એક તરફા પ્રેમ
લગ્ન ને વર્ષો વિતી ગયા હતા , આજે પણ પ્રિયા માટે પ્રેમ ની અનુભૂતિ તરોતાજા જ હતી..જેવી વર્ષો પહેલા હતી..
પ્રથમ પ્રેમ કહો કે છેલ્લો કહો પ્રિયા માટે તેનો માત્ર સ્મિત જ તેનું સર્વસ્વ હતો...
એક હળવા સ્મિત સાથે પ્રિયા કેમેરામાં કિલક કરેલ ફોટોઝ જોતી જોતી સ્મિત ના આકૃતિ પર આંગળી ના ટેરવાંનો સ્પર્શ કરી મનોમન હરખાતી હતી..
એક સમયે લીધેલે ફોટા ની અંદર પોતાનું પ્રતિબિંબ નિહાળી પ્રિયાની આંખો સમક્ષ ભુતકાળ તરી રહ્યો હતો..
સ્મિત, પ્રિયા આમ તો બન્ને વિપરિત પ્રકૃતિ ધરાવતાં હતા..
એક ને બોલ બોલ કરવા જોઈએ ,તો બીજું મૌન રહી સાંભળ્યા કરે..એક ને હરવા ફરવા નો શોખ તો બીજાને ખાવાનો શોખ...
કેમ કરીનેય આ જોડી જામે એમ નહોતી , પણ ખબર નહી વિધી ના વિધાન ને કોણ પારખી શક્યુ છે ?
કે , આપણે આ વિષયે વિચારી શકવાના ?
ખેર આ તો ફીલોસોફી ની વાત કહેવાય ..
બહુ વિચારવા બેસીએ તો મગજ વિચારોના ચગડોળે ચઢે..
આ સૃષ્ટિ પર પ્રેમ કાંઈ આજકાલ નો નથી ચાલ્યો આવતો..
પ્રેમ તો પરમાત્મા નું બીજું રુપ છે..જો પ્રેમ જ ન હોત તો આ પૃથ્વી પરનું સામ્રાજય કેવું હોત ? કલ્પના કરવી અશક્ય છે..
કૃષ્ણ અવતાર તો આખેઆખો પ્રેમ માટે , એક દ્રષ્ટાંત રુપે આપણી સામે જ છે..
પ્રેમ એટલે
"વહેતો લાગણીઓ નો ધોધમાર વરસતો વરસાદ "
"પ્રેમ માં કોઈ હિસાબ સરભર કે બરાબર કરવાની હોળ ન હોય.
બસ બન્ને તરફથી અવિરત વહેતી એક એવી ધારા જેમાં જેટલાં પલળો એટલી ઓર મઝા પડે.."
સ્મિત અને પ્રિયા ના પ્રણય ની પ્રથમ યાત્રા ધાબા પરથી શરું થઈ હતી..
સામે સામે નજરો થી નજર ના પેચ એવા તે લડાયા હતા અને પછી એકમેક ની આંખો ચાર થઈ હતી..
આ પ્રથમ નજર નો પ્રેમ હતો , સ્મિત એનાં ખાસ મિત્રને ત્યાં પતંગ ચગાવવા પહેલીવાર એના ધાબે આવ્યો હતો..
એજ અરસામાં એ ફ્લેટમાં રહેતી પ્રિયા ની નજર સ્મિત સાથે ટકરાઇ હતી ને પછી પતંગ ઓછી ને નજરનો પેચ થોડી થોડી વારે લડાયા કરતો હતો...
પ્રિયા અને સ્મિત ની પ્રથમ મુલાકાત પછી સ્મિત ની આવવું જવું વધી ગયુ હતુ ..સ્વભાવિક જ છે કે થોડાં આંટાફેરા, વધી જાય એટલે કોઈને પણ શક ગયા વગર રહે તો નહી જ..
સ્મિત ના મિત્ર ને આની જાણ તો આછી હતી જ પણ હવે એની ખાતરી થઈ ચૂકી હતી કે એનો ખાસ મિત્ર એને મળવાં નહી બલ્કે એનાં ફલેટમાં રહેતી પ્રિયા ને જોવા માટે અવારનવાર બહાનું કાઢી અહીં આવતો રહે છે...
પછી તો આ મુલાકાતનો દોર ટેરેસ પર થતો , ધીમે ધીમે એકબીજા ની નજીક આવતા ગયા ....સાથે હરવા ફરવાનું ને એ જ રોમિયો ટાઈપ આખો દિ વોટસએપ પર વાતો..એકાદ વર્ષ આ ચક્કર ચાલ્યુ હશે પછી જેવી સ્મિત ના ઘરે ખબર પડી કે એને એનાં મામાને ત્યાં મોકલી દેવાની વાત ચાલી...
બીજી તરફ પ્રિયા પણ કંઈક આવી જ મૂંઝવણ માંથી પસાર થઈ રહી હતી...પ્રિયા ની ઉંમર લગ્ન યોગ્ય થઈ ચૂકી હતી એટલે એને જલદી થી પરણાવી દેવાની ઉતાવળ ચાલી હતી..
આખરે બન્ને એ લાગ જોઈ ,ઘરે જણાવ્યા વિનાં જ ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યુ કેમ કે લગ્ન માટે પ્રિયા તો યોગ્ય
ઉંમર ધરાવતી જ હતી , પણ...સ્મિત એનાં કરતા ઉંમર મા પાંચ વર્ષ નાનો હતો...
બન્ને ભાગીને પરણી તો ગયા પણ જે હતી એ મગજમારી તો હવે શરું થવા જવાની હતી ..કામ ધંધો કાંઈ હતો નહી ને અજાણ્યા શહેરમાં રહેવું તો ભારે પડે તેમ હતું ...
શરું શરું મા પ્રિયા એ ઘરની સાથે કમાવવાનું ચાલું કરી દીધું હતું..
સ્મિતને આ બધું પસંદ નહોતું પડી રહ્યુ...સ્મિત કામધંધો શોધી જ રહ્યો હતો પણ એનાં પહેલા પ્રિયા ને સારી નોકરી મળી ગઈ એટલે સ્મિતે આનાકાની વગર હા તો પાડી દીધી..
ખરી ઝંઝટ તો પછી ચાલી...ઝગડા શરું થયા , નાની નાની વાતોમાં સ્મિત પ્રિયા પર ગુસ્સે થતો , કોઈ સાથે પ્રિયા ને વાત કરતા જુએ તો એના પર શકની નજરથી જોતો...
પ્રિયા માટે જે કાંઈ હતો એ સ્મિત જ હતો, કેમ કે પ્રિયા નો પ્રેમ સ્મિત માટે અનહદ હતો..એ સ્મિત ને સમજાવી નહોતી શકતી બસ...
પ્રિયા ઉંમર મા મોટી હતી એટલે એ મન મોટું રાખી ચલાવી લેતી પણ સ્મિત તો એની મનમાની કર્યા જ કરતો...
સ્મિત જેવો કમાવવા લાગ્યો કે તુરંત એને પ્રિયા ને ઘરે બેસાડી દીધી હતી..પ્રિયા એ જે સપનાં જોયાં હતા એ સ્વપ્ન પર સ્મિતે પાણી ફેરવી બેઠો હતો..
સ્મિત લગ્ન પહેલાં, તો પ્રિયા માટે અવનવા ગિફટસ લાવી ને સરપ્રાઈઝ આપી ચોકવી દેતો...
લગ્ન ના વર્ષો વિતી ચૂક્યા હતા, હવે તો સ્મિત સમજદાર થઈ ચૂકયો હતો એની જવાબદારી , પ્રિયા ને સમજી શકતો હતો..
આજે એને એવાં જ કાંઈ સરપ્રાઈઝ ની આશા હતી ...ને અચાનક ડોરબેલ વાગે છે..પ્રિયા મોબાઈલ ને સાઈડ પર ઘા કરી દરવાજે દોટ મૂકે છે...
પણ આ શું સ્મિત ની જગ્યા પર , સ્મિત નો ખાસ મિત્ર ફરી વેલેન્ટાઈન ડે ના દિને દરવાજે મ્હો નીચું કરી ઉભો હતો..
ઘણાં સવાલો એ ચુપકીદી મા પ્રિયા જોઈ શકતી હતી , વાંચી શકતી હતી...
ફરી આજે એ નિરાશ હતી , કેમ કે સ્મિત આ વખતે પણ આવવાનું વચન આપી ભૂલી ગયો હતો..
એનાં મિત્ર થકી એ એટલો જ મેસેજ મોકલી રહ્યો હતો કે ફરી ક્યારેક પ્રિયા તને મળવા આવીશ...સ્મિત એની બીજી પત્ની સાથે ખુશ હતો , પ્રિયા પણ સ્મિત માટે ખુશ જ હતી ...
પણ આજે વેલેન્ટાઈન ડે હતો ,અને જે પ્રોમિસ સ્મિતે પ્રિયા ને આપ્યુ હતુ , વેલેન્ટાઈન ડે ના દિવસે મળવાનું એ મુકરર કરી ગયો હતો , એ ભૂલી ચૂકયો હતો....
ફરી વેલેન્ટાઈન ડે પ્રિયા નો આમ જ નિરાશામાં ફેરવાય ચૂકયો હતો..
પ્રિયા ને ખાતરી હતી જ કે સ્મિત ક્યારેય પાછો નહી ફરે,છતાં પણ સ્મિત ની એક ખુશી માટે એને અલગ રહેવા જવા માટે એને જાતે જ પોતાનાં હૃદય પર પત્થર રાખી સ્મિત ના નિર્ણય ને સર આંખો પર રાખી વધાવ્યો હતો...કેમ કે પ્રિયા નો પ્રથમ અને અંતિમ પ્રેમ સ્મિત જ હતો અને રહેશે...
પણ સ્મિત માટે એનો પ્રેમ પ્રથમ હોવાં છતાં પણ બીજો પ્રેમ બની ને પ્રિયા રહી ગઈ હતી...
✍
