વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોટા ઘરની વહુ

          હોસ્પીટલ માં કેસ કઢાવ્યા પછી રીસેપ્શનીસ્ટે   બાજુ પર બેસવા કહ્યું. એક જ જગ્યા ખાલી હતી એટલે સાકેતે મને ટેકો આપી બેસવા કહ્યું અને ખુણામા જગ્યા જોઇ ત્યાં ઉભા રહ્યા. પછી કંઈક યાદ આવતાં બહાર ગયાં ને પાછાં આવ્યા. હાથમાં પાણીની બોટલ અને બિસ્કીટ હતાં. મને કહ્યું," ડોક્ટર ને આવવાની ઘણી વાર છે તું નાસ્તો-પાણી કરી લે. તને ભુખ લાગી હશે ને! પછી ડોક્ટર દવા આપશે એ પણ લેવાની છે". મને જાહેરમાં  થોડી શરમ આવી ગઈ. 
   
           મારી જમણી બાજુ એક ભાઈ અને ડાબી બાજુએ બહેન બેઠાં હતાં. ભાઈ શરીરે ખુબ જાડા, બેઠી દડીના ને ગરદન તો જાણે હતી જ નહીં. પેલા બહેન દેખાવે ખુબ સુંદર અને મળતાવડા સ્વભાવના લગાતા હતાં. એમને જોઇ મને લાગ્યું કે ક્યાક એમને જોયાં છે, પણ ખુબ મથામણ પછી પણ યાદ ન આવ્યું એટલે અને ભુખ પણ લાગી હોવાથી હું બિસ્કીટ ખાવામાં પડી. ત્યાં જ પેલાં બહેને મારી બાજુમાં બેઠેલા ભાઈને સંબોધતા કહ્યું, "રીતેશ... તમારે મોડુ થશે. મને પૈસા આપી તમે જતા રહો. હું ટ્રીટમેન્ટ કરાવી ઘરે આવી જઈશ." પણ પેલાં ભાઇએ સામે પણ જોયું નહીં. ફરી પેલા બહેને એ ભાઇને રીક્વેસ્ટ કરી. અચાનક પેલા ભાઇએ હોસ્પીટલના પ્રાંગણમાં જ સત્તાવાહી આવજે એ બહેનને કહ્યું, "ચુપચાપ બેસી રહે. નહીં તો બહાર કાઢી મુકીશ .."
    
         હું ડઘાઈ જ ગઈ. હોસ્પિટલ ના સ્ટાફ અને બીજાં દર્દીઓની નજર પણ અમારી બાજું ખેંચાઈ.  બન્ને પતિ પત્ની હતા. ને તોય વચ્ચેની ખુરશી ખાલી રાખી હતી. ને મારાં જેવી ત્રાહિત વ્યક્તિ વચ્ચે બેઠી હોવાં છતાં પત્ની સાથે આવો વ્યવહાર ! હું નીચું જોઈ ગઈ ને પગનાં અંગુઠા જોડે રમત કરવા લાગી. પેલી બહેને ફરી પેલા ભાઇને કંઈક અરજ અને દયાના મિશ્રીત ભાવથી કહ્યું, "મને એમ હતું કે ડૉકટર વહેલાં આવી જશે એટલે મેં તમારી સાથે આવવાની જીદ પકડી. સૉરી."
   
        પેલો ભાઈ કરડી આંખે બહેન સામે જોઇ બોલ્યો,  "હવે પછી મને ક્યાય સાથે આવવાનું કહેતી નહીં ને જે કામ હોય એ એકલી પતાવી દેજે. તારો બાપો નવરો નથી હોતો." પેલી બહેન અપમાનથી ઘવાઇ ગઈ ને શરમથી નીચું જોઇ ગઈ. આ બાજું ભાઇની આંખોના ડોળા લાલ થઈ ગયાં હતાં. એમનાં ચહેરાં પર ધસી આવેલ ખુન્નસ ને જોઇ મને લાગ્યું કદાચ આ ભાઈ હાથ ના ઉપાડી દે. મારી પરિસ્થતિને જોઇ સાકેતે બીજી ખુરશીમાં જગ્યા કરી ત્યાં બેસાડી દીધી. ત્યાં જ રીસેપ્શનિસ્ટે બુમ પાડી,"વૈભવી રીતેશભાઇ " 
 
        પેલી બહેન ખુરશીનો ટેકો લઇ ધીમેધીમે ઉભી થઈ. ને ડોક્ટરની રૂમમાં જવા લાગી. ટેકા વગર એ ચાલી પણ નહોતી શક્તી. આજુબાજુ ના બે ચાર દયાળુ માણસોએ  મદદ માટે હાથ લંબાવ્યો પણ ફીક્કા સ્મિત સાથે એણે ના પાડી. 
 
        મારું મગજ તોફાને ચડયું હતું. વૈભવી રીતેશભાઇ નામ ક્યાં સાંભળયુ છે ? અચાનક મારાં મગજમાં એક છબી આવીને ઊભી રહી ગઈ. અરે આ તો વિભુ ! મારી બાળપણની સહિયર ! વૈભવી ને અમે લાડમાં વિભુ કહેતાં. એનાં ને મારાં એક જ દિવસે લગ્ન થયાં હતાં ને પછી તો સંસારની જવાબદારી ને આંટીઘૂંટી માં એવાં અટવાયા કે હું તો ભૂલી જ ગઈ હતી કે મારે કોઇ બહેનપણી પણ હતી.
 
         વૈભવી ને અમે પાડોશી હતા. એ નાતે અમારાં બન્નેની માતા ખુબ જ સારાં મિત્રો બન્યા. એ વારસો અમારામાં પણ ઉતર્યો. મેં ને વિભુ એ કોલેજ સાથે પૂરી કરી ત્યારથી જ અમારાં લગ્ન ની વાતો ચાલું થઈ ગઈ હતી. રાત્રે જ્યારે અમે પરવારીને બેઠા હોય ત્યારે વિભુના માતા લગ્નની વાતો કાઢતાં કહેતાં, " મારી દિકરી તો ખૂબજ રુપાળી છે એટલે એને તો મોટાં ઘરમાં  જ પરણાવવાની છે. જ્યાં મારી દિકરી રાણીની જેમ રાજ કરશે રાજ. એનાં નામ પ્રમાણે સાસરું પણ વૈભવી જ હોવું જોઇએ. પણ ઈશા નો દેખાવ સાધારણ છે એટલે એનાં માટે મૂરતિયો શોધતાં તમને ધોળે દિવસે તારા દેખાઇ જવાનાં છે."
 
         એમની આવી વાતો સાંભળીને મને બહું ખોટું લાગતું. ત્યારપછી વિભુ માટે એક ઉચ્ચ ઘરનું માંગુ આવ્યું. છોકરો મલ્ટીનેશનલ કંપનીમાં મેનૅજર ના હોદ્દા પર હતો. ને એના પપ્પા ગવર્મેન્ટ ઓફીસર હતા. ને વિભુનું નક્કી થઈ ગયું. 

       થોડા દિવસ પછી સાકેત મને જોવાં આવ્યા. સાકેત પોતે ચાર્ટડ એકાઉન્ટ હતા ને એમાંના ઘરની પરિસ્થિતિ સાધારણ હતી. સાકેત સ્વભાવે મને પ્રેમાળ લાગ્યાં. મારા જેવી સાધારણ દેખાવની છોકરીને એમણે હા પાડી અને મારાં માતા પિતા આ સંબંધ માટે રાજી હતા એટલે મેં પણ હા પાડી દીધી હતી. પરંતુ વિભુ જેવું ધનવાન સાસરું મને ના મળ્યું એથી દુ:ખ ને ક્યાક ઇર્ષાનો ભાવ પણ મારામાં હતો. અમારા બન્નેના લગ્ન એક જ દિવસે એક જ મૂરતમા થયાં એટલે વિભુના પતિને મેં જોયો પણ નહોતો. ને સાસરે ગયાં પછી સાકેત અને એનાં કુટુંબમાં હું સરસ ગોઠવાઇ ગઈ. સાકેત અને એમનું કુટુંબ મારું ખુબ જ ધ્યાન રાખતા. મધ્યમ વર્ગીય પરિવાર હતું પણ મારાં સાસુ સસરા મારું એટલું ધ્યાન રાખતા કે હું મારી જાતને ભાગ્યવાન માનતી. જ્યારે હું પિયર જતી ત્યારે વિભુના સમાચાર પૂછતી. એનાં મા મને કહેતાં, "મારી વિભુ તો મોટાં ઘરની વહુ છે ને.. એને તારી જેમ વારે ઘડી પિયરમાં હાલ્યા આવવાનો સમય ના મળે". મારાં મગજમાં ઉભી થયેલી  ઠાઠમાઠ વાળી "મોટાં ઘરની વહુ " ની ઇમેજ જતી ન હતી. એ મોટાં ઘરની વહુ ના બની શક્યાનો કાંટો મારાં દિલમા રહી ગયો હતો. 
   
     આજે પાંચ વર્ષ પછી હું ને વિભુ અહીં ભેગા થયા હતા. સવારે બાથરૂમમાં મારો પગ લપસી જતાં તાબડતોબ સાકેત ઓફીસેથી ઘરે આવી ગ્યાં હતા ને મને અહીં લઈ આવ્યાં હતાં. ઘરેથી સાસુના વારેવારે ફૉન આવતાં હતાં કે, "ડોક્ટરે શું કીધું, નિતુને ક્યાક વધારે તકલીફ તો નથીને ! એને વધારે દુખે છે કે! હું રીક્શા લઈ આવી જાઉ! " ને સાકેત રખેને સાચુ ના કહે તો ! એટલે મારી સાથે વાત કર્યા પછી જ એ ઠંડા પડ્યા. ત્યાં જ વિભુ ડોક્ટરની કેબીનમાંથી બહાર આવી. મારાથી બુમ પડાઇ ગઈ. "વિભુ... હું ઈશા... " ને એવા જ ફીક્કા સ્મિત સાથે, દુ:ખ સાથે ને દિવાલના ટેકા સાથે વિભુ મારી બાજું આવી. એનો પતિ એનાં હાથમાં ફાઇલ પકડાવી ચાલ્યો ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયાં. જે વિભુની છબી મારી સ્મૃતિમાં હતી એ વિભુ આ હતી જ નહીં. ક્યાં એ નાજુક, નમણી, કાયમ ગુલાબના ફુલ જેવું સ્મિત કરતી વિભુ ને ક્યાં બેસી ગયેલી આંખો, ને ફીક્કા સ્મિત વાળી આજની વૈભવી રીતેશભાઇ...! વિભુ સાથે ઔપચારિક વાતો કરતાં કરતાં મારાં નામની બુમ પડી એટલે હું ને સાકેત ડોક્ટર જોડે ગયાં. મને હાથમાં જ થોડી ઇજા થઈ હોવાં છતાં જાણે મારો હાથ ને પગ ભાગી ગયો હોય એમ સાકેત કરતાં હતા. એક બાજું વિભુના પતિ આને મારા પતિની તુલના કરતાં મને ભાન થયું કે મોટા ઘરની વહુ કેમ બનાય! મારાં દિલમાંથી પેલો મોટાં ઘરની વહુ નો કાંટો નિકળી ગયો. ને આવો વિચાર માત્ર પણ મારાં દિલમા હતો એથી મને વધારે રડવું આવતું હતું ને સાકેત સમજતાં હતાં કે મને દુખે છે. ડોક્ટર સાથે મુલાકાત પછી અમે બહાર આવ્યા. હતાશ હૈયાં વાળી વિભુ બહાર જ બેઠી હતી. મારી વિભુ સાથેની મુલાકાત જોઇ વિભુ મારી ખાસ મિત્ર છે એમ માની મારી દવાઓની સાથે એનાં માટે પણ સાકેત પાણીની બોટલ લઈ આવ્યાં. પણ ત્યાં સુધીમાં તો વિભુ ટેકે ટેકે એની ગાડીમાં જઈ બેસી ગઈ હતી. બાજુમા એનો પતિ એ જ કરડી નજર સાથે બેઠો હતો. ડ્રાઇવરે ગાડી હાંકી મૂકી.  
     
      અમે પણ ટેક્સી માં ઘરે પહોંચ્યાં ત્યારે મમ્મીના હાથનો મારો ફેવરેટ હાંડવો બની રહ્યો હતો. એની સુગંધથી મારું રહ્યું સહ્યું દર્દ પણ જતું રહ્યું. ને સાકેતે ફ્રુટ ની પ્લેટ મારાં હાથમાં પકડાવતા પૂછ્યું, "પેલાં બહેનનો પરીચય શું હતો?
   મેં જવાબ વાળ્યો , "મોટા ઘરની વહુ " 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ