વરસાદ - લઘુકથા
લઘુકથા વરસાદ દુર્ગેશ ઓઝા
લઘુકથા વરસાદ લેખક: દુર્ગેશ ઓઝા.
ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા પછી વરસાદ બસ તૂટી જ પડ્યો. મોડો થયાનું વટક વાળવું હોય એમ એ આજે ધોધમાર વરસતો હતો. એકાએક ઊભો થઈને રાકેશ ભાગ્યો ઘરની બહાર..ને...
‘વહુ, તારા દીકરાને પાછો બોલાવ. આવા મુશળધાર વરસાદમાં પલળવા ભાગી ગયો! શરદી થાશે કે માંદો પાડી જશે. આજકાલના છોકરાંવ..માળા પૂછવાય નથી રોકાતા! એને બૂમ પાડ.’
પણ આરતીને એનું બચપણ યાદ આવી ગયું. વરસાદનું એને બહુ ઘેલું, ને એમાંય પહેલાં વરસાદે તો એ બહેનપણીઓ હારે ઘેલા કાઢતી. વરસાદ પડે ને એ ઉપડે ઘરની બહાર. જલદી ઘરમાં પાછી આવે તો એ આરતી નહીં. બધા એની માને સમજાવવા મથતા કે આ છોરીને જરા રોકો, ડારો દ્યો. બહુ ભીંજાઈ જશે તો ક્યાંક... પણ એની મા જવા દેતી. કહેતી, ‘વરસાદ તો પ્રસાદ કહેવાય. ને પ્રસાદ ક્યારેય માંદા ન પાડે. તું તારે જા દીકરી.’ આરતી બારીમાંથી વરસાદ અને પલળતો એનો દીકરો સાનંદ નીરખી રહી.
વરસાદ તો બરાબરનો જામ્યો. સાસુમાએ ફરી કડક સૂચના આપી. ને ‘ઊભો ‘રે તારો વારો કાઢું. એય..સાંભળે છે કે નહીં?’ એવી બૂમ પાડી આરતી ખૂલ્લા પગે દોડી. મા-દીકરા વચ્ચે લાંબો સમય પકડાપકડી ચાલી. માએ ઘણી કોશિશ કરી, પણ હાથમાં આવે તો એ રાકેશ શાનો?
‘એ છે જ એવો. હું એને ઓળખું ને? એ એમ સાંભળે?! એને પકડવા જતાં હું...’ એવું સાસુમાને કહેતાં આરતી ઘરમાં પ્રવેશી. સાસુમા બોલ્યાં, ‘એટલે તું ખાલી હાથે પાછી ફરી..એમ જ ને? પણ તારે છેક ત્યાં સુધી જવાની શી જરૂર હતી? ને ગઈ તો હારે છત્રી ન લઇ જવાય?’
.....પાણીથી લથબથ ભીંજાયેલી આરતી એટલું તો ધીરે દોડતી ને બોલતી હતી કે રાકેશ પકડાય જ નહીં અને.... આરતી ખાલી હાથે પાછી નહોતી ફરી.
- - - - ૦ ૦ ૦ ૦ - - - - (‘કુમાર’ સામયિક – અંક ડીસે.૨૦૧૨)
લઘુકથા- ‘વરસાદ.’ લેખક- દુર્ગેશ ઓઝા. પોરબંદર ૩૬૦૫૭૫. મો-૯૮૯૮૧૬૪૯૮૮.
