હું અને મીની
વાદળ ઘેરાઈ રહેતા આજે કામ પરથી હું મારા પ્લાસ્ટિક બાંધેલા ઘરે જવા ઉતાવળો થયો હતો. ચાર દોરીએ બાંધેલું પ્લાસ્ટિક જ હતું તે, પણ હતું તો મારું ઘર જ ને...
ઉતાવળા ડગ માંડી આખરે હું પોહચી જ ગયો મારા તાજમહેલમાં...જ્યાં ચાલું થાય ત્યાં જ પૂરો થઈ જતો હતો મારો તાજમહેલ. થોડા જરૂરી વાસણ અને એક થેલો કપડાં. અનાથ બાળક માટે આટલું તો પૂરતું જ હતું...
ને તેમાં સૌથી પ્રિય હતું મારુ નાનું કુકર...હા, આખા દિવસનાં થાકનાં લીધે ત્રણ સિટીમાં ગરમ ગરમ મને ખીચડી પીરસતું હતું. હું તેને મારી થોડા ગોબાવાળી થાળીમાં કાઢી ઝરમર વરસાદે તેની લિજ્જત માણી રહ્યો હતો. ત્યાં જ કાને એક અવાજ સતત આવી રહ્યો હતો. મેં હાથમાંનો કોળિયો મૂકી બહાર જોયું તો એક કૂતરો હતો...ના ના.. એક કુતરી હતી. જે બિચારી ઠંડીનાં લીધે આખી ધ્રુજી રહી હતી.
હું અંદર જઈ એક ચીંથડું લઈ આવ્યો અને તેનાં પર નાખી ઉચકી તેને અંદર લઈ લીધી. તે સેહમીને મારા સમીપ બેસી ગઈ. મને પણ સારું લાગ્યું જાણે કોઈ મારું આવ્યું.
"તો તમને બેન ઠંડી લાગતી હતી એમ? જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી અહીં રહો. આપણું ઘર નાનું પણ દિલ બવ મોટું છે હો... તમારું નામ શું છે મોહતરમાં...?" જવાબ આપતી હોય તેમ તેણે, "ભાવ..ભાવ.." કર્યું.
"હા હા સમજી ગયો. તમારું નામ...." થોડું અટકી હું વિચારવા લાગ્યો, "હા, તમારું નામ મીની છે ને..? તે પણ હા પાડતી હોય તેમ મારા ખોળામાં તેનું માથું મૂકી દીધું.
"તો મીનીબેન તમે કાંઈ ખાધું તો નહીં હોય. હવે અત્યારે બિસ્કિટ કશે મળશે નહીં. તો એક કામ કર થોડી ખીચડી ખાઈ લે." ને તેને પણ જમવાનું પીરસ્યું. તે આખો વાડકો ચાટીને સાફ કરી ગઈને પાણી પણ બધું પિય ગઈ.
"તું તો બવ ડાહી છો મીની. બિલકુલ અન્નનો બગાડ ન કર્યો તે." કહી તેના માથે વ્હાલથી હાથ ફેરવ્યો. તો એ મારા હાથને ચાટી અને પૂંછડી પટપટાવી આભાર માની રહી. વરસાદ અટકવાનું નામ નહતો લઈ રહ્યો. મેં તો મારી ફાટેલી રજાઈ કાઢી અને ચાદર ઓઢી સૂતો અને મીની પર તે ચીંથડું ઓઢાડી દીધું. તે પણ શાંતિથી સુઈ ગઈ.
પરોઢ થતા આંખ ખુલી તો ચીંથડું એમજ પડ્યું હતું ને અમારા મીની બેનબા ગાયબ...રાતનાં તેની સાથે વીતેલા સમયને યાદ કરી ચેહરા પર એક સ્મિત આવી ગયું.
રાત પડતા જ થાક્યો પાક્યો ઘરે આવ્યો. જોયું તો બહાર મીની બેઠી હતી. મને જોતા જ આવીને મને વ્હાલ કરવા લાગી. મને એટલું સારું લાગ્યું કે પેહલી વાર કોઈ મારી પણ રાહ જોતું હતું. નહીંતર એક અનાથની કોણ રાહ જોવાનું..!! જીવનમાં પેહલી વાર ખુશીના આંસુ ગાલ પર સરી આવ્યા.
આ હવે રોજનો નિત્યક્રમ થઈ ગયો હતો. હું આવું એટલે મીની બહાર જ બેઠી હોય. હું પણ હવે ભૂલ્યા વગર તેની માટે રોજ એક બિસ્કિટનું પેકેટ લાવતો.
એક દિવસ તે શાંતિથી મારી પાસે સૂતી હતી. મેં ફોન જોતા જોતા તેના પેટ પર હાથ ફેરવ્યો. કૈક સડવડાટ થતા મેં ઝટકેથી હાથ લઈ લીધો. થોડીવારનાં નિરીક્ષણ પછી મને અંદાજો આવી ગયો હતો કે મીની મા બનવાની હતી....
હું હવે વધારે તેનું ધ્યાન રાખવા લાગ્યો. એમ જ દિવસો જતા હતાં ને મીની હવે મારા જીવનનો હિસ્સો જ હતી. પણ આજની રાત થોડી ભયાનક હતી. વીજળીની ચમક સાથે વાદળ ગરજી રહ્યા હતાં. મને આ સુસવાટા કરતો પવન ડરાવી રહ્યો હતો. મારો તાજમહેલ હલી રહ્યો હતો. મેં બહાર જઈ દોરી વધુ ટાઈટ કરી ને એક-બે મોટા પથ્થર પણ સાઈડ પર મૂકી દીધા, જેથી પ્લાસ્ટિક ઉડે નહિ.
અંદર આવ્યો તો મીની ઊંડા ઊંડા શ્વાસ લઈ રહી હતી. હું ડરી ગયો. તેની પાસે બેઠો ને તેનું મોઢું ખોળામાં લીધું. પણ તેને ચેન ન હતું. તેને તકલીફ થઇ રહી હતી. કદાચ તેની પ્રસૂતિનો સમય આવી ગયો હતો. તેને બવ તકલીફ થઈ રહી હતી. તેની તકલીફ જોય મને તકલીફ થઈ રહી હતી. એક મા બનવા કેટલી પીડા હોય તે હું નજરે જોઈ રહ્યો હતો.
હું માત્ર તેના પર હાથ ફેરવી વ્હાલ કરી શકતો હતો. અત્યારે હું પોતાને ખૂબ લાચાર મહેસુસ કરી રહ્યો હતો. ત્યાં જ એ પીડામાંથી મુક્ત થતી હોય તેમ એક પછી એક ચાર નાના નાના લોહીમાં રગદોડાયેલા બચ્ચાં બહાર આવ્યા.
ને તેણે રાહતનો શ્વાસ લીધો. તેના બચ્ચાં સામે તેણે જોયું અને પછી મારી સામે જોઈ તેણે આંખો મીંચી લીધી. તે તેનો અંતિમ શ્વાસ હતો. હું તેને હલાવતો રહ્યો...મીની મીની પણ તે કાયમ માટે તેની ધરોહર મારી પાસે મૂકીને જતી રહી હતી. પહેલીવાર હું કોઈ માટે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો.
હું એ બચ્ચાં ને અનિમેષ નજરે જોઈ રહ્યો.
તે પણ અનાથ ને હું પણ....
Archu????
