વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જજમેન્ટ

બળબળતાં બપોરે,જ્યાં ચકલું પણ નાં ફરકે તેવી સુમસામ ભાસતી શેરીઓમાં, માથે લાકડાંનો ભારો લઈનેં જઈ રહેલી   ગણીકા, જેવી તેનીં ઝુંપડી પાસે પહોંચી કે તરત જ તેણે જોરથી ભારો નીચે પછાડ્યો. અનેં  બોચી  સરખી કરતાં બોલી " ઠેઠ પ્હોંચી જઈ હોય એવું  લાગસઅ  "

આમ તો આ એનોં રોજનો ક્રમ હતો .પણ  તડકો વધારે હોવાથી ઝુંપડી સુધી પહોંચવામાં  એને સાત  સમુંદ્ર પાર કરવાં જેવું લાગ્યું. અંદર જઈ  આખા ભવનીં તરસી હોય એમ, એક જ શ્વાસમાં આખો લોટો ભરીનેં પાણી ગટગટાવી ગઈ.

એ થાકીનેં લોથપોથ થઈ ગઈ હતી, પણ જેવો તેણે  ઝુંપડી ની અંદર પ્રવેશ કર્યો , તેનોં બધો જ થાક ઉતરી ગયો . એનીં એ ઝુંપડી માં ગજબનોં જાદુ હતો.

છાંણ માટીની દિવાલો,આછી આછી ઓકળીયો, લીંપણની સુવાસ, તેમજ  કાળી પડેલી વળીઓ અને  ફાટ પડેલા મોભ ઉપર દેશી નળીયાનીં  છતથી બનાવેલી ઝુંપડી ,એનાં માટે રાજ મહેલ સમાન હતી.

પ્રેમનીં  પરિભાષા અલગ અલગ હોય છે.પ્રેમ ક્યાં ક્યાં  ? કોને કોને નથી થતો ?

પ્રેમનાં અનેક પ્રકાર હોય છે,એમાંનો એક પ્રકાર એટલે આ ગણીકાનેં , એનીં ઝુંપડી પ્રત્યેનોં પ્રેમ.

લોકોનેં ભલેને મોટા મોટા બંગલા હોય ,આ ગણીકાનેં એની કાંઈ પડી ન હતી .

એનેં તો એનીં ઝુંપડી એટલે સ્વર્ગ,ઝુંપડી એટલે સુખનું સરનામું અનેં ઝુંપડી એટલે જીંદગીનીં મીઠાશ.

એને એ ઝુંપડી પ્રત્યે ખૂબ જ લગાવ હતો..

એક દિવસ તે, દિવાલ ઉપર ટીંગળાયેલી  એનાં ધણીની તસવીરનેં  નિહાળી રહી હતી. એવામાં,  બહાર  શોરબકોર સંભળાયો.એણે ડોકિયું કર્યું તો,  બે ચાર નાગા઼ંપુગાં  ટાબરિયાં, કેરીનીં ગોટલીઓ ભેગી કરીનેં  રમી રહ્યા હતાં , કૂતરાં ભસી રહ્યા હતાં,અને મોટા અધિકારી જેવાં લાગતાં માણસો, એટલામાં જમીનનીં માપણી કરી રહ્યા હતાં. એ કાંઈ વધારે વિચારે એ પહેલાં તો તેઓ છેક ઝુંપડી પાસે પહોંચી ગયા.અને ત્યાં માંપણી કરવા લાગ્યાં

તેઓ શું કરે છે, એ જોવા ગણીકા બહાર નીકળી  કુંભી ઝાલીનેં ઉભી રહી.

એનેં જોતાં જ એક અધિકારીએ કહ્યું " એ ડોશી  ! તારી આ ઝુંપડી તારે અહીંથી હટાવવી પડશે,"

ગણીકાનેં તો જાણે વીંછીએ ડંખ માર્યો હોય એવું લાગ્યું.ઝુંપડી હટાવવાનીં વાતથી  એ બરાબરનીં ક્રોધે ભરાણી.

અંદર જઈને એક લાંબા હાથાંવાળુ ધારીયુ  લઈનેં બહાર આવતાં જ તાડૂકી:"મારા  રોયાઓ  ! હેંડો આંઈથી,  ભાગો,નકર મારા જેવું કોઈ ભૂંડું નથી.. હાં."

પેલા  લોકોનેં  તો જાણે  મધનાં પૂડામાં  હાથ નાખ્યો હોય એવું  લાગ્યું.

પરિસ્થિતિ પામી જતાં એક અધિકારીએ ધીરજથી કામ લેવાનું વિચાર્યું. તેમણે કહ્યું:" માંજી તમારાં વિસ્તારમાં પાણી નીં સમસ્યા છે, એટલે અહીં એક તળાવ બનાવવાનું આયોજન છે. તમારી આ ઝુંપડી વચ્ચે  આવે છે, એટલે કહીએ છીએ . અમનેં  ઉપરથી હુકમ છે,એટલે અમનેં અમારૂં કામ કરવા દો."

હવે ગણીકાએ તેનું વાઘણ જેવું રૂપ પ્રગટ કર્યું:

"તમારી ઉપર કોણ  સઅ ?   મનઅ  બતાવો.  કોઈનીં તાકાત નથી  , મારી ઝુંપડી આંઈથી હટાવઅ. એક વાર હાથ તો અડાડી જુઓ, પસી ખબર પડઅ ‌..!"

અધિકારીઓ તો મોં વકાસી એકબીજાનીં સામે જોવા લાગ્યાં. એક જણે કહ્યું:"આ બાઈએ તો ભારે કરી, હવે આને કોણ સમજાવે ? આતો  કંથેરનું જાળું છે."

બીજા એક અધિકારી, હિમ્મત ભેગી કરી બોલ્યા :" જુઓ માંજી, અમે તમનેં ઘર વગર નહીં રાખીએ.તમારી આ ઝુંપડી નાં બદલામાં તમને બીજી જગ્યાએ સરસ મજાનું મકાન બનાવી આપીશું. એમાં  પણ તમે નહીં માનો તો પછી અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે ."

આ વાત સાંભળીનેં  ગણીકાનાં ગુસ્સાનોં બંધ તૂટ્યો. એણે ચંડીકા રૂપ ધારણ કર્યું.   નાડી નેફાનું પણ ભાન નાં રહ્યું અનેં માથે જીંથરા જેવા વાળ ખુલ્લા મૂકી,  હતું એટલું બળ ભેગુ કરી ,હાથમાં રહેલું ધારીયુ લઈને તેમનેં મારવા દોડી.

" આવો મારા રોયાઓ, હું તમનઅ  મારી ઝુંપડી ખસેડવા  દઉ આવો ."

આવું બધું ચાલતું હતું, ત્યાં  ઘણાં બધા માણસોનોં જમાવડો  થઈ ગયો, પણ કોઇની દેન ન હતી  કે એ ગણીકાનેં પાછી વાળે.પેલા અધીકારીઓ તો ઉભી પૂંછડીએ ત્યાંથી ભાગી છૂટયા.

ગણીકાએ , એ વખતે તો  તેનું રુદ્ર રુપ બતાવ્યું, પણ 

રાતે, એ ખુબ રડી.એનીં હિમ્મત હાથીની, પણ મન મિંદડીનુ હતું .આખરે એ સ્રી હતી.એનું કોમળ હૃદય કકળી ઉઠ્યું..એ લોકો અત્યારે તો ભાગી ગયા. પણ કાયદો હાથમાં લઇ, કોઈ લાંબી કાયૅવાહી કરશે તો  શું થશે. ? એનેં બરાબરની ચીંતા પેસી ગઈ. એનું જીવન એનેં નકશા વગરની નદી જેવુ લાગ્યું.એ આખી રાત કકળતી રહી,બબડતી રહીં .ઓશીકાનેં  કદાચ કાન હોત તો, એ પણ એની વેદનાં સાંભળીને રડી પડત.

પેલા અધિકારીઓ એ તો વાત છેક ઉપર સુધી પહોંચાડી એટલે થોડાક દિવસમાં તો મોટો કાફલો  ગણીકાનીં ઝુંપડી પાસે આવી ચડ્યો.

ગણીકા સાંબેલા વડે ધબાધબ ડાંગર ખાંડી રહી હતી,એવામાં પહેરણ પહેર્યા વગરનોં એક યુવાન, દોડતો દોડતો  તેની પાસે આવ્યો. અને તેનેં પરિસ્થિતિથી  વાકેફ કરી.  .

બહાર મોટાં મોટાં ઘોડેસ્વારનાં ધાડાં જોઈ ને,  ગણીકા પ્રથમ તો  ઝંખવાણી પડી ગઈ,પછી પરિસ્થિતિ સામે બાથ ભીડવાનોં મક્કમ નિર્ણય કર્યો.

સેનાપતિ જેવાં લાગતાં એક માણસે ઝુંપડીમાં પ્રવેશ કર્યો.

આજુબાજુ નજર કરી.પછી  ખૂણાંમાં પડેલા લાકડાંનાં કોતરણીંવાળા  કબાટ ઉપર બેસી , ગણીકાનેં શાંતિથી સમજાવવા લાગ્યો:" માંજી તમારે શું તકલીફ છે.? કેમ આ ઝુંપડી હટાવવા દેતાં નથી? આમાં વળી એવાતે  શું મોર ચિતરાવ્યાં છે.?"

ગણીકાનાં હાથમાં દાબડી હતી, એ ખોલ્યાં વગર જ એણે પેલાનીં  વાત શાંતિ થી સાંભળી. પછી ઝીંણી આંખો કરી કહ્યું :" સાયેબ તમે  ચીયા ભવનું વેર વાળવા આયા સો ? તમે ગમે તે કૉ, પણ હું એકનીં બે થવાનીં નથી.મારી ઝુંપડી આજેય નઈ હટઅ ,અનઅ  કાલેય નઈ હટઅ..થાય એ કરી લ્યો."

સેનાપતિ તો આ વાત સાંભળી ગુસ્સે ભરાયો,એનામાં રહેલો ચા કરતાં કીટલી ગરમ વાળો  ગુણધર્મ  ઉપસી આવ્યો. એણે ખભે ભરાવેલી બંદૂક , ડોશી સામે તાણી દીધી.

પણ બંદૂકથી બીવે એ બીજા.

ગણીકા છાતી ધરીને બોલી:" મનેં મારી નાંખવી હોય તો મારી નાંખો, લ્યો ચલાવો બંદૂક. હું મરવા તૈયાર સુ.પણ ઝુંપડી તો કોઈ કાળે નઈ હટઅ ,  તે  નઈ  જ હટઅ ."

ગણીકા બે હાથ પહોળા કરીનેં ઉભી રહી.

આતો સ્રી હઠ કહેવાય . અનેં સ્ત્રી હઠ આગળ રાજા દશરથ જેવાં પણ  પાછા પડ્યા હોય,અરે  ખુદ  યમરાજા પણ ઢીલાં પડી ગયા હોય, તો આ સેનાપતિ વળી   કઈ  વાડીનોં મૂળો ?

ડોશીનીં  જીદ જોઈને‌ંં સેનાપતિ તો ઢીલો પડી ગયો.એણે આવી બાઈ આખા મલકમાં ક્યાંય જોઈ ન હતી.

એને એ સમજાતું ન હતું કે એનીં આ ઝુંપડી માં આખરે એવું  છે શું ? .કોઈ મરદ હોત તો ગોળી ધરબી દીધી હોત, પણ આતો વૃધ્ધ મહિલા હતી. એનેં મારીનેં ક્યા ભવે છૂટકારો થાય ?

એણે વિચાર્યું, અહીંયા દાળ નહીં ગળે,એટલે તે સૈનિકોનાં કાફલાં સાથે વીલા મુખે પાછો વળ્યો.

આખરે વાત પહોંચી  છેક મહારાણી પાસે. આખી વાતમાં એમનેં ખૂબ જ નવાઈ લાગી.તેઓ, એ ગણીકાનેં  મળવા તત્પર થયા.અનેં કારભારીનેં સાથે રાખી, એમણે એની રૂબરૂ મુલાકાત કરી.

ગણીકાનેં તો જાણે બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા.

મહારાણીનેં  મળીનેં એ ભાવવિભોર બની ગઈ.પછી એણે રડતાં રડતાં એની વેદનાં સંભળાવી.

ઝુંપડી પ્રત્યેનોં એનોં અપાર પ્રેમ જોઈનેં  મહારાણી પણ વિચલિત બની ગયા.

એમનીં ન્યાયપ્રિયતા અનેં પ્રજા પ્રત્યેની લાગણીનાં લીધે એમણે આખો નિર્ણય બદલી નાખ્યો.

આખું તળાવ ગોળાકાર બનાવવાનું આયોજન હતું. પણ  ગણીકાનીં ઝુંપડીનાં લીધે એક બાજુ ખાંચો રહી જતો હતો. અને એ ખાંચાનાં લીધે તળાવનીં  સુંદરતાં પણ ઘટી જતી હતી . મહારાણીએ  ધાર્યું હોત તો ,  સત્તાનાં  જોરે,

જોર જુલમથી એ ઝુંપડી  હટાવી શક્યા હોત,  પણ  એમણે એવું નાં કર્યું.  એમણે  એ ગણીકાનીં વેદનાનેં વ્હાલ કરી,   તેનીં તરફેણમાં ન્યાય કર્યો.

એનીં લાગણીને માન આપી, ઝુંપડી હટાવરાવી નહીં. અનેં  ખાંચો રહેવા  દઈ ,  તળાવનું કામ ચાલુ કરાવી દીધું.

એ મહારાણી એટલે, પાટણનાં રાજા સિદ્ધરાજ જયસિંહનાં માતાશ્રી મીનળદેવી.રાજમાતા મીનળદેવીનું મૂળ નામ મયણલ્લા દેવી હતું. અનેં એ નામ ઉપરથી એ તળાવનું નામ પણ મલાવ તળાવ પડયું.

અમદાવાદ  જિલ્લાનાં  ધોળકા  તાલુકામાં  આવેલું   આ તળાવ, આજે પણ  ઐતિહાસિક વારસા  સમું અડીખમ છે. જે  ગુજરાતનાં  જોવા લાયક સ્થળોમાં આગવું આકર્ષણ ધરાવે છે જે જગ્યાએ પેલી ગણીકાનીં ઝુંપડી હતી, તે ખાંચો હજુ પણ  રાજમાતા મીનળદેવીનાં ન્યાયનીં સાક્ષી પૂરે છે.એ ખાંચામાં ઉભા કરાયેલાં સ્તંભ ઉપર લખેલું છે.'ન્યાય જોવો હોય તો જુવો મલાવ તળાવ'.

લેખક : દશરથ મકવાણા



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ