વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દાદીમાની આંખનું રતન

દાદીમાની આંખનું રતન

 

"સર, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, પણ આજે મારે આપણી સ્કૂલની ટીમ તરફથી રમવું જ છે." નયન આજીજી કરી રહ્યો હતો.

 

"એલા નનુ, તું હતો ક્યાં એક અઠવાડિયાથી?" પ્રેમજી સર એને ઠપકાર આપતા પૂછી રહ્યા હતા.

 

"સર, મારે આજે આ મેચમાં રમવું જ છે." નયન, પ્રેમજી સરના દરેકે દરેક વિવિધ સવાલનો આ એક જ જવાબ આપતો હતો.

 

"તને ખબર છે આજે આપણી આંતરસ્કૂલ કબડ્ડી ૨૦૨૨-૨૩ સ્પર્ધાની ફાઇનલ મેચ છે? તું હજી સુધી તો એક પણ મેચ રમ્યો નથી અને ઉપરથી છેલ્લા ચાર દિવસથી કોઈ પણ જાતની જાણ બહાર તું ગાયબ જ છે. સેમી ફાઇનલ અને ફાઇનલની પ્રેકટીસ વખતે ક્યાં હતો?"

 

"સર, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મેચ પછી બધું જ કહીશ, પણ હમણાં તમે મને પ્લેયિંગ સેવનમાં રાખો." નાનકડો નયન જીદે ચઢ્યો હતો. એ જીદ પાછળ સંતાયેલ ગુપ્ત મક્કમતા પ્રેમજી સરને સ્પર્શી રહી હતી.

 

વાત એમ હતી કે આંતર શાળાકીય કબડ્ડીની સ્પર્ધા દર વર્ષના પ્રથમ બે મહિના દરમ્યાન એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીના સમયગાળામાં જિલ્લા સ્તરે રમાતી. એમાં ઘણી બધી શાળાઓ સાથે જ્ઞાન સરિતા વિદ્યાલય, જામનગર પણ હંમેશા એક સ્પર્ધક તરીકે ભાગ લેતી રહેતી. તેઓ હજી સુધી એક વખત પણ આ આંતરસ્કૂલ કબડ્ડી સ્પર્ધા જીત્યા નહોતા. પણ આ વર્ષે એમની પાસે આ આંતરસ્કૂલ કબડ્ડી ૨૦૨૨-૨૩ સ્પર્ધા સાથે સાથે આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવાની સુવર્ણ તક હતી. તેઑ આ આંતરસ્કૂલ કબડ્ડી ૨૦૨૨-૨૩ સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન બનાવી ચૂક્યા હતા.

 

નયન નક્ષત્રી, આ જ્ઞાન સરિતા વિદ્યાલય, જામનગર ટીમનો એક ખેલાડી સદસ્ય તો હતો પણ પ્રેમજી સર, એમના કોચના, હિસાબે એ શારીરિક રીતે બીજા રમતવીરો કરતાં નબળો હતો. એ કારણે એ ટીમમાં હોવા છતાં એને અતિરિક્ત ખેલાડી તરીકે આરક્ષિત રાખી એક પણ મેચમાં રમાડતા નહીં. જોકે નયન આજ્ઞાંકિત ખેલાડી તરીકે ખેલદિલીપૂર્વક મેદાન બહાર બેસીને એની ટીમને પ્રોત્સાહિત કરતો પણ કોચ સાહેબ પાસે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતો નહીં. એટલે પ્રેમજી સરને હ્રદયના એક ખૂણે એના માટે પ્રેમ ભાવ હતો.

 

તો બીજી તરફ, નયનની રમત વગર પણ એમની ટીમ ફાઇનલમાં આવી ગઈ હતી એટલે હવે એને ફાઇનલમાં રમાડવાનો સવાલ જ ઉપસ્થિત થયો હતો જ નહીં. પણ હંમેશા શાંત રહેતો નયન આજે રમવાની જીદે ચડ્યો હતો અને પ્રેમજી સર એનાથી પીછો છોડાવી રહ્યા હતા.

 

પ્રેમજી સરને વર્ષોનો અનુભવ હતો બાળકોને સમજાવવાનો, એટલે એ શાંતિથી સાંભળી રહ્યા હતા નયનની દલીલોને. એમણે નયન જેવા શાંત વિદ્યાર્થીને જીદ કરતાં પહેલી વાર જોયો હતો. છેવટે એમણે એને એક નાનકડી આશા બતાવી કીધું, “ઠીક છે. તું તૈયાર રહેજે, આપણે મેચ દરમ્યાન જોશું.”

 

"ના સર, આજે મારે કોઈ પણ હિસાબે આ ફાઇનલ પૂરેપૂરી જ રમવી છે." એ ટસનો મસ થવા તૈયાર નહોતો.

 

પ્રેમજી સરના ધીરજનો અંત નજીક હતો. એ નયન પર ગુસ્સે થવાની અણી પર હતા અને ત્યારે જ એમના મોબાઈલ ફોનની રિંગ વાગી. એ ફોન ભદ્રેશના પપ્પાને હતો એટલે પ્રેમજી સરે એ કોલ રિસીવ કર્યો.

 

એમની ટીમનો કેપ્ટન અને ઓલ રાઉન્ડર ખેલાડી ભદ્રેશ પટેલ બીમાર પડી ગયો હતો. ભારે તાવને કારણે એ આજે આવી કે રમી શકે એમ નહોતો.

 

હવે એક રિઝર્વ પ્લેયરને રમનાર સાતમાં લેવો પડે એમ જ હતું. ત્યાં ચિંતિત પ્રેમજી સરના કાનમાં એક અવાજ ફરી આવ્યો "સર, આજે મારે આ ફાઇનલ રમવી જ છે." 

 

પ્રેમજી સરે પહેલી વખત નયનની આંખોમાં આંખ માંડીને જોયુ. એમને આજના આ નયનના નયનમાં એક જબરજસ્ત આત્મવિશ્વાસ દેખાયો.

 

એમણે એક હિંમતવાન નિશ્ચય કર્યો કે આજે દાવ ખેલી લેવા દે, "એલા નનુ, તને આજે એક ચાન્સ આપુ છું પણ આપણું અને આપણી જ્ઞાન સરીતા વિદ્યાલય, જામનગરનું નામ ડૂબાડતો નહિ." પ્રેમજી સર બોલી રહ્યા હતા પણ ત્યાં સાંભળવા ઉભું કોઈ નહોતુ. હરખપદૂડો નયન તો માત્ર ચાન્સ શબ્દ સાંભળીને ભાગ્યો. એ દોડીને પોતાની બેગ લઇ આવ્યો, "સર, હું તૈયાર છું."

 

અને જેવો ફાઇનલની રમતનો ખેલ આરંભ થયો. નયન છવાઈ ગયો શરૂઆતથી અંત સુધી, આખી ફાઇનલમાં. એણે હરીફ ટીમ પર હુમલા કર્યા અને પોઇન્ટ મેળવતો ગયો. ભદ્રેશની ગેરહાજરીથી વધુ નબળી જણાતી ટીમમાં એ શક્તિનો વહેતો વાયરો બની ફૂંકાયો.

 

એકંદરે સૌથી નબળો દેખાતો ખેલાડી સૌથી ચપળ સાબિત થયો. જેને પ્રેમજી સર પાણો સમજતા હતા એ હીરો સાબિત થયો, હીરો.

 

એણે ભદ્રેશથી ચડિયાતો દેખાવ કરી, ઉત્કૃષ્ટ રમત રમી અને પોતાની સ્કૂલને ફાઇનલમાં ચેમ્પિયન ટ્રોફી અપાવી જ દીધી.

 

નયનની સ્ફૂર્તિ, ચપળતા, તાજગી અને રમત રમવાની કળા જોઈ પ્રેમજી સર સમેત બધાં જ અવાક થઈ ગયાં. ભદ્રેશ પટેલ વગર પણ તેઓ આ મેચ ફક્ત નયનની રમત, ઉત્સાહ અને તાજગીને લીધે જીતી શક્યા હતા.

 

રમત પત્યા પછી પ્રેમજી સરે પોતાનુ કુતુહલ છપાવવાને બદલે એની પીઠ થાબડી અને સીધેસીધું પૂછયું, "ખૂબ ખૂબ અભિનંદન બેટા, પણ.હવે બહુ થયુ, ચાલ મારા બધા સવાલના બાકી છે એ જવાબ આપ." અને એ સાથે આખી ટીમના, જ્ઞાન સરીતા વિદ્યાલય, જામનગરની સમગ્ર ટ્રસ્ટીગણ તથા કારોબારી સમિતિ સભ્યો, શિક્ષકો સમેત હાજર બધાંના કાન સરવા થઈ ગયાં.

 

હવે બોલવાનો વારો નયનનો હતો, "સર, મારા દાદીમાને મારા માટે અઢળક પ્રેમ છે. તો સામે મને પણ એમના માટે અનંત પ્રેમ છે. હું કબડ્ડી રમું એમ અમારા આખા ઘરમાંથી કોઈ ઇચ્છતું નહોતું. મારી મમ્મી તો મને ઘસીને ના જ પડતી હતી કે એક તો સાવ નબળો છે અને પાછો હાડકા ભાંગીને આવીશ તો જિંદગી ભરની ખોડ રહી જશે. એ સમયે મારી પાસે મારા દાદીમાને મનાવવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. પહેલાં તો એમણે પણ મારા ઇરાદાઓનું ચોખ્ખું ચપાટ કરી મૂક્યું. એમણે મને કેરમ રમવાની સલાહ આપી.

 

પણ મેં જીદ પકડી રાખી. મેં દાદીમા પાસે ખુબ જીદ કરી એટલે એમણે અંતે હા પાડી. અને મારી દાદીમાની હા સામે મારા પપ્પા કે મમ્મી, કોઈ કાંઈ બોલી શકે એમ નહોતા. આમ મારી દાદીમાના સપોર્ટથી મને કબડ્ડી રમવા મોકો મળ્યો. પણ ટીમમાં આવ્યા બાદ પણ તમે મને એક પણ ગેમ રમાડી નહિ.

 

આ બાજુ મારા દાદીમાની બંને આંખમાં મોતિયો પાકી ગયો હતો એટલે એમને બરાબર દેખાતું નહોતું. હું એમને દર ગેમ વખતે સાથે લાવતો અને ગેમ ચાલુ થાય એટલે એમની પાસેથી દૂર જતો રહેતો અને એમને કહેતો હું મારી સ્કૂલ જ્ઞાન સરીતા વિદ્યાલય, જામનગરની ટીમમાં રમું છું. મોતિયાને લીધે એમને તો બધા જ છોકરા સરખા દેખાતાં હશે એટલે એ મારો વિશ્વાસ કરતાં. હું એમની સામે મારી જાતને હીરો બનાવી દર મેચ વખતે ખોટી વાર્તા સંભાળવતો રહેતો કે દરેક મેચમાં જીતનો હીરો હું જ હતો." એક શ્વાસે બોલી રહ્યો હતો નયન અને બધાં જ સાંભળી રહ્યાં હતાં. 

 

"હમણાં હું ચાર દિવસ માટે આવ્યો નહોતો કેમ કે અમે મારી દાદીમાનું રાજકોટ મોતિયાનું ઓપરેશન કરાવવા ગયાં હતાં. સફળ ઓપરેશન બાદ હવે એમને બધું જ બરાબર દેખાય છે એટલે એ આજે જીદ કરીને મને ફાઇનલ રમતો જોવા આવ્યા છે અને એટલે એમનું મન રાખવા જ હું તમને વારે વારે વિંનતી કરતો હતો કે સર, મારે આજે રમવું જ છે.

 

આજે હું જે ગેમ રમ્યો એમાં મારે મારાં જુઠ્ઠાણાંને સાચું સાબિત કરવાનું હતું કે હું બધી જ ગેમ રમ્યો હતો અને મારે લીધે જ આપણી સ્કૂલ ચેમ્પિયન બની છે. મારી આજની આ રમત ફક્ત મારા દાદીમાની આંખો માટે હતી. આજે મારે વાર્તામાં નહીં પણ મેદાન પર જીતવાનું હતું."

 

સૌ ચૂપ થઇ ગયાં. કોઈ કાંઈ બોલ્યું નહિ અને ત્યાં જ પાછળથી એક કંપારી ભર્યો અવાજ આવ્યો, "નયન, ક્યાં છે મારી આંખનું રતન?" અને એક સાથે અનેક અવાજ આવ્યાં, "આ રહ્યો."

 

(સમાપ્ત.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ