માટે માનવતા દાખવવી. જ્યારે મારામાં માનવતા મરી ગઈ હતી, મેં માનવતાને નેવે મૂકી દીધી હતી. મને મારી જાત, જ્ઞાતિ ઉપર અભિમાન હતું. મારી વિદ્યા ઉપર મને અભિમાન હતું. પણ જો હું બ્રાહ્મણ થઈને કે માનવ થઈને આવી રીતે જ્ઞાતિ અને કામ ઉપર ભેદભાવ રાખું તો મને કલંક છે મારી જાત ઉપર અને મને મળેલા માનવીના અવતાર ઉપર.
વાસ્તવિકતામાં રાકેશ અને તેનું કામ મારા કરતાં પણ ચડિયાતું છે. કેમ કે રાકેશ જે કામ કરે છે તે દરેક નથી કરી શકતા. વાસ્તવમાં રાકેશ અને તેના જેવા બીજા પણ જે આવા કામ કરે છે તેમને ધન્ય છે. ખરેખર અપવિત્ર જગ્યા ને સાફ કરીને તેને પવિત્ર કરવાનું કામ રાકેશ અને તેના જેવા બીજા ભાઈઓ કરે છે. જો તે લોકો કે રાકેશ ના કરતો હોત તો કોણ કરત? છે કોઈ આપણામાંથી એવું કે જે રાકેશ કરે છે તે કામ કરી શકે? ના કોઈ જ ના કરી શકે, કેમ કે તેના માટે હિંમત જોઈએ. સ્વીકારવાની ભાવના જોઈએ, દરેક પ્રાણી માત્ર માટે પ્રેમ અને લાગણી જોઈએ. જે આપણામાં નથી.
આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી હું ક્યારેય કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજ પ્રત્યે ભેદભાવ નહીં રાખું. વ્યક્તિ ભલે કંઈ પણ કામ કરતો હોય, પણ તેના કામના આધારે તેના પર હું ક્યારેય નફરત કે ઘૃણા નહીં રાખું. તેના કામ અને તેની જ્ઞાતિ નો હંમેશા હું આદર કરીશ. અને આજથી રાકેશને હું મારો બીજો છોકરો માનું છું. અને હું ઈચ્છું છું કે રાકેશને ગામમાં બીજી જ્ઞાતિના લોકોને મળતા તમામ અધિકાર મળે, માન મળે, ઈજ્જત મળે. અને ગામના દરેક લોકો તેને અને તેના કામને આવકારે, માન આપે. જેમાં તેના જેટલા અધિકાર છે તે બધા જ અધિકાર તેને આપવામાં આવે. અને આજે મેં રાકેશના ઘરે આવીને પાણી પીધા પછી આપણે ઉભી કરેલી તમામ માન્યતાઓ આભડછેટ, અછૂત, અસ્પૃશ્યતા જેવા બધા જ રિવાજ તોડું છું. થઈ શકે તો મને માફ કરજો. અને આજે મેં જે પણ કંઈ કહ્યું તે જ વાસ્તવિકતા છે. તે જ આપનો ધર્મ છે અને તે જ આપણી માનવતા છે.
તમામ વાત સાંભળીને ગામના લોકોએ તાળીઓ પાડીને રાકેશ અને ગુરુજીનું માન કર્યું. અને બધા જ લોકો સમજી ગયા કે કોઈ પણ જ્ઞાતિ નાની કે મોટી નથી હોતી. કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. ભગવાને બધાને સરખા જ બનાવ્યા છે. અને એ દિવસ થી ગામના બધા લોકોએ રાકેશને સમાન અધિકાર અને માન આપવા લાગ્યા. તે દિવસે ગામના બધા જ લોકો રાકેશના ઘરેથી પાણી પીધા પછી જ પોત પોતાના ઘરે ગયા. અને ખરેખર તે જ દિવસથી રાકેશે જિંદગી જીવવાનું શરૂ કર્યું.
સારાંશ
કેટલી અજીબ વાત છે, જ્યાં સુધી માનવીને કોઈ વસ્તુ કે વ્યક્તિની જરૂરિયાત ના વર્તાય ત્યાં સુધી તે વ્યક્તિ કે વસ્તુનું મહત્વ ના સમજાય. આપણે પોતાની જાતને ઊંચા દેખાવા માટે સામે વાળી વ્યક્તિને નીચી પાડી દઈએ છીએ. ભલે ને પછી તેના કામના બહાને કે તેની જ્ઞાતિના બહાને.
આ વાર્તાનું તાત્પર્ય બસ એટલું જ છે કે આપણે જે સમાજમાં જીવી રહ્યા છીએ તે જ આપનો સમાજ કે તે જ આપણા લોકો નથી. સમાજ, જ્ઞાતિ આ બધું ભગવાને નથી બનાવ્યું, આ બધા ભાગ અને ભેદભાવ માણસે બનાવ્યા છે. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે ભગવાન તેને એમ નથી કહેતા કે, જા તું બ્રાહ્મણ, ક્ષત્રિય કે હરિજન કે બીજી કોઈ પણ જ્ઞાતિમાં જન્મ લેજે અને તારે આજ કામ કરવાનું છે. બધાનું લોહી લાલ જ છે. જો ભગવાનને ભાગલા પાડવા હોત, ભેદભાવ રાખવા હોત, તો જ્ઞાતિ અને સમાજ મુજબ બધાના શરીરમાં અલગ અલગ કલરનું લોહી વહેતું હોત.
આપણી જ્ઞાતિ કે સમાજ કોઈ પણ હોય, પણ તેનાથી ઉપર છે માનવતા. આપણે માણસ છીએ અને આપણી ફરજ છે કે આપણે ક્યારેય માનવતા એળે ના જવા દઈએ. અને માનવીથી પણ ઉપર છે ધર્મ અને ફરજ. અને આપણો સાચો ધર્મ એ જ માનવતા. જ્ઞાતિનું નહીં પણ ધર્મ અને માનવતાનું આચરણ કરવું જોઈએ. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ, ઘૃણા કરીએ છીએ ત્યારે તે વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને મૂકી જોવો.
"બધા જ ધર્મ આપના અને આપણે બધા જ ધર્મના."
"સર્વ ધર્મ સમભાવ."
જ્ઞાતિ, સમાજ, અટક આ બધું માનવીએ બનવેલી અડચણો છે. અને તેની સાથે સાથે માનવી જાત જાતના વહેમો અને રીત રિવાજો જોડતો ગયો. આભડછેટ, અછૂત, અસ્પૃશ્યતા વગેરે માનવીએ જ ઉભી કરેલી ચૂંગલ છે કે જેમાં આજે પણ કેટલાય લોકો ફસાયેલા છે. દરેક માનવીનું જીવન અને કામ એક બીજાની ઉપર નિર્ભર કરે છે. જો સફાઈ કરવા વાળો વ્યક્તિ સફાઈ કરવા કે કચરો ઉઠાવા ના આવે તો ઘર આપણું જ ખરાબ થાય. એટલે ક્યારેય કોઈ વ્યક્તિને તેના કામ પરથી ના આંકવો જોઈએ.
એટલે આપણે કોઈ જ્ઞાતિ કે સમાજને જ મહત્વ આપવું કે ઊંચ નીચ નો ભાવ રાખવો એ સદાંતરે ખોટું છે. આપણે ભલે કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ સમાજના હોઈએ પણ આપણે બધી જ જ્ઞાતિ અને સમાજને એક સરખું માનીને સાથે ચાલવું જોઈએ. અને જ્ઞાતિ કરતા વ્યક્તિ અને માનવતાને જ માન અને પ્રાથમિકતા આપવી જોઈએ.
ભારત દેશને આઝાદ થયે વર્ષો વીતી ગયા, પણ આપણે હજી ક્યાંકને ક્યાંક અંગ્રેજોની ભેદભાવ અને જ્ઞાતિવાદની નીતિમાંથી આઝાદ નથી થયા. જે ખરેખર માનવીની જાત ઉપર કલંક છે. અંગ્રેજો તો ચાલી ગયા, તેમને હરાવવામાં તો આપણે સફળ થઈ ગયા અને આઝાદી પણ મળી ગઈ. પણ આ જે ભેદભાવ, અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદ ચાલી રહ્યો છે તેમાંથી ક્યારે આઝાદ થઈશું?
આભાર,
ચિંતન પટેલ.(અક્ષ)