અઘોરી ખોપડી
અષાઢ મહિનાની મેઘલી રાતનાં લગભગ એક વાગ્યે વિજય અને પ્રશાંત બે મિત્રો ઘોર જંગલમાં રસ્તો ભટકી ગયાં હતાં.ધીરો ધીરો વરસાદ પડે છે ક્યારેક ક્યારેક વીજળી દુર આકાશમાં ચમકી જતી ત્યારે છાતીનાં પાટીયા વધારે ભીસમાં આવી જતાં હતાં.
સવારે દસેક વાગ્યે ઘેરથી નક્કી કરીને નીક્ળ્યાં હતાંકે' સાંજ પડતાં જંગલને પાર કરીને શહેરમાં પહોંચી જશું. પરંતુ જંગલ વિસ્તારમાં આવતાંની સાથેજ ગાડીમાં કોઈ અચાનક ખરાબી આવી ગઈ. આસપાસ દુર સુધી કોઈ માણસ હોય એવું દેખાયું નહીં. ગાડીનું બોનેટ ખોલીને ગાડી જાતેજ રીપેર કરવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ કોઈ કારી ફાવી નહીં.
પહેલી નજરે જોતાં ગાડીમાં કોઈજ ખરાબી જણાતી નહોતી, પણ સંજોગો એવાં થયાંકે' ગાડી અચાનક બંધ થઈ ગઈ. આખરે થાકીને ગાડીને ત્યાંજ છોડીને ચાલતાં ચાલતાં જંગલનાં રસ્તે કોઈ બીજી ગાડી મળે નહીં ત્યાં સુધી પગપાળા ચાલવાનો નિર્ણય લીધો.બંને ભાઈબંધ ઉતાવળે પગે ચાલતી પકડી.
આકાશમાં વાદળો ઓચિંતા ઘેરાઈ આવ્યાં. સાંજે પાંચ વાગ્યે પણ રાત્રીના બાર વાગ્યાનો સમય થયો હોય એટલું બધું અંધારું છવાઈ ગયું હતું. પવનનો સુસવાટો હદયમાં ફડકો પાડી દેતો. એકબીજાને હાથ પકડીને થરથરતાં શરીરે આમતેમ જોતાં જોતાં ડર સાથે ચાલ્યાં જાય છે.
વારંવાર પાછું વળીને જોયાં કરે છે, કોઈ ગાડી આવેતો એમાં બેસીને જંગલનાં વિકરાળ રસ્તાઓને પસાર કરવામાં થોડી મદદ મળી જાય. એકધારા ચાર પાંચ કલાકથી ચાલી ચાલીને પગમાં છાલા પડી ગયાં હતાં. હવે પગમાં પહેરેલાં બુટ પણ બોજારૂપ થવાં લાગ્યાં. ખુબ ચાલવાથી પગનો અંગુઠો અને આંગળીઓ તેમજ પગની પાની ઉપર ફરફોલા થઈને ફુટી જતાં હતાં.
વિજયે કહ્યું,પ્રશાંત મને બહું બીક લાગે છે યાર,રાત પડવા લાગી છે. હજી રસ્તો ખુટવાનું નામ નથી લેતો કોઈ વાહન પણ નીકળતું નથી. એટલું ઓછું હોય એમ કોઈ એકલદોકલ માણસ પણ નથી મળતું. મને બહું બીક લાગે છે'આમજો ગમે એ બાજુ જોઈએ તો કોઈને કોઈ ચહેરો નજરે પડે છે.
અરે ! તું હિંમત હારતો નહીં હું તારી સાથે જ છું. પ્રશાંત ખુબ બહાદુર હતો એ ઘણીવાર આવાં જંગલમાં રાત્રી રોકાણ કરી ચુક્યો હતો. એટલે પોતે જાણતો હતોકે' આવાં જંગલ વિસ્તારમાં આવો ભ્રમ થવો સામાન્ય હતો.
એણે વિજયને સમજાવ્યો આપણે બસ આ રસ્તો છોડવાનો નથી આપણને કોઈને કોઈ ગામ સુધી જરૂર પહોચાડી દેશે.
પરંતુ વિજય વધારે ને વધારે ડરતો જાય છે. ચાલતાં ચાલતાં રાત્રીનાં નવેક વાગી ગયાં. મોબાઈલનાં નેટવર્ક પણ જંગલમાં આવ્યાં ત્યારબાદ ગાયબ થઈ ગયાં હતાં. કોઈને ફોન કરીને પણ બોલાવી શકાય એવું નહોતું. હવે
અધુરામાં બાકી હતું તે વરસાદ શરૂ થઈ ગયો.વાતાવરણ જોતજોતામાં ગંભીર રુપ ધારણ કરી લીધું.
વરસાદે ઘડીકમાં રૌદ્ર રુપ ધારણ કરી લીધું, પવનની ઝડીઓ વૃક્ષની વચ્ચેથી સુસવાટા મારતી આવતી ત્યારે બંન્નેનાં ગાઢ મોકળા થઈ જતાં.ઘનઘોર જંગલ, અંધારી કાળી ડીબાંગ મેઘલી રાત,વરસાદી માહોલ, પાંદડાઓનો ખડખડાટ, અજીબો ગરીબ અવનવા અવાજો,વીજળીનાં
કડડાટ કરતાં ખોફનાક અવાજો નાભિમાં ગભરાહટ ભરી દેતો.
વિજયે પ્રશાંતનો હાથ પકડી લીધો...ભાઈ મારી આંખોની આગળ અંધકાર છવાઈ ગયો છે.મને એક ફલાંગ આગળ કશું દેખાતું નથી. અને આ વરસાદ મને મારી નાખશે. પ્રશાંતે થોડી હિંમત રાખવાનું કહ્યું, હમણાં વરસાદ ધીમો પડી જશે અને આપણે અહીંથી નીકળી જઈશું. થોડી વાર અહીં આ મોટાં વટવૃક્ષની નીચે બેસીજા'અહીં વરસાદ ઓછો લાગે છે.
બંન્ને વિશાળ વટવૃક્ષનાં ઘટાટોપ ફાલીને ફુલેલા વૃક્ષ નીચે ઉભડક પગે બેસી ગયાં. વરસાદ એટલો બધો વરસતો હતોકે'જાણે બારેમેઘ ખાંગા થઈ ગયાં હતાં. જોતજોતામાં જંગલમાં નાનાં મોટાં વહેણમાં ઢીંચણ સુધીનું પાણી વહેતું થઈ ગયું. બેઉ જણા એકબીજા સાથે ચીપકીને બેઠાં હતાં. ઠંડીથી બંનેના શરીર સુકા પાંદડાની માફક થરથરતાં હતાં.
અચાનક કોઈ સળવળાટ થાય ત્યારે એકદમ એ દીશામાં જોઈને એકબીજાને પકડીને ઓય માડી કહીને રાડ ફાટી જતી. એટલામાં વટવૃક્ષની ઉપરથી એક ડોશીમાંનો ઉધરસ ખાવાનો અવાજ આવ્યો. વિજયે કહ્યું, ભાઈ કોઈનો અવાજ આવે છે.મારાં કાનમાં કોઈ ઉધરસ ખાતું હોય એવું લાગે છે. તને સંભળાય છે ? કે મારાં કાનમાં એવો ભાસ થાય છે ?
ના ભાઈ ના મનેય કોઈનાં ખાંસવાનો અવાજ તો આવ્યો હતો. બેય ઊભાં થઈ ગયાં, એકબીજાને પકડીને આમ તેમ જોવાની કોશિષ કરવાં લાગ્યાં. એવામાં વડનાં ઝાડની વડવાઈએથી ટીંગાઈને એક સોએક વર્ષની ડોશીમા વડવાઈએથી ઉંધામાથે નીચે લપટીને ઉતર્યા, એય ! છોકરાઓ આવી અંધારી ઘનઘોર રાતે અહીં વગડામાં શું કરો છો ? ડોશીએ કહ્યું.
હિંમત કરીને પ્રશાંત બોલ્યો, માં અમે ભુલા પડી ગયાં છીએ, અંધારામાં રસ્તો સુજતો નથી. વરસાદ ખુબ હોવાથી ઘડીક અહીં વડનાં થડની ઓથ લઈને બેઠાં છીએ, પણ મને નથી લાગતુંકે'આ વરસાદ એમ ઘડીકમાં બંધ થાય. અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી માંડી રાત પણ બહું વીતી ગઈ છે.પણ તમે આટલી બધી મોડી રાતે અહીં જંગલમાં શું કરો છો ? અને તમારું નામ શું છે ?
માડીએ અટ્ટહાસ્ય કર્યું, વિજય અને પ્રશાંત બહું ડરી ગયાં. એયય ! છોકરાઓ ડરશો નહીં,મારું નામ કંકુડોશી છે.હું અહીં જંગલમાં જ રહું છું અજવાળું હતું ત્યારે લાકડાં કાપવા માટે આવી હતી, પણ વરસાદ પડવાં લાગ્યો એટલે વડની ડાળીએ ઘડીક આરામ કરવા માટે ઉપર ચડી ગઈ હતી. હું નાનપણથી જ જંગલમાં રહું છું એટલે ઝાડ ઉપર ચડવાની મને બહું ફાવટ છે.
ઓહહ ! પ્રશાંત બોલી પડ્યો, માં તમારું ઘર કે ઝુપડું અહીં જંગલમાં જ છે ? જો એવું હોય તો અમને બહું ટાઢ લાગી ગઈ છે અમને થોડી વાર તાપણું કરીને ટાઢ ઉડાડવાની જરૂર છે. વિજયે પ્રશાંતનો હાથ પકડીને ઈશારો કર્યો... જાણે એનાં મનમાં કોઈ શંકા ઊભી થઈ ગઈ હતી. એણે આંખોમાં આંખો પરોવીને પ્રશાંતને રોકવાનો પ્રયત્ન કર્યો.
ડોશીમા વિજયનો ઈશારો સમજી ગયાં, એમણે હસતાં હસતાં કહ્યું, આ છોકરો બહું બીક્કણનો લાગે છે. મારાં ગુરુદેવ અઘોરી મહારાજ અહીં નજકમાંજ અઘોર સાધના કરે છે. હું એમનાં હવન માટે લાકડાનો ભારો લેવા માટે આવી હતી. પરંતુ વરસાદ હોવાથી લાકડાનો ભારો અહીં નીચે મુકીને ઉપર ચડી ગઈ. જો સામે લાકડાનો ભારો પડ્યો, બેય આવાં બળદની જેવાં લોંઠકા છો આ ભારો માથે ઉપાડીને મારી પાછળ પાછળ ચાલ્યાં આવો.
બેઉ પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં, એટલે લાકડાનો ભારો માથે ઉચકીને ડોશીમા પાછળ ચાલતાં થયાં. થોડીવારમાં સામેથી એક ઝુપડીમાં અગ્નિ પ્રજવલિત હોય એવું દેખાયું. એક મહા વિકરાળ ઝાડની નીચે અઘોરી બાબા વાંસની બનેલી ઝુપડીમાં આહુતિ આપતાં હતાં.કંકુડોશીએ ગુરુદેવનાં ચરણોમાં પ્રણામ કર્યા. અને કહ્યું, બાપુ આ છોકરાઓ જંગલમાં ભુલા પડી ગયાં છે, હું એમને અહીં લઈને આવી છું.
વિજય અને પ્રશાંતે બાબાજીને પ્રણામ કર્યા, એકદમ વિકરાળ રુપ જોઈને વિજયે કહ્યું, આ અઘોરી બાબા કેટલાં ડરામણા લાગે છે.આનાં કરતાં તો ત્યાં જ ઊભાં રહ્યાં હોતતો સારું હતું. પરંતુ અગ્નિ કુંડમાં આગ ભડભડ સળગતી હોવાથી શરીરમાં થોડી ગરમી આવી ગઈ હતી. નાની એવી ઝુપડી એમાં ચાર જણ બેઠાં છે.
અઘોરી બાબાએ કહ્યું, એય છોકરાઓ આ કુંડાળામાં બેસી જાવ,અને બેમાંથી એકેય કુંડાળામાંથી બહાર નીકળતાં નહીં નહિંતર તમારું મોત પાક્કું છે.કંકુડોશીએ બેયની ફરતું હવનકુંડની રાખમાંથી કુંડાળું દોરી નાખ્યું. કંકુમા પણ પોતાની ફરતે કુંડળું કરીને અંદર બેસી ગયાં. અઘોરી બાબાએ હવન શરૂ કર્યો, એકપછી એક મંત્રોચ્ચાર કરવા લાગ્યાં. થોડીવાર પછી ઝુંપડીની ઉપર ભયાવહ ચિચિયારીઓ સંભળાવા લાગી.
વિજય અને પ્રશાંત કુંડાળામાં ઉભડક પગે થઈ ગયાં. પોતાની લાલઘૂમ આંખોથી બેયને બેસી જવાનું કહ્યું, ડરના માર્યા બેય આમતેમ જોતાં જોતાં ફરીથી બેસી ગયાં. કંકુડોશીએ બેયને સાવધાન કર્યા,હવે જો એકેય ઊભાં થયાં છો તો આ ચુડેલો તમને એમનેમ ભરખી જાશે. અઘોરી બાબાએ ચુડેલ સાધના શરૂ કરી છે અને આજે આખરી દિવસ છે.
જો ચુડેલો બાબાની સાધનાથી ખુશ થઈ ગઈ તો બાબા અમર થઈ જશે.અને જો તમે ઊભાં થયાં છો તો આ ખડગથી તમારાં બેયનું માથું કાપીને હવનકુંડમાં પધરાવી નાખીશ. કંકુડોશીએ પોતાનાં હાથમાં ખડગ લઈ લીધું, પ્રશાંત અને વિજયને બહું પસ્તાવો થયો. મનોમન વિચાર કરે છે આ ડોશી ઉપર ભરોસો કરવાની જરૂર નહોતી. હવે થાય પણ શું' જે થવાનું હતું એ થઈ ગયું હતું.
ચુપચાપ કુંડાળામાં બેસીને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યાં. એવામાં એક ચુડેલ અટ્ટહાસ્ય કરતી કરતી ઝુપડીમાં આવી ગઈ. ચારેતરફ ઉડતી ઉડતી ચક્કર લગાવી રહી છે.એની ભયાવહ અવાજે કહ્યું, એ અઘોરી અમને બધી બહેનોને બહું ભુખ લાગી છે. તું અમારી માટે ભોજનની વ્યવસ્થા કરી આપે તો તારે જે જોઈતું હશે એ અમે આપવા માટે તૈયાર છીએ.
અઘોરી બાબાએ ચુડેલને પુછ્યું, તું ભોજનમાં શેનો ભોગ ધારણ કરીશ, તને જે ઈચ્છા હોય તે મને કહીદે હું કોઈપણ ભોગે એનો પ્રબંધ કરી આપીશ. ચુડેલે વિજય સામે નજર કરી અને કહ્યું, અઘોરી આ છોકરો મારે જોઈએ છે એનાં શરીર ઉપર માંસ અને લોહી ઘણું લાગે છે. આ બાજુમાં બેઠો ઈ છોકરો દુબળો પાતળો છે એની મારે કોઈ જરૂર નથી. પરંતુ આ છોકરો મને સોંપી દે અઘોરી અમે શાંતિથી એનાં ઋષ્ટપુષ્ટ શરીરનાં ટુકડા કરીને ખાઈ લેશું.
થોડીવારમાં આઠ દસ ચુડેલો ઝુપડીમાં આવી અને અટ્ટહાસ્ય કરીને કાન ફાડી નાખ્યાં. વિજય ચુડેલની વાત સાંભળીને થરથર ધ્રૃજી ઉઠ્યો. એનાં શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી જ હતી. એવામાં પ્રશાંત બોલી ઉઠ્યો, એ ચુડેલ તારે બલી જોતી હોય તો મારી લઈ અને મારાં દોસ્તને જવાદે,હું મારી બલી દેવા માટે તૈયાર છું.
હી હી હી હી કરતી ચડેલ પ્રશાંતનાં ચહેરાની સામે આવીને ખડખડાટ હસવાં લાગી. એયય છોકરાં ! હું તારી ગુલામ નથી, ચુપચાપ બેઠો રહે નહિતર બેયને કોળીયો કરી જતાં વાર નહીં લાગે સમજ્યો ? તારા શરીરમાં ખાલી હાડકાંજ ભરેલાં છે.અને આ છોકરો જો એનું આખું શરીર લોહી માંસથી ભરેલું છે.અમે બધી બહેનો એનાથી પેટ ભરીને જમી લેશું.
વિજય ચુડેલની વાત સાંભળીને સુકા પાંદડાની માફક થરથરી રહ્યો હતો. પરંતુ ભાગવાની કોઈ કારી ફાવે એમ નહોતી. ચારેતરફથી ઘેરાઈ ગયાં હતાં. બહાર ઘનઘોર અંધકાર અને વિકરાળ જંગલ એમાં પણ અનરાધાર વરસાદ પડે છે. જવું તો ક્યાં જવું'વિજયને કંકુડોશી સામે જોઈને બહું ખીજ ચડતી હતી. મનમાં બડબડાટ કરે છે ભગવાન કરે અમે બચી જાઈ પછી આ ડોશીને ટાંટીયો જાલીને વાડીમાં ધોરીયામાં કાંટી કરવાની જરૂર છે.
એટલામાં એક ચુડેલે રાડ નાખી એય અઘોરી બાબા મને બહું ભુખ લાગી છે. જલદી જલદી મને આ તગડો છોકરો માથું કાપીને હવનકુંડમાં પધરાવી એનું ધડ અમને બહેનોની વચ્ચે સોંપીદે,એની પડછંદ કાયા જોઈને મારાથી રહેવાતું નથી. અઘોરીએ ચુડેલનો આદેશ માથે લગાડીને વિજયને હવનકુંડ પાસે આવવાનો હુકમ કર્યો.અને સહેજ માથું નમાવીને બેસવાનું કહ્યું. એક ચુડેલે આવીને વિજયને લાંબી જીભ વડે આખાં શરીરને ચાટવા લાગી.
યમમ...યમમમ...યમમ...બહું મીઠું છે તારું લોહી છોકરાં...ઘણાં દિવસ પછી આટલો સુંદર ખોરાક મળ્યો છે. આજેતો તારું લોહી પીયને મારી બહેનો બહું ખુશ થઈ જશે.તારું નરમ નરમ માંસ આ હવનકુંડમાં પકાવી ને ભોજન કરવાની બહું મજા આવશે. ચુડેલની જીભ વિજયના ગળામાં સ્પર્શ થવા લાગી. વિજય જાણે લાકડા જેવું લાકડું બની ગયો.
પ્રશાંત ડર્યો સહેમ્યો ચુપચાપ બેઠો છે. અઘોરીને ચુડેલે કહ્યું, હે અઘોરી બાબા આજે હું તારી ઉપર બહું પ્રસન્ન થઈ ગઈ છું. આજે તું જે માગીશ તે આપી દઈશ,મને ખબર છે તું અમર થવા માગે છે. જા તારી સાધના પુર્ણ થાય એટલે તને હું અમર બનાવી આપીશ. અને તું આ આખાયે સંસાર ઉપર રાજ કરીજે.આખું જગત તારી આધીન થઈ જશે.
પ્રશાંત પોતાની ધીરજ રાખીને વિચાર કરે છે, આ મૃત્યુ લોકમાં કોઈ અમર નથી.ભલે એ પછી ખુદ ભગવાન પણ કેમ ના હોય...!! હોય ના હોય કોઈતો તોડ હોવો જોઈએ આ ચુડેલોનાં ચંગૂલમાંથી છુટવાનો,થોડી વાર ધ્યાન પુર્વક જોયું'અઘોરી વારંવાર એની બાજુમાં પડેલી માનવ ખોપડી ઉપર અબીલ,ગુલાલ,કંકુ, કપુર,ફુલ અને અડદના દાણાં જેવી વસ્તુઓ નાખીને અભિષેક કરી રહ્યો હતો.
એણે અઘોરીબાબાને પુછ્યું, બાબા હું તો બચી ગયો છું. તમે આ મારાં દોસ્તને મારીને ચુડેલને ભોગ ધરાવીને મને તમારો શિષ્ય બનાવી લેજો,હું પણ તમારો ચેલો બનીને તમારી સેવા કરવા માગું છું. તમારી દયા દ્રષ્ટિએ કરીને મને બચાવી લીધો છે. હું તમારાં ચરણોમાં પ્રણામ કરીને અઘોર સાધનામાં આગળ વધવા માગું છું. અને મારાં જ હાથે વિજયને મારીને ચુડેલની તરસ એનાં લોહીથી છીપાવવા માગું છું.
ઓહહ ! છોકરાં બહું સરસ મારે પણ તારી જેવો કોઈ શિષ્યની ખુબ જરૂર છે પુત્ર આ ડોશી હવે ઘરડી થઈ ગઈ છે. એનાથી હવે કોઈ કામ નથી થતું'માટે આજથી તું મારો શિષ્ય છે તું અહીં મારી બાજુમાં આસન પર બેસીજા હું જે કરાવું એ સાધનામાં લાગી જા.હું તને પણ મારી સાથે અમર બનાવી નાખીશ. આલે તારા હાથમાં બોલતી ખોપડી લઈને બેસીજા,એ ખોપડી વર્ષોની સાધના પછી બોલતી થઈ છે એક મહિના પછી શું થવાનું છે એ બધું જાણે છે.
પ્રશાંત એનાં હાથમાં ખોપડી લઈને ચુપચાપ બેસી ગયો. થોડી થોડી વારે ખોપડી કાંઈક હસીને બોલતી હતી,પરંતુ જે અઘોરી પુછે એનો જવાબ આપતી હતી. અઘોરીએ ચુડેલોને વડલાની ઉપર જવાનો આદેશ કર્યો. જ્યાં સુધી વિજયની બલી આપવાની તૈયારી કરું ત્યાં સુધી વડવાઈએ ટીંગાઈને એની રાહ જોવાનું કહ્યું, ચુડેલો અટ્ટહાસ્ય કરતી કરતી હવામાં આમતેમ જોતી જોતી પોતાના લાંબા નખને ખોલી બંધ કરીને ચાલી ગઈ.
અઘોરી બાબા પોતાની સાધનામાં લીન થઈ ગયો, એનું ધ્યાન કેવળ ભિતર લાગી ગયું, બહારની તમામ ઈન્દ્રિયો થોડી વાર માટે બંધ કરી લીધી. એટલામાં પ્રશાંતને મોકો મળી ગયો. એણે પોતાનાં હાથમાં રહેલી ખોપડી ઉપર ફુલોથી અને વિવિધ પ્રકારની સામગ્રીને એની પુજા કરી,ખોપડી ઉડીને પ્રશાંતનાં કાન પાસે આવીને કાનમાં કશોક ગણગણાટ કર્યો,
થોડીવારમાં અઘોરી જાગૃત થયો, અને વિજયને ખેંચી ને હવનકુંડ પાસે બલી ચડાવવા માટે લાવ્યો. વિજય ચીસાચીસ કરી મુકી, એણે પ્રશાંતને પોતાને બચાવવા માટે વિનંતી કરી, પરંતુ પ્રશાંત કશું બોલી શકે એમ નહોતો, એણે આંખોથી ઈશારો કર્યો, વિજય એનો ઈશારો સમજી ગયો હોય એવું લાગ્યું. એથી વિજય ચુપચાપ બેસીને અઘોરી બાબાનો આદેશ માનવાનો ડોળ કરવા લાગ્યો.
અઘોરી જેમ કરવાનું કહે એનાથી ઉલટું કરી રહ્યો હતો. અઘોરીબાબાને ખુબ ગુસ્સો આવ્યો, એણે પ્રશાંત તરફ આંગળી ચીંધીને કહ્યું, એ ડફોળ આ છોકરો જો કેટલો બધો હોશિયાર છે ઘડીકમાં એ મારો શિષ્ય બની ગયો. અને તું તનેતો ઠીક ઠીક બેસતાં પણ નથી આવડતું. પ્રશાંત બોલ્યો ગુરુદેવની આજ્ઞા હોય તો હું કાંઈ કહેવાની હિંમત કરું ? હા બોલ અઘોરીએ કહ્યું.
બાબા હું હાથમાં ખડગ લઈને ઊભો છું તમે કેવી રીતે માથું હવનકુંડમાં મુકવાનું છે એ શીખવાની કોશિષ કરો હું તમારી બાજુમાં ઊભો છું. ઠીક છે'અઘોરી બાબા પોતાનું માથું હવનકુંડમાં ટેકવીને દેખાડ્યું,એટલામાં પ્રશાંતે એકજ ઝાટકે અઘોરીનું માથું કાપી નાખ્યું.ખોપડી જાણે અઘોરી બાબાના ચંગૂલમાંથી છુટકારો મેળવીને નૃત્ય કરવા લાગી.
કંકુડોશી અચાનક હવામાં રાખનો ઢગલો થઈને ભમરી બનીને આકાશમાં ઉડી ગઈ.ચુડેલોની મહારાણી એની બહેનો સાથે આવીને અઘોરીનું ચપચપ લોહી પીવા લાગી. આખુંય વાતાવરણમાં ચિચિયારીઓ સંભાળવા લાગી. અઘોરીનુ માંસ ખાઈને ચુડેલો તૃપ્ત થઈ ગઈ. અને પ્રશાંતનો આભાર માન્યો,કેટલાય વર્ષોથી અઘોરીએ ચુડેલોને મંત્ર શક્તિથી એનાં કબ્જામાં લીધી હતી.
આજે ચુડેલોનો પણ છુટકારો થયો એથી ચુડેલોએ પ્રશાંત અને વિજયને આભાર માનીને કશુંક માગવાનું કહ્યું, પ્રશાંતે ચુડેલોને નજીકના ગામ સુધી મુકી જવાનું કહ્યું, ચુડેલોએ એક. દિવ્ય રથમાં બેસાડીને બેયને નજીકના ગામ સુધી પહોચાડી દીધાં. અને ચુડેલો આઝાદ થઈ અને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ.