વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉપરવાળો છેને!

છ મહિનાથી પણ વધારે સમય વિતી ગયો હતો. કોરોના મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત હતો. દેશ નહીં, દુનિયાના ખૂણે ખૂણે હાહાકાર મચી ગયો હતો. એક અપ્રત્યક્ષ વાયરસે લાખો લોકોના જીવ લઈ લીધા હતા. હજારો લોકો હોસ્પિટલમાં જીવન અને મોત સામે જજુમી રહ્યા હતા. વાયરસ સામે લડવાની પરેશાની તો હતી જ, સાથે સાથે એક બીજી પણ મુશ્કેલી ઘર કરી ગઈ હતી.


સરકારને વાયરસ વિરુદ્ધ લડવા માટે માત્ર એક જ ઉપાય સુજ્યો હતો, લોકડાઉન. લોકડાઉનથી વાયરસ વિરુદ્ધ તો લડાઈ ગયું હતું, પરંતુ લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. મહિનાઓથી ધંધા બંધ હતા. ઘણા લોકોએ પોતાના વર્ષોથી જમાવી રાખેલા ધંધા બંધ કરીને, પરિસ્થિતિને અનુરૂપ નવો ધંધો શરૂ કરવાનો વખત આવી ગયો હતો. રાજેશભાઈની પણ આ જ હાલત હતી.


રાજેશભાઈ એક પ્રાઈવેટ શાળામાં વાન ચલાવવાનું કામ કરતા હતા. ત્રણ મહિના સુધી લોકડાઉન રહ્યું હતું, ને ત્યારબાદ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ હતી. લોકડાઉન ખુલતા ઘણા લોકોના ધંધા-રોજગાર ફરી પહેલાની જેમ શરૂ થઈ ગયા હતા, પરંતુ શાળાઓ બંધ હતી. જેના લીધે રાજેશભાઈનો ધંધો પણ બંધ હતો. ત્રણ મહિના લોકડાઉન અને ત્રણ મહિના અનલોકના વિતી ગયા હતા, પરંતુ શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. સ્કૂલો દ્વારા બાળકોને ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજેશભાઈનો દીકરો, જય દસમા ધોરણમાં હતો.


ઓનલાઇન શિક્ષણને કારણે રાજેશભાઈએ પોતાની બચતમાંથી પોતાના દીકરા જયને લોકડાઉન દરમિયાન એન્ડ્રોઇડ મોબાઈલ લઈ આપ્યો હતો. લોકડાઉનના ત્રણ મહિના અને ત્યાર પછીના ત્રણ મહિના વગર આવકે રાજેશભાઈ પર ઝીંકાયા હતા. બહુ મુશ્કેલીથી તેમણે ઘર સંભાળ્યું હતું. હવે તેમની પાસે રૂપિયા હતા નહીં. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા.


સવારે જ રાજેશભાઈના મોબાઈલમાં શાળામાંથી કૉલ આવ્યો હતો, શાળાની બાકી ફી અને પરીક્ષાની ફી જમા કરાવવા બાબતે. જો બાકી ફી અને પરિક્ષા ફી જમા નહીં કરાવે તો પરીક્ષાનું ફોર્મ ભરાશે નહીં, એવું ચોખ્ખા શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતું. રાજેશભાઈ પર અચાનક જ એક આફત આવી પડી હતી. જયે પપ્પાની શાળામાંથી આવેલા કૉલ પર થયેલી વાત અનાયાસે જ સાંભળી લીધી હતી.


"પપ્પા, હવે શું કરીશું?"


"તું ચિંતા નો કર. ગમેતેમ કરીને ફી ભરી દઈશું."


"પણ કેવી રીતે? આપણી પાસે તો પૈસા જ નથી. ખાવામાં પણ ફાંફા પડે છે. તમારો વાન ચલાવવાનો ધંધો પણ હમણાં બંધ છે."


"બેટા, આવી નાની નાની વાતોમાં મોટી ચિંતા નો કરવાની હોય. ઉપરવાળો છેને! એ બધું સારું કરશે."


રાજેશભાઈએ જયને કહી તો દીધું, કે નાની નાની વાતોમાં મોટી ચિંતા નો કરાય. પરંતુ એ ખુદ ચિંતાના વાદળોથી ઘેરાયેલા હતા. એમની સામે એક મોટી મુસીબત આવીને ઊભી હતી. રાજેશભાઈયે ગમે ત્યાંથી પૈસાનો બંદોબસ્ત કરવાનું નક્કી કરી લીધું હતું. તેઓ સવારે સાડા નવ વાગ્યે ઘરેથી નીકળતા હતા, ત્યારે જ તેની પત્ની ગીતાએ કહ્યું હતું.


"આપણો જય ભણવામાં કેટલો હોશિયાર છે! નવમા ધોરણમાં છન્નું ટકા લાવ્યો છે. દસમા ધોરણની શાળાની પરિક્ષામાં પણ દરેક વિષયમાં સારા માર્ક લાવ્યો છે. ને હવે, આ ફી નહીં ભરીયે તો બિચારો પરિક્ષા કેમ આપી શકશે?"


"તું ચિંતા નો કર."


"ચિંતા તો થાય જ ને? ફી નહીં ભરીયે તો પરીક્ષાનું ફોર્મ નહીં ભરાય. ને ફોર્મ નહીં ભરાય તો જય બોર્ડની પરિક્ષા કેવી રીતે આપશે? ને જય બોર્ડની પરિક્ષા નહીં આપે તો આગળના ધોરણમાં નહીં જઈ શકે. તમને તો ખબર જ છેને? જયને ભણવામાં કેટલો રસ છે! દસમું પાસ કરીને સાયન્સ લેવું છે."


"ગીતા, હું જાઉં છુંને? ગમે ત્યાંથી રૂપિયાનો બંદોબસ્ત થઈ જશે. ઉપરવાળો છેને! એ બધું જોવે છે."


રાજેશભાઈ ગીતાને પણ હિંમત આપીને ઘરેથી નીકળી ગયા હતા. પણ તેમને હિંમત કોણ આપે? જે બાપ બહારથી હસતો હોય છે તેના ભીતરમાં મચેલું તોફાન કોણ સમજી શકે? જય રાજેશભાઈ અને ગીતાબેનનો એકનો એક દીકરો હતો. માતાપિતા પોતાના લાડકા સંતાનને લાડકોડથી ઉછેરી, ભણાવવા માંગતા હતા. એક બાપ પોતાના દીકરાના ભવિષ્યની આડે આવેલી મુસીબત સામે બાથ ભીડવા ઘરેથી નીકળી ગયો હતો. તેને ઉછીના રૂપિયાની જરૂર હતી.


રાજેશભાઈ સૌ પ્રથમ પોતાની સાથે સ્કૂલમાં વાન ચલાવતા, વિજયભાઈ પાસે તેમના ઘરે ગયા. બંને એક જ સ્કૂલમાં વાન ચલાવતા હતા.


"છોકરાની ફી ભરવી છે. સ્કૂલમાંથી ફોન આવ્યો કે ફી નહીં ભરો તો પરીક્ષાનું ફોર્મ નહીં ભરાઈ." રાજેશભાઈનો ચહેરો અત્યંત દયામણો લાગી રહ્યો હતો.


"કેટલી ફી ભરવાની છે?"


"પાંચ હજાર."


"પાંચ હજાર!" વિજયભાઈને જાણે શોક લાગ્યો.


"હા."


"રાજેશ, આટલા બધા તો મારી પાસે નથી. તને ખબર છેને? છ મહિનાથી આપણો ધંધો ચાલુ નથી થયો, એકેય રૂપિયાની આવક નથી થઈ. તો પૈસા તો ક્યાંથી હોય?"


"તારી વાત પણ બરાબર છે." રાજેશભાઈ ત્યાંથી નિરાશ થઈને નીકળી ગયા. પહેલા જ પડાવે તેમને નિષ્ફળતા મળી હતી. પરંતુ તેમણે પોતાના દીકરા માટે ગમે ત્યાંથી પૈસાનો બંદોબસ્ત કરવાનો નિર્ણય કરી લીધો હતો. તેઓ પોતાના આ નિર્ણય પર અડગ હતા. ત્યાંથી તેઓ પોતાના એક જૂના મિત્ર પાસે ગયા.


"તને તો ખબર જ છે? લોકડાઉનના લીધે જૂનો ધંધો બંધ થઈ ગયો હતો. વળી, લોકડાઉન ક્યારે ખુલ્લે એનું નક્કી નહોતું! એટલે મેં નવો ધંધો ચાલુ કર્યો છે. ને એય હજુ રાગે નથી પડ્યો."


"એટલે તારી પાસે પૈસા નથી."


"હા, મારી પાસે જે કંઈ હતું, ઇ નવા ધંધામાં રોકી દીધું છે, એટલે..." આગળના શબ્દો રાજેશભાઈ સમજી ગયા હતા. તેમણે ત્યાંથી પણ નિરાશ થઈને નીકળવું પડ્યું.


બપોરના સાડા બાર થઈ ગયા હતા. તેમની ઘરે જવાની હિંમત નહોતી ચાલતી. કારણ કે તેઓ જાણતા હતા, કે ઘરે જશે તો જય અને ગીતાબેન અનેક સવાલો પૂછશે.


"શું થયું? પૈસાનો બંદોબસ્ત થયો? આપણા જયની પરિક્ષાની ફી ભરાઈ જશેને? ઇ દસમું પાસ કરીને આગળ ભણી શકશેને?" ને આ સવાલોના રાજેશભાઈ પાસે કોઈ જ જવાબ નહોતા.


સૂરજ માથે પહોંચ્યો હતો. ઉનાળો શરૂ થઈ ગયો હતો. રાજેશભાઈ બપોરના સાડા બાર વાગ્યે એક ગલ્લા પર અડધી કલાક ઊભા રહ્યા. એક વાગ્યે, ભરબપોરે, સૂર્યનો આકરો તાપ સહન કરીને, તેઓ ચાલતાં ચાલતાં પોતાના એક જૂના શેઠને ત્યાં પહોંચ્યા. શેઠ બહુ મોટો માણસ હતો. રૂપિયાની કોઈ કમી નહોતી. રાજેશભાઈએ તેને ત્યાં નોકરી કરી હતી. એટલે તેની પાસે મદદ માંગવાનું ઉચિત સમજ્યું હતું.


"શેઠ, આ તો અચાનક મુસીબત આવી ગઈ છે, એટલે માંગુ છું."


"ઇ તો ઠીક છે, કેટલા રૂપિયા જોતા છે?"


"પાંચ હજાર."


"પાંચ હજાર!" શેઠે એવા ભાવ પ્રગટ કર્યા જાણે પાંચ હજાર તેની માટે બહુ મોટી રકમ હતી.


"હા, શેઠ."


"જો રાજેશ, હું તને પાંચ હજાર તો આપી દઉં." આ સાંભળતા જ રાજેશભાઈના ચહેરા પર એક હળવું સ્મિત તરી આવ્યું. તેના હૃદયમાં ખુશીનો ઉમળકો આવી ગયો. તેમણે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી.


"હે ઉપરવાળા! તારો ખૂબ ખૂબ આભાર. છેવટે તે પૈસાનો બંદોબસ્ત કરી જ દીધો."


"પણ..." શેઠના શબ્દો અટક્યા.


"પણ શું?"


"તું મને ઇ પાંચ હજાર ક્યારે પાછા આપીશ?" રાજેશભાઈ મુંઝાયા. કારણ કે તેમની પાસે એક જ ધંધો હતો, વાન ચલાવવાનો. એય છ મહિનાથી સાવ બંધ હતો. હવે તો શાળાઓ ખોલવાની મંજૂરી મળે, તો જ તેમનો ધંધો ફરી શરૂ થઈ શકે તેમ હતો. પરંતુ શાળાઓ ખૂલવાનો સમય નક્કી નહોતો.


"મારો ધંધો ચાલુ થાય એટલે આપી દઈશ."


"ને તારો ધંધો ક્યારે શરૂ થશે?"


"એ તો નક્કી નથી."


"રાજેશ, આમ તો હું તને પૈસા નો આપી શકું. તું મને પૈસા પાછા આપવાના સમયનો વાયદો આપતો હોય, તો આપી શકું."


"સમય તો હું કેમ કહી શકું?"


રાજેશભાઈ બહુ આશા સાથે જૂના શેઠ પાસે ગયા હતા. તેમને હ્રદયના કોઈક ખૂણે વિશ્વાસ હતો, કે શેઠ પાસેથી જયની સ્કૂલની ફી ભરવા માટેના પૈસાનો બંદોબસ્ત થઈ જશે. પરંતુ તેમનો વિશ્વાસ ફળ્યો નહીં. ત્યાંથી તેમને હાથ લાગ્યું, તો માત્ર નિરાશા જ.


ધીમે ધીમે સૂરજ ઢળતો જતો હતો. રાજેશભાઈ દીકરાની ફીના પૈસાનો બંદોબસ્ત કરવા માટે ભટકી રહ્યા હતા. પરંતુ ક્યાંય મેળ પડતો નહોતો. દરેક જગ્યાએથી નિરાશ થઈને નીકળતા હતા. સવારે ઘરેથી નીકળ્યા પછી પેટમાં અન્નનો એક દાણો પણ નાખ્યો નહોતો. ખાલી પેટે સવારથી તેઓ ભટકી રહ્યા હતા. તેમણે પોતાના જયને ભણાવવો હતો, ભણાવીને મોટો માણસ બનાવવો હતો. જયના ઉજ્જવળ ભવિષ્યમાં જો કોઈ બાધા હતી, તો એ હતી દસમાનું પરિક્ષા ફોર્મ. ફોર્મ ભરતા પહેલા તેમણે પરીક્ષાની ફી ચૂકવવાની હતી. પરંતુ તેમની પાસે પૈસા જ નહોતા.


સાંજે છ વાગ્યા સુધીમાં તેઓ બીજા ચાર પાંચ ઓળખીતા ને અંજાન લોકોને મળ્યા. પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ પ્રકારની મદદ મળી શકી નહીં. છેવટે તેમણે ભારે હ્રદયે ઘર તરફ ડગલાં માંડ્યા હતાં. તેમના પગ ભારે થઈ ગયા હતા. સવારના તડકામાં ફરી ફરીને તેઓ થાકી ગયા હતા.


ઘરે પહોંચીને તેમણે ડોર બોલની સ્વીચ દબાવી. ને બે જ સેકન્ડમાં ગીતાબેને દરવાજો ખોલ્યો. જાણે તેઓ પોતાના પતિની રાહ જોઈને દરવાજે જ ઊભા હતા.


રાજેશભાઈ અંદર દાખલ થયા કે તરત જ જય દોડીને આવ્યો અને પોતાના પપ્પાને ભેટી પડ્યો. રાજેશભાઈ માટે આ પળો આશ્ચર્યની હતી. તેઓ સમજી નહોતા શકતા કે જય આટલોબધો ખુશ કેમ છે? પરંતુ માત્ર જય જ નહીં, ગીતાબેન પણ ખુશ હતા. તે બંનેની ખુશીનું કારણ રાજેશભાઈ જાણતા નહોતા. એ તો પોતાના દીકરાની સ્કૂલની ફી ભરવા માટે પૈસાની વ્યવસ્થા કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા. તેમનો ચહેરો ઉદાસ હતો. તેમને વિચાર આવી રહ્યો હતો કે, "જય કોઈપણ કારણથી ખુશ હોય, પરંતુ જ્યારે તેને ખબર પડશે કે સ્કૂલની ફી ભરવા માટેના પૈસાની વ્યવસ્થા નથી થઈ, ત્યારે તે ઉદાસ થઈ જશે."


"પપ્પા! પપ્પા તમે ક્યાં હતા? હું અને મમ્મી ક્યારના તમારી રાહ જોઈએ છીએ."


"રાહ! કેમ?"


"પપ્પા, તમે સાચું જ કહ્યું હતું, કે નાની નાની વાતોમાં ટેન્શન નો લેવાનું હોય. ઉપરવાળો છેને!"


"પણ થયું છે શું?" રાજેશભાઈને કંઈ જ સમજાતું નહોતું. તેઓ બાઘાની જેમ ઘડીક પોતાના દીકરા જય તરફ, તો ઘડીક પોતાની પત્ની ગીતા તરફ જોઈ રહ્યાં હતા.


"પપ્પા, આજે ટીવીમાં સમાચાર આવ્યા છે."


"શું?"


"સરકારે દસમા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે."


"માસ પ્રમોશન! એટલે?"


"એટલે એમ, કે દસમા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થી બોર્ડની પરિક્ષા આપ્યાં વિના જ આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકશે. પોતે જે ક્ષેત્રમાં આગળ ભણવા માંગે છે, એ ક્ષેત્રમાં ભણી શકશે."


"શું! તો હવે પરીક્ષાની ફી નહીં ભરવાની એમ?"


"પપ્પા, પરિક્ષા જ નહીં લેવાય તો ફી શેની ભરવાની?"


"મતલબ કે તું હવે આગળના ધોરણમાં ભણીશ!"


"હા, પપ્પા હા."


રાજેશભાઈ ખુશખુશાલ થઈ ગયા હતા. તેણે જયને બાથ ભીડી લીધી. ત્રણેય જણ બહુ ખુશ હતા. એટલામાં રાજેશભાઈના મોબાઈલની રીંગ વાગી. વિજયભાઈનો કૉલ હતો. રાજેશભાઈએ કૉલ રીસિવ કર્યો.


"હા, વિજય."


"સવારે તું કહેતો હતો, કે જયની સ્કુલ ફી ભરવાની છે."


"હા."


"હમણાં જ એક સામાજીક સંસ્થા સાથે કોન્ટેક્ટ થયો. તેઓ આગળ ભણવા ઇચ્છતા બાળકોને સહાય કરે છે. તો ત્યાંથી જયની સ્કુલ ફીનો બંદોબસ્ત થઈ જશે."


"શું વાત કરે છો?"


"હા, આપણે આવતીકાલે  સવારે જ ત્યાં જઈ આવીશું."


"હા, ચોક્કસ." ત્યારબાદ કૉલ કટ થઈ ગયો.


"ખરેખર ઉપરવાળો છે." રાજેશભાઈ મનમાં જ બોલ્યા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ