વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજે તો ગુરુપૂર્ણિમા!!!

   

                રવિવાર એટલે મારા માટે આખા અઠવાડિયાની "પ્લીઝ વેઇટ" કહીને પેન્ડિંગ રાખેલી કેટલીક પળોને 'નવરાશની પળો' એવું નામ આપીને  મમળાવવાનો દિવસ. સંપૂર્ણ મઝાથી ચાની ચુસ્કી લેતાં લેતાં હું છાપું વાંચી રહી હતી.. "આજે ગુરુપૂર્ણિમા..." એ લેખ પર નજર પડી ત્યારે મને ખબર પડી કે આજે તો ગુરુપૂર્ણિમા છે. બાકી તારીખ ને વાર સિવાય હું ઝાઝું કાંઈ યાદ રાખતી નથી. હા, કોઈ જાહેર રજાનો દિવસ હોય તો રજાના કારણરૂપે એની જાણકારી હોય. પણ બેંકમાં ગુરુપૂર્ણિમાની રજા હોતી નથી. મગમાં રહેલી ચા પૂરી ના થાય ત્યાં સુધી છાપું સંકેલાવું ના જોઈએ એવો  કમસે કમ રવિવાર પૂરતો તો મારો આગ્રહ રહેતો. બસ વાંચવા ખાતર મેં આ લેખ વાંચવાની શરૂઆત કરી.

             "આજે વાત કરીએ લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સમાજમાં મોભાદાર પદ પર બિરાજમાન થવા માટે સક્ષમ બનાવનાર શિક્ષિકા ઈલાબેન પંડ્યાની.. એમના કાર્યકાળ દરમ્યાન આ શિક્ષિકાબેને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે સાથે અનેક જરૂરીઆતમંદ બાળકોને નોટો, પુસ્તકો, નાસ્તો, કપડાંની સહાય આપવા ઉપરાંત આર્થિક સહાય પણ કરી છે. ખાનગી શાળાની આ નોકરીમાંથી મળતો બધો પગાર એ ગરીબ વિદ્યાર્થીઓ પાછળ એમ કહીને વાપરી નાખતા કે વિદ્યાર્થીઓ થકી જ કમાઉં છું ને એમના માટે જ વાપરું છું. 

             એમના પતિ એમના આ કાર્યને બિરદાવતા. એ પોતે પણ એક ખાનગી કંપનીમાં જ નોકરી કરતા હોવા છતાં કદી ઇલાબેન પાસે એમના પગારની માંગણી કરતા નહિ. પરિણામે ઇલાબેનનું આ સેવાકાર્ય નિર્વિઘ્ને ચાલતું રહ્યું. આ ભગીરથકાર્યની ફલશ્રુતિરૂપે એમના બંને દીકરાઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવીને ઊંચા પગારની નોકરી પ્રાપ્ત કરી શક્યા. ઇલાબેન જે વર્ષે નોકરીમાંથી નિવૃત્ત થયા એના બીજા જ વર્ષે વિધવા થયા. પણ આટલા ઉચ્ચ સંસ્કારોવાળા માતાપિતાના બંને દીકરાઓ કમનસીબે "દિવા તળે અંધારું" એ કહેવતને સાર્થક કરનારા નીકળ્યા. બંનેને પોતાની મમ્મી પર એ વાતનો રોષ હતો કે તેં અમારા માટે કર્યું જ શું છે? તુ જે કમાઈ એ તારા ગરીબ વિદ્યાર્થીઓ પાછળ ઉડાવી માર્યું. અમારા માટે શું ભેગું કર્યું? અવારનવાર તીરની જેમ હૃદયમાં ભોંકાતા આવા મેણાંટોણાં સહન ના થતાં એક  દિવસ જે કાંઈ થોડું ઘણું હતું તે બંને દીકરાઓના નામે કરીને  એ ચાલી નીકળ્યા!! 

               આજે એ વાતને દસેક વર્ષ થઇ ગયાં! એક માજી શિવનગર ચાર રસ્તાની એક  બાજુએ આવેલા એક મંદિરમાં રહે છે. મંદિરમાં આવતા ભક્તજનોને ધાર્મિક અને આધ્યાત્મિક કથાવાર્તાઓ સંભળાવે છે. મંદિરમાં આરતી અને ભજન ગાય છે. કાયમ એકટાણું કરે છે, એ ભોજન એમના ઘણુંય ના પાડવા છતાં એમના શ્રોતાઓ એવા ભાવિકજનો અત્યંત આગ્રહપૂર્વક એમને જમાડી જાય છે, જાણે કોઈ ભક્ત ભગવાનને થાળ ધરાવતો હોય એમ.. 

              એક વાર પત્રકાર રાજનકુમારની નજર આ મંદિર અને આ માજી પર પડી. મંદિરના ઓટલે બેઠેલા માજીને ઘેરીને કેટલાક બાળકો બેઠેલા હતા. ગંદા, ગોબરા, અડધા નાગાપૂગાં એવાં આ બાળકોને આ માજી અક્ષરજ્ઞાન આપી રહ્યા હતા. ઓટલા પર મોટા અક્ષરે એમણે લખેલા મૂળાક્ષરો એમની સાથે સાથે આ બાળકો લહેકા સાથે બોલી રહ્યા હતા. આ પછી રોજ આ પત્રકારભાઈ અહીં આવીને આ માજીનું નિરીક્ષણ કરતા. કેટલીક વાર માજી આ બાળકોને નીતિવિષયક કથાઓ કહેતા, એમનામાં સદ્દગુણો ખીલે એવી ઉપદેશાત્મક વાર્તાઓ સંભળાવતા. એક વાર રાતે રાજનકુમાર અહીંથી પસાર થયા ત્યારે એમણે જોયું કે સ્ટ્રીટ લાઈટના અજવાળે એ માજી ઝૂંપડપટ્ટીની ગરીબ મહિલાઓને ભણાવી રહ્યા હતા. આ માજીથી ખૂબ પ્રભાવિત થયેલા તેઓ માજીને મળ્યા અને એમની આખી જીવનકથા જાણી લીધી. ને આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે એ માજી ઉર્ફે ઇલાબેન પંડ્યાની આ જીવનકથની અમે અમારા આ લેખ દ્વારા આપ સૌ વાચકો સુધી પહોંચાડી રહ્યા છીએ." લેખ પૂરો કરીને મેં છાપું મૂક્યું.

              કદાચ વધુ પડતી પ્રેક્ટિકલ બની ગયેલી હું મારો ભૂતકાળ ભૂલીને બહુ જલ્દી આગળ વધી ગઈ હતી. પણ આજે છાપામાં ઈલામેડમનો એ જ વાત્સલ્યસભર ચહેરો જોઈને હું મારા ભૂતકાળ તરફ  પાછી વળી. આર્થિક રીતે તો અમારો પરિવાર સધ્ધર પણ શિક્ષણની બાબતમાં સાવ ગરીબ. મારા પપ્પા સાતમું ફેઈલ અને મમ્મી સાવ અભણ. પપ્પાની જવેલર્સની ધમધમતી દુકાનના જોરે મને અને મારા ભાઈને સારામાં સારું શિક્ષણ મળે એ માટે પપ્પાએ સારામાં સારી અને મોંઘામાં મોંઘી શાળામાં અમને ભણવા મૂકેલા. પણ અમે બંને ભણવામાં સાવ નબળા.. ગણિત તો મારા માટે સાવ જ માથાનો દુખાવો. સાતમા ધોરણ સુધી હું કદી ગણિતમાં પાસ થઇ શકી નહોતી. મારો ભાઈ કોઈ કોઈ વાર માંડ પાસિંગ માર્ક્સ લઇ આવતો. પપ્પાની હૃદયથી ઈચ્છા કે અમે ખૂબ ભણીએ અને ડોક્ટર કે એન્જીનીઅર બનીએ. પણ આ ગણિતનું શું કરવું!! કેટલાય મોંઘાદાટ ટ્યુશનો પણ રખાવ્યા પણ અમે ભાઈબેન ઠેર ના ઠેર.. 

              પણ એક દિવસ કોઈએ મારા પપ્પાને ઇલાબેન પંડ્યાનું નામ સૂચવ્યું કે એ મેડમ ગમે તેવા ડફોળ વિદ્યાર્થીને પણ હોંશિયાર બનાવી દે છે. પપ્પા જાતે ઇલાબેનને મળ્યા, અમારા બંનેના પર્સનલ ટ્યુશન માટે મોટી રકમની ઑફર કરી પણ ઇલાબેને એ ઠુકરાવી. એમણે કહ્યું કે હું વિદ્યાર્થીઓમાં ભેદ નથી રાખતી. સાંજના સમયે હું મારા ઘરે નબળા વિદ્યાર્થીઓને ભણાવું છું એમની સાથે તમારા બાળકોને પણ ભણાવીશ પણ નિઃશુલ્ક!! મારી નોકરીમાંથી જે પગાર મળે છે એનાથી હું સંતુષ્ટ છું. કોઈ એક્સ્ટ્રા આવકની મારે હમણાં કોઈ જરૂર નથી. એમની વાત માન્યા સિવાય પપ્પા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. 

              બીજા દિવસથી અમે ભાઈબેન ઈલામેડમના વિદ્યાર્થી બની ગયા અને ત્રણેક વર્ષમાં તો એમણે ગણિતમાં સાવ ઝીરો એવા અમને બંનેને ગણિતના ખાંટુ વિદ્યાર્થીઓ બનાવી દીધા. એસ. એસ. સી.ની પરીક્ષામાં અમે બંને ભાઈબેન ગણિતમાં હાઈએસ્ટ માર્ક્સ લાવી શક્યા. પણ એ ત્રણ વર્ષ પછી અમે કદી ઈલામેડમને મળ્યા નથી. આજે હું એક સરકારી બેંકમાં મેનેજર છું અને મારો ભાઈ સિવિલ એન્જીનીઅર છે. અચાનક આજે આ લેખ વાંચીને મને સ્મૃતિમાંથી ભૂલાઈ ગયેલો એ ચહેરો અને એ ઉમદા વ્યક્તિત્વ સાંભરી આવ્યું. કદાચ એ સમયે ઈલામેડમ ના મળ્યા હોત તો??? આ પ્રશ્ન પોતાના મનને પૂછીને જવાબ મેળવવાની રાહ જોયા વગર જ હું સફાળી ઊભી થઇ. ગાડી સ્ટાર્ટ કરી અને દોડાવી શિવનગર ચાર રસ્તા તરફ.. 

               હું મંદિરે પહોંચી. ના, પ્રભુદર્શન માટે નહિ પણ સાક્ષાત દેવી સરસ્વતીસ્વરૂપા ઈલામેડમને મળીને એમનો આભાર માનવા માટે.. જો કદાચ કોઈ રીતે એમને મદદરૂપ થઇ શકું તો.. પણ આ શું મંદિર આગળ તો જાણે મેળો જામ્યો હતો!!  લગભગ પાંચસો જણ તો હશે જ.. બધા સાફ સુથરા, સુઘડ, સજ્જન જણાતા હતા. મારા જેવા જ સ્તો!! બધાના મુખે એક જ નામ સંભળાતું હતું, "ઈલામેડમ". અને મને વિચાર આવ્યો કે છાપું કાંઈ હું એકલી જ થોડી વાંચું છું!! મંદિરમાં જવાનો મારો વારો આવે એની રાહ જોતી હું એક બાજુ ઊભી રહી ત્યાં જ કોઈએ ટોળામાંથી બૂમ પાડી, "શ્લોકા.. " અને મેં એ તરફ જોયું તો મારો ભાઈ 'નિસર્ગ' હાથમાં ફૂલોનો બુકે લઈને મંદિરમાં જવા માટેની કતારમાં ઊભો હતો. મને ફરી યાદ આવ્યું કે આજે તો "ગુરુપૂર્ણિમા" છે, ગુરુના ઋણસ્વીકારનો દિવસ!!!


લી. હેતલ મકવાણા "હેતદીપ"

               નડિયાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ